સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ હજી સુધી બે ફિલ્મો કરી છે, પરંતુ આ બંને ફિલ્મોમાં કોઈ ખાસ પ્રકારનું લોકો તેને યાદ રાખી શકે એવું પાત્ર ભજવી શકી નથી. આથિયા હજી પણ પોતાની ઓળખ શોધી રહી છે. તેની ત્રીજી ફિલ્મ મોતીચૂર ચકનાચૂર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં તે અલગ અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મના પોતાના પાત્રને તે ખૂબ જ ચેલેન્જીંગ માને છે. આથિયા જ્યારે પણ કોઇ પાત્ર ભજવે છે ત્યારે તે પાત્રમાંથી પોતે કંઈક નવું શીખી શકે છે. તે એક સ્ટાર કિડ્ઝ હોવાના કારણે તેને ઇન્ડસ્ટ્રીમા સરળતાથી કામ મળી રહ્યું છે. આથિયા શેટ્ટીએ સલમાનખાનના હોમ પ્રોડક્શનની ફિલ્મ હીરો થી ડેબ્યૂ કર્યું હતું પરંતુ આ ફિલ્મ ચાલી નહોતી. ત્યારબાદ તે મલ્ટીસ્ટારર ફિલ્મ મુબારકાંમા પણ જોવા મળી હતી. જેને સારો રિસ્પોન્સ મળ્યો નહોતો. તેની બંને ફિલ્મો બાદ હવે તે નવાજુદ્દીન સિદ્દીકીની સાથે મોતીચૂર ચકનાચૂરમાં જોવા મળવાની છે. જેમાં તે નવાઝુદ્દીનની સાથે અપોઝિટ રોલમાં છે. આ ફિલ્મથી તેને ઘણી આશા બંધાયેલી છે. આથિયા સાથે તેની આવનારી ફિલ્મને લઇને થયેલી વાતચીત.
- તમારી પહેલી ફિલ્મ હીરો બોક્સ ઓફિસ પર વધારે સમય ચાલી નહોતી. શું આ ફિલ્મ દ્વારા તમારી કરિયરને કોઇ અસર થઇ હતી.
હા, જો કરિયરની પહેલી ફિલ્મ સફળ ન થાય તો તમે એક ડગલુ પાછા પડી જાવ છો, પરંતુ તેનાથી કરિયર પૂરું થઈ જતું નથી. આવી ઘટના બને ત્યારે વિચારવા માટે નવી તક મળે છે અને પોતે કરેલી ભૂલોને દૂર કરવાનો કે સુધારવાનો સમય મળી રહે છે. હીરો ફિલ્મ આવ્યાના એક કે દોઢ વર્ષ પછી મને અનીસ બઝમીની ફિલ્મ મુબારકાં મળી તો હું તરત જ તૈયાર થઈ ગઈ. આ ફિલ્મ દ્વારા મને સારું એક્સપોઝર પણ મળ્યુ.
- ફિલ્મ હીરો પછી તમે પોતાનામાં સુધારાઓ કર્યા.
મને લાગે છે કે જ્યારે તમે ઈન્ડસ્ટ્રીમાં હો તો તમારે પોતાની જાતને સાબિત કરવી પડે છે. હજી સુધી હું મારા કોઈ કાર્ય દ્વારા પોતાની જાતને સાબિત કરી શકી નથી, પરંતુ તેના માટે મહેનત કરી રહી છું. દરેક શુક્રવારે એક કલાકારની કિસ્મત બદલાય છે. હું ફિલ્મ રીલિઝના એક દિવસ પહેલાથી એટલે કે ગુરુવારથી તેની વિશે વિચારવા લાગું છું. મેં ફિલ્મ અને મારા પાત્રને હંમેશા બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. બાકી બધુ દર્શકો પર છે.
- કહેવાય છે કે સ્ટાર કિડની ખૂબ સરળતાથી ફિલ્મો મળી જાય છે, પણ તમને ખૂબ સમય લાગ્યો તેનું શું કારણ.
સ્ટાર કિડ્ઝ હોય કે આઉટસાઈડર ઈન્ડસ્ટ્રીમાં ટેલેન્ટ વિના કોઈને પણ કામ મળતું નથી. જો સ્ટાર કિડને સરળતાથી ફિલ્મો મળી જતી હોત, તો મારી પાસે ફિલ્મોની લાઈન લાગેલી હોત. હા, સ્ટાર કિડ્સ હોવાથી એક ઓળખ જલ્દી ઊભી થઈ જાય છે. એક પ્લેટફોર્મ પણ મળી જાય છે, પરંતુ તે પ્લેટફોર્મની સાથે તમે શું કરશો તે ટેલેન્ટ પર ડીપેન્ડ કરે છે. મને લાગે છે કે આ બધું શીખવાની વાત છે. લોકો તો કહેતા રહેશે કે આના માટે દરેક વસ્તુ ખૂબ જ સરળ છે કારણ કે તે સુનિલ શેટ્ટીની દીકરી છે. હું માનું છું કે મને સુનિલ શેટ્ટીની દીકરી હોવાના કારણે ફિલ્મો મળે છે પરંતુ પડદા પર તો મારે જ મહેનત કરવી પડશે ને. મારા પપ્પાએ પણ મહેનત કરીને નામ બનાવ્યું છે મારે પણ એ જ કરવાનું છે.
- જ્યારે તમને મોતીચૂર ચકનાચૂરની ઓફર મળી તો પહેલું રિએક્શન શું હતું.
મેં બે વખત ના પાડી દીધી હતી કારણકે મને મારા પોતાના પર વિશ્વાસ નહોતો કે હું આ પ્રકારનું પાત્ર ભજવી શકીશ. મારુ દિલ ના પાડતું હતું પરંતુ દિમાગ કહેતું હતું કે મારે આ પ્રકારની ચેલેન્જ સ્વીકારી લેવી જોઈએ. ફિલ્મ માટે મારે પોતાને સાબિત કરવાની હતી કે હું આ પ્રકારનું પાત્ર કરી શકું છું. મારે કંઈક અલગ કરવું હતું. મેં વિચાર્યું કે ફિલ્મમાં બુંદેલખંડ ની ભાષા બોલવાની છે તો શું હું એ ભાષા ન બોલી શકું? હું નાના શહેરની છોકરી નું પાત્ર કેમ ન ભજવી શકું? અંતે મેં બંને હાથો વડે મોતીચૂર ચકનાચૂર ફિલ્મ લઈ લીધી. મારા માટે આ ફિલ્મ એક તક છે. મારા માટે બુંદેલખંડ ની ભાષા શીખવી મુશ્કેલ હતું પણ મજા આવી. ડાયલોગ રાઇટર ભુપેન્દ્રસિંહ અને ડિરેક્ટર દેબામિત્રા બિસ્વાલ સાથે વર્કશોપ કર્યા. મને લાગે છે કે જો તે લોકો ન હોત તો હું આ પાત્ર ભજવી ન શકી હોત. ફિલ્મ મોતીચૂર ચકનાચૂરમાં મારે વધારે મેકઅપ ની પણ જરૂર પડી નહોતી.
- મોતીચૂર ચકનાચૂર ના પાત્ર વિશે શું કહેશો.
આ ફિલ્મમાં મેં નટખટ તોફાની થોડી પાગલ અને પપ્પાની લાડકીડી હોય તેવી એક યુવતી એનીનું પાત્ર ભજવ્યું છે. જે ખૂબ જ મહત્વકાંક્ષી હોય છે. તેને મેગેઝીન વાંચવાનો શોખ છે અને મોટા શહેરોની યુવતીઓને જોવાનું, શોપિંગ કરવાનું અને સપનાંઓ જોવાની તેની આદત છે. તે ખૂબ સિમ્પલ છે પરંતુ ખૂબ ચાલાક હોવાનો દેખાવ કરે છે. પોતે ફેશનેબલ હોવાનો ઢોંગ કરે છે પરંતુ મનથી ખૂબ ભોળી છે. તેનું એક જ સપનું છે કે તે લગ્ન કરીને વિદેશ જાય. તેના કારણે તે ઘણા બધા છોકરાઓને લગ્ન માટે ના પાડતી રહે છે. તેવામાં તેની મુલાકાત પુષ્પેન્દ્ર ત્યાગી એટલે કે નવાજુદ્દીન સિદ્દીકી સાથે થાય છે. એની તેને ફસાવીને લગ્ન કરી લે છે કારણ કે તે વિદેશમાં કામ કરે છે પરંતુ એની નું સપનું તૂટી જાય છે. અને આવું શા માટે થાય છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. દર્શકો મારા પાત્ર સાથે લાગણીથી જોડાઇ જશે ફિલ્મનું શૂટિંગ ભોપાલમાં થયું છે.
- તમારી પહેલી ફિલ્મ અને આ ફિલ્મ બંનેમાં પ્રેમની વાત છે. પ્રેમ વિશે શું કહેશો
મેં જે ફિલ્મો કરી છે, તેમાં પ્રેમને ખૂબ જ વાસ્તવિક રીતે અને સાચો દેખાડવામાં આવ્યો છે. રેમને ઇનોસન્ટ દેખાડાયો છે. હું માનું છું કે પ્રેમ એક સાચી લાગણી છે. પ્રેમ વિના જીંદગી અધૂરી છે.
- કેવા પ્રકારની ફિલ્મો કરવી વધારે ગમે છે.
મારે એક ડાર્ક થ્રિલર ફિલ્મ કરવી છે.