હોલીડે ફિલ્મથી બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરનાર ફ્રેડી દારૂવાલા ગુજરાતી યુવક છે. બોલિવૂડમાં પોતાની પહેલી જ ફિલ્મ હોલી ડે માં અક્ષય કુમાર જેવા બોલિવૂડના કલાકાર સામે નેગેટીવ રોલમાં ફ્રેડીને જે તક મળી તેના કારણે તેની કરિયરને વધારે ફાયદો થયો છે. ફ્રેડી ભારતના ટોપના મોડલમાં ખૂબ જાણીતો મોડલ રહ્યો છે. સાથે જ તેણે પોતાની એક્ટીંગથી બોલિવૂડમાં એક નવી છાપ ઊભી કરી છે. હોલી ડે પછી તે ફોર્સ 2માં પણ રો એજન્ટની ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે ફ્રેડી કમાન્ડો 2માં પોલીસ ઓફીસરના પાત્રમાં જોવા મળશે. જે ફિલ્મના ગ્રે શેડ માટેનું મુખ્ય પાત્ર રહેશે. ફ્રેડી ગુજરાતી કલાકાર છે અને કોઇ ગુજરાતી કલાકાર જ્યારે બોલિવૂડમાં સફળતા તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે ખૂબ સારી ફિલીંગ થાય છે. ફ્રેડી સાથે જ્યારે ટેલિફોનિક ઇન્ટરવ્યૂહ કરવાની તક મળી તો એક ગુજરાતી હિરોનો ઇન્ટરવ્યૂહ કરવાનો ઉત્સાહ હતો. ખરેખર એક ગુજરાતી જ્યારે આજેપણ ગુજરાતને વળગીને રહ્યો છે, તેવું જાણવા મળે તો આનંદ થાય છે. બોલિવૂડના કલાકારો સાથે અંગ્રેજી કે હિન્દી ભાષામાં ઇન્ટરવ્યૂહ થતા હોય છે પણ ફ્રેડીને પહેલા જ વાક્યમાં મેં પૂછી લીધુ કે ઇન્ટરવ્યૂહ ગુજરાતીમાં આપશો ને ?.  તો ખૂબ જ ઉત્સાહથી ગુજરાતીમાં સંપૂર્ણ ઇન્ટરવ્યૂહ આપ્યો. જાણીયે ગુજરાતી બોલિવૂડ એક્ટર ફ્રેડી દારૂવાલા સાથેની વાતચિત પરથી તેના વિશે.

કેવી રીતે ગ્લેમર વર્લ્ડમાં એન્ટ્રી થઇ ?

મોડલિંગ કરવા માટે મુંબઇ ગયો હતો અને તે સમયે 2007માં મિસ્ટર વર્લ્ડ માટેની કોમ્પિટીશન થઇ રહી હતી. તે સમયે હું એમબીએના છેલ્લા વર્ષમાં હતો. તે સ્પર્ધામાં મે ભાગ લીધો અને હું ફર્સ્ટ રનર અપ બન્યો હતો. તે પછી મોડલિંગમાં હું સારી કંપનીઝ સાથે જોડાયો. લોકો નીવીયા ફેસ તરીકે લોકો મને ઓળખતા થયા. મોડલિંગની સાથે સાથે હું એક્ટિંગ માટે થિયેટરમાં જોડાયો. હું સુરતમાં પણ થિયેટર કરતો જ હતો અને મુંબઇમાં પણ થિયેટર કરવાના શરૂ કર્યા.

કેટલી સ્ટ્રગલ કરવી પડી. હોલીડે કેવી રીતે મળી.

સ્ટ્રગલ શબ્દમાં મને નેગેટીવ શબ્દ હોવાની ફિલિંગ આવે છે. તે મારો શરૂઆતનો સમય હતો. તેને હું મારી કામ માટેની શરૂઆત કહીશ. મુંબઇમાં માનસિક સ્ટ્રગલ વધારે હોય તેવું લાગે છે. હું છેલ્લા નવ વર્ષથી મુંબઇમાં છું અને ફિલ્મ મને મુંબઇ આવ્યાના સાત વર્ષ પછી મળી. પણ મારું મોડલિંગનું કામ ચાલું જ હતું, મોડલિંગમાં સ્ટ્રગલ કરવી નહોતી પડી તેમાં કામ ઘણુ કર્યું. મોડલિંગમાં ખૂબ મહેનત કરી. દેશમાં એક ટ્રેઇન્ડ મોડલ જે કાર્ય કરે તે દરેક મેં કર્યા. સાથે જ હું વર્કશોપ અને થિયેટર પણ કરતો રહ્યો. એક્ટિંગમાં કરિયર બનાવવા માટે કેટલીક જગ્યાએ ઓડિશન આપવાની ઘીમે ઘીમે શરૂઆત કરી હતી. મને ઘણી જગ્યાએથી ના પણ પાડવામાં આવી હતી. હું લોકોના સંપર્કમાં પણ રહેતો હતો. ઓડિશનમાં પણ લોકોને મળતો તેવામાં એકવાર વિપુલ શાહ સરને મળવાનું થયું. તે સમયે હોલિડેનું કાસ્ટિંગ ચાલી રહી હતું. તેમાં વિપુલ સરે મને બોલાવ્યો અને ઓડિશન લેવામાં આવ્યું. તે રીતે મને હોલીડે ફિલ્મ મળી. તે સમય વિપુલ સરે મારામાં ખૂબ વિશ્વાસ રાખ્યો હતો અને મારી પાસે ત્રણ ફિલ્મો સાઇન કરાવી હતી. કમાન્ડો 2 એ મારી તેમની સાથેની બીજી ફિલ્મ છે.

પહેલો જ બ્રેક અક્ષય સાથે નેગેટીવ લીડ તરીકે મળ્યો. કેવું લાગ્યું હતું ?

ખૂબ જ ઉત્સાહ હતો. જ્યારે ખૂબ લોકપ્રિય એક્ટર, ડીરેક્ટર અને પ્રોડ્યુસર સાથે કામ કરવાની તક મળે તો તમારા માટે તે ખૂબ જ મોટી બાબત બની જતી હોય છે. થોડી નર્વસનેસ પણ શરૂઆતમાં લાગી હતી. જ્યારે અક્ષય કુમાર સાથે ફાઇટીંગના સીન હતા ત્યારે ખાસ નર્વસ થઇ જવાતું હતું. તે ફાઇટમાં માસ્ટર છે. કોઇ મોટા સ્ટાર સાથે કામ કરીયે ત્યારે નર્વસ થઇ તે સારી બાબત છે.

અક્ષય પાસેથી શું શીખવા મળ્યું ?

અક્ષય સર ફાઇટીંગમાં માસ્ટર છે. કોમેડીમાં તેમના જેવો ટાઇમિંગ કોઇનો નથી. ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે. શૂટીંગ દરમિયાન તેમણે મને ફાઇટ સીન માટેના ઘણા લોક્સ અને અન્ય બાબતો શીખવી હતી. જેના કારણે સીન કરવામાં સરળતા રહે. એક્ટિંગની ટીપ્સ શેર કરતા, તેમનું અન્ય બાબતોનું નોલેજ પણ શેર કરતા હતા. તે પોતે ખૂબ ડિસીપ્લીનમાં માનનારી વ્યક્તિ છે. ટાઇમ પર આવવાનું જવાનું વગેરે તેમની પાસેથી શીખવા મળ્યું. જ્યારે મારા જેવા કોઇ કલાકારની કરિયરની શરૂઆત હોય તો આવા અનુભવી કલાકારોની સાથે રહેવાથી તેમની ઘણી બાબતોની અસર થતી હોય છે.

કમાન્ડો 2માં પણ વિદ્યુત જામવાલની સામે ફરીથી લીડ નેગેટીવ રોલમાં છો. તેની સાથેના અનુભવો જણાવ.

હું અને વિદ્યુત ઘણા સમયથી સારા મિત્રો છીએ. અમે મોડલિંગ પણ સાથે કર્યું છે. તે પણ ફાઇટમાં માસ્ટર છે. જે રીતે એક્ટીંગમાં લોકોની સ્ટાઇલ અલગ હોય તેમ ફાઇટીંગમાં પણ લોકોની સ્ટાઇલ અલગ હોય છે. વિદ્યુત પણ અલગ પ્રકારની ફાઇટ કરે છે. તે સારે ફ્રેન્ડ છે. તેથી શૂટ પછી સાથે ફરવા જવાનું , જમવાનું રહેતું. તેથી વિદ્યુત સાથે ઘણુ સરળ અને એન્જોયેબલ રહ્યું.

કમાન્ડો 2માં તારા પાત્ર વિશે જણાવ.

કમાન્ડો 2માં મારું પાત્ર એસીપી બખ્તાવર ખાનનું છે. તે પાત્ર વિલનનું છે કે પોઝીટીવ રોલ છે, તે હું જાહેર કરી શકીશ નહીં કારણકે ફિલ્મમાં જે ટ્વીસ્ટ અને ટર્ન આવશે તે છેલ્લે સુધી લોકોને ખબર પડશે નહીં.

નેગેટીવ રોલમાં જ લીડ રોલ મળી રહ્યા છે. તો પહેલીવાર જ્યારે ઓફર મળી તો ઇમેજ બંધાઇ જશે તેવો ડર નહોતો લાગ્યો.

ના, મને ડર લાગ્યો નહોતો. પાત્ર હંમેશા કાગળ પર લખાયેલું હોય છે. તે ફક્ત ભજવવાનું હોય છે. તમને જો કોઇ સારી ફિલ્મમાં ચાન્સ મળતો હોય તો તમે ક્યારેય જતો ન કરો. તેવું જ મેં પણ મને જે તક મળી તે ઝડપી લીધી.

નેગેટીવ રોલમાં કોમ્પિટીશન હોય તેવું લાગે છે ?

હવે વિલનો પહેલા જેવા જોવા મળતા નથી કે તેમનો કોઇ બેન્ચમાર્ક હોય. તેમના કોઇ ફિક્સ કોસ્ચ્યુમ હોય. હા, તેમાં પણ થોડી કોમ્પિટીશન હોય છે. જેટલી વધારે કોમ્પિટીશન હોય તેટલા ચેલેન્જીસ પણ વધારે રહેતા હોય છે. હવે ન્યુકમર જે એક્ટર હોય છે, તે પોતાનો રોલ નેગેટીવ છે કે પોઝીટીવ તે જોતા નથી. રોલ કેટલો ઇફેક્ટીવ હોય છે, તેના પર હવે દરેક કલાકાર વધારે ધ્યાન આપે છે. મેં ભલે હોલી ડેમાં નેગેટીવ રોલ કર્યો હોય પણ લોકોએ મારા કામને પસંદ કર્યું છે તેનો મને અનુભવ થયો છે. કામનું મને રીઝલ્ડ ઘણુ પોઝીટીવ મળ્યું છે, તેથી તમે પોઝીટીવ રોલ કરો કે નેગેટીવ તે મહત્વનું નથી.

હવે પછીના કોઇ નવા પ્રોજેકટ વિશે જણાવ.

આ ફિલ્મ પછી હું એક ઉમ્મીદ નામની ફિલ્મ કરી રહ્યો છું. તે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં રાઉન્ડ કરવાની શરૂઆત કરી ચૂકી છે. તે ઉપરાંત એક ગુજરાતી ફિલ્મ પણ કરી રહ્યો છું, જેના વિશે હું હાલમાં કઇ કહી શકું તેમ નથી. હાલમાં કમાન્ડો 2ના પ્રમોશનમાં બીઝી છું.

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment