બોલિવૂડની લોકપ્રિય અને જાણીતી કલાકારા પદ્મીની કોલ્હાપૂરી પોતે જ કહે છે કે તે સ્વ. રાજ કપૂરની શોધ છે. તેમને ફિલ્મોમાં સર્વપ્રથમ તક તેમણે જ આપી હતી. પદ્મીની રાજકપૂરને કેવી રીતે મળી અને તેમની સાથે કઇ રીતે કાર્ય કર્યું તેની વિશે વાત કરતા કહે છે કે, ‘સ્વ. રાજ કપૂર ‘સત્યમ શિવમ્ સુંદરમ્’ નામની ફિલ્મ બનાવતા હતા તેમાં તેઓ બેબી ચાઈલ્ડ આર્ટિસ્ટની શોધમાં હતા. રાજ કપૂર તે સમયે એક કલાકાર તરીકે ખૂબ લોકપ્રિય હતા અને ડિરેક્ટર – ફિલ્મમેકર તરીકે પણ તેમની ફિલ્મો હિટ રહેતી હતી. રાજ સાહેબ સાથે કામ કરવું તે સમયે ખૂબ જ મોટી વાત ગણાતી હતી. એ દિવસોમાં કામ મેળવવા માટે તમારે જાતે નિર્માતા પાસે જવું પડતું, ત્યાં જઈને તમારે તમારી ટેલેન્ટનો પરિચય તેઓને આપવો પડતો. હું અને મારી મમ્મી ચેમ્બુર ખાતે આવેલા આર.કે. સ્ટુડિયોમાં પહોંચી ગયાં. તે સમયના એક્ટર કનૈયાલાલજીએ મારી માતાને જણાવ્યું હતું કે, રાજ કપૂર એક ફિલ્મ માટે નાની છોકરીની શોધમાં છે. ઘણાં બધા વડીલો પોતાની પુત્રીઓ લઈને આવતી કાલે આર.કે. પહોંચવાના છે. જો તમારા નસીબ સારા હશે તો તમારી છોકરીના ભાગ્ય ખૂલી જશે. એ વખતે મારી ઉંમર 10 વર્ષની હતી. મને પહેલેથી જ અભિનય અને ગાયનમાં રસ હતો. મેં કેટલીય વાર લત્તાદીદી પાસે ગીતો ગાયા છે.’

બીજે દિવસે સવારે સમયસર અમે આર.કે. પહોંચી તો ગયા. કનૈયાલાલદાદાની વાત સાચી હતી. અહીં કેટલાય વાલીઓ પોતાની દીકરીઓ લઈને સવાર-સવારમાં પહોંચી ગયા હતા. જ્યારે મારો વારો આવ્યો ત્યારે મને રાજજીએ એકતારો (તંબુરો) હાથમાં પકડાવીને કહ્યું : બેટા, તને જે ભજન-ગીત-લાવણી જે કાંઈ આવડે તે નૃત્ય કરતી-કરતી ગાઇને બતાવ. તને જે રીતે ઇચ્છા થાય તેમ કરજે. (અહીં તમને એક વાત કહી દઉં કે એ દિવસોમાં હું ભારતનાટ્યમ શીખતી હતી.) રાજ સાહેબના કહેવા પ્રમાણે મેં નૃત્ય કરતાં-કરતાં એક મીરાંબાઈનું ભજન ગાઈ નાખ્યુ. રાજ સાહેબ મારું નૃત્યગીત જોઈને ખુશ થયા. સાથે-સાથે ઉપસ્થિત લોકોએ મને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.

રાજ સાહેબને મારું કામ ગમ્યુ હતુ અને લોકો પણ મને જોઇને ખુશ થઇ ગયા હતા, તે મને વાતાવરણ પરથી ખબર પડી ગઇ. તમને યાદ હશે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ ફિલ્મમાં મે ઝીન્નત અમાનના બાળપણની ભૂમિકા કરી હતી. આ જ અરસામાં બી.આર. ચોપરા ‘ઈન્સાફ કા તરાજુ’ નામની એક અનોખી ફિલ્મ બનાવતા હતા. આ ફિલ્મ માટે તેઓ મને સાઈન કરવા આવ્યા ત્યારે રાજજી સાથે મારો કોન્ટ્રાક્ટનો સમય પૂરો થયો નહોતો. પરંતુ ‘સત્યમ…’ જેવી પૂરી થઈ કે તરત જ રાજ સાહેબે મને કહી દીધું કે બેટી, તારા કામથી હું ખૂબ ખુશ થયો છું. હું જ્યારે પણ કોઈ ફિલ્મનો પ્રોજેક્ટ હાથમાં લઈશ ત્યારે તને જરૂર યાદ કરીશ.’

‘સત્યમ્…’ માં પણ મારું કામ વખાણાયું અને બી.આર. ચોપરા સાહેબની ‘ઈન્સાફ કા તરાજુ’ માં  પણ મારા અભિનયના વખાણ થયા. ‘સત્યમ….’ માં ઝીન્નત અમાનની નાનપણની ભૂમિકા કરી તો ‘ઈન્સાફ…’ માં ઝીન્નતની નાની બહેન બનેલી હતી. ત્યારબાદ અનેક ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટીસ્ટ તરીકે કાર્ય કર્યું. જ્યારે હું મોટી થઈ એટલે રાજ સાહેબે તેમણે આપેલા વચન પ્રમાણે યાદ તો કરી અને મને લઈને તેમણે ‘પ્રેમરોગ’ બનાવી. જે ખૂબ જ સફળ રહી હતી. મારા માટે તે સૌથી બેસ્ટ ફિલ્મ, મારો બેસ્ટ રોલ આજેપણ ગણાય છે. તેમાં હિરો તરીકે ઋષિ કપૂર હતા અને ફિલ્મનો વિષય ખરેખર સમાજમાં પરિવર્તન લાવે તેવો હતો. વિધવા પુર્નવિવાહના મુદ્દાને જે રીતે ફિલ્મમાં લેવામાં આવ્યો હતો, તેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. ફિલ્મના દરેક ગીત આજેપણ લોકપ્રિય છે. હું આમ તો રાજ કપૂર સરની જ શોધ ગણાઉં. તેમની સાથે કામ કરવું તે નસીબની વાત હતી.

મુખ્ય હિરોઈન તરીકે મારી પ્રથમ ફિલ્મ તો ‘પ્યાર ઝૂકતા નહીં’ કહી શકાય. એ સમયે આ ફિલ્મ સુપરડુપર નિવડેલી હતી. આ ફિલ્મમાં મારા હિરો મિથુન ચક્રવર્તી હતા અને મારા પિતાની ભૂમિકામાં ડેની ડેન્ઝપ્પા હતા.

‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ દ્વારા મેં મારી કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત તો રાજ કપૂર સાહેબ સાથે જ કરી હતી. તેમની પાસેથી ઘણું શીખવા પણ મળ્યું છે. ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ હોય કે ‘પ્રેમરોગ’ હોય તેઓ મને નાની બાળકી તરીકે જ સમજાવીને બધુ શીખવાડતા. તેમનામાં કલાકાર ક્યા પાત્ર માટે બન્યો છે, તે પારખવાની શક્તિ હતી. તેથી જ કદાચ તેમની પાત્રની પસંદગી અને ફિલ્મોના વિષયો હંમેશા લોકોને પસંદ આવ્યા છે. ખરેખર રાજ કપૂર સાહેબ જેવા કલાકાર અને ડિરેક્ટર, ફિલ્મમેકર બીજા કોઇ જોવા મળશે નહીં.

 

તો પદ્મીની કપૂર ખાનદાનની વહૂ બની હોત……

પદ્મીની અને રાજ કપૂરનો સૌથી નાનો દિકરો રાજીવ કપૂર (ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’નો હિરો) એકબીજાના પ્રેમમાં હતા અને તેમના પ્રેમસંબંધનો અંત થયો તેનું સૌથી મોટું કારણ રાજકપૂર રહ્યા હતા. 1982માં રાજકપૂરે ફિલ્મ ‘પ્રેમ રોગ’ માટે પદ્મીની પસંદગી કરી હતી, જેમાં રાજીવ કપૂર ફિલ્મના આસિસટન્ટ ડિરેક્ટર હતા. ફિલ્મના સેટ પર રાજીવ અને પદ્મીની એકબીજાની નજીક આવ્યા હતા. એકબીજાના પ્રેમમાં ગળાડૂબ બન્યા હતા. જ્યારે પણ રાજકપૂર સેટ પર રાજીવ કપૂરને બોલાવે તો તે પદ્મીનીના મેકઅપ રૂમમાંથી જ બહાર નીકળતા જોવા મળતા. ધીમે ધીમે સેટ પર ચર્ચાઓ થવા લાગી. આ ચર્ચાઓ મિડીયામાં પણ જોવા મળતી. રાજકપૂરે ઘણીવાર રાજીવ કપૂરને સમજાવ્યા પણ તે માન્યા નહીં. તે બંને જણા છાનામાના મળવા લાગ્યા. રાજીવ કપૂર જ્યારે ન માન્યા તો રાજ કપૂરે પદ્મીનીને ખૂબ જ કડક શબ્દોમાં જણાવી દીધુ કે, તે રાજીવ કપૂરને છોડી દે અથવા તો ફિલ્મ છોડી દે. તે સમયે પદ્મીનીને તેની કરિયર પર વધારે ધ્યાન આપવાનું યોગ્ય લાગ્યું અને તે રાજીવ કપૂરને છોડીને આગળ વધી. પદ્મીની માટે તેમનો આ નિર્ણય સાચો સાબિત થયો. ‘પ્રેમરોગ’ બિગહિટ સાબિત થઇ અને તેની કરિયરની ગાડી સ્પીડમાં ચાલી નીકળી અને તેમણે ખૂબ સફળતા મેળવી.

Loading

Spread the love

Leave a Comment