બોલિવૂડની ફિલ્મોમાં અને ટીવી સિરિયલોમાં છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાની જ્વેલરીની ડિમાન્ડ વધારે જોવા મળે છે. જોકે આ પસંદગી મોગલ-એ-આઝમથી લઇને આવતા વર્ષે આવનારી ફિલ્મ મણિકર્ણિકા – ધક્વીન ઓફ ઝાંસીમાં જોવા મળે છે. તેનું કારણ એ પણ છે કે ઐતિહાસિક ફિલ્મોમાં રાજા-રજવાડાના સમયમાં આ પ્રકારની જ્વેલરીનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં થતો. હવે તો યુવતીઓ અને મહિલાઓ પ્રસંગે કે તહેવારને દિવસે આ જ્વેલરીને પહેરવાનું પસંદ કરે છે.

આપણે સૌ જાણીયે જ છીએ કે આર્ય નારીએ ઘરેણાને, દાગીનાને, અલંકારને, આભૂષણને અને ઝવેરાતને ફક્ત પોતાના શરીરના શણાગર પૂરતું જ મર્યાદિત રાખ્યું નથી. તેને સૌભાગ્ય ચિહ્ન તરીકે પણ સ્વીકારવામાં આવ્યું છે. જોકે તેમાં ખાસ કહી શકાય તેવી બાબત એ છે કે રાજસ્થાની મહિલાઓએ શણગારમાં આભુષણોને સૌથી વધારે પ્રાધાન્ય આપ્યું છે. જે આજેપણ જોવા મળી આવે છે. શહેરની સ્ત્રી હોય કે ગામડાની, ગરીબ હોય તે તવંગર હોય દરેક રાજસ્થાની મહિલાઓના શરીર પર આભૂષણો અચૂક જોવા મળશે.

વજનમાં ભારે રાજસ્થાની આભૂષણ

રાજસ્થાની આભૂષણની કળાકારીગરી વિશ્વમાં વખણાય છે. તેની કળા સદીઓ જૂની છે. મીનાકારીતો વિશ્વમાં જાણીતી અને લોકપ્રિય છે. રાજસ્થાની નારીના સેંથામાં બોરલા હોય કે ટીકા, કાનમાં બુટ્ટી હોય કે ટોપ્સ, નાકની નથણી હોય કે ગળાનો હાર, હાથના કડાં હોય કે પગની ઝાંઝર તે દરેકમાં જોવા મલતી કલાકારીગરીની અવનવી, ભાતભાતની, જાતજાતની રંગબેરંગી ડિઝઇન્સ ખરેખર અદુભૂત છે. જોકે આ આભૂષણોનું વજન પણ તેની કલા જેટલું જ ભારે હોય છે. તેમ છતાંય તેને રાજારજવાડાના સમયથી ખૂબ જ વધારે સંખ્યામાં પહેરવાનો રિવાજ ચાલી આવે છે. માથાના માંગટીકાથી લઇને પગની આંગળીઓની વીંછીઓ સુધી તે નારીના સૌંદર્યને શણગારે છે.

 

 

મીનાકારીનો ઇતિહાસ

કહેવાય છે કે મીનાકારીના મૂળ વારાણસીમાં રોપાયા હતા. સમયકાળમાં જયપુરમાં તે ફૂલીફાલી અને દેશની પિન્કસીટીએ અડધા દાયકા સુધી મીનાકારીની કળા તરફ ધ્યાન આપ્યું નહોતું. આખરે વિદેશમાં મીનાકારીની માગ વધવાથી અને સરકારના સાથ-સહકારના કારણે જયપુરમાં તેની શરૂઆત થઇ. જયપુરની સાથે જ નાથદ્વારા અને પ્રતાપગઢે પણ મીનાકારીનો ઉદ્યોગ વિકસાવ્યો. જયપુર શહેરમાં સોના પર મીનાકારી પાંગરી તો પ્રતાપગઢમાં કાર પર મીનાકારીના દાગીના બન્યા. રાજસ્થાને મેળવેલી આ કળા તે સમયના રાજા માનસિંહ માટે મોગલ બાદશાહ અકબર સામે ટકી રહેવા માટે આધારસંત્ભ બની હતી. વારાણસીમાં મીનાકારની શરૂઆત થઇ તો જયપુરના કારીગરો મીનાકારીના ઉદ્યોગમાં સૌથી શ્રેષ્ઠ સાબિત થયા. સોનાના દાગીના પર અહીંના કારીગરો જેટલી પદ્ધતિસર મીનાકારી કરે છે તેવી મીનાકારી દેશના અન્ય કોઇ ભાગમાં જવલ્લેજ જોવા મળે છે.

 

કારીગરની કળા

કોઇપણ કળા માટે કારીગરે પોતાની તમામ શક્તિઓ લગાવી દેવી પડે છે. જયપુરના કારીગરોએ તેમાં પરિશ્રમની કોઇ જ પરીસિમા બાંધી નથી. તે લોકો તો જ્યાં સુધી આ અલંકારોમાં કારીગરીનું તેજ ન ઝળહળી ઊઠે ત્યાં સુધી કારીગર તેનું કામ પડતું મૂકતો નથી. ઝવેરાતની બારીકમાં બારીક લાઇનોને પણ કારીગર ચીવટપૂર્વક પોલિશ કરે છે. આખરે તેમાં રહેલી રજકણોને ભસ્મીભૂત કરવા માટે તેને ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે.

 

કુંદનકળા

મીનાકારીની જેમ જ રાજસ્થાનમાં કુંદનકળા પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જેમ સોનાના દાગીના પર નવી ભાત પાડવા માટે મીનાકારીની રચના કરવામાં આવે છે તેજ રીતે નારીના સૌંદર્યને નીખારવા માટે ઝવેરાતમાં અણમોલ પથ્થરો તેમાં જોડવાનો ઉદ્યોગ પણ અહીં જ વિકાસ પામ્યો છે. મીનાકારી જેટલી જ કુંદનકારી પણ વિશ્વવિખ્યાત છે. વિદેશમાં રાજસ્થાનની આ બંને કળા આકર્ષણનું કેન્દ્ર છે.

 

 

કુંદનના ઘરેણામાં નંગની ગોઠવણી

સોનાના દાગીનાઓમાં અણમોલ પથ્થર બેસાડવાની કળાને રાજસ્થાનમાં કુંદનકારી તરીકે ઓળખવામાં આવે છે. નંગને નેકલેસ કે બુટ્ટીમાં બેસાડવા માટે સોનાના ઘરેણામાં પહેલેથી જ જરૂરીયાત પ્રમાણે જગ્યા રાખવામાં આવી હોય છે. તે જગ્યામાં નંગ બંધબેસતો થાય તે માટે કારીગરો સૌ પહેલા પથ્થરોને આકર્ષણ આકાર આપે છે. ત્યારબાદ તેને હૂંડી નામના લાકડાના હેન્ડલ ઉપર એ નંગને લઇને ઘરેણામાં જે સ્થાને મૂકવાનો હોય ત્યાં કારીગર બેસાડી દે છે. ઘરેણામાંથી નંગ પડી ન જાય તે માટે બ્લેક કે વાઇટ સુરમા અને સિલિંગ વેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને અત્યંત કાળજીપૂર્વક પોલીશ કરવામાં આવે છે. દાગીનાના અન્ય ભાગમાં કેમીકલ ન લાગે તેની પણ તકેદારી રાખવામાં આવે છે. જયપુરની ધરેણાની ડિઝાઇન અને કારીગરીમાં મોગલો અને રાજપૂત બંનેની કલાનું મિશ્રણ જોવા મળે છે.

 

જમાના પ્રમાણે હળવા દાગીના

દિવસે ને દિવસે ફેશન અને શોખમાં પરિવર્તન આવી રહ્યું છે. પહેલાની મહિલાઓ ભારે વજનવાળા દાગીના પસંદ કરતી હતી અને આજે હળવા લાગે તેવા પહેરવાનું ચલણ છે. જયપુરના કારીગરોએ પરંપરાગત ચાલી આવતી ફેશન અને બદલાતી ફેશનનું મિશ્રણ કરીને આભૂષણોને નવી ડિઝાઇન્સ આપી છે. સાથે જ અલંકારને રચનાત્મક બનાવવા માટે વપરાતી દેશી મશીનરીની પણ માગ વધી છે. આજે ઘરેણામાં જૂની અને નવી ડિઝાઇન્સનું મિશ્રણ જોવા મળે છે. ટ્રેડિશનલ ડિઝાઇન્સ અને નમૂનાનું હલકા અને નાજુક અલંકારોમાં પરિવર્તન કરીને વધુ આકર્ષક બનાવવામાં આવ્યા છે.

Loading

Spread the love

Leave a Comment