સાડી આપણા દેશની સંસ્કૃતિનું પ્રતીક છે. નવ વારથી લઇને છ વાર લાંબી આ સાડી પ્રાચીનકાળથી લઇને એકવીસમી સદીમાં પણ એટલી જ લોકપ્રિયતા ધરાવે છે. તેમાંય આજકાલ લેટેસ્ટ ટ્રેન્ડ છે, રફલ સાડીનો, જે પહેરનારને રોયલ લુક પ્રદાન કરે છે.
છ વાર લાંબી સાડીની લોકપ્રિયતા આજે પણ યથાવત છે. વાસ્તવમાં સાડી આપણા દેશનો સદાબહાર પોશાક છે, જે કોઇ પણ પ્રસંગે અને કોઇ પણ મોસમમાં પહેરી શકાય છે. સાડી પહેરવાની પરંપરાગત સ્ટાઇલમાં અત્યારે થોડું પરિવર્તન ભલે આવ્યું હોય, પણ તેની સ્ટાઇલ અને લોકપ્રિયતામાં બિલકુલ પરિવર્તન આવ્યું નથી. આ જ કારણ છે કે રફલ સાડી આજે ફરી ફેશનમાં ઇન ટ્રેન્ડ બની છે.
રફલ એટલે કે થોડી અવ્યવસ્થિત રહેતી સાડી, જે ખાસ કરીને શિફોનની હોય તો વધારે આકર્ષક લાગે છે. આવી રફલ સાડી તમને ગ્લેમરસ લુક તો આપે છે, તે સાથે તમારી બેસ્ટ ફ્રેન્ડના મેરેજ હોય કે પછી રિસેપ્શનમાં હાજરી આપવાની હોય, ત્યાં તમને સૌના આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. પ્રિન્ટેડ શિફોન સાડી લગભગ દરેક યુવતી કે મહિલાને શોભે છે. એમાંય જો તમારું શરીર એકવડિયું હોય એટલે કે તમે સીમેટ્રિકલ બોડી ધરાવતાં હો, તો આવી શિફોન પ્રિન્ટેડ સાડી વધારે શોભે છે. આની સાથે તમે વ્હાઇટ મોતીનો નેકલેસ, બેંગલ્સ અને એરિંગ્સ પહેરી શકો છો. જ્યારે પગમાં વ્હાઇટ સેન્ડલ તમને ગોર્જિયસ દર્શાવશે. લગ્ન કે રીસેપ્શન દરમિયાન આવી સાડી ખૂબ આકર્ષક લાગે છે. તમારી સુંદરતામાં તેની ફ્લોરલ પ્રિન્ટ ઓર નિખાર લાવે છે.
લગ્નપ્રસંગ હોય ત્યારે ક્રીમ અથવા ઓફ-વ્હાઇટ સાડી સાથે ગોલ્ડન બોર્ડરની સાડી સુંદર લાગે છે. સાડીમાં એ જ કલરની સિકવન્સ લગાવેલી હોય અને તેની કિનારીએ ગોલ્ડન ઝાલર લગાવેલી હોય તો તે પહેરીને તમે સૌથી અલગ તરી આવવાની સાથે સાડીમાં તમારી સાદગી પર કંઇ કેટલાય ન્યોછાવર થઇ જશે. આવી રફલ સાડી સાથે ગોલ્ડન ટિશ્યુ મટિરિયલનું બ્લાઉઝ ઓર સુંદર લાગે છે. તેની કિનારીએ તમે ઇચ્છો તો લેસ લગાવી શકો છો. આની સાથે એક્સેસરીઝમાં ગોલ્ડન નેકપીસ, ગોલ્ડન એરિંગ્સ અને હાથમાં ગોલ્ડન બ્રેસલેટ કે બેંગલ્સ અથવા કડાં અત્યંત સુંદર લાગશે. હા, આની સાથે ફૂટવેરમાં ગોલ્ડન સેન્ડલ પહેરશો તો તો વાત જ ન પૂછો! સૌથી સુંદર તમે જ દેખાતાં હશો.
પ્રિન્ટેડ શિફોન રફલ સાડીમાં તમે જાતજાતનું કલર કોમ્બિનેશન પણ અપનાવી શકો છો. જેમ કે, બ્લ્યુ, પિંક અને વ્હાઇટનું કોમ્બિનેશન હોય એવી શિફોન રફલ સાડી સાથે કોન્ટ્રાસ્ટ મેચિંગનું બ્લાઉઝ પહેરીને તમે જો બહાર ગયાં હો, કોઇ પાર્ટી કે ફંક્શનમાં તો જોઇ લેજો, સૌની નજર તમારા પર જ હશે. આવી કોમ્બિનેશન રફલ સાડીમાં ગોલ્ડન કે વ્હાઇટ કલરના ફૂટવેર એટલે કે સેન્ડલ અને એક્સેસરીઝમાં પિંક કલરના મોતીની માળા, એરિંગ્સ અને હાથમાં બ્રેસલેટ! વાહ, પ્રિન્ટેડ રફલ સાડીમાં જાણે કોઇ પરી ધરતી પર ઊતરી ન આવી હોય!
બ્લેક કલર અત્યાર સુધી કોઇ શુભ પ્રસંગે પહેરવાનું લોકો ટાળતાં હતાં, પણ હવે બ્લેક ઇઝ બ્યૂટીફૂલ કહેવત અનુસાર આધુનિકાઓ બ્લેક કલરની રફલ સાડીને કોઇ પણ પ્રસંગે પ્રાથમિકતા આપે છે. બ્લેક રફલ સાડી સાથે તમે ગોલ્ડન અથવા સિલ્વર કલરનો બ્લાઉઝનું મેચિંગ કરી શકો છો. ભલે તમે પાર્ટીમાં જઇ રહ્યાં હો, કે પછી રિસેપ્શનમાં પણ આની સાથે એક્સેસરીઝમાં અમેરિકન અથવા ઓરિજિનલ ડાયમંડ્સના એરિંગ્સ કે બુટ્ટી, ગળામાં એ.ડી.નો નેકલેસ અને હાથમાં બ્રેસલેટ તમને વધારે સૂટ થશે. જો તમે કેપ સ્લીવનું બ્લાઉઝ કરાવ્યું હોય તો એ.ડી.નો બાજુબંધ બ્લાઉઝ સાથે મેચ થાય એ રીતે પહેરો. શાનદાર લુકની સાથે તમે જ્યારે ફંક્શનમાં જશો, ત્યારે એક વાત તો ચોક્કસ કે કેટલાય લોકોનાં મોંમાંથી ‘આહ’ નીકળી જશે.
જો તમને લાગે કે બ્લેક કોમન કલર થઇ ગયો છે અને તમે તેનાથી કંઇક અલગ દેખાવા ઇચ્છો છો, તો કોઇ બ્લેન્ડેડ કલરની રફલ સાડી પર પસંદગી ઉતારી શકો છો. આમાં ગ્રે, લાઇટ બ્રાઉન, એશ વગેરે કલર્સ સારાં લાગે છે અને તેમાંય જો ચેક્સમાં લાઇટ-ડાર્ક શેડ્સ ધરાવતી રફલ સાડી પહેરી હોય તો જવલ્લે જ કોઇ એવું હશે જે તમારા પરિધાનની નોંધ નહીં લે. આવી શેડેડ રફલ ચેક્સ પ્રિન્ટેડ સાડી તમારા મૂડને અભિવ્યક્ત કરવાની સાથે બ્યૂટી સ્ટેટમેન્ટ પણ બની રહેશે. આવી શેડેડ રફલ સાડી સાથે એક્સેસરીઝમાં બ્લેક સ્ટડેડ એરિંગ્સ અને ગળામાં એવો જ નેકલેસ પહેરો. હાથમાં બ્રોડ કડું તમને ગોર્જિયસ દર્શાવવામાં કંઇ બાકી નહીં રહે.
આમ, રફલ સાડી આજકાલ આધુનિકાઓની પ્રથમ પસંદગી બનવાની સાથોસાથ તેમને રોયલ લુક પણ પ્રદાન કરે છે. તમારા વોર્ડરોબમાં આવી કોઇ રફલ સાડીને સ્થાન મળ્યું છે કે નહીં? જો ન મળ્યું હોય તો આજે જ આવી તમારા ગમતા કલરની અથવા કલર કોમ્બિનેશન ધરાવતી રફલ સાડી લઇ આવો અને બની જાવ પાર્ટીની શાન!