સમય બદલાયો છે અને સાથે જ સ્ત્રી-પુરુષના સંબંધોની પરિભાષા પણ બદલાઇ રહી છે.  સ્ત્રી અને પુરૂષ વચ્ચે દોસ્તીની લક્ષ્મણરેખા નબળી કેમ પડે છે? શા માટે સંબંધમાં લાગણીઓ ઓછી અને શારીરિક આકર્ષણ વધુ મહત્વનું બની જાય છે?  એક જ ઝાટકે દોસ્તીમાં તિરાડ કેમ પડવા લાગે છે? અફવાઓનું બજાર ગરમ બની જાય છે અને પરિણીત હોય તો પરિવારમાં ગેરસમજ થવા લાગે છે. ઘણીવાર સંબંધોનો ઉપયોગ કરીને એને વાસનામાં બદલવાનો અનાયાસ પ્રયત્ન પણ થઈ જાય છે અને ‘કંઈ બદનામી થઈ ન જાય’નો ભય દોસ્તીને વિકસવા નથી દેતો. આ સમાજની હાલની નરી વાસ્તવિકતા છે જે અનેક લોકોના જીવનમાં બની રહ્યું છે.

મનોજ એક કલા સંસ્થામાં સંચાલક હતા અને જયશ્રી ત્યાં લેકચરર બનીને આવી હતી. મનોજ મનના ભાવ પ્રગટ કરવામાં અને બીજાના મનના ભાવ પામી જવામાં પ્રવીણ હતા. ઉંમરના તફાવત છતાં ઓછા સમયમાં જ બંને એકબીજાનાં ગાઢ દોસ્ત બની ગયાં. નવરાશની પળોમાં સાથે ઊઠવા-બેસવાનું બનવાથી અને વાતચીત થતી હોવાને કારણે એમની મિત્રતા ગાઢ બનતી ગઈ. બંને સંપૂર્ણ મુક્તપણે અને નિર્દોષ ભાવે વાતો કરતાં હતાં. એકબીજા પર વિશ્વાસ એટલો બધો વધી ગયો હતો, કે ક્યાંય જોડે જવામાં પણ સંકોચ નહોતો નડતો. એક દિવસ કંઈક એવું બની ગયું; કે સંબંધ બગડવા લાગ્યો. બન્યું એવું કે એક દિવસ મનોજના મુખેથી એક એવી વાત નીકળી ગઈ જે કહેવાની ઈચ્છા કદાચ એને નહોતી. તેણે કહ્યું, “જયશ્રી, મારું મન ઈચ્છે છે કે હું ક્યારેક તને સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લઉં.”

મનોજ પરિણીત હતો. એને બાળકો પણ હતાં. જયશ્રીની ઉંમર એમનાથી અડધી હતી. ઉંમર અને હોદ્દાના તફાવત છતાં બંને સાચા મિત્રો હતાં. એમની વચ્ચે કોઈ શરત નહોતી. જયશ્રી પણ સંસ્થામાં એક લહેરની જેમ આવી હતી અને ત્યાંના વાતાવરણમાં સમાઈ ગઈ હતી. ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મનોજ સાથેની એની મિત્રતાનો અર્થ ક્યારેય આવો પણ નીકળી શકે છે. ઘરે જઈને એ બહુ રડી. મનોજમાં એણે પોતાનો કોઈ નાયક કે કોઈ આદર્શ પુરૂષ જોયો ન હતો. એના માટે એ માત્ર એક સાચો મિત્રહતો.

આ ઘટનાથી એ નિષ્કર્ષ તો કાઢી જ શકીએ કે સ્ત્રીપુરૂષની મિત્રતાને આપણને માત્ર મિત્રતાની મર્યાદામાં બાંધીને નથી રાખી શકતા. આ સંબંધમાં વચ્ચે એક લક્ષ્મણરેખા ખેંચવી જ પડે છે. માનવ મનનું અધ્યન કરનારાઓનું પણ એ જ કહેવું છે, કે જે લોકો વચ્ચે દોસ્તી ગાઢ બનશે; ત્યાં સંયમની સીમા સમાપ્ત થઈ જશે. નજીક આવવાની ઈચ્છા થશે. દોસ્તીના દાવે હાથમાં હાથ લેવાનું મન થશે. સ્પંદન થશે અને સંબંધ આગળ વધારવાની ઈચ્છા થશે. ક્યારેય છૂટા ન પડી શકાય એવી પ્રબળ લાગણી થશે. એનો અર્થ એ કે દોસ્તી પ્રેમ અને પ્રેમલગ્નમાં બદલાઈ જવા તડપશે.

એવું ઘણું ઓછું જોવા મળે છે કે સ્ત્રીપુરૂષ એકબીજાના સાચા મિત્ર બનીને એકબીજાથી દૂર રહીને દૂર સુધી સાથેચાલતાં રહે. એમની દોસ્તી વધુ ને વધુ ગાઢ બની રહી હોય અને તેમાં વમળો ન ઊઠે અથવા એ સંબંધ લગ્નમાં ન બદલાય, જે કદાચ ખોટું નથી. પણ આ કારણે છૂટાછેડા, હત્યા અથવા આત્મહત્યા થાય તો એ જરૂર ચિંતાની વાત ગણાય.

અહીં આપણે કોઈ સ્વાર્થના કારણે કરાયેલી દોસ્તીની વાત નથી કરતા. એ તો દોસ્તીની નહીં પણ સાંઠગાંઠ કે લેવડ-દેવડની વાત થઈ કહેવાય. કામ થઈ ગયા પછી એનાં પાત્રો એકબીજાથી અલગ થઈ જાય છે. એમનો હેતુ વ્યાવસાયિક અથવા રાજકીય હોય છે. સ્ત્રીપુરુષ વચ્ચે જે નિકટતા અનાયાસ અને સ્વાભાવિક રીતે ઊભી થાય છે એ યથાવત્ સ્વરૂપે ક્યાં સુધી ટકી રહે છે એ કહેવું મુશ્કેલ છે. જાતિભેદનું રસાયણ અને મનોવિજ્ઞાન કોણ જાણે એને ક્યાંથી ક્યાં લઈ જાય એ ક્યાં કોઈ બતાવી શકે તેમ છે?

આ જ સંદર્ભે ઉપર્યુક્ત ઘટનાથી થોડી અલગ વાત જેમાં સ્ત્રીપુરૂષની દોસ્તીનું એક અનોખું સ્વરૂપ પણ જોવા મળે છે.

કોલેજના એક જ વિભાગમાં રાધા જ્યારે અવિનાશની સહયોગી બનીને આવી ત્યારે એ અગાઉથી જ કોઈ બીજાને પ્રેમ કરતી હતી. પોતાનાથી સિનિયર અવિનાશને જ્યારે એ પહેલીવાર મળી ત્યારે એને લાગ્યું કે આ તો એનો મિત્ર બની શકે તેમ છે. હકીકતમાં એ પોતાના પ્રેમના કારણે ઘણી પરેશાન હતી. પ્રેમી બીજી જાતિનો હતો અને માતાપિતાનો ઘણો વિરોધ હતો. કોઈને એ મનની વાત કહીને બોજ હળવો કરવા માગતી હતી. પહેલીવાર એ જ્યારે એના ઘરે જમવા ગઈ ત્યારે એણે એને બધું જ જણાવીને પોતાનો વિશ્વાસુ બનાવી લીધો. પછી નિકટતા વધતી ગઈ અને ઘણાં વર્ષો પસાર થઈ ગયાં પછી પણ દોસ્તી ટકી રહી. મિત્રતાનો સાચો સંબંધ જવાઇ રહ્યો. ન ભાઈબહેન બનવાનું નાટક કર્યું કે ન શારીરિક નિકટતાની ઈચ્છા પ્રગટ કરી. અવિનાશનો હાથ પકડીને રડવામાં અને પોતાનું દુઃખ વ્યક્ત કરવામાં એને જરાપણ સંકોચ ન થયો.

આપણી સંસ્કૃતિની એક કરુણ બાબત એ રહી છે; કે આપણે આપણાથી વિપરીત જાતિની વ્યક્તિને આપણાં સુખદુઃખનો સાથી બનાવવાનું ટાળીએ છીએ. સાથી બનાવીએ પછી લગ્ન અને વાસનાની ઈચ્છા પણ રાખીએ છીએ. જેને સાચી દોસ્તી કહીએ છીએ એ નથી થઈ શકતી. અવિનાશ અને રાધાની વાર્તાનાં પાત્રો અપવાદ હતાં. એ બંને એકબીજાને સ્ત્રીપુરૂષથી અલગ વ્યક્તિ તરીકે જુએ છે. એટલે એમની દોસ્તી ટકી રહી.

મતલબ એ કે સ્ત્રીપુરુષ વચ્ચે આપણે ત્યાં ગાઢ મિત્રતા નથી થઈ શકતી એનું એક કારણ આપણી રૂઢિવાદી ભાવના પણ છે. ઓફિસ હોય કે સ્કૂલ-કોલેજ પણ સ્ત્રીપૂરૂષ નજીક આવતાં જણાય કે તરત જ ગણગણાટ અને અફવાઓનું બજાર ગરમ થવા લાગે છે. આપણે એક સારો સંબંધ બાંધવાના નૈસર્ગિક સુખથી વંચિત રહી જઈએ છીએ અને શંકાનાં વમળોમાં અટવાઈ જઈએ છીએ. આપણી વચ્ચે નિકટતા છતાં દોસ્તીની ગરિમા પણ જળવાઈ રહે તો સામાજિક જીવનની ઘણીબધી ગેરસમજો આપમેળે દૂર થઈ જશે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment