પીઢ અભિનેતા પંકજ બેરી સોની સબ પર હાલમાં જ લોન્ચ કરાયેલા તેનાલી રામમાં તથાચાર્યની રસપ્રદ ભૂમિકા ભજવી રહ્યા છે. તથાચાર્ય રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં શાહી પૂજારી છે. તથાચાર્ય લાલચુ, બદઈરાદો ધરાવનારા અને તેનાલી રામના સૌથી મોટા દુશ્મન પણ છે. તે તેનાલી રામને સૌથી વધુ ધિક્કારે છે અને તેમનો એકમાત્ર હેતુ તેનાલીને દરબારમાંથી બહાર હાંકી કાઢવાનો છે. આથી તે તેનાલીને ગેરમાર્ગે દોરવા માટે કોઈ કસર બાકી રાખતા નથી. તેનાલી તેમ છતાંય પોતાની બુદ્ધિથી તથાચાર્યને હંમેશાં શિકસ્ત આપે છે, જેને લીધે તથાચાર્ય તેની પર ક્રોધિત રહે છે. તેનાલી રામના પંકજ બેરી ઉર્ફે તથાચાર્ય સાથે આ નિમિત્તે કરેલો રસપ્રદ વાર્તાલાપ.

શું તમે અગાઉ લોકકથાઓમાં કામ કર્યું છે?

મેં અગાઉ મહાભારતમાં કામ કર્યું છે. હાલમાં પેશવા બાજીરાવમાં પણ હતો. અગાઉ ઐતિહાસિક શો કર્યા છે, પરંતુ તેનાલી રામ મારા જીવનની પ્રથમ લોકકથા છે.

તમે તેનાલી રામ શો શા માટે પસંદ કર્યો?

તેનાલી રામમાં મારું પાત્ર અત્યંત રસપ્રદ અને પડકારજનક છે. હું તથાચાર્યની ભૂમિકા ભજવી રહ્યો છું, જે તેનાલીનો કટ્ટર દુશ્મન છે. તેનાલી રામ શો બધી પેઢીઓને સ્પર્શે છે. તથાચાર્યનું પાત્ર બહુપરિમાણીય છે. તેનું પાત્ર નેગેટીવ હોવા છતાં તેમાં ઘણી બધી વિવિધતા છે. આથી જ મેં આ ભૂમિકા પસંદ કરી.

અમે તમને ટેલિવિઝન, થિયેટર અને બોલીવૂડમાં જોયા છે. તમને અભિનેતા તરીકે કઇ ઇન્ડસ્ટ્રી વધારે બેસ્ટ બનાવે છે?

ઈમાનદારીથી કહું તો અભિનેતા તરીકે હું માધ્યમ જોવા કરતાં પાત્ર ભજવવા પર વધુ ધ્યાન આપું છું. ફરક માત્ર ટેક્નિકલ મુદ્દાઓનો છે. બાકી બધું યથાવત છે. અભિનયની વાત કરું તો ફિલ્મો અભિનયની બારીકાઈમાં ઊતરે છે, જ્યારે ટેલિવિઝનમાં જીવંત પ્રતિક્રિયા જરૂર પડે છે. આથી દરેક માધ્યમોમાં પોતપોતાની કુશળતા જોવામાં આવતી જ હોય છે.

તેનાલી રામ સાથે તમારા સંબંધોનું વિવરણ કઈ રીતે કરશો?

તેનાલી સાથે મારું સમીકરણ શોમાં નાયક અને ખલનાયક જેવું છે. તેનાલી સમસ્યા ઉકેલવાનો પ્રયાસ કરે છે, જ્યારે તથાચાર્ય તેના માર્ગમાં બધા પ્રકારના અવરોધો લાવે છે. તેનાલી તથાચાર્યનો એકમાત્ર શત્રુ છે. આ ટોમ અને જેરીના સંબંધો જેવું છે.

નેગેટીવ પાત્રમાં પણ કોમેડી વિશે તમે શું કહેવા માગો છો?

કોમેડી કરવી તે અભિનેતા તરીકે બહુ મુશ્કેલ કામ છે. લોકોને હસાવવાનું બહુ મુશ્કેલ છે. જોકે મુખ્ય પ્રયાસો લેખકના હોય છે, જ્યારે અભિનેતાએ સહ- કલાકારો સાથે ટાઈમિંગ પર કામ કરવાનું હોય છે અને ઊર્જા બહાર લાવવાની હોય છે. નેગેટીવ પાત્ર સાથે જ્યારે કોમિક રોલ ભજવવાનો આવે ત્યારે તેમાં ચહેરાના હાવભાવ મહત્વનો ભાગ ભજવી જતા હોય છે. સાથે જ તમારા રોલને કઇ રીતે તૈયાર કરાયો છે, તે મુખ્ય છે.

તમને ઘણા બધા નકારાત્મક પાત્રોમાં જ આજ સુધી જોયા છે તેનું શું કારણ છે?

અભિનેતા તરીકે મેં ઘણાં બધાં પાત્રોની ખોજ કરી છે. મેં હકારાત્મક સાથે નકારાત્મક પાત્ર પણ કર્યાં છે, પરંતુ લોકો મને મારી નકારાત્મક ભૂમિકાઓ માટે જ ઓળખે છે. આથી હું લોકોને કહેવા માગું છું કે મેં હકારાત્મક ભૂમિકાઓ પણ કરી છે અને મારે માટે તે સરસ રહી છે.

 

       મેધા પંડ્યા ભટ્ટ

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment