સંબંધોને સાચવી રાખવા માટેનું અને સંબંધોમાં કડવાશ ઉત્પન્ન ન થાય તે માટે સૌથી મહત્વની બાબત છે જીભ પરનો કાબુ. કહેવાય છે કે એવી વાણી બોલો કે કોઇના દીલમાં ઊતરી જઇએ, ક્યારેય એવી વાણી ન બોલો કે કોઇના દિલમાંથી ઊતરી જઇએ. આપણે જે પણ કંઇ બોલીયે છીએ તેની અસર ફક્ત બીજા પર નહીં પણ પોતાના પર પણ પડે છે. તેથી વાતચિત કરતી વખતે કે ચર્ચા કરતી વખતે હંમેશા એકવાતનું ધ્યાન રાખો કે ક્યાંક નકારાત્મકતા ન આવી જાય.
મારી સાથે જ હંમેશા ખરાબ થાય છે….આજનો દિવસ જ ખરાબ છે….હું જે કરું તે લોકોને પસંદ નથી આવતું….ક્યાંક તમને પણ આવા નકારાત્મક વિચારો કરવાની આદત તો નથી ને.? જો ન હોય તો તે સારી વાત છે, પણ જો હોય તો અત્યારથી જ તેમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરવા લાગો. સતત લાંબા સમય સુધી આ પ્રકારના વિચારો કરવા કે વાક્યો બોલવા તમારા આંતર-મનમાં પણ નકારાત્મકતા ઊભી કરી દે છે અને નકારાત્મકતાનું ઘર થતા વાર લાગતી નથી. તે ક્યારે સંપૂર્ણ મન પર કાબૂ કરી લે છે, તે તમે પોતે પણ સમજી શકશો નહીં.
સમજી વિચારીને બોલવું
તમે ઘણીવાર કુટુંબમાં કે ઘરમાં વડીલોને કહેતા સાંભળ્યા હશે કે ભાઇ શુભ શુભ બોલો. આ એક નાનકડા વાક્ય પાછળ ઘણું ઊંડાણ રહેલું છે. જો આપણે સારું બોલશું તો તેનાથી ફક્ત આપણને જ નહીં પણ બીજાને પણ સારું લાગશે અને ઘર-પરિવારનું વાતાવરણ આનંદિત બની રહેશે. તમે એક વાત ખાસ જોઇ હશે કે ક્યારેક અનુભવી પણ હશે કે સતત નકારાત્મક વાતો કરનાર કે પછી ફરીયાદ કરનાર લોકોથી તેમના પરિચિતો, મિત્રો અને સંબંધીઓ થોડા દૂર રહે છે. તેનું એક ખાસ કારણ છે કે કોઇપણ વ્યક્તિને રોજ રોજ બોરીંગ અને એકની એક વાતો અને વાતાવરણ કંટાળાજનક અને ભારરૂપ બનાવી દે છે. દરેક વ્યક્તિને તેના જીવન સાથે જોડાયેલી સજીવ અને નિર્જીવ દરેક પ્રકારની વસ્તુઓ અને વ્યક્તિઓ સામે ફરીયાદ હોય છે. જો શાંતિથી તેનો માર્ગ કાઢવામાં આવે તો ફરીયાદો ઓછી થવા લાગે છે, પણ ફરીયાદો સતત કર્યા જ કરીએ તો તે નકારાત્મકતા ઊભી કરી દે છે. તેમાં પણ જો આવી કંટાળાજનક વાતો સતત કોઇની સામે રજૂ કર્યા કરીએ તો સામેવાળી વ્યક્તિના મનમાં તમારી છાપ ખરાબ બનવા લાગશે અને તમારી સાથે સંબંધ ઓછો કરવાનો તે પ્રયત્ન કરશે. આ રીતે ધીમે ધીમે તમારી નજીકની વ્યક્તિઓની સંખ્યા શૂન્ય સુધી પહોંચતા વાર નહીં લાગે.
સતત ન બોલવું
સતત એક જ પ્રકારની કેસેટ વાગતી હોય તો મગજ ભમી જાય છે, તે સત્ય હકીકત છે, એટલે જ પોતાની વાણી અને વિચારોને બને તેટલા કાબૂમાં રાખવાનો પ્રયત્ન દરેક વ્યક્તિએ કરવો જોઇએ. આપણે જાણીયે છીએ કે સ્ત્રીઓને એકની એક વાત સો વાર કરવાની આદત હોય છે. પણ આવું પુરુષો પણ કરતા હોય છે. જ્યારે પોતાના મન પર કાબૂ ન રહે કે પોતે કોઇ વાતને બીજા પાસે પૂરી ન કરાવી શકે ત્યારે એકની એક વાતનું અને પોતાની બડાઇઓ મારવાનું તે બીજા પાસે શરૂ કરી દેતો હોય છે. કોઇપણ વાતની શરૂઆત કે રજૂઆત કરતા પહેલા હંમેશા ક્યા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તે સમયે આપણી વાણી પર કઇ રીતનો કંન્ટ્રોલ રાખી રહ્યા છીએ તે ખાસ ધ્યાન રાખવું જોઇએ. તમારી વાણીમાંથી નીકળતા શબ્દો દ્વારા સામેવાળાનું અપમાન થવાનું નથી પણ તેનાથી સામેવાળો ચોક્કસ તમારી કિંમત માપી લેશે.
મૂડને કરો કંટ્રોલ
કેટલાક લોકોનો મૂડ નાની નાની બાબતોને કારણે ખરાબ થઇ જતો હોય છે. રસ્તામાં ટ્રાફિક જામ થઇ ગયો હોય. ઘરે પોતાનો મોબાઇલ ભૂલી ગયા હોય. ભૂખ લાગી હોય પણ રસોઇ તૈયાર ન હોય. આવી નાની અને નકામી બાબતો મૂડ ખરાબ કરવા માટે પૂરતી છે. તે સિવાય જીવનસાથી જો વ્યવસ્થિત રીતે રહેતો કે રહેતી ન હોય તો પણ મૂડ ખરાબ થઇ જાય છે. આ દરેક બાબતોનો ઉકેલ છે, જો તે ઉકેલ શોધીને તેને અમલમાં મૂકીએ તો મૂડને તો રોજ એન્જોય કરી અને કરાવી શકીએ છીએ. ટ્રાફીકમાંથી બચવા ઘરેથી થોડા વહેલા નીકળો, પોતાની દરેક વસ્તુઓને યોગ્ય સ્થાને રાખો. ક્યારેક ભૂખ વધારે લાગી હોય તો ઘરે જતા પહેલા રસ્તામાંથી પણ કંઇક પેક કરાવીને લઇ જઇ શકો છો. તેમજ જો જીવનસાથીને તમારા પ્રમાણે રાખવા હોય તો તમારી વાતને મનાવવા માટે સારી અને પ્રિય વાણીનો સહારો સૌથી બેસ્ટ રહેશે. આ રીતે તમારી નાની નાની અનેક મુશ્કેલીઓને તમે ઘણા અંશે ઓછી કરી શકશો. જ્યારે બીજાના મૂડનો સવાલ હોય ત્યારે એક વાતને ખાસ ધ્યાનમાં રાખો કે દુનિયા આપણા કહ્યા પ્રમાણે ચાલતી નથી, પણ આપણે પોતે જ પરિસ્થિતી પ્રમાણે રહેતા શીખવું પડે છે. તમારે પહેલેથી જ એક વાતને મનમાં સ્થાન આપી દેવું કે મૂડને બગાડનાર લોકો દરેક જગ્યાએ મળવાના છે, આવા લોકોથી બચવાનો કે તેમનો સામનો કરવાનો સૌથી સારો ઉપાય એક જ છે કે તેમની વાતોને ક્યારેય મન પર લેવી નહીં. રોજ સવારે સૂઇને ઊઠો ત્યારે પોતાની જાતને એક જ સારું વાક્ય કહો કે આજનો દિવસ ખૂબ જ સુંદર વિતશે. આ એક રીતને તમારા જીવનમાં અપનાવી જુઓ, તમે ખૂબ સારો અનુભવ કરશો.
વાણી, વિચારોનો સુંદર અને સમજણપૂર્વક ઉપયોગ કરશો તો તે ફક્ત તમને જ નહીં તમારી આવનારી પેઢી પર પણ સારી છાપ છોડશે, કારણકે બાળકો હંમેશા ઘરના મોટા વ્યક્તિઓનું જ અનુકરણ કરતા હોય છે, જો બાળકો જ નકારાત્મક શબ્દો સાંભળશે તો તેમનું વર્તન અને વિચારો પણ એવા જ બનશે. શબ્દોને સાચવીને સંભાળીને સાચી રીતે રજૂ કરવાથી જો આપણી દુનિયામાં ખુશી અને પ્રેમ વધતો હોય તો તેને અપનાવી લેવામાં જરાપણ મોડું કરવું જોઇએ નહીં.
મેધા પંડ્યા ભટ્ટ