ઘરમાં સુખશાંતિ અને સમૃદ્ધિ મેળવવા ઇચ્છતાં હો, તો વાસ્તુશાસ્ત્ર આ બાબતમાં તમને મદદરૂપ થઇ શકે છે. દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે તેમના ઘરમાં આનંદનું વાતાવરણ રહે. સુખ, સમૃદ્ધિ અને શાંતિભર્યા વાતાવરણમાં બાળકો મોટા થાય અને કુટુંબના બધા સભ્યોને સફળતા મળે. વાસ્તુશાસ્ત્રીઓનું કહેવું છે કે ઘરમાં સુખ અને શાંતિ જળવાઇ રહે તે માટે વાસ્તુ તમારી મદદ કરી શકે છે. આ માટે થોડીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણા માટેનું માર્ગદર્શન આપેલું છે અને ઘરમાં તોડફોડ કર્યા વિના તમે એનો લાભ લઇ શકો છો. આવો વાસ્તુ સાથે જોડાયેલી કેટલીક આવી જ બાબતોને જાણીએ…

 • વાસ્તુ પ્રમાણે રસોઇ કરતી વખતે તમારું મોં પૂર્વ દિશા તરફ હોવું જોઇએ. રસોડામાં ડાબી બાજુએ પાણીનું માટલું હોવું જોઇએ. આને શુભ ગણવામાં આવે છે. આ બંને વાતને અનુસરવાથી માનસિક રીતે અને શારીરિક રીતે સ્વાસ્થ્ય સારું રહેશે.
 • ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવા એ શુભ ગણવામાં આવે છે. સમૃદ્ધિ જળવાઇ રહે તે માટે ઘરમાં મની પ્લાન્ટ લગાવો. જો તંદુરસ્તી ઇચ્છતાં હો તો ઘરમાં અશ્વગંધાનો છોડ રાખવો. જો તમે છોડને ડ્રોઇંગરૂમ કે બીજા કોઇ ઓરડામાં રાખવા ન ઇચ્છતાં હો તો આર્ટિફિશિયલ પ્લાન્ટ અને ફુલોથી પણ ઘરને સજાવી શકો છો. આનાથી ઘર સજાવેલું લાગશે અને મન શાંત અને પ્રફુલ્લિત રહેશે. સાથે જ ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે.
 • ઘરના કોઇ પણ ભાગમાં કે દીવાલ ઉપર હિંસક પ્રાણીઓ કે પક્ષીઓ, ડૂબતો સુરજ અને જહાજ, ઉદાસ કે રડતાં ચહેરાઓ, કે પછી બંધિયાર પાણીના ચિત્રો લગાવવા નહીં. વાસ્તુ કહે છે કે આ ચિત્રો ઉદાસીના પ્રતિક છે અને મનને અશાંત કરી દે છે.
 • ડ્રોઇંગરૂમમાં વચ્ચેના ભાગમાં ટેબલ કે બીજા ફર્નિચર ગોળ કે ચોરસ આકારના રાખવા. ત્રિકોણાકાર રાખવા નહીં. એકસરખા આકારના ફર્નિચર સમાનતાનો અને ગોળાકાર પૂર્ણતાનો ભાવ દર્શાવે છે. આવું ફર્નિચર ઘરમાં રાખવાથી ઘરના સભ્યો વચ્ચે સમજદારી અને એકતા જળવાઇ રહે છે. ત્રિકોણ આકૃતિ નકારાત્મક ભાવ ઉત્પન્ન કરે છે. તે તમારા પરિવારમાં મતભેદ અને ઝઘડાનું કારણ બની શકે છે.
 • બેડરૂમમાં પલંગની નીચે સામાન મૂકવો નહીં. જો સામાન મૂકવો જ હોય તો કાપડની વસ્તુ જ મૂકો. કહે છે કે પલંગની નીચે કંઇપણ મૂકી દેવાથી પલંગ પર સૂતા લોકો અને તેના પરિવાર વચ્ચે નાની નાની બાબતોને લઇને ઝઘડાઓ થવાની સંભાવના વધી જાય છે. એજ રીતે પેટીપલંગમાં પણ ગાદલા-ગોદડાં કે કપડાં જ મૂકવા જોઇએ.
 • ઘર હંમેશાં વ્યવસ્થિત રાખો. એનાથી તમને હકારાત્મક ઊર્જા મળશે.
 • ઘરમાં કોઇ જગ્યાએ નળ ટપકતો ન હોવો જોઇએ. પાણી ટપકવાનો અવાજ મન અને ઘરની અશાંતિનું કારણ બની શકે છે.
 • બંધ પડી ગયેલી ઘડિયાળ ઘરમાં રાખવી નહીં. બંધ ઘડિયાળ ખરાબ સમય અને તકલીફને આમંત્રે છે.
 • ઘરના દરવાજા કે બારી ખોલતી વખતે તેમાંથી અવાજ આવવો જોઇએ નહીં. એનાથી ઘરમાં તણાવવાળું વાતાવરણ ઉદ્ભવે છે.
 • ઘરની અંદર સૂકાયેલા ફુલ કે કાંટાવાળા છોડવા રાખવા નહીં.
 • દાદરની નીચે મંદિર કે ભગવાનના ફોટા, પૈસા કે કબાટ રાખવા જોઇએ નહીં. આ સિવાય દાદરની નીચે ક્યારેય સોનું પણ રાખવું નહીં. તે વાસ્તુમાં પ્રતિબંધિત માનવામાં આવે છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment