તમારા સ્વાસ્થ્યનો આધાર તમે શું જમો છો, તેના પર તો આધારિત છે જ. તે સાથે તમે ક્યાં અને કેવી રીતે ભોજન કરો છો, એ બાબત પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન કરવા માટેની દિશા અને સ્થળ વિશે અનેક નિયમ બનાવવામાં આવ્યા છે, જેને તમે પણ અપનાવી શકો છો.

વાસ્તુશાસ્ત્રમાં રસોઇ બનાવવાના નિયમોથી લઇને યોગ્ય રીતે ભોજન કરવા માટેના નિયમોનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. સ્વાસ્થ્ય સારું રહે તે માટે માત્ર તાજું અને પૌષ્ટિક ભોજન કરવું એ જ પૂરતું નથી. ઘરની યોગ્ય દિશામાં બેસીને ભોજન ગ્રહણ કરવામાં આવે તો તેનાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે. જ્યારે ખોટી દિશામાં બેસીને ભોજન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક તકલીફો થઇ શકે છે.

સર્વોત્તમ છે પશ્ચિમ દિશા 

પરિવારના તમામ સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે, ઘરનું વાતાવરણ હકારાત્મક અને સૌહાર્દપૂર્ણ જળવાઇ રહે એ માટે તમારા ઘરનો ડાઇનિંગ રૂમ વાસ્તુના નિયમો અનુસાર બનેલો હોય તે જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ ઘરની પશ્ચિમમાં છે. આથી જો ડાઇનિંગ રૂમ ઘરની પશ્ચિમ દિશા તરફ બનાવવામાં આવ્યો હોય તો તે સારી અસર કરે છે. આ દિશામાં બેસી ભોજન કરવાથી ભોજન અંગેની તમામ જરૂરિયાતો પૂરી થાય છે એટલું જ નહીં, પોષણ પણ મળે છે, જેના લીધે સૌનું સ્વાસ્થ્ય સારું રહે છે. જો કોઇ કારણસર આ દિશામાં ભોજન કરવાનું શક્ય ન હોય તો ભોજન કરવા માટે ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશા પણ સારો વિકલ્પ છે. એ ધ્યાન રાખો કે ડાઇનિંગ રૂમ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન હોવો જોઇએ કેમ કે આ દિશામાં બેસી ભોજન કરવાથી શરીરને સ્વાસ્થ્ય અને પોષણ પ્રાપ્ત નથી થતાં, સંબંધોમાં પણ કટુતા અને અંતર ઉત્પન્ન થાય છે.

કિચનમાં જ ડાઇનિંગ ટેબલ રાખો ત્યારે 

જો તમે કિચન એટલે કે તમારા રસોડામાં જ જમવાની વ્યવસ્થા કરવા ઇચ્છતાં હો તો તેની વ્યવસ્થા એવી રીતે કરો કે રસોડાના પશ્ચિમ ભાગમાં ડાઇનિંગ ટેબલ અને ખુરશીઓ રહે. તમારું રસોડું ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણા (વાયવ્ય)માં આવેલું હોય તો ડાઇનિંગ ટેબલને પશ્ચિમ બાજુની દીવાલ પાસે રાખવું જોઇએ. ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણા (અગ્નિ)માં રસોડું હોય તો તેમાં ડાઇનિંગ ટેબલને પૂર્વ દિશામાં રાખવામાં આવે છે. જો તમારા ડાઇનિંગ રૂમ સામે જ ઘરનો મુખ્ય દરવાજો અથવા ટોઇલેટ હોય તો તેના લીધે પરિવારમાં મતભેદ-ઝઘડા અને માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.

ડાઇનિંગ ટેબલ કેવું હોવું જોઇએ? 

સારા પરિણામ એટલે કે શુભ ફળ પ્રાપ્ત કરવા માટે ચોરસ આકારનું ડાઇનિંગ ટેબલ રાખવું વધારે સારું રહે છે અને તેને એવી રીતે ગોઠવવું જોઇએ કે ભોજન કરતી વખતે તમારો ચહેરો પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ રહે. પૂર્વ દિશા તરફ ચહેરો રહે તે રીતે ભોજન કરવાથી દીર્ઘાયુ થવાની શક્યતા વધારે રહે છે, જ્યારે પશ્ચિમ દિશા તરફ ચહેરો રહે તેનો અર્થ એવો થાય કે સમૃદ્ધિ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. દક્ષિણ તરફ ચહેરો રહે એ રીતે ભોજન કરવા બેસવામાં કોઇ પ્રકારનું નુકસાન નથી, પણ ઉત્તર દિશા તરફ ચહેરો રહે એ રીતે ભોજન કરવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ વાસ્તુશાસ્ત્રમાં યોગ્ય માનવામાં આવ્યું નથી.

ડાઇનિંગ રૂમની સજાવટ કેવી હોવી જોઇએ? 

ડાઇનિંગ રૂમમાં આછો અને ગમે એવો પ્રકાશ આવવાની સાથે ડાઇનિંગ રૂમની સજાવટ એવી રીતે કરેલી હોવી જોઇએ કે શાંતિથી ભોજન કરી શકાય. ટી.વી. જોતી વખતે અથવા મેગેઝિન કે ચોપડી વાંચતા વાંચતા જમવાથી ભોજન પર ધ્યાન કેન્દ્રિત રહેતું નથી. જેના પરિણામે ભોજનનો સાચો સ્વાદ ખ્યાલ નથી આવતો અને ભોજનનો યોગ્ય પ્રભાવ પણ શરીર પર નથી થતો. આથી ભોજન કરતી વખતે કાયમ ભોજન પ્રત્યે ધ્યાન આપીને અને તેનો સ્વાદ માણવો વધારે લાભકારક છે. ડાઇનિંગ રૂમમાં હકારાત્મક ઊર્જામાં વધારો થાય તે માટે તેની દીવાલો પર લાઇટ, શાંતિ પ્રદાન કરે તેવો સૌમ્ય હોવો જોઇએ. એ માટે લાઇટ બ્લૂ, ગ્રીન, ક્રીમ જેવા કલર્સ કરાવી શકો છો. તામસિક રંગો જેવા કે કાળો, ઘેરો બ્લૂ, ગ્રે અથવા બ્રાઉન રંગ બને ત્યાં સુધી પસંદ ન કરો. ડાઇનિંગ રૂમમાં વધારે પડતી સજાવટ અથવા સામાન ત્યાંના વાતાવરણને વજનદાર બનાવી દે છે. આથી ડાઇનિંગ રૂમમાં સામાન શક્ય એટલો ઓછો અને સજાવટ પણ ઓછી કરો. આ રૂમની દીવાલો પર ક્યારેય લડાઇ, શિકાર, લોહી નીકળતાં દૃશ્યો કે ઉદાસીનતા વ્યક્ત કરતાં હોય એવા પેઇન્ટિંગ્સ કે ચિત્રો ન હોવા જોઇએ. ફળ સમૃદ્ધિને વ્યક્ત કરે છે આથી ડાઇનિંગ રૂમમાં ફળ ગોઠવેલાં હોય તો તેને સુખદ અને શુભ માનવામાં આવે છે. જો ડાઇનિંગ ટેબલ પર ફ્રૂટ્સની બાસ્કેટ રાખવાનું શક્ય ન હોય તો રૂમની દીવાલો પર ફ્રૂટ્સ અથવા લહેરાતા પાકના ખેતરના પેઇન્ટિંગ્સ કે ચિત્રો લગાવી શકો છો.

 

Loading

Spread the love

Leave a Comment