અરીસો એ આપણા વ્યક્તિત્વની ઝલક દેખાડે છે. સાથે જ આપણા ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. પણ આવું ત્યારે બની શકે જ્યારે તમે તમારા ઘરનો અરીસો વાસ્તુ પ્રમાણે ગોઠવ્યો હોય. અરીસાને ઘરમાં રાખતી વખતે કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ જાણવું જરૂરી છે. અરીસો એટલે કે દર્પણ વિના તૈયાર થવું તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આપણે આખા દિવસ દરમિયાન અનેકવાર પોતાને જોવા માટે અરીસાનો ઉપયોગ કરીએ છીએ. સુંદર ફ્રેમમાં ગોઠવેલા અરીસાઓ પણ ઘરની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ અરીસા નો ઉપયોગ ફક્ત જોવા કે સજાવટ માટે જ નથી, પરંતુ ઘરની કઈ દિશામાં કેવી આકૃતિનો અરીસો લગાવ્યો છે તે પણ મહત્વનું છે. તેની આસપાસ ની ઉર્જા પર તેનો સારો એવો પ્રભાવ પડે છે. તેથી જ વાસ્તુમાં તેના યોગ્ય ઉપયોગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, કારણકે યોગ્ય દિશામાં આરીસો લગાવીને જો વાસ્તુદોષનું નિવારણ કરી શકાય તો ખોટી દિશામાં તેને લગાવ્યો હોય તો નકારાત્મક ઉર્જાના સ્તરમાં પણ વધારો થતો જોવા મળે છે. જેના કારણે સ્વાસ્થ્ય અને પૈસાને નુકસાન થઈ શકે છે. તેથી સાચી અને યોગ્ય દિશામાં અરીસો લગાવો ખૂબ જરૂરી છે.
પૂર્વ અને ઉત્તર દિશામાં લગાવો
વાસ્તુ વિજ્ઞાન મુજબ હકારાત્મક ઉર્જાનો પ્રવાહ પૂર્વ થી પશ્ચિમની તરફ અને ઉત્તરથી દક્ષિણ તરફ રહે છે. તેથી અરીસાને હંમેશા પૂર્વ અને ઉત્તર તરફની દીવાલો પર જ લગાવવો જોઈએ. જેથી જોનારનો ચહેરો પૂર્વ અથવા ઉત્તર તરફ રહે. આ દિશામાં અરીસો લગાવવાથી જીવનમાં પ્રગતિ અને ધનલાભની તક માં વધારો થાય છે. પશ્ચિમ કે દક્ષિણ દિશામાં દીવાલો પર લગાવવામાં આવેલો અરીસો પૂર્વ અને ઉત્તર થી આવતી હકારાત્મક ઊર્જાઓને રિફ્લેક્ટ કરે છે.
બેડરૂમમાં ન લગાવવો
બેડરૂમમાં અરીસો લગાવવો જોઈએ નહીં. આવું કરવાથી દાંપત્યજીવનમાં અવિશ્વાસ ઉભો થાય છે. સાથે જ પતિ-પત્ની વચ્ચે મતભેદ પણ વધે છે. ઉપરાંત પતિ કે પત્નીને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોનો સામનો પણ કરવો પડે છે. સાથે જ બંનેને દિવસ દરમિયાન થાક અને આળસનો અનુભવ થતો રહે છે. જો ડ્રેસીંગ ટેબલ રાખવું જરૂરી હોય, તો તેની એવી રીતે ગોઠવણી કરવી કે સૂતી વખતે વ્યક્તિનું પ્રતિબિંબ અરીસામાં દેખાય નહીં અથવા તો સૂતા પહેલા અરીસાને ઢાંકી દેવો જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યાં અરીસો લગાવ્યો હોય, તેમાં નકારાત્મક પ્રભાવ વધારનારી વસ્તુઓનું પ્રતિબિંબ પડવું જોઈએ નહીં.
બાથરૂમમાં ધ્યાન રાખો
ચહેરો ધોયા પછી કે નહાયા પછી લોકો પોતાને જોવા માટે બાથરૂમમાં પણ અરીસો રાખે છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ બાથરૂમમાં અરીસો લગાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દરવાજો અરીસાની સામે ન હોવો જોઈએ. અરીસા નું કામ રિફ્લેક્ટ કરવાનું હોય છે. જ્યારે આપણે બાથરૂમમાં જઈએ ત્યારે આપણી સાથે હકારાત્મક અને નકારાત્મક ઉર્જા બંને બાથરૂમમાં પ્રવેશે છે. જ્યારે આપણે સૂઈને ઊઠીયે છીએ ત્યારે નકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધારે હોય છે. દરવાજાની સામે જ અરીસો હોવાના કારણે આપણી સાથે જે પણ ઉર્જા બાથરૂમમાં પ્રવેશે તે ઘરમાં પાછી ફેંકાય છે. તેથી નકારાત્મક પ્રવાહ દૂર કરવા માટે બાથરૂમમાં અરીસો એ રીતે લગાવવો જોઈએ, જેથી તેનું રિફ્લેક્શન બાથરૂમની બહાર જઈ શકે નહીં.
આ બાબતોનું ધ્યાન રાખો
સ્પષ્ટ દેખાય તેઓ અરીસો લગાવો. ઝાંખા અરીસા અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે. તે જેટલો હળવો અને મોટો હશે તેની અસર એટલી સારી હશે. શુભ ફળમાં વૃદ્ધિ માટે દિવાલ પર લંબચોરસ, ચોરસ અથવા અષ્ટકોણ અરીસો લગાવવાનો પ્રયત્ન કરો.