આજનો સમાજ દરેક બંધને સાચી રીતે નહીં પણ ખોટી રીતે જ જોતો હોય છે. બે સગા ભાઇ-બહેન પણ સાથે જતા હોય તો અજાણ્યા લોકો તેમને સારી દ્રષ્ટીથી જોતા નથી. ખરેખર તો આ સંબંધની નહીં પણ વિજાતીય વ્યક્તિની વાત છે. જો બે સગા વિજાતીય સંબંધને પણ લોકો સારી રીતે જોઇ ન શકતા હોય તો જ્યારે બે વિજાતીય વ્યક્તિ સારા મિત્રો બને તો તેમને તો સ્વીકારવાની વાત જ વિચારી શકાય નહીં. એક ફિલ્મનો ડાયલોગ છે કે, ‘એક લડકા ઔર લડકી કભી દોસ્ત નહીં હોતે,’. આ જ ડાયલોગને લોકો મનમાં વસાવીને ચાલે છે. વિજાતીય મિત્રતા એ માત્રને માત્ર પ્રેમ નથી, આકર્ષણ નથી કે વેવલાપણું નથી, એ સમજ દરેક સામાન્ય વ્યક્તિઓને હોવી જરૂરી છે.

આજે જે પ્રમાણે યુગ આગળ વધી રહ્યો છે ત્યારે આજના યુગમાં જેમ છોકરા છોકરીઓ મિત્ર બની શકે છે. તે જ પ્રમાણે છોકરા-છોકરી વચ્ચે નિર્દોષ મિત્રતા થઈ શકે છે. તે વિષયને કે સંબંધને ક્યારેય વધારે ગંભીર રીતે લેવો જોઇએ નહીં. ફક્ત સમાજે જ નહીં આ સંબંધમાં બંધાયેલા બે વિજાતીય વ્યક્તિએ પણ પોતાની મિત્રતાને પવિત્ર સંબંધની દ્રષ્ટિએ જાળવી રાખવો જોઇએ. આજે આવા મિત્રોમાં એકબીજાને મદદ કરવાની ભાવના હોય, આનંદથી સારી રીતે સમય પસાર કરવાની ભાવના હોય તો છોકરા-છોકરી સારા મિત્રો બની શકે છે. આવા છોકરા-છોકરીએ મિત્રતાને જ પ્રાધાન્ય આપવાનું હોય છે અને એકબીજાને છોકરા-છોકરી કે સ્ત્રી-પુરુષ તરીકે જોવાને બદલે માનવ તરીકે જોવાના હોય છે. જ્યારે સ્ત્રી-પુરુષ એકબીજાને માનવ તરીકે જોતા શીખે છે ત્યારે સાચા મિત્રો બની શકે છે. આમા કોઈ અંગત સ્વાર્થ કે વૃત્તિ હોતી નથી. વ્યક્તિએ પોતાના અભિગમને બદલવો પડતો હોય છે.

ઘણા સ્ત્રી-પુરુષો અથવા છોકરા-છોકરીઓ કે જેમની મિત્રતા સમાજની નજરે એક પાપ છે તેનાથી ડરે છે અને સમાજમાં બદનામ થશે એવું વિચારે છે. આપણો યુગ એકવીસમી સદી તરફ જઈ રહ્યો છે. પરંતુ આપણે એ જ દેશમાં જન્મ્યા છીએ જ્યાં સીતાની પણ તેના પતિ રામે અગ્નિ પરીક્ષા કરી હતી. પરિણામે સમાજથી ડરીને સમાજ સ્વીકારે તેવા નામ આપવાનું શરૂ કરે છે. એક યુવક-યુવતી કે સ્ત્રી-પુરુષ પોતાની વચ્ચે રહેલી મિત્રતાને નિખાલસતાપૂર્વક પોતે પણ સ્વીકારી શકતા નથી. તેથી તેનો સૌથી હાથવગો સંબંધ “ધર્મના ભાઈ-બહેન.” લોકો સમક્ષ બનાવીને રજૂ કરી દે છે. સમાજની બીકે આવા સંબંધોમાં વધારો થવા લાગે છે. આને કારણે જ સમાજમાં રહેતી વ્યક્તિ જે વિજાતિય તત્વ ધરાવે છે તે પોતાની વચ્ચેની મિત્રતાને ભાઈ-બહેનના સંબંધોનું નામ આપવા પર મજબૂર બની જતી હોય છે. એક મિત્ર તરીકે પોતાના સાચા મિત્રની ઓળખ કરાવવામાં પણ સંકોચ અને શરમ આવતી હોય છે.

સંબંધ સાચો અને નિર્દોષ હોય ત્યારે મિત્રતાને આવા સંબંધોનું નામ આપવું તે વ્યક્તિની નિર્બળતા સૂચવે છે. સમાજથી ડરી સાચી, શુદ્ધ મિત્રતાને શા માટે ખોટા નામ આપતા ? સ્ત્રી-પુરુષ વચ્ચેની કે છોકરા-છોકરી વચ્ચેની દોસ્તીના પણ અનેકરૂપ હોય છે. જે મિત્રતામાં વ્યવહાર અને ફાયદા -ગેરફાયદાનું ગણિત છે. ત્યાં ભીની દોસ્તી બનતી નથી, કોરા સંબંધો બને છે. દોસ્તીમાં સ્ત્રી-પુરુષના બંનેના પલ્લા સરખા જ હોવા જરૂરી નથી, તેમાં તમે વધારે આપો છો અને ઓછુ પ્રાપ્ત કરો છો અને ખુશ છો. વળી, વિજાતીય મૈત્રી ઘણી વખત મૈત્રી મટીને કંઈક આગળ પણ પગથિયા ચઢતી જોવા મળે છે. વિજાતીય વ્યક્તિ એક બીજાના સાથ માટે શા માટે આકર્ષાય છે ? તેમાં  પણ અનેક કારણો મળી આવે છે. કોઈને વ્યક્તિની હૂંફ, લાગણી, પ્રોત્સાહન સાથ-સહકાર, ટેકો વગેરેની જરૂર પડે તો પણ વિજાતીય મિત્રતા હોઈ શકે છે. તો ક્યારેક આકર્ષણ પણ આ મિત્રતા વચ્ચેનું કારણ બનતી હોય છે. આ પ્રશ્નનો ઉત્તર કદાચ વ્યવસ્થિત રીતે સમજાવી શકાય નહીં. કોઈ વ્યક્તિને એટલે કે બે વિજાતીય વ્યક્તિને વારાફરતી પૂછવામાં આવે છે કે તમે તમારા મિત્ર સાથે, જે પેટ છૂટી વાત કરો છો કે મજાક કરો છો, તે જ તમારા સગા-ભાઈ-બહેન સાથે કરો છો ?” તો તેનો જવાબ “ના”મા હશે. આમ, વિજાતીય મિત્રતા માટે વ્યક્તિએ થોડા નીડર બનવાની જરૂર છે. જે સંબંધમાં કોઈ પાપ નથી, અધર્મ નથી, અનીતિ નથી અને નિખાલસતા હોય ત્યાં સમાજનો ડર તમારે પોતે જ નીડર બનીને કરવાનો રહે છે.

સમાજમાં રહીને, સમાજથી ડરીને બે વિજાતીય મૈત્રીવાળી વ્યક્તિ પોતાના જ સંબંધોને સમાજે આપેલા નામે પણ સ્વીકારવાની તૈયારી બતાવે છે. આ અર્થને કોઈ સમજી શકતું નથી. અને પરિણામે મૈત્રીમાંથી એક ડગલું આગળ વધી તેઓ “પ્રેમ” નામનું પગથિયું ચડે છે. અને આજ રીતે એક પછી એક પગથિયા ચઢતા જોવા મળે છે. આ પગથિયા પર ચાલતી બે વિજાતીય વ્યક્તિઓ વચ્ચે ક્યાં તો સાચી મિત્રતાનો ભાવ પ્રગટતો જોવા મળે છે અથવા તો તેમની વચ્ચે વિજાતીય આકર્ષણ ટપકતુ નિહાળી શકાય છે. આવા સંબંધોની સીમારેખા ક્યાં છે અને કેટલી છે ? તે સમજી શકાતું નથી.

સ્ત્રી અને પુરુષ એ સમાજનાં બે મહત્ત્વના પાસાં છે. સિક્કાની બે બાજુ છે. એકબીજા વગર બંને અધૂરા છે. પરંતુ વિજાતીય મૈત્રીમાં સંબંધોને ઘણા બધા નામ આપી શકાય છે. એ સંબંધ પતિ-પત્ની વચ્ચેનો હોય શકે છે, ક્યાં તો એ સંબંધ પિતા-પુત્રી વચ્ચેનો અને પ્રેમી-પ્રેમિકા વચ્ચેનો પણ હોય શકે છે. અને ક્યારેક બે સાચા મિત્રો વચ્ચે પણ સુંવાળો સંબંધ હોય છે. જેને માત્ર મૈત્રીનું જ નામ આપી શકાય. આ બધા સંબંધની સીમારેખા ક્યાં છે? આને કોઈ શોધી શકતું નથી અને તેને શોધી શકાતું પણ નથી.

આજે સમાજની જે પરિસ્થિતી છે, તે મુજબ કોઇપણ વ્યક્તિ વિજાતીય સંબંધ અને તેમાં પણ તેમની વચ્ચે મિત્રતાનો સંબંધ ક્યારેય સ્વિકારી શકતા નથી.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment