હવે હિન્દી ફિલ્મોમાં વિદેશી કલાકારોની અને તેમાં પણ હિરોઇનોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. જોકે પરદેશી હિરોઇનોને બોલિવૂડમાં સૌથી વધારે તકલીફ ભાષાને લઇને થતી હોય છે. જોકે તેમને પોતાની ડબિંગ બીજા પાસે કરાવવાનો વિકલ્પ છે, તેમ છતાંય તેઓ પોતે પણ હિન્દી શીખવાનો પ્રયાસ કરતા હોય છે. ચાલો જાણીયે કે કોણ શીખવે છે હિન્દી અને કેવા ચાલે છે હિન્દીના ક્લાસીસ.

કેટલાક અપવાદોને છોડી દઇએ તો બોલિવૂડમાં આવતા પહેલા કે તે પછી મોટાભાગની હિરોઇનો પોતાની હિન્દી ભાષા પર ખાસ ધ્યાન આપતી હોય છે. જોકે ભારતીય હિરોઇનોને તો આ બાબતમાં વધારે પડતી મુશ્કેલીઓ નડતી નથી. દક્ષિણ ભારતમાંથી આવતી હિરોઇનો પણ મોડામાં મોડા હિન્દી તો શીખી જ લે છે. સૌથી વધારે તકલીફ તો વિદેશી હિરોઇનોને થતી જોવા મળે છે. તેવામાં હિન્દી ટીચરની મદદથી અને સહયોગી કલાકારની મદદથી તેઓ હિન્દી શીખવાનો પ્રયત્ન કરે છે. તેમાં સૌથી પહેલું નામ હેલનનું આવે છે. આજે હેલનજી સંપૂર્ણ રીતે હિન્દી ફિલ્મો માટે જ છે પણ એક સમય એવો હતો કે બર્મામાં જન્મેલા હેલનજીનું હિન્દીનું જ્ઞાન શૂન્ય હતું. તે પોતે પણ કબૂલે છે કે, “તેમણે શરૂઆતમાં હિન્દીના એક નિષ્ણાંત પંડીતજીની મદદ લીધી હતી. તે પછી મારા સાથી કલાકારોએ શીખવાડ્યું કે હિન્દી ભાષા શીખવી ખૂબ જ સરળ કામ છે. તેના માટે ફક્ત તેમણે સામાન્ય વાતચિત પ્રત્યે સ્પષ્ટ ધ્યાન આપવાનું રહેશે. મને તે પદ્ધતિ વધારે યોગ્ય લાગી અને થોડા જ સમયમાં મેં ટૂટી ફૂટી હિન્દી બોલવાનું શરૂ કરી દીધુ. તે સમયે હું હિન્દી શીખવા માટે હિન્દીભાષી લોકો સાથે હિન્દીમાં જ વાત કરતી હતી.”

બીજી વાત કરીયે તો ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે હિન્દી પ્રેમી ગણાતા અમિતાભ બચ્ચનની વહૂ ઐશ્વર્યા રાય બચ્ચન સંભવ હોય તો જ હિન્દીમાં વાતચિત કરવાનું પસંદ કરે છે. પોતાની ગ્લોબલ ઇમેજને જાળવી રાખવા માટે તે મોટાભાગે અંગ્રેજીમાં જ વાત કરે છે. તેમના સંવાદો પણ રોમનમાં લખાયેલા જોવા મળે છે. ઐશ્વર્યા તેના ખાસ અંદાજમાં તેની સ્પષ્ટતા કરે છે કે, “ મોટાભાગે બધુ કાર્ય અંગ્રેજીમાં થાય છે, તેથી હિન્દીનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. નહીંતર જ્યાં જરૂર હોય ત્યાં હું હિન્દીમાં જ વાત કરું છું. પા(અમિતાભ) સાથે મારી મોટાભાગની વાતચિત હિન્દીમાં જ થાય છે. ”

મરાઠી પણ શીખી લીધી

ફક્ત કૈટરીના જ નહીં પણ જૈકલિન ફર્નાન્ડિસ, યાના ગુપ્તા, સની લિઓની, નરગીસ ફખરી, એમી જેક્શન વગેરેના મનમા રહેલો સંકોચ થોડો સમય રહીને દૂર થાય છે. સની લિઓનીને તેની હિન્દી ભાષા વિશે પૂછો તો તેનો જવાબ ખૂબ જ રસપ્રદ હોય છે, “ શરૂઆતમાં મેં વાંચી વાંચીને જીસ્મ-2ની આખી સ્ક્રિપ્ટને યાદ કરી લીધી હતી. તે પછી હું મારી બધી જ હિન્દી ફિલ્મોની સ્ક્રિપ્ટને તે રીતે જ વાંચુ છું. મારી વાતચિતમાં અંગ્રેજી લહેકો વધારે જોવા મળે છે. તે કદાચ ક્યારેય સુધરશે નહીં. તેનો મને અફસોસ છે. હું એક્ટીંગમાં એટલી વ્યસ્ત હતી કે હિન્દી ભાષા શીખવા માટેનો વિચાર આવ્યો જ નહોતો. જે પણ કલાકારે મારી ડબીંગ કરી છે, તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે. જોકે હું હાર માનું તેમાની નથી. અમેરીકા જઇને હું મારા હિન્દી શીખવાના ક્લાસીસ ફરીથી શરૂ કરવાની છું.”

હિન્દી ભાષા શીખવા માટે એ જ અભિનેત્રીઓ વધારે સિરિયસ હોય છે, જેમને હિન્દી ફિલ્મોમાં પોતાની કરિયર બનાવવી છે. શ્રીલંકાથી આવેલી જેકલીન ફર્નાન્ડિસ કહે છે, “ હિન્દીની સાથે જ રીતેશ દેશમુખની મદદથી મેં મરાઠી ભાષા પણ શીખી લીધી છે. હું ઘણીવાર મરાઠી ભાષી લોકો સાથે મરાઠીમાં જ વાત કરું છું. હિન્દી ભાષા વિશે હું ખૂબ જ  સજાગ છું. જ્યારે ક્લાસ ન હોય તો હું ઇગ્લિશ ટુ હિન્દીની બુક વાંચુ છું. મારી ફિલ્મોની ડબીંગ મારે પોતે જ કરવી છે. હાઉસફુલ – 2ના શૂટીંગ દરમિયાન અક્ષયે મારી ડાયલોગ ડિલીવરીમાં ઘણો સુધારો કર્યો હતો.” કૈટરીના કૈફની હિન્દી સુધારવા માટે એક સમયે સલમાન ખાન અને પછી રણબીર કપૂરે પ્રયત્નો કર્યા હતા, તેમછતાંય કૈટની હિન્દી હજી સુધી સુધરી શકી નથી.

ક્યારેક લેખક પણ શીખવે

એક સમયે લેખક પણ હિન્દી ભાષા કલાકારોને શીખવાડવાનું કામ પાર્ટટાઇમ કરતા હતા. જૂની ફિલ્મોમાં ડાયલોગ ડિરેક્ટર તરીકે પણ એક પદ જોવા મળતું હતું. આવા ડિરેક્ટર્સે અશોક કુમાર જેવા મહાન અભિનેતાને પણ હિન્દી બોલતા શીખવાડ્યું હતું. મહેશ ભટ્ટ કહે છે, “ હવે આ કાર્ય બધા વહેંચીને કરી લે છે. સની લિઓનીના હિન્દી ભાષા પ્રત્યેના પ્રેમને જોઇને મેં પોતે તેને ઘણા હિન્દીના પાઠ શીખવાડ્યા હતા. તો પણ સંવાદોની સ્પષ્ટતા માટે સની માટે ડબીંગ કરવું પડ્યું હતું. મેં તેને વચન આપ્યું છે કે જ્યારે પણ તેની સાથે કામ કરીશ તો તે સમયે તે પોતે જ પોતાની ફિલ્મની ડબીંગ કરશે.”

જો ચર્ચાઓમાં વિશ્વાસ કરો તો નરગીસ ફખરીએ પોતાની ફિલ્મ મદ્રાસ કેફેના ડાયલોગ પોતે બોલવાનું નક્કી કર્યું હતું. તે સમયે તેના હિન્દી ભાષાના ક્લાસીસ રેગ્યુલર ચાલી રહ્યા હતા. તેમાં તેમના મિત્ર અયાન મુખર્જી પણ તેને ખૂબ મદદ કરી રહ્યા હતા.

કોણ શીખવાડે છે હિન્દી ભાષા

મુંબઇમાં અંધેરી વિસ્તારમાં આવેલા બરીસ્તા કેફેમાં ઘણીવાર હિન્દી અને ઊર્દુ ભાષાના જાણકાર જમીલ હૈદર ઘણા વર્ષોથી વિદેશી તારીકાઓને ભાષાના પાઠ ભણાવતા હોય છે. તે કહે છે કે, “હું લોકોને રોમનમાં લખીને આપું છુ અને પંદર વીસ મિનિટ સુધી તેમની સાથે હિન્દીમાં વાતચિત કરું છું. આ રીતે મેં ઘણી વિદેશી હિરોઇનોને હિન્દી ભાષા શીખવાડી છે.” જમીલ સિવાય હિન્દી ભાષા શીખવાડનાર વિકાસ કુમાર અને આનંદ જેવા અનેક ટીચર્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળે છે. તેઓ પાર્ટટાઇમ કામ કરીને હિન્દી ભાષાની તાલીમ આપે છે. આ અધ્યાપકો તેમના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સિલેબસ પણ તૈયાર કરે છે. આવા જ એક વીપી સરના ક્લાસીસ ખૂબ લોકપ્રિય છે. જરૂર હોય તો તે ઘરે જઇને પણ હિન્દી શીખવાડે છે. વીપી સર કહે છે, ‘મેં મારા બધા જ પાઠ રોમનમાં તૈયાર કરીને રાખ્યા છે. જેના અર્થ અંગ્રેજીમાં લખેલા હોય છે. પહેલા હું તેમને સલાહ આપું છું કે તેઓ ધ્યાનથી તેને બે કે ચાર વાર વાંચી લે, ત્યારપછી મારું શીખવાડવાનું શરૂ થાય છે. હું બોલચાલની ભાષાનો વધારે ઉપયોગ કરું છું. આ બધા માટે સૌથી પહેલા બોલચાલની હિન્દી શીખવી વધારે મહત્વની છે.’ આ જ રીતે આનંદ મિશ્રાના ક્લાસીસ પણ ખૂબ લોકપ્રિય છે. તેમણે 26 ટ્યુશન સેશનમાં કૈટરીના કૈફને હિન્દી બોલતા શીખવાડી દીધુ હતું. આનંદ કહે છે, ‘કૈટ ખૂબ જ સારી સ્ટુડન્ટ છે. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે તે પોતાની દરેક ફિલ્મનું ડબિંગ પોતે શા માટે કરતી નથી.’

Loading

Spread the love

Leave a Comment