આજકાલ લાઇફ એટલી દોડધામભરી બની ગઇ છે કે રોજેરોજ તો ઘરની સફાઇ કરવાનું થોડું મુશ્કેલ બની ગયું છે. તમે જોબ કરતાં હો ન કરતાં હો, પણ રોજેરોજ એટલા કામ હોય છે કે હાઉસવાઇફ હોય એને પણ રોજેરોજ ઘરની સફાઇ કરવાનો મેળ પડતો નથી. એવામાં વીકએન્ડ આવે ત્યારે ઘરની સફાઇ કેવી રીતે કરવી તે જાણીએ.
આમ તો માર્કેટમાં ઘરની સફાઇ કરવા માટે અનેક એપ્લાયન્સીસ મળે છે, પણ રોજેરોજ એનાથી ઘર સાફ કરવાનો સમય અત્યારની બિઝી લાઇફસ્ટાઇલમાં મળતો નથી. આવું હોય ત્યારે વીકએન્ડમાં આવા એપ્લાયન્સીસની મદદથી તમે સ્માર્ટ રીતે ઘરની સાફસફાઇ કરી શકો છો. એ માટે કેટલાક સ્માર્ટ ઉપાયો અહીં જણાવ્યા છે, તેનો તમે ઉપયોગ કરી શકો છો.
બેડરૂમમાં ફ્રેશનેસ અનુભવાય તે માટે તમારા બ્લેન્કેટ પર થોડો બેકિંગ સોડા ભભરાવી દો. તે પછી તેને બાલકનીમાં લઇ જઇ જોરથી ખંખેરી નાખો. આનાથી બ્લેન્કેટમાંથી આવતી સ્મેલ દૂર થઇ જશે અને તેમાંથી વધારાની ધૂળ પણ ખંખેરાઇ જશે.
ફ્રીજમાં આપણે અનેક વસ્તુઓ રાખતાં હોઇએ છીએ, જેમાંથી કેટલીક સામગ્રીનો ઉપયોગ અઠવાડિયે-દસ દિવસે એક વાર થતો હોય છે. આવી સામગ્રી તાજી રહે એ માટે એક ડબ્બીમાં થોડો બેકિંગ સોડા ભરી ફ્રીજમાં રાખી મૂકો. એનાથી ફ્રીજમાં રાખેલી તમામ વસ્તુઓ ફ્રેશ રહેશે.
આવી જ રીતે તમારા કિચનમાં રાખેલ કુકિંગ રેંજ, માઇક્રોવેવ ઓવન, ફ્રીજ વગેરેને પણ બેકિંગ સોડા ભેળવેલ પાણીમાં કપડું બોળી તેનાથી સાફ કરવાથી તેના પરની ધૂળ અને ચિકાશ દૂર થઇ જશે. કિચનના સિંકને સાફ અને ચમકદાર રાખવા બેકિંગ સોડાનો ઉપયોગ વધારે સારો રહે છે. કિચનમાં રાખેલી ડસ્ટબિનમાં તો બેકિંગ સોડા અવશ્ય નાખવો. એનાથી તેમાંથી ખરાબ સ્મેલ નહીં આવે અને તેમાં નાખેલો કચરો વધારે ખરાબ નહીં થાય. એટલું જ નહીં, ડસ્ટબિન પણ સાફ રહેશે.
દીવાલના કલર્સ અને ઘરમાં જો સીડી હોય તો એના કલર્સ તેમ જ ટાઇલ્સની ચમક જળવાઇ રહે એ માટે માર્કેટમાં મળતા ક્લીનર્સનો ઉપયોગ કરી શકો છો. આવા ક્લીનર્સને પાણીમાં નાખી તેનાથી દીવાલ કે સીડી પર કે જ્યાં ડાઘ પડ્યા હોય ત્યાં આ પાણીમાં ભીના કરેલા કપડાંને ધીરે ધીરે ગોળાકાર ઘસીને લૂછવાથી તે જોતજોતાંમાં દૂર થઇ જશે. જો ડાઘ વધારે જામી ગયા હોય તો તે જગ્યાએ થોડી વાર આવું પાણી લગાવીને તેને સુકાવા દો. તે પછી આ પાણીમાં પલાળેલા ભીના કપડાંથી લૂછો. ડાઘ દૂર થઇ જશે.
આમ, થોડી સ્માર્ટનેસ અને માર્કેટમાં મળતા કેટલાક એપ્લાયન્સીસની મદદથી વીકએન્ડમાં તમે ઝડપથી ઘરની સફાઇ કરવાની સાથે ઘરને ચમકતું રાખી શકશો.