જે દિવસ જીવનમાં ખાસ હોય તેની રાહ હંમેશા જોવાતી હોય છે. ફેબ્રુઆરી મહિનાની 14 તારીખની રાહ દરેક પ્રેમ કરનાર વ્યક્તિ જોતી હોય છે. આ દિવસ તે લોકો માટે ખાસ હોય છે, જે એકબીજાને પ્રેમ કરતા હોય છે અને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે ઘણા સમયથી રાહ જોતા હોય છે. જોકે પ્રેમ એક ખૂબ જ સુંદર અનુભવ છે, જે ખરેખરા અર્થમાં લોકોનું જીવન બદલી દે છે. આ પ્રેમના દિવસને વધારે યાદગાર બનાવવા માટે ખાસ પ્રકારના આઉટફીટ પણ યુવતીઓ પસંદ કરતી હોય છે.
ફેશન મુજબના અને સૌથી સુંદર અને અલગ દેખાવાની હોડમાં યુવતીઓ કંઇક જૂદા જ પ્રકારના આઉટફીટ આ ખાસ દિવસ માટે પસંદ કરે છે. જોકે હવે તો બદલાતા સમય સાથે પ્રેમના આઉટફીટની ડિઝાઇન્સ જ નહીં પણ રંગો પણ બદલાયા છે. તો પહેલા આપણે કેવા પ્રકારના આઉટફીટ વધારે પસંદગીમાં છે, તે જોઇએ.
ડિઝાઇનર જીજ્ઞા જણાવે છે કે આ વખતે યંગ ગર્લ્સમાં રેગ્યુલર ડ્રેસીસ, વધારે ફ્રીલવાળા અને લેયર્ડ ડ્રેસીસ વધારે પોપ્યુલર રહેશે. તે સિવાય વોટરફોલ સ્રગ અને સેમી વિન્ટર સ્રગ પણ વધારે લોકપ્રિય છે. જે જીન્સ-ટોપ કે શોર્ટ કે લોન્ગ ફ્રોક સાથે પહેરી શકાય છે. આ વખતે ફક્ત રેડ કલર જ નહીં પણ ચેરી રેડ પણ લોકો વધારે પસંદ કરી રહ્યા છે. હવે તો વેલેન્ટાઇનની ખાસ પાર્ટી અને ડેય્ઝ હોય છે, તો તે માટે ખાસ પ્રકારના આઉટફીટ મળે છે. હવે સ્કેટર ડ્રેસીસ યુવતીઓ વધારે પસંદ કરે છે, તેમાં પણ પોન્ટ નીટ સ્કેટર ડ્રેસ, બેન્ડેજ સ્કેટર ડ્રેસ વધારે ઇન છે. ઉપરાંત શોર્ટ અને લોન્ગ ફ્રોકમાં એમ્બ્રોડરી બોડીક શેથ પણ પસંદગીમાં રહે છે. સાથે વન શોલ્ડર બોડી કોન, લેસ સ્કેવર બસ્ટ મીડી ડ્રેસ, કેઝ્યુઅલ લેસ ડ્રેસ, વન શોલ્ડર પ્રોમ ડ્રેસીસ, હાઇનેક લેસ ડ્પેસ, લોન્ગ સ્લીવ અને મેક્સી ડ્રેસ હંમેશા અગ્રેસર જોવા મળે છે. કેઝ્યુઅલ કોકટેલ પાર્ટી ડ્રેસ તો ફોરેવર ઇન છે. તો વળી, શોર્ટ ફ્રોક અને બેલ્ટ ફ્રોક પણ યુવતીઓ ખાસ પસંદ કરે છે.
જોકે રેડ કલર આ દિવસ માટે ખાસ ગણાતો હોય છે. તેથી યુવતીઓ પોતાના કોઇપણ પ્રકારના આઉટફીટમાં આ રંગને પહેલી પસંદગી આપે છે. આ વખતે રેડની સાથે ચેરી રેડની પણ વધારે ડિમાન્ડ છે. તેના ક્રોપ ટોપ્સ, ફ્રોક, પાર્ટી ગાઉન, ટી શટ્સ, મેક્સી, ઓફ શોલ્ડર ફ્રોક પણ વધારે ડિમાન્ડમાં છે.
હવે સમય થોડો બદલાયો છે. ફક્ત વેલેન્ટાઇનનો એક દિવસ જ સેલિબ્રેટ કરવામાં આવતો નથી, પણ આખુ અઠવાડિયું જૂદા જૂદા ડેય્ઝથી સેલિબ્રેટ કરવામાં આવે છે. તેમાં હવે કલર પ્રમાણે તમારા દિલની વાત પણ દર્શાવવામાં આવે છે. તમે જે કલરનો ડ્રેસ પહેર્યો હોય, તેના પરથી સામેવાળી વ્યક્તિ તમારા દિલની વાત સમજી જાય છે. જેને આજના સમયમાં ખાસ વેલેન્ટાઇન કોડ તરીકે ઓળખવામાં આવે છે. તમે જે કલરનો ડ્રેસ પહેરીને આવ્યા હો તેના પરથી પ્રેમી કે પ્રેમિકા તમારા મનની વાતને સમજી લે છે. તેથી જ હવે કલર કોડ ડ્રેસની પ્રથા પણ વધારે પ્રચલિત બની રહી છે.
વેલેન્ટાઇન ડે ની દરેકને ખૂબ રાહ હોય છે. તેમાં પણ જે લોકો પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી શકતા નથી તેના માટે કલર કોડ ડ્રેસીસ સૌથી સરળ માધ્યમ બની ગયું છે. તમારા પ્રેમને રજૂ કરવાની સૌથી સરળ પદ્ધતિ કલર કોડ છે. જો તમે કોઇ યુવકને પસંદ કરો છો, તો ગુલાબી કલરના આઉટફીટ પહેરીને તેની તરફ ઇશારો કરી શકો છો કે તમે તેને પસંદ કરો છો અને શું તે હંમેશા માટે તમારો વેલેન્ટાઇન બનવા તૈયાર છે. જો તમે પહેલેથી જ કોઇની સાથે રીલેશનમાં છો તો વેલેન્ટાઇન ડે પર કેસરી કલરના આઉટફીટ પહેરીને જણાવી શકો છો, કે કોઇ તમને પ્રપોઝ ન કરે. લોકો તમારા ડ્રેસ કોડ કલરને જોઇને સમજી જશે અને તમારી પાસે કોઇ આવશે નહીં. જો તમે કોઇને મનમાં ને મનમાં પ્રેમ કરતા હો પણ તમને કહેવાની હિંમત ન હોય તો વાદળી રંગના આઉટફીટ પહેરો. તેનો અર્થ થાય છે કે તમે કોઇ સંબંધમાં જોડાવા ઇચ્છો છો અને જે વ્યક્તિ તમને પ્રેમ કરતી હશે તે તમને જરૂરથી પ્રપોઝ કરશે.
ઘણા લોકો એવા હોય છે કે પ્રેમ નામના શબ્દથી જ દૂર ભાગવા ઇચ્છતા હોય છે. તેમને કોઇ પ્રપોઝ પણ કરી દે તો ઉદાસ થઇ જતા હોય છે. તો તેના માટે તેમણે કાળા કલરના આઉટફીટ પહેરવા જોઇએ. જેથી લોકો સમજી જશે કે તમને કોઇપણ પ્રકારના સંબંધમાં રસ નથી. પ્રેમમાં દગો મળે તે સામાન્ય બાબત છે. જો તમે લોકોને તે દર્શાવવા માગો છો, તો પીળા રંગના આઉટફીટ પહેરી શકો છો. હવે તમે વેલેન્ટાઇન ડેના કલર કોડ શું છે, તે જોઇ લઇએ.
ગુલાબી – પ્રેમનો પ્રસ્તાવ મૂકવા જઇ રહ્યા છો.
કેસરી – પહેલેથી જ પ્રેમમાં છો.
વાદળી – પ્રેમ માટે આવકાર છે.
કાળો – કોઇપણ સંબંધમાં રુચી નથી.
પીળો – પ્રેમમાં દગો મળેલો છે.
લીલો – પ્રેમનો સ્વીકાર કરી ચૂક્યા છે.
લાલ – પહેલેથી જ પ્રેમમાં છે.
સફેદ – પ્રેમમાં છે પણ અને નથી પણ.
મેધા પંડ્યા ભટ્ટ