ઘરમાં યોગ્ય અને વ્યવસ્થિત વોર્ડરોબ હોય તો તે પણ ઘરની શોભામાં વધારો કરે છે. અવ્યવસ્થિત રીતે અને વિખરાયેલા કપડાં જોઇને જ ખબર પડી જતી હોય છે કે તમે તમારી કપડાંની ગોઠવણીમાં કેટલી બેકાળજી ધરાવો છો. જો આપણા કપડાં પણ બોલી શકતા હોત તો તે પણ ચીસો પાડીને જરૂરથી કહેતા હોત કે તેમને પણ ઘરની અન્ય વસ્તુઓની જેમ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે. ઘણા લોકો વોર્ડરોબમાં એટલી બધી અવ્યવસ્થિત રીતે રાખે કે છે કે ઘણીવાર ખબર જ પડતી નથી કે તેમાં ક્યા કપડાં ક્યાં મુક્યા છે. પહેરવા લાયક કપડાં હોવા છતાંય ઘણીવાર કપડા શોધવા માટે સમય લાગતો હોય છે. તેનું કારણ એ છે કે તમારા કપડાં તમારા વોર્ડરોબમાં વ્યવસ્થિત હોતા જ નથી. ઉપરાંત વોર્ડરોબને વ્યવસ્થિત કઇ રીતે રાખવું અને તેમાં રહેલા તમારા કપડાંની કઇ રીતે જાળવણી કરવી તે જોઇએ.
તમારા વોર્ડરોબમાં કેટલાક એવા કપડાં પણ હશે જેને તમારે ભેજથી બચાવવાના હોય છે, તો તેવા કપડાંના પ્લાસ્ટિકની ઝીપબેગમાં રાખી શકો છો. તે સિવાય આ પ્રકારના કપડાંને જૂના તકીયાના કવરની ખોળમાં લવીંગ કે લવન્ડરની સુગંધવાળી ટીકડી મૂકીને પણ રાખી શકાય છે. સિલ્કની સાડી, કુર્તા અને જરીવાળી સાડીઓ આવા જ કપડામાં હોય છે. જેનો ઉપયોગ કર્યા પછી તરત જ વ્યવસ્થિત રીતે રાખવા જોઇએ.
નેપ્થેલિન બોલને કપડાંની વચ્ચે ખુલ્લા ક્યારેય રાખવા નહીં. તેને કોઇ કોટનના કપડાંમાં લપેટીને મૂકો. મેથી, લવંગ, જાયફળ જેવા મસાલા અને લીમડાના પાનને પણ કપડાંમાં જીવાત ન લાગે તે માટે મૂકી શકાય છે. કપડાં સ્વચ્છ અને ધોવાયેલા હોવા જોઇએ કારણકે કપડાં જો મેલા હશે તો તેમાં ગમે તેટલી સાવધાની રાખીશું તો પણ જીવાત લાગશે.
તમારા વોર્ડરોબમાં તમે ઘમીવાર અનુમાન કર્યું હશે કે સૌથી વધારે તકલીફ જગ્યાની જ ઊભી થતી હોય છે. તેવામાં હેંગર તમને સૌથી વધારે ઉપયોગી બનશે. તેમાં પણ વધારે સજાવટ અને શોભા વધારે તેવા હેંગરની પસંદગી કરવા કરતા સાદા પ્લાસ્ટિક કે સ્ટીલના હેંગર લેવા વધારે યોગ્ય રહેશે. જેના કારણે હેંગરથી પણ વોર્ડરોબ ભરેલું હોય તેવું વધારે લાગે નહીં. હેંગરનો ઉપયોગ કરવાના કારણે તમારો કબાટ અને ગોઠવણ વધારે વ્યવસ્થિત લાગે છે. તેનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકો છો. એક હેંગર પર એક જ કપડાંની જોડી ટાંગવી. બે કે ત્રણ ટાંગી દેશો તો સૌથી પહેલા રાખેલ કપડાં ધ્યાનમાં રહેશે નહીં.
જે કપડાંનો ઉપયોગ વધારે પ્રમાણમાં પહેરવામાં કરતા હો તો તેને મિક્સ એન્ડ મેચ કરીને તે રીતે ગોઠવણી કરી શકાય છે. તે તમારો સમય બચાવશે. જો તમે ઇચ્છો તો કબાટને કપડાના પ્રમાણે પણ ગોઠવી શકો છો.
વોર્ડરોબમાં બૂટ-ચંપલ અને જૂના કપડાં માટે અલગથી જગ્યા રાખો. જે જગ્યાએ તેને રાખો ત્યાં ફ્રેશનર કે સ્પ્રે જરૂરથી છાંટો. તેના કારણે જ્યારે પણ વોર્ડરોબ ખોલશો તો તમને તેની દુર્ગંધ આવશે નહીં. મોટાભાગના લોકો પોતાના સારા કપડાંમાંથી ફક્તને ફક્ત વીસ ટકા કપડાંનો જ ઉપયોગ કરતા હોય છે. બાકીના કપડાં ફક્ત કબાટની શોભા વધારવામાં ઉપયોગી બની રહે છે. તેમાંથી બચવા માટે કપડાંને થોડા થોડા સમયે જોતા રહો. જેને રીપેરીંગની જરૂર હોય તેને સુધારી દો અને કબાટની બહાર કાઢવાના હોય તેને તરત જ બહાર કાઢી લો.
ખાસ બાબતને ધ્યાનમાં રાખી શકો છો કે તમારી મમ્મી કે દાદી-નાનીના જૂના કપડાંને કાઢી રાખો. તેમના સ્કાર્ફ, બેલબોટમ અને ટૂંકા કુર્તા, ક્લાસિક શાલ જે તેમના વોર્ડરોબમાંથી બહાર નીકળી ગઇ છે, તેને તમારા વોર્ડરોબમાં જગ્યા આપી દો. જૂની ફેશન ફરી ફરીને પાછી આવતી જ રહેતી હોય છે. ક્રાફ્ટની વસ્તુઓ જેવીકે જામાવર શાલ, બ્રોકેટ બોર્ડરર્સ અથવા તો એમ્રોડરી કરેલી કુર્તીઓ તમારા વોર્ડરોબને શાનદાર બનાવી દેશે. જૂની વસ્તુઓની સાથે તમને પણ નવું લુક મળી જશે.
તો હવે તમારા ઘરની સજાવટનો ભાગ ગણાતા વોર્ડરોબને તમે કેવી રીતે સજાવો છો અને કેવી રીતે સાચવો છો, તે હવે તમારા પર છે. આજે જ તેના તરફ નજર નાખીને નક્કી કરી લો કે તેની સજાવટ તમે કઇ રીતે કરવા જઇ રહ્યા છો.

Loading

Spread the love

Leave a Comment