મહાભારત સિરિયલ ખૂબ લોકપ્રિય ગણાય છે અને દૂરદર્શન પર પ્રસિદ્ધ થયા બાદ હવે ફરીથી તે કલર્સ ચેનલ પર જોવા મળી રહી છે. તે સમયે તો ખરી જ પણ અત્યારના સમયમાં પણ લોકો તેને જોવાનું પસંદ કરી રહ્યા છે. તે સમયે આ એપિક સિરિયલે ઇતિહાસ રચ્યો હતો. આ શોનું લોકપ્રિયતા આજે પણ અકબંધ છે ત્યારે તેના કલાકારોને તેનો વિશેષ આનંદ છે. આ સિરિયલમાં લોકપ્રિયતા મેળવનાર અને શકુની મામાનું પાત્ર ભજવનાર ગૂફી પેન્ટલ સાથે થયેલી વાતચિત.
— મહાભારત ફરી એક વાર અત્યંત લોકપ્રિય થઇ રહ્યું છે. તેની લોકપ્રિયતા પાછળનું કારણ આપમા મતે શું છે?
મહાભારત કલર્સ પર પાછું આવ્યું તેનો મને બેહદ આનંદ છે. મેં કલર્સની એક બીજી રસપ્રદ સિરિયલ કર્મફળ દાતા શનિમાં પણ વિશ્વકર્માનો રોલ કર્યો છે. મને લાગે છે કે પૌરાણિક કથાઓના શો જીવનના સારા સંદેશા મેળવવા માટેનો બેસ્ટ રસ્તો છે અને લોકડાઉન દરમિયાન આપણને પ્રોત્સાહન પણ આપશે.
— આ શો સાથેની આપની કોઈ વિશેષ સ્મૃતિ તમે જણાવી શકો?
એસીના દસકાના અંત ભાગમાં જ્યારે મહાભારત પ્રસારિત કરાયું હતું ત્યારે મહાભારતના ચાહકો તરફથી મને હજારો પત્રો મળતા હતાં. મને યાદ છે એક પત્ર એક સજ્જનનો હતો, જેમણે મને ધમકી આપી હતી અને કહ્યું હતું કે મારે શેતાની કામો બંધ કરવા નહીતર તેઓ મારા પગ તોડી નાખશે! એ દિવસોની ખાસ વાત એ હતી કે લોકો ખૂબ નિર્દોષ હતાં અને હું સાચેસાચ શકુની મામા છું એવું માનતા હતાં! મારા ચરિત્રને લીધે લોકો મને ધિક્કારતા હતાં. કોઈ એક ખાસ સ્મૃતિ તારવવી એ તો મુશ્કેલ છે, કારણ કે આ કાસ્ટ સાથે કામ કરવામાં આશ્ચર્યજનક સ્મૃતિઓ વણાયેલી છે. એ બધી જીવનની સ્મૃતિઓનો ખજાનો છે. જે કોઇપણ કલાકાર ભૂલી શકશે નહીં. સિરિયલે અને તેની સાથે જોડાયેલા કલાકારોએ ઇતિહાસ રચ્યો હતો તેમ કહું તો ખોટું નથી.
— તમારા ચરિત્ર વિષે કઈ જણાવો. શું લોકો તમારા ચરિત્રને પસંદ કરતાં હતાં?
અમરીશજી (અમરીશ પૂરી) મોગેમ્બોના પાત્ર માટે જાણીતા હતાં. અમજદ ભાઈ ગબ્બર સિંહ માટે જાણીતા હતાં. મારા કિસ્સામાં, શકુની મામાના ચરિત્ર બદલ લોકો મને યાદ કરે છે. લોકો મને પ્રેમથી ધિક્કારે છે. શકુની મામા જાણે આ શો પર વઘાર જેવાં હતા. આપણે જાણીએ છીએ કે ‘સાદી દાળ ખાઈને મજા નથી આવતી, આપણને બધાને કોઈ ને કોઈ વઘાર, ચટપટી વાત જોઈએ છે. શકુની જેવાં પાત્રો વાર્તામાં એવા વણાયેલાં હોય છે કે તે વાર્તાનો અભિન્ન હિસ્સો બને છે. એમના વગર વાર્તા આગળ વધશે જ નહિ.
— અમને જણાવો કે તમે આમાં રોલ કેવી રીતે મેળવ્યો? તમે ધાર્યું હતું કે આ શો આવો અતિ લોકપ્રિય બની રહેશે? ઇતિહાસ રચશે?
હું ઓડિશન ડાયરેક્ટર હતો. આથી લગભગ બધા જ પાત્રો માટે મેં ઓડીશન લીધું હતું. મારા કાસ્ટિંગ ની વાત છે ત્યાં સુધી મેં મહાભારત પહેલાં આવેલી સિરિયલ ‘બહાદુર શાહ ઝફર’માં મેં લોર્ડ મેટકાફની ભૂમિકા ભજવી હતી. એમાં, અશોકકુમારે લીડીંગ રોલ કર્યો હતો અને હું એક માત્ર પ્રતીદ્વન્દ્વી હતો. એ લીડ લઈને મને શકુની તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. મને ગૌરવ મહસૂસ થયું કે મને આ પાત્ર મળ્યું. જેમાં મને અવકાશ મળ્યો અને મારી કુશળતા દર્શાવવાની તક મળી. મને એવો ખ્યાલ નહોતો જ કે આ પાત્ર ખૂબ લોકપ્રિય બનશે. મને એ પણ ખબર હતી કે આ શો ખાસ શો બનીને રહેશે. મને એ પણ ખબર હતી કે આ શો મારા માટે ખાસ બનવાનો છે કારણ કે બધા અદભૂત લોકો આ શોમાં અને ખાસ કરીને બી. આર. ચોપડા આના પર કામ કરી રહ્યા હતા.