દરેક વ્યક્તિને તેના જીવનમાં સ્પેશ જરૂર હોય છે. આપણે પોતાની વ્યક્તિનું ધ્યાન રાખીએ તે જરૂરી છે. આપણે બધા જ ઇચ્છીએ છીએ કે આપણી સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ખુશ રહે. જેના કારણે આપણે આપણા જીવન સાથે જોડાયેલી દરેક વ્યક્તિની નાનામાં નાની બાબતોને જાણવામાં પણ રસ લેતા હોઇએ છીએ. દરેક પરિસ્થિતીમાં પણ તેમની મદદ કરવા માટે તૈયાર રહીએ છીએ પણ આ પ્રકારની બાબતોમાં સંબંધોમાં અડચણો ઊભી કરવા લાગે ત્યારે મુશ્કેલી આવે છે. સંબંધ કોઇપણ હોય પણ એક વાત ક્યારેય ન ભૂલવી જોઇએ કે આપણા અતિશય પોતિકાપણા જેવા વ્યવહારથી કોઇને અસુવિધા ઊભી થતી હોય છે. તેથી આપણે ખૂબ સાવચેતીથી આપણા સંબંધમાં, વ્યવહારમાં ફેરફાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. સંબંધમાં એકબીજાને સ્પેશ ન આપીએ તેના કારણે દાંમ્પત્ય જીવનમાં પણ અનેક ખટરાગો ઊભા થતા હોય છે. જીવનના આવા જ કેટલાક કારણો અને તેને દૂર કરવાના પ્રયત્નોને સમજીએ.
પતિ-પત્નીને જોઇએ સ્પેશ
પતિ-પત્નીના સંબંધને સૌથી મહત્વનો અને નજીકનો સંબંધ માનવામાં આવે છે. બંને એકબીજા પર પોતાનો હક પણ જમાવતા હોય છે. જેના કારણે લોકો પોતાના લાઇફપાર્ટનરને લઇને ખૂબ પઝેસીવ બની જતા હોય છે. લોકો એમ જ ઇચ્છે છે કે તેમનો લાઇફપાર્ટનર હંમેશા તેમની સાથે જ રહે. પોતાના સાથી પાસેથી તેમને એક જ આશા હોય છે, કે તે પોતાના દિલની બધી જ વાતો તેમની સાથે શેર કરે. જો પતિ થોડો સમય પોતાના મિત્રો સાથે વિતાવવા માંગે કે પત્ની કોઇ નાની બાબતની ચર્ચા પતિ સાથે કરવાનું ભૂલી જાય તો બંને એકબીજાથી નારાજ થઇ જાય છે. જો તર્કની દ્રષ્ટીએ વિચારવામાં આવે તો આમા નારાજગી જેવું કંઇ જ નથી. પતિ કે પત્ની હોવા ઉપરાંત દરેક વ્યક્તિનું પોતાનું અલગ એક વ્યક્તિત્વ પણ છે. દાંમ્પત્ય સાથે જોડાયેલી જવાબદારીઓ નિભાવવા ઉપરાંત તેમને પણ મનમાં થતું હોય છે, કે થોડો સમય તે પોતાની રીતે, પોતાની પસંદગીથી પસાર કરે. જેમાં તે ફક્ત પોતાના શોખ અને રસના વિષયોને લગતા કાર્ય કરી શકે. દરેક સમયે એકબીજા સાથે પડછાયાની જેમ રહેવાની પરંપરા હવે જૂની થઇ ગઇ છે પણ છતાંય હજી કેટલાક દાંમ્પત્યજીવનમાં આવા કિસ્સાઓ જોવા મળી જાય છે. લોકો હવે પર્સનલ સ્પેસના મહત્વને સમજે છે પણ દરેક વ્યક્તિ તેને અમલમાં મૂકી શકતી નથી. લાઇફ પાર્ટનરની પસંદ-નાપસંદની બાબતમાં ક્યારેય દખલગીરી કરવી જોઇએ નહીં.
નાનપણથી એક વ્યક્તિની રુચિ, પસંદગી, સ્વભાવ અને વિચારો જે દિશામાં રહ્યા હોય, તે કોઇ અન્ય વ્યક્તિના કારણએ ક્યારેય બદલાઇ શકતા નથી. હા, કોઇ પરાણે તેનો ભોગ આપે છે, તે અલગ બાબત છે. પણ આ રીતે પોતાના જીવનમાં ઊગાડેલા બીજ જ્યારે વૃક્ષ બની જાય ત્યારે તેને જડમૂળથી દૂર કરવું ખૂબ જ અઘરું છે. તમે વૃક્ષને તો કાપી શકો છો, પણ તેના થડ અને મૂળીયા તો મનમાં જ રોપાયેલા રહે છે. પોતાના શોખ અને વિચારોને ક્યારે જડમૂળમાંથી બહાર ફેંકવા નહીં અને બીજાને પણ ફેંકવા માટે મજબૂર કરવા નહીં. વ્યક્તિના આનંદનો સાચો ખજાનો આ જ છે. જો તે જ કપાઇ જશે તો નિરસતા સિવાય જીવનમાં કશું રહેશે નહીં. પતિ-પત્નીએ એકબીજાને રોજના કેટલાક કલાક પોતપોતાની રીતે પસાર કરવાનો સમય અને સ્પેસ આપવી જોઇએ. તેનાથી તમે તમારા મનને આનંદિત રાખી શકશો.
બાળકોને પણ સ્પેશની જરૂર
કુટુંબમાં ફક્ત પતિ-પત્નીને જ નહીં પણ બાળકોને પણ પર્સનલ સ્પેશની જરૂર હોય છે. નાના બાળકોને અલગ રૂમ જોઇએ છે. તેઓ પોતાના ફ્રેન્ડસને ઘરના ડ્રોઇઁગરૂમમાં બેસાડવાના બદલે સીધા જ પોતાના રૂમમાં લઇ જતા હોય છે. જોકે બાળકોને સ્પેશ આપવાનું તમે ત્યારે જ શક્ય બને છે, જ્યારે પતિ-પત્ની એકબીજાને સ્પેસ આપતા હોય. ઓવરપ્રોટેક્શન આપતા માતા-પિતાને બાળકો પસંદ કરતા નથી. તેનાથી બાળકોના વ્યવહારમાં ચિડીયાપણુ જોવા મળે છે અને તેઓ વિરોધ કરતા શીખી જાય છે. જો બાળકોના મન પર સ્પેશ ન મળવાની ઊંડી અસર થતી હોય તો પતિ-પત્નીના મન પર તો વધારે પ્રમાણમાં થતી હશે.
વડીલો પણ ઇચ્છે છે સ્પેશ
ફક્ત યુવાનો કે બાળકો જ નહીં, હવે તો વડીલોને પણ પોતાની સ્પેશ જોઇએ છે. આપણા સામાજીક પરિવેશ પર ધ્યાન આપીએ તો વડીલો પણ તેમના અંગત જીવનને લઇને સંવેદનશીલ થવા લાગ્યા છે. જો દિકરો અને વહુ તેમની સાથે રહેવા ન આવે તો તેઓને પણ પોતાની ગૃહસ્થી છોડીને તેમની સાથે રહેવામાં વધારે રુચિ હોતી નથી. તેઓ વિચારે છે કે અમારા કારણે દિકરા કે વહુને વધારે મુશ્કેલી પડે નહીં. વડીલો પણ સ્પેશ આપવામાં અને પોતે પોતાના જીવનમાં સ્પેસ મેળવવામાં હવે વિચારતા થયા છે. અત્યારના જનરેસનની લાઇફસ્ટાઇલમાં ઘણો ફરક આવી ગયો છે. તેમાં વડિલોની સાથે રહેવાથી કદાચ જીવન જીવવામાં કેટલાકને લિમિટેશન આવી જતું હોય છે. આ વાત હવેના વડીલો સમજતા થયા છે. જોકે વડિલો એ વાત પણ સ્વીકારે છે કે દિકરો અને વહું આનંદથી રાખે છે, પણ તેમની લાઇફસ્ટાઇલ સાથે પોતે એડજસ્ટ ન થઇ શકવાના કારણે પણ તેઓ પોતે એકલા રહેવાનું પસંદ કરતા થયા છે. ક્યારેય મળવા જવાનું પસંદ કરે છે. પણ હવે તેમને પણ પોતાનું ઘર છોડીને જવું ગમતું નથી. તેઓ પોતાના ઘરમાં પોતાની મરજીના માલિક હોય છે અને પોતાના શોખને પણ પૂરા કરી શકે છે. જોકે એક રીતે જોઇએ તો સમાજમાં આ એક સકારાત્મક સામાજીક બદલાવ થઇ રહ્યો છે. અહીં એકવાત ખાસ કહીશ કે જો આપણા વડીલો શારિરીક રીતે પણ અશક્ત હોય તો તેનો અર્થ એ નથી કે તેમને પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર નથી. તેમની આઝાદી અને તેમને જોઇતી સ્પેશનું સન્માન કરવું જોઇએ.
સ્પેશ આપવી એટલે તેનો અર્થ આઝાદી આપવી તેવો નહીં પણ વ્યક્તિને જીવન જીવવામાં મોકળાસ આપવી છે. વ્યક્તિને મળેલી સ્પેશનો ઉપયોગ સાચી દિશામાં થાય તો સંબંધમાં વિશ્વાસ અને પ્રેમ કાયમ જળવાઇ રહે છે, તે ઉપરાંત એકબીજા માટે માન વધે છે. દરેક સંબંધમાં મોકળું મન રાખીને ખુલ્લા આકાશમાં વિહરવાની તક પૂરી પાડો.
મેધા પંડ્યા ભટ્ટ