ઘરમાં સજાવટ માટેની અનેક વસ્તુઓ આપણા ધ્યાનમાં હોય છે પણ કેટલીક એવી વસ્તુઓ હોય છે, જેના વિના સજાવટ અધૂરી બની રહે છે. જેમાં કુશન કવર, ફુલદાન અને સ્ટેચ્યુઝ મહત્વના છે. તો આ વસ્તુઓનું સજાવટમાં કેટલું અને ક્યા મહત્વ છે, તે જોઇએ.
કુશન કવરથી સજાવો સોફા અને બેડ
ઘરનાં ડ્રોઇંગરૂમમાં સોફા હોય તો તેના પર સજાવેલા કુશન અને કુશન પર ચડાવેલા સુંદર મજાના કવર તેમજ બેડરૂમમાં બેડ પર મૂકેલા કુશન સાથેના કવર હવે ખૂબ જ આકર્ષક રંગ અને ડિઝાઈનમાં જોવા મળે છે.
માત્ર કોટનના જ નહીં, શિફોન, સિલ્ક, માદરપાટ, એમ્બોઝ મટિરિયલ અને હવે તો ક્રશ્ડ મટિરિયલમાં પણ કુશન કવર મળે છે. આ કુશન કવરમાં તમને લાઇટ અને ડાર્ક બંને શેડ મળશે અને તે પણ નવી નવી ડિઝાઈનો સાથે. લોકો નવી ડિઝાઈનો તો અપનાવે જ છે, પણ પહેલાંની જેમ જ હવે લોકો મેચિંગ મેનિયા તરફ પાછા વળી રહ્યા છે. કોન્ટ્રાસ્ટના જમાનામાં મેચિંગ કુશન તરફ મહિલાઓ વધુ ધ્યાન આપી રહી છે. જેથી બેડશીટ કે સોફાના મેચિંગ કુશન કવર તેઓ વધારે પસંદ કરે છે.
આજકાલ ક્રશ્ડ મટિરિયલના કુશન કવર પસંદગીની પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે. ડોટ્સ, ફ્લોરલ પ્રિન્ટ, ચેકસ પ્રિન્ટ, પ્લેઇન કલર, વેજીટેબલ પ્રિન્ટ, લાઇનિંગ, બાંધણી અને મેસેજ જેવી ડિઝાઈનો જોવા મળે છે. તો લઇ આવો તમે પણ આકર્ષક અને સુંદર કુશન કવર તમારા ઘરની શોભા વધારવા માટે. લાઇટમાં ડાર્ક લાઇનિંગ કે ફ્લોરલ પ્રિન્ટવાળા કુશન કવર જોઇને કોને ઘર સજાવવાનું ન ગમે? જોકે કેટલાક લોકોને મલ્ટી કલર કુશન કવર અને કોન્ટ્રાસ્ટ કલર્સ પણ વધારે પસંદ હોય છે.
ફૂલદાનીથી શોભે ઘર
- ઘરના ડ્રોઇંગરૂમમાં ટીપોઇ ઉપર ફૂલદાની રાખી હોય તો ઘરમાં ફૂલોની સુગંધ પ્રસરે છે. આ રીતે સજાવેલી ફૂલદાની તરત આકર્ષણનું કેન્દ્ર બને છે. તેમાં થયેલી ફૂલોની સજાવટ અને ફૂલો કેવા હોવા જોઇએ અને કેવી રીતે સજાવવા એ પણ એક કલા છે.
- ઘરમાં કયા રૂમમાં કેવા પ્રકારની ફૂલદાની હોવી જોઇએ, તે સાથે ફૂલદાની ક્યા ખૂણામાં અને કેવી રીતે ગોઠવવી જોઇએ તે પણ ખ્યાલ હોવો જોઇએ.
- ફૂલદાની ડ્રોઇંગરૂમમાં ગોઠવો તો રૂમની સેન્ટર ટીપોઇના બદલે કોર્નર ટીપોઇ પર ગોઠવવી. મોટી ફૂલદાની હોય તો કોઇ ખૂણામાં પણ ગોઠવી શકો છો.
- ફૂલદાનીને સજાવતી વખતે વચ્ચેના ભાગમાં લાંબી ડાંડીવાળા ફૂલ અને પછી નાના ફૂલ અને પાંદડા ભેગા કરીને ગોઠવવા.
- તમે પારદર્શક નાની ફૂલદાની લીધી હોય તો તેમાં રંગીન પાણી, રંગીન પથ્થર કે પછી પાણીમાં લાંબો સમય રહી શકે તેવી સુશોભનની કોઇ પણ વસ્તુ તેમાં મૂકી શકો છો.
- હવે તો ફૂલદાની પણ અનેક પ્રકારની અને નિતનવી ડિઝાઈનમાં ઉપલબ્ધ છે તેથી તમારા ઘરના ફર્નિચરના રંગ સાથે મેચ થાય એવા રંગ અને ડિઝાઈનની ફૂલદાની પણ લાવી શકો છો.
- મોટા ભાગે હવે લોકો આર્ટિફિશિયલ ફૂલો વધારે ગોઠવે છે, પણ જો તમે ઘરમાં કુદરતી ફૂલો અને પાનથી ફૂલદાની સુશોભિત કરશો તો એક હળવા કુદરતી વાતાવરણનો ઘરમાં અનુભવ કરશો.
ઘરમાં શોભતા સ્ટેચ્યૂ
ઘરનો ડ્રોઇંગરૂમ હોય કે બેડરૂમ, કિચન હોય કે ગાર્ડન હવે દરેક જગ્યાએ ડિઝાઈનર સ્ટેચ્યૂ તમને જોવા મળશે. સ્ટેચ્યૂ રાખવાના સ્થળ પ્રમાણે તેની ડિઝાઈન જોવા મળે છે. જો તમે ડ્રોઇંગરૂમમાં સ્ટેચ્યૂ મુકવાના હો, તો તમારે લાફિંગ બુધ્ધા, નાના બાળક કે બાળકીની પ્રતિમા, પરી, જંગલ વચ્ચે ઝુંપડપટ્ટી જેવી મોટી પ્રતિમા, હોડી, વહાણ, વૃક્ષ પર પક્ષીઓ અને એમાં પણ કોયલ અને ગીધની પ્રતિમાને વધારે લાભ અપાવનારી માનવામાં આવે છે તેથી તે વધારે જોવા મળે છે. માતા સાથે બાળકની પ્રતિમા જેવી અનેક કલાકૃતિઓને તમે ડ્રોઇંગરૂમમાં રાખી શકો છો પણ મોટા ભાગે દરેક વ્યક્તિ કુદરતી દેખાવ ધરાવતી પ્રતિમાને પ્રાધાન્ય આપે છે અને તેનાથી ડ્રોઇંગરૂમ વધારે શોભાયમાન બને છે.
બેડરૂમમાં મોટા ભાગે કપલ સ્ટેચ્યૂ અથવા ડાન્સિંગ ડોલ રાખવામાં આવે છે, જે ડ્રેસિંગ ટેબલ પર આપણને ઘણાં ઘરોમાં જોવા મળે છે. આ ઉપરાંત, તમે સ્લિપિંગ બ્યૂટિના સ્ટેચ્યૂને પણ બેડરૂમમાં સજાવી શકો છો. હવે તો લોકો રસોડામાં પણ સિંગલ ડોલ જે હાથમાં ગુલદસ્તો લઇને ઊભી હોય તેવા સ્ટેચ્યુ મૂકવાનું પસંદ કરી રહ્યા છે.
તો વળી, ઘરના ગાર્ડનમાં પણ કાંગારું, વાઘ, ઇજિપ્ત વુમન, વાંસળી વગાડતો ગોવાળ જેવા સ્ટેચ્યૂ જોવા મળે છે. દરેક જગ્યાએ એક નવી જ દુનિયા ઊભી કરી દેતા સ્ટેચ્યૂ જોઇને આજુબાજુની જગ્યા પણ વધારે સુંદર બની જતી હોય છે.
મેધા પંડ્યા ભટ્ટ