લગ્નસંબંધને નહીં પણ ઇલેટ્રોનિક સંબંધને સાચવવામાં લોકોને વધારે રસ છે. માણસ પોતે માણસ મટીને મશીન બનવા લાગ્યો છે. લોકોએ સમજવાની જરૂર છે કે સમય ઇલેક્ટ્રોનિક બની રહ્યો છે, નવી નવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આપણી સુખસગવટ અને સરળતા માટે બની રહી છે, તેવામાં સજીવ સંબંધને પાછળ રાખીને નિર્જીવ વસ્તુઓની પાછળ દોડવાનો કોઇ જ અર્થ નથી.

બે અક્ષરનો શબ્દ પ્રેમ અને ત્રણ અક્ષરનો શબ્દ સંબંધ જ્યારે એકમેક સાથે ભળે છે,  ત્યારે બે વ્યક્તિઓ જીવનમાં એકબીજા સાથે જોડાય છે. જેનાથી એક નવા સંબંધની રચના થાય છે. જે રીતે ભોજનમાં અનેક વાનગીઓનો સ્વાદ માણવા મળે છે. તે જ રીતે આ પ્રેમથી બંધાયેલા સંબંધમાં પ્રેમ, વિશ્વાસ, સમર્પણ, ત્યાગ, લાગણી, માન, કાળજી જેવી વાનગીઓનો આજીવન સાચવીને સંબંધના ભોજનનો મીઠો સ્વાદ માણતા રહેવો જોઇએ. જોકે આ રસથાળ હાલમાં તો બહુ ઓછા લોકો માણી રહ્યા છે. તેનું કારણ આજના લોકોને સજીવ વ્યક્તિમાં નહીં પણ નિર્જીવ વસ્તુમાં વધારે રસ પડવા લાગ્યો છે. જેના કારણે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધનો ગેપ ઓછો થવાના બદલે વધારેને વધારે વધવા લાગ્યો છે.

આજના ઇલેક્ટ્રોનિક યુગમાં જ્યારે હાથમાં રહેલા મોબાઇલ અને તેમાં પણ વોટ્સઅપ અને ફેસબુકનું જેટલું મહત્વ વધી ગયું છે, તેટલું મહત્વ બાજુમાં બેઠેલી વ્યક્તિનું રહ્યું નથી. સાથે રહેવા છતાંય સંબંધ કોરો બનવા લાગ્યો છે. પ્રેમની ભીનાશ ક્યાંક ખોવાઇ રહી છે. નિર્જીવ વસ્તુની સામે વ્યક્તિના જીવનમાં સજીવ વ્યક્તિનું મહત્વ ઓછું થવા લાગ્યું છે. તેવામાં પ્રેમાળ સંબંધો પર તેની ખૂબ જ ખરાબ અસર થવા લાગી છે. એકસાથે એક સોફા પર બેઠેલા પતિ-પત્ની પણ એકબીજામાં નહીં પણ પોતપોતાના મોબાઇલમાં વ્યસ્ત હોય છે. લગ્નસંબંધને નહીં પણ ઇલેટ્રોનિક સંબંધને સાચવવામાં તેમને વધારે રસ છે. જે રીતે સજીવ સંબંધમાં ક્યારેક તિરાડ પડે તો તેને સમાધાન દ્વારા સાચવી લેવાતા હોય છે. પણ ઇલેટ્રોનિક સંબંધમાં તો આવી કોઇ સમસ્યા રહેતી જ નથી. હા તે બગડી શકે છે પણ રિપેરીંગ પણ થઇ શકે છે. પણ તેનો સમયગાળો ઓછો હોય છે. જ્યારે સજીવ સંબંધનો સમયગાળો તો ક્યારેય પૂરો થતો જ નથી. તે તો આજીવન ટકી રહે છે.

આજે દરેકને નિર્જીવ વસ્તુનું વળગણ વધારે ને વધારે થવા લાગ્યું છે, કારણકે દરેક વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે તેનો ઉપયોગ કરી શકે છે. પોતાના મનગમતા વ્યક્તિઓ સાથે ઇચ્છે તો સંપર્કમાં રહી શકે છે અને ઇચ્છા ન હોય તો સંપર્ક કાપી પણ શકે છે. મોબાઇલ પર તમે ખૂબ જ સિફતતાથી ખોટું પણ બોલી શકો છો. તમે પોતાને દરેક રીતે તેની સાથે સેફ સમજો છો. પણ, સજીવ સંબંધમાં આવી શક્યતાઓ રહેતી નથી. તે સામે હોય તો તમે સાચુ બોલો છો કે જૂઠું તે તમારા ચહેરાના હાવભાવ પરથી પકડી શકાય છે. ઇચ્છા ન હોય છતાંય વાતચિત કરવી, ચર્ચા કરવી જ પડે છે. પોતાની જ વ્યક્તિથી તમે પોતાને ઇનસિક્યોર ફિલ કરવા લાગો છો. તમને તે સામે હોય છતાંય તેની સાથે રહેવું પસંદ નથી. આ બધી બાબતો આજના સમયમાં વ્યક્તિને વ્યક્તિથી દૂર કરવા લાગી છે.

પહેલા સંયુક્ત કુટુંબ હતા. તેમાંથી ન્યુક્લીયર ફેમીલી થઇ અને હવે વ્યક્તિ પોતે જ એકલવાયી બનવા લાગી છે. જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે અને દેશ પ્રગતિ કરી રહ્યો છે, તેમ તેમ સંબંધોમાં તિરાડ પડવા લાગી છે. સંબંધો તૂટવા અને છૂટવા લાગ્યા છે. માણસ પોતે માણસ મટીને મશીન બનવા લાગ્યો છે. લોકોને સમજવાની જરૂર છે કે સમય ઇલેક્ટ્રોનિક બની રહ્યો છે, નવી નવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આપણી સુખસગવટ અને સરળતા માટે બની રહી છે, તેવામાં સંબંધને પાછળ રાખીને નિર્જીવ વસ્તુઓની પાછળ દોડવાનો કોઇ જ અર્થ નથી. સંબંધમાં પ્રેમ અને લાગણી જોવા મળી શકે, મશીનમાં આ બાબતો ક્યારેય મળતી નથી.

હા, જોકે એકવાત છે કે બે વ્યક્તિઓ આવા જ કેટલાક ડિવાઇસથી જોડાતી પણ હોય છે. તેના દ્વારા તમે ફક્ત સંપર્કમાં રહી શકો છો, તમારી લાગણીને સાચા અર્થમાં દર્શાવી શકતા નથી. ફેસબુક કે વોટ્સઅપ દ્વારા તમે મેસેજ કે ફોટો શેર કરી શકો છો પણ ઘણા બધા સાથે એવું બનતું હોય છે કે મેસેજમાં પણ ઘણીવાર સમજફેર થતા સંબંધો બગડતા હોય છે. આવા સંબંધો પછી સામસામે એકબીજાને મળીને જ ફરીથી સાચવી લેવાય છે.

જો સંબંધો કોઇ ડિવાઇસના કારણે બગડતા હોય અને એકબીજાને મળવાથી જ સુધરતા હોય તો વ્યક્તિએ સમજવું જોઇએ કે તેના જીવનમાં સજીવ વ્યક્તિનું કેટલું મહત્વ છે અને નિર્જીવ ડિવાઇસનું કેટલું મહત્વ છે. હાથમાં રહેલી અબોલી વસ્તુને સમજવા કરતા સામે રહેલી સજીવ વ્યક્તિને સમજશો તો જીવનમાં ક્યારેય કોઇ નિર્જીવ ડિવાઇસની જરૂર પડશે જ નહીં.

Loading

Spread the love

Leave a Comment