ધ સ્કાય ઇઝ પીંક ફિલ્મ દ્વારા પ્રિયંકા ચોપરા ફરીથી બોલિવૂડમાં ત્રણ વર્ષ બાદ જોવા મળશે. 2015માં આવેલી ફિલ્મ બાજીરાવ મસ્તાની પછી તેણે હોલિવૂડની ફિલ્મો અને સિરિઝ તરફ પ્રયાણ કર્યું હતું. તેને ત્યાં ખૂબ સફળતા મળી છે. તેથી જ હવે બોલિવૂડની સાથે સાથે તે હોલિવૂડમાં પણ એટલી જ એક્ટિવ જોવા મળે છે. અમેરીકન સિંગર નિક જોન્સ સાથે લગ્ન બાદ તે વધારે વ્યસ્ત જોવા મળે છે. પ્રિયંકા સાથે થયેલી રૂબરૂ મુલાકાતમાં તેની બોલિવૂડ ફિલ્મ, હોલિવૂડ ફિલ્મ અને લગ્નજીવનની કેટલીક રસપ્રદ વાતો જાણીયે

પ્રિયંકા માટે આકાશ અને આકાશનો કલર કેવો છે.

મારા માટે મારા આકાશનો કલર બદલાતો રહે છે. જે રીતે જીવનમાં પરીસ્થિતી બદલાતી રહે છે તે રીતે મારા જીવનમાં રંગો બદલાતા રહે છે. હાલમાં રંગ ગુલાબી છે. ફિલ્મના હિસાબથી પણ અને મારા અંગત જીવનની વાત કરું તો તેના લીધે પણ ગુલાબી છે. હું મારા જીવનમાં ખુશ છું. તેથી બધું જ ગુલાબી ગુલાબી લાગે છે.

આ ફિલ્મ કરવાનું કેવી રીતે નક્કી કર્યું.

આ ફિલ્મ ફક્ત એક સ્ટોરી નથી પણ સત્યઘટના છે. અમે જે ફેમીલીની વાત ફિલ્મમાં કરી રહ્યા છીએ અને જે રોલ ભજવી રહ્યા છીએ તે ફેમીલી આજેપણ છે. અદિતી અને નિરેન હાલમાં 55 વર્ષના છે. આ ફિલ્મ તેમના 25-26 વર્ષની ઉંમરથી લઇને 55 વર્ષની ઉંમર સુધીની જર્ની દર્શાવે છે. અમે ફિલ્મમાં 55 ર્ષની ઉંમર સુધીનું પાત્ર ભજવ્યું છે. એક ફેમીલીનું જીવન દેખાડવામાં આવ્યું છે.

મોટી ઉંમરની વ્યક્તિનો રોલ કરવો કેટલો પડકારજનક છે.

આ પહેલા પણ સાત ખૂન માફમાં મેં 65 વર્ષની મહિલાની ઉંમરનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં 55 વર્ષ સુધીનું છે. મને આવા પાત્ર ભજવવા ગમે છે. નાની ઉંમરમાં મોટી ઉંમરના પાત્ર ભજવવા ચેલેન્જ બની જાય છે. તેથી મને આ પ્રકારની ચેલેન્જ લેવી પસંદ છે.

તમારા પાત્ર વિશે જણાવો.

અદિતી ચૌધરી એક એવી વ્યક્તિ છે, કે તેને જે જરૂર હોય તે મેળવીને રહે છે. તે પોતાના આપબળે આગળ આવે છે. તેની ફેમીલી માટે તેને જે કરવું પડશે તે કરીને રહે છે. આ પાત્ર મારી જેવું જ છે. હું મારી ફેમીલી, મિત્રો માટે ખૂબ પ્રોટેક્ટિવ છું. અદિતીનું પાત્ર મને મારી માતાની યાદ અપાવે છે. તે મને કહેતી કે તમારે તમારું જીવન જેટલું વિશાળ બનાવવું હોય તેટલું બનાવી શકો છો. તે હંમેશા મને સપોર્ટ કરતા હતા. મારે કંઇપણ કરવું હોય તો મને કહેતા કે કેવી રીતે કરવું છે, પ્લાન તૈયાર કરી શકાય. હંમેશા મને દરેક કાર્યમાં મોટીવેટ કરતા હતા. અદિતી અને નિરેન મને મારા માતા-પિતા જેવા લાગ્યા.

તમારા માતા-પિતા વિશે જણાવો.

મારા માતા-પિતા મારા માટે હંમેશા પ્રેરણા પૂરી પાડનાર રહ્યા છે. મારા પિતા મને હંમેશા કહેતા કે મને જે કરવાની કે બનવાની ઇચ્છા હોય તેમને જણાવું. હું પપ્પાને કહેતી અને મમ્મી હંમેશા મારા માટે પ્લાન તૈયાર કરતી. મારા પેરન્ટ્સે મને આગળ વધવા અને ટોચ પર પહોંચવા માટે હંમેશા સપોર્ટ કર્યો અને મારો ઉત્સાહ વધાર્યો છે. હું હંમેશા કહું છું કે મારા જેવા માતા-પિતા જો દરેક યુવતીને મળે તો તે પોતાના જીવનમાં એક ઊંચાઇ સુધી પહોંચી શકે છે. હું જોઉં છે કે અનેક યુવતીઓના જીવનમાં નક્કી કરવામાં આવે છે કે તેણે શું અને ક્યાં સુધી ભણવું, ક્યારે નોકરી કરવી કે ન કરવી અને ક્યાં લગ્ન કરવા. જો પેરન્ટ્સ અદિતી અને નિરેન જેવા કે મારા પેરન્ટ્સ જા હોય જે હંમેશા પૂછે કે તમને શું ગમે છે, તારે શું કરવું છે. તો તે ખૂબ જ સારો સપોર્ટ રહે છે. જો તમને ખબર હોય કે તમારા પેરન્ટ્સ તમારી પાછળ સપોર્ટમાં છે, તો આગળ વધવું ખૂબ સરળ બની જાય છે.

પ્રિયંકા તમે કેવા પેરન્ટ્સ બનશો.

ભગવાને જ્યારે પણ મને તે તક આપી, તો હું એવી પેરન્ટ બનીશ કે હું મારા બાળકોનો ઉત્સાહ વધારું. હું ક્યારેય મારા સંતાનોને એમ નહીં કહું કે તમે મારા હિસાબે તમારું જીવન જીવો. હું તેમને કહીશ કે તમે તમારી રીતે જીવન જીવો, હું તમને પ્રોટેક્ટ કરીશ. આ એક પેરન્ટની જવાબદારી હોય છે.

ફરહાન અખ્તર સાથે પહેલા પણ કામ કર્યું છે.

હા, તેમણે મને મારા કરીયરની શરૂઆતમાં સૌથી મોટી ફિલ્મ ડોનમાં તક આપી હતી. તે ફિલ્મ તેમણે પ્રોડ્યુસ કરી હતી અને આ ફિલ્મ હું કરી રહી છું. તે સમયે તે નિર્દેશક હતા અને હું એક્ટર હતી. પછી અમે દિલ ધડકને દો માં સાથે હતા. ફરક એ આવ્યો છે કે તે સમયે તે પ્રોડ્યુસર હતા અને હવે હું છું અને આજે એ સ્થાને પહોંચી શકી છું કે તેમને મારી ફિલ્મમાં લઇ શકું છું. ફરહાન ખૂબ ક્રિએટીવ કલાકાર છે. આ ફિલ્મમાં ચાર એવા કલાકારની જરૂર હતી જેને જોઇને રીયલ લોકોના જીવનની ઘટનાને દર્શકો સમજી શકે અને અનુભવી શકે.

તમે અનેક કાર્ય સાથે જોડાયેલા છો, કેવી રીતે મેનેજ કરો છો.

ખૂબ જ સરળ વાત છે. જો તમારે સૌ રૂપિયાની જરૂર હોય તો તમારે તેટલું જ કામ કરવાનું છે અને હજારની જરૂર હોય તો તેટલું જ કરશો. મને મારા જીવનમાં ઘણુબધુ જોઇએ છે, તેથી અનેક કામ કરું છું. ઘણીવાર રજાઓ લઇ શકતી નથી. મારા પતિ સાથે સમય પસાર કરી શકતી નથી. મારા લગ્નની તૈયારીઓ પણ કરી શકી નહોતી. આ ફિલ્મની સાથે સાથે જ તે હતું. જો તમારા જીવનમાં એમ્બિશન્સ હશે તો તમારે કામ કરવું જ પડશે. હું ખૂબ લકી છું કે મારા માતા-પિતા અને મારા પતિ મારા એમ્બિશન્સને ખૂબ સપોર્ટ કરે છે. ઊંઘ ઓછી મળે છે, ખૂબ કામ કરવું પડે છે. જેમાં મારી ટીમનો ખૂબ સપોર્ટ છે. તે મારા માટે મારું બેકબોર્ન છે. હું એકલી નથી. મારી સાથે મને સપોર્ટ કરનારા અનેક લોકો છે.

હિન્દી દર્શકોને આટલા સમયે મળી રહ્યા છો, શું કહેશો.

દર્શકો મારી પાસે આશા રાખે છે કે હું કોઇ ફિલ્મ લઇને આવીશ તો વાર્તા સારી હશે. હું તે જાબદારીને સારી રીતે નિભાવું છું. મારા કામને બેસ્ટ આપાનો સતત પ્રયત્ન રહે છે, તેથી જ આ ફિલ્મમાં કો—પ્રોડ્યુસર તરીકે પણ છું. દરેક કુટુંબને આ વાર્તા સમજાશે અને તેને અનુભવી શકશે.

લગ્ન પછી, હોલિવૂડમાં કામ કર્યા પછી અને વિદેશમાં સ્થાયી થયા પછી તમારામાં શું બદલાવ અનુભવો છો.

હું ત્યાં કામ કરતી હતી તે વખતે ખાસ કોઇ ફેરફાર અનુભવ્યો નથી. પણ હા લગ્ન બાદ મારામાં ચેન્જ થયો છે. હું થોડી સ્થિર થઇ છું, શાંત થઇ છું , વધારે સ્ટ્રેસ લેતી નથી. કામને લઇને દોડાદોડી કરતી નથી. મારા હસબન્ડ જ્યારે મને વધારે સ્ટ્રેસમાં જુએ તો મારો હાથ પકડીને મને કહે છે કે બધુ ઠીક થઇ જશે.

પતિ નિક વિશે શું કહેશો.

અમે બંને અમારા કામમાં વ્યસ્ત છીએ પણ અમારો એક નિયમ છે કે બે કે ત્રણ અઠવાડિયાથી વધારે અમે દૂર રહેતા નથી. ચોછા અઠવાડિયે દુનિયાના કોઇપણ ખૂણામાં હોઇએ મળીએ છીએ. હજી લગ્નને એક વર્ષ થયું નથી તેથી આ બાબતને જાળવી રહ્યા છીએ. તે સિવાય આખો દિવસ એક બીજાના સંપર્કમાં રહીયે છીએ. હાલમાં તે ટૂર પર છે. ફેસટાઇમ પર વિડીયો કોલિંગ રેગ્યુલર કરીએ છીએ અને શું કરી રહ્યા છીએ તે જણાવીએ છીએ. રીલેશનશીપ જો તમે તેને જાળવી રાખવા માગતા હો તો એકબીજાને તમારા અપડેટ આપવા ખૂબ જરૂરી છે. નિકે હંમેશા મારા કામ અને પ્રોફેશનલ એમ્બિશિયન્સને ખૂબ સપોર્ટ કર્યો છે. હું લગ્નના ચાર જ દિવસ બાકી હતા તે વખતે આ ફિલ્મનું શૂટીંગ કરી રહી હતી. હું છેલ્લા મહિનામાં વધારે તૈયારી કરી શકી નહોતી. નિક 20 દિવસ પહેલા આવ્યા અને મમ્મીની સાથે બધુ જ હેન્ડલ કરી લીધુ હતું. અમે બંને એકબીજાને ખૂબ સપોર્ટ કરીએ છીએ.

આવનારી ફિલ્મો કઇ છે.

હાલમાં ‘વી આર હિરોઝ’ ફિલ્મ પૂરી કરી છે. જેના ડિરેક્ટર રોબર્ટ રોડ્રીગ્સ છે જેમણે સ્પાય કીડ્સ બનાવી હતી. જે એક ચિલ્ડ્રન ફિલ્મ છે. બીજી ‘વાઇટ ટાઇગર’ નામની ફિલ્મ પૂરી કરી છે. જે એક પુસ્તક પર આધારીત છે. તેનું શૂટીંગ હવે શરૂ થશે. તેને પણ હું પ્રોડ્યુસ કરી રહી છું. એક કોમેડી ફિલ્મ પણ બનાવી રહી છું જેની વાર્તા લખાઇ રહી છે. મહાનંદ શીલા પર પણ ફિલ્મ બનાવી રહી છું. આવા અન્ય પ્રોજેક્ટ્સ પણ છે.

Spread the love

Leave a Comment