ગરમીમાં દરેક વ્યક્તિને કેવા કપડા પહેરવા તે તેમની હંમેશાની તકલીફ રહેતી હોય છે. જોકે હવેના સમયમાં આવી તકલીફ કે લોકોને ચોઇસ ન મળે તેવું જોવા મળતું નથી. તેનું થી મહત્વનું કારણ એ છે કે કોઇપણ પ્રકારના ફેબ્રિક તમે પહેરો જો તમને પસંદ ન પડે કે અનુકૂળ ન હોય તો તમે અંતે ખાદી પર તમારી પસંદગી ઉતારી શકો છો.

ભલે સાધારણ સાડી હોય, બ્લોક પ્રિન્ટેડ કુર્તા હોય કે પછી ઉનાળામાં ગરમીની સામે રક્ષણ અપાવે તેવો આરામદાયક ડ્રેસ હોય, ખાદી દરેક ટ્રેન્ડમાં લોકપ્રિય રહી છે. કોઇ એક સમયમાં સામાન્ય ગણાતી ખાદી આજે સૌથી મહત્વપૂર્ણ ફેબ્રિક બની ગઇ છે. ખાસ કરીને ગરમીની આ ઋતુમાં પરસેવો સૂકાવાનું નામ જ ન લેતો હોય ત્યારે ખાદીમાંથી બનેલા કપડાં પરસેવો શોષવામાં મદદરૂપ બને છે અને હળવું હોવાથી તે પહેરવાથી વધારે તાપ પણ લાગતો નથી. એ જ કરણે આજે ભારતમાં કોટન પછી ખાદી સૌથી વધારે લોકપ્રિય અને ઉપયોગી ફેબ્રિક ગણાય છે.

સાડીમાં ઘણાબધા વિકલ્પ

હાથેથી વણેલા આ ફેબ્રિકમાંથી બનાવેલી સાડીયો હવે સુંદર રંગો અને સ્ટાઇલમાં મળી રહી છે. આ સાડીયોની ખાસિયત એ છે તેમને બાંધવું ખૂબ સરળ છે અને સાથે જ ગરમીની ઋતુમાં તે રાહત પણ આપે છે. ખાદી ખૂબ જ સાદુ કાપડ છે, તેથી તેને જરદોશી, એમ્બ્રોડરી કે પછી બ્લોક પ્રિન્ટની સાથે વધારે સુંદર બનાવી શકાય છે. તે સિવાય કોઇ સૌલિડ રંગમાં પ્લેન ખાદીને પ્રિન્ટેડ કે એમ્બ્રોડરીવાળા બ્લાઉઝ સાથે પણ ફેશનેબલ રીતે પહેરી શકાય છે.

સ્પેગટી, ક્રોપ ટોપ અને કુર્તાની કમાલ

લાંબા ઘેરવાળી એથનિક પ્રિન્ટવાળી સ્કર્ટની સાથે ખાદીની સ્પેગટી ટોપ ખૂબ જ સુંદર લાગે છે. તે ઉપરાંત રેમ્પ અરાઉન્ડ સ્કર્ટની સાથે ખાદીનું ક્રોપ ટોપ પણ પહેરી શકો છો. જે દેખાવમાં ખૂબ સ્ટાઇલીશ લાગે છે. ઉપરાંત ખાદીના કુર્તા પણ હવે જીન્સ કે શોર્ટ લેગીંગ્સની સાથે પહેરી શકાય છે. કોટન પેન્ટની સાથે પણ ખાદીના કુર્તા ખૂબ જ આકર્ષક લુક આપે છે. બજારમાં આ તમામ આઉટફીટ્સ મનગમતા રંગો અને અલગ અલગ પ્રિન્ટ્સમાં મળી રહે છે.

ડ્રેસ, શર્ટ, સ્ટાઇલિશ ટોપ, ફ્રોક પણ પસંદગીમાં

ગરમીમાં જ્યારે મિત્રો સાથે બહાર જવાનું ગોઠવાય તો સૌથી વધારે ચિંતા એ જ હોય છે કે તડકામાં શું પહેરીને જવું, જે સૌથી વધારે આરામદાયક હોય અને સાથે સ્ટાઇલિસ પણ લાગી શકે. આવા સમયે ખાદીમાંથી બનેલા ડ્રેસીસથી વધારે બેસ્ટ કોઇ જ ઓપ્શન હોતું નથી. તેમાં પછી આપણે પસંદગી શર્ટ પર ઉતારીયે કે પછી સ્ટાઇલિશ કુર્તા પહેરીયે તે સ્ટાઇલિ હોય છે. હવે તો લાંબી કે ટૂંકી કે કોઇપણ પ્રકારની લંબાઇમાં ખાદીના ડ્રેસ ખૂબ જ આકર્ષક લાગે છે. તેમાં ફક્ત એક જ વાતનું ધ્યાન રાખવાનું કે ડ્રેસના કટ્સ વધારે સ્માર્ટ લુક આપતા હોય. તેના પર તમે હળવી ફુલકારી વર્કનું કાર્ય કરાવી શકો છો અને ગળામાં એક સ્ટેટમેન્ટ જ્વેલરી તમારા આખા લુકને ચેન્જ કરી દેશે. જો તમને શર્ટ પહેરવાનો શોખ હોય તો એકવાર ખાદીનો શર્ટ પણ ટ્રાય કરી શકો છો. આખી બાંયના ખાદીના શર્ટને જીન્સની સાથે પહેરો, તમે જરૂરથી સુંદર દેખાશો અને સૌથી અલગ પણ તરી આવશો. ખાદીમાં લોન્ગ ટોપ અને ફ્રોક પણ જોવા મળી રહ્યા છે. જે પ્લાઝો કે ની લેન્થ લેગીગ્સ સાથે પહેરી શકાય છે. જે આજના સમયની સૌથી લોકપ્રિય ફેશન છે. જેમાં તમને પ્લેઇન કલર વધારે જોવા મળશે.

ખાદીના સ્ટાઇલિશ સ્કાર્ફ અને દુપટ્ટા

લાઇટ અને બ્રાઇટ કલરમાં ખાદીના પ્રિન્ટે સ્કાર્ફ કે દુપટ્ટા તમારા કોઇપણ સાધારણ ડ્રેસની શોભામાં વધારો કરી શકે છે. કોઇપણ પેસ્ટલ કલરના ડ્રેસની સાથે કોઇ સ્માર્ટ લુક આપતો ખાદીનો સ્કાર્ફ ગળામાં પહેરી લો તો તમે ચોક્કસ ભીડમાં અલગ જ તરી આવશો. તમે તમારી જીન્સ કે ટૈંક ટોપની સાથે કોઇ સુંદર સ્કાર્ફ ઉપયોગમાં લો, જે તમને તડકા સામે તો રક્ષણ આપશે જ સાથે જ તમને સ્માર્ટ લુક પણ આપશે.

 

સ્રગમાં પણ ખાદીનો પ્રયોગ

તમારા સંપૂર્ણ લુકને વધારે સુંદર બનાવવામાં ખાદીમાંથી બનેલા સ્રગ પણ મદદરૂપ બનશે. તે ફક્ત તમારા પહેરવેશને જ બેસ્ટ બનાવતું નથી પણ સાથે જ અધૂરા લાગતા પહેરવેશને સંપૂર્ણ કરવામાં પણ મદદરૂપ બને છે. સ્રગનું કામ સાધારણ પોશાકને વધારે ખાસ બનાવવાનું છે. બજારમાં અનેક પ્રકારની પેટર્ન અને સ્ટાઇલમાં ખાદીના સ્રગ મળી રહે છે. તેથી ગરમીની ઋતુમાં કોઇપણ યુવતીનું વોર્ડરોબ શોર્ટ્સ કે કેપ્રી વિના અધૂરું લાગે છે. જેની સાથે સ્રગને તમે સુંદર કોમ્બિનેશન કરીને પહેરી શકો છો.

ડેનિમમાં પણ ટ્વીસ્ટ

તમે ક્યારેય ખાદીમાંથી બનેલું ડેનિમ પહેર્યું છે. જરૂરથી પહેરીને જુઓ. તેનાથી તમને ડેનિમવાળી નવી સ્ટાઇલ મળશે સાથે જ ખાદીથી આરામ પણ મળી રહેશે. ડેનિમ ખાદી પહેરવામાં ખૂબ જ સોફ્ટ હોય છે. તમારા ડેનિમ ખાદી પેન્ટને તમે કોઇ ઓફ શોલ્ડર ટોપની સાથે પહેરી શકો છો. તેનાથી સ્ટાઇલિશ લુક મળશે. ડેનિમના લોન્ગ ટોપ અને ફ્રોક પણ આવે છે. લોન્ગ ગાઉન પણ હવે ખૂબ ફેશનમાં છે. તે સિવાય કુર્તા પણ ખૂબ જ આકર્ષક લુક પ્રદાન કરે છે. તો ડેનિમને પણ હવે તમે ઉનાળામાં તાપથી બચવા માટે અને સાથે જ સ્ટાઇલિશ લુક મેળવવા માટે ઉપયોગમાં લઇ શકો છો.

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment