જો તમે તમારા ઘરમાં રંગ કરાવ્યા બાદ કંઈક નવું અને અલગ કરાવવા ઇચ્છતા હો તો ફોલ્સ સીલીંગ પર પસંદગી ઉતારી શકો છો. ફોલ્સ સીલિંગ કરાવ્યા બાદ ઘરની સુંદરતામાં દસ ગણો વધારો થાય છે. ફોલ્સ સીલિંગ એટલે ડિઝાઇનવાળી છત.
ફોલ્સ સીલિંગ એ આર.સી.સી. બોર્ડના નીચેના ભાગ તરફ જીપ્સમ બોર્ડ અને એલ્યુમિનિયમના એંગલ દ્વારા બનાવટી રૂપ આપીને બનાવવામાં આવે છે આજના મોર્ડન ઇન્ટીરિયરમાં તેને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તેમાં ઘણા બધા પ્રકાર અને ડિઝાઇન્સ જોવા મળે છે. જેને તમે તમારા બજેટ અનુસાર પસંદ કરીને કરાવી શકો છો.
પ્લાસ્ટર ઓફ પેરિસ સીલીંગ
પ્લાસ્ટર ઓફ પેરિસ સીલીંગ ઓછા ખર્ચામાં વધારે સુંદરતા આપે છે. તેમાં ઘણા બધા પ્રકારની ડિઝાઈન જોવા મળે છે. જેને તમે રૂમની લંબાઈ અને પહોળાઈ અનુસાર જે રીતે સુંદર દેખાય તે પ્રમાણે પસંદ કરી શકો છો.
ગ્લાસ ફોલ્સ સીલીંગ
તેને બનાવવા માટે તમારે પારદર્શક કાચ નો ઉપયોગ કરવો પડે છે. જોકે લોકો ઘરમાં કાચની સીલીંગ ઓછી પસંદ કરે છે. મોટી મોટી ફાઇવસ્ટાર અને સેવન સ્ટાર હોટલમાં ક્યાંક તમને આ પ્રકારની સીલીંગ જોવા મળશે.
ફાઇબર ફોલ સીલિંગ
સિન્થેટિક શીટ્સની મદદથી આ પ્રકારની સીલીંગ તૈયાર કરવામાં આવે છે. આ અલગ-અલગ રંગોમાં અને શેડ્સમાં મળી રહે છે.
જીપ્સમ ફોલ સીલિંગ
જીપ્સમના બોર્ડને એલ્યુમિનિયમની બેંગલ્સ દ્વારા ફિક્સ કરવામાં આવે છે. વજનમાં હળવા હોવાના કારણે તે સાઉન્ડપ્રૂફ હોય છે. તેની અંદર કોવ લાઈટ્સ લગાવવાથી રૂમની સુંદરતા ઘણી વધી જાય છે. હાલમાં સૌથી વધારે જીપ્સમ ફોલ સીલિંગને લોકો પસંદ કરે છે. તેને પેઈન્ટ, વોલપેપર અને ટેક્સચર દ્વારા પણ સજાવી શકાય છે.
વુડન ફોલ્સ સીલીંગ
આ પ્રકારની સીલીંગ ઠંડી વાળા વિસ્તારોમાં વધારે જોવા મળે છે. કિંમતમાં મોંઘી હોવાના કારણે ઘરોમાં ઓછી અને હોસ્પિટલ કે મોલમાં વધારે જોવા મળે છે.
ફોલ્સ સીલીંગ ની ખાસિયતો
- ફોલ સીલિંગ કરાવ્યા બાદ છત ની ઊંચાઈ ૪ થી ૫ ઇંચ સુધી ઓછી થઈ જાય છે પરંતુ રૂમના ભીંત અને છત પરના ડાઘા કે અન્ય ખામીઓ છુપાઈ જાય છે અને રૂમની સુંદરતામાં વધારો થતો જોવા મળે છે.
- સીલીંગ ની અંદર લગાવવામાં આવતી ક્રોમા લાઇટ્સ ઘરને ભવ્ય લૂક આપે છે.
- ફોલ્સ સીલીંગ તમારી છતને સુરક્ષાનું આવરણ પણ આપે છે. જેનાથી ગરમી અને ઠંડીના પ્રમાણમાં પણ ફરક રહે છે. તેનાથી રૂમના તાપમાનમાં અંતર જોવા મળે છે અને એરકન્ડીશનના પરફોર્મન્સમાં પણ વૃદ્ધિ થાય છે.
સાચવવા જેવી બાબતો
- એ વાત સાચી છે કે ફોલ સીલિંગ કરાવ્યા બાદ સાધારણ દેખાતા ઘરમાં પણ ચાર ચાંદ લાગી જાય છે, પરંતુ નાના આકારના ઘરમાં વધારે પડતી ડિઝાઇન ના સ્થાન પર સામાન્ય ડિઝાઇનને પ્રાથમિકતા આપશો તો રૂમ નો આકાર નાનો નહીં લાગે અને ઘર હોટલના રૂમ જેવો દેખાશે નહીં.
- ફોલ સીલિંગ હંમેશા જાણીતા ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે જ કરાવું અને ક્વોલિટીમાં ક્યારેય સમાધાન કરશો નહીં. જેના કારણે ભવિષ્યમાં તમારે કોઇપણ પ્રકારની આ તકલીફનો સામનો કરવો ન પડે.
- છત ની ઊંચાઈ ઓછી હોય તો વધારે લેયર્સ ના બદલે સિંગલ્સનો ઉપયોગ કરીને ડિઝાઇન કરાવો. જેથી તમારી છત વધારે નીચે લાગશે નહીં.