માર્ચ મહિનો એટલે હોળી-ધૂળેટી તેમજ રંગોનો તહેવારનો મહિનો ગણાય છે. વળી, ઊનાળાની શરૂઆત પણ આ મહિનાથી જ થાય છે. તેવામાં સફેદ રંગના વસ્ત્રો લોકોની પહેલી પસંદગી બની રહે છે. હવે તો ઘૂળેટીના તહેવારની ઊજવણીમાં લોકો ખાસ સફેદ રંગના વસ્ત્રો પહેરવા પર પસંદગી ઉતારતા હોય છે. જેથી સફેદ રંગના વસ્ત્રો પર દરેક રંગ સ્પષ્ટ દેખાય છે. તે સિવાય સાથે જ ઊનાળાની સિઝનની પણ શરૂઆત થતી હોય છે. તો લોકો ગરમીથી રાહત મેળવવા માટે પણ સફેદ રંગના વસ્ત્રોનો ઉપયોગ પહેરવેશમાં વધારે કરતા જોવા મળે છે.

કોર્પોરેટમાં લોકપ્રિય

કોર્પોરેટ સેક્ટરમાં તો સફેદ રંગના વસ્ત્રો સોબર લુક આપે છે. તે સિવાય સફેદ રંગના વસ્ત્રો પહેરવાથી શાંતિ અને શીતળતાનો પણ અનુભવ થતો હોય છે. સફેદ પેન્ટ-શર્ટ-કોટ પહેરનાર યુવતીનો લુક એકદમ અલગ જ લાગે છે. તો વળી, વેસ્ટર્ન ડ્રેસમાં તો વધારે આકર્ષક લાગે છે.  યુવાનો પણ સફેદ રંગના ખાદીના શર્ટ કે કોટન શર્ટ પહેરવાનું વધારે પસંદ કરતા હોય છે. મિલ્કી વાઇટ કલરના આઉટફીટ ખરેખર ખૂબ જ આકર્ષક અને સોબર લુક પ્રદાન કરે છે. સોબર લુક આપતો આ સફેદ રંગ લોકો ઉનાળામાં પહેરવાનું વધારે પસંદ કરે છે કારણકે તેમાં તાપ પણ ઓછો લાગે છે.

યુવતીઓની પહેલી પસંદ

સફેદ રંગના પોશાકમાં કોઇપણ યુવતીને જોતા જ આંખોને શીતળતાનો અનુભવ થાય છે. સફેદ રંગ તો શીતળ છે જ સાથે તે રંગના આઉટફીટ પહેરના પર સુંદર લાગે છે. માર્ચ મહિનાથી લઇને જૂન મહિના સુધીની કાળઝાળ ગરમીમાં જે રંગ સૌથી વધારે પ્રમાણમાં પહેરવામાં આવે છે તે એકમાત્ર સફેદ રંગ છે. આ રંગના વસ્ત્રો પહેરવાથી તાપ ઓછો લાગે છે અને સાથે જ શરીર અને મનને હળવાશનો પણ અનુભવ થાય છે. સોબર અને સુંદર લુક આપતા સફેદ રંગને યુવતીઓ ખૂબ પસંદ કરે છે. દરેક યુવતીના વોર્ડરોબમાં નજર નાખીએ તો એક કે બે જોડી સફેદ ડ્રેસ, કુર્તીઝ, ટી-શર્ટ્સ – ટોપ જરૂરથી જોવા મળશે જ.

 

ચિકન અને કોટન મટીરિયલ પહેલી પસંદ

સફેદ રંગમાં ચિકન અને કોટન મટીરિયલમાંથી બનતી કુર્તીઓ, ડ્રેસીસ, ટોપ સૌથી વધારે પસંદગીમાં રહેલા છે. ચિકન મટીરિયલમાંથી બનતા ફ્રોક અને સ્કર્ટ બંને આકર્ષણ ઊભુ કરે છે, જે ખૂબ જ એલિગન્ટ લુક આપે છે. સફેદ ચિકનના સ્કર્ટની સાથે તમે કોઇપણ ડાર્ક કલરનું ટી-શર્ટ્સ કે ટોપ પહેરી શકો છો. સફેદ ચિકનના ડ્રેસ પણ સૌથી વધારે આકર્ષક લાગે છે. હવે તો અન્ય મટીરિયલમાં પણ ચિકનની બોર્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. તે સિવાય પ્રોમ ઇવનીંગ ગાઉન કે પ્રોમ ડ્રેસમાં પણ ચિકન મટીરિયલનો ઉપયોગ થાય છે. ક્રોપ ટોપ કે શિફોનના ટોપમાં કે કોટનના કોઇપણ આઉટફીટ સાથે પણ તેનું કોમ્બિનેશન રીચ લુક આપે છે. હવે તો ચિકન મટીરિયલમાથી પણ અનેક સ્ટાઇલના અને ડિઝાઇનના ટોપ અને કુર્તા મળે છે. જે જીન્સ કે લેગીંગ્સ પર પહેરી શકાય છે.

 

સફેદ રંગમાં કોમ્બિનેશન

ખાદીમાં પણ હવે તો ગોલ્ડન કોમ્બિનેશનની માંગ વધી ગઇ છે. તેના કારણે ખાદીના આઉટફીટમાં થોડીઘણી બોર્ડર કે પ્રિન્ટ અને ડિઝાઇનને સ્થાન આપીને તે મુજબના મટીરિયલ અને કુર્તી બનાવવામાં આવે છે. યુવતીઓ સફેદ રંગમાં માત્ર ડ્રેસીસ કે કુર્તી જ નહીં પણ ફ્રોક, સ્કર્ટ, લોન્ગ ટ્યુનિક, ફોર્મલ શર્ટ્સ, કોટન શર્ટ્સ, ઓફ શોલ્ડર ટોપ, ક્રોપ ટોપ, કોલ્ડ શોલ્ડર ટોપ, લોન્ગ ફ્રી સ્ટાઇલ કુર્તી, ઓફ શોલ્ડર પાર્ટીવેર ડ્રેસ, ટી-શર્ટ્સ, ફ્રિલ ફ્રોક, લોન્ગ અને શોર્ટ સ્કર્ટ, પ્લાઝો, પેન્ટ્સ, ફોર્મલ પેન્ટ, જીન્સ, કોટન જીન્સ પહેરવા પર પસંદગી ઊતારી રહી છે. સફેદ રંગના ડ્રેસીસની સાથે તે જ રંગનો દુપટ્ટો અથવા તો બાંધણી કે મલ્ટીકલર કે ફ્લોરલ પ્રિન્ટનો દુપટ્ટો પહેરી શકાય છે. સફેદ રંગના ડ્રેસમાં લાઇટ કલરની ડિઝાઇન કરવામાં આવે છે. જેમાં પિંક, સ્કાયબ્લૂ, યલો અને ક્રીમ રંગ વધારે જોવા મળે છે. આ રંગથી કરેલી ડિઝાઇન ડ્રેસની બોર્ડર પર કે બાંયમાં કરવામા આવેલું પ્રેન્ટેડ વર્ક, હેન્ડવર્ક પણ આકર્ષક લાગે છે. તો વળી સફેદ રંગના ટોપ કે કુર્તી સાથે તમે કોઇપણ રંગના જીન્સ કે લેગીંગ્સ પહેરી શકો છો.

 

હેવી વર્કથી શોભે સફેદ રંગ

કેટલીક શિફોન, લિઝીવીઝી કુર્તી અને ટોપમાં સફેદ રંગના જ મોતી, સ્ટોન અને ડાયમંડથી હેવી વર્ક અને સિકવન્સ જોવા મળે છે. સફેદ રંગના આવા પ્રકારના આઉટફીટમાં તે જ પ્રકારનું હેવી વર્ક એક જ કલરનું હોવા છતાંય રીચ લુક આપે છે. આ પ્રકારના આઉટફીટમાં કુર્તી કે ટોપ થ્રી ફોર્થ સ્લીવ, હાફ સ્લીવ કે ફુલ સ્લીવના હોય તો પણ સુંદર લાગે છે, કારણકે વર્કમાં ગળાની ડિઝાઇન અને સ્લિવને ખાસ કવર કરવામાં આવે છે.

 

વેસ્ટર્ન આઉટફીટમાં પણ ઇન

જીન્સ, ફોર્મલ પેન્ટ, સ્કર્ટ, ટોપ, ફ્રોક, શોર્ટ ફ્રોક, ફ્રિલ ફ્રોક, પાર્ટીવેર, વેસ્ટર્ન ડ્રેસ, શર્ટ્સ, ટ્-શર્ટ્સ, લોન્ગ કે શોર્ટ સ્કર્ટ, ઓવરકોટ, લોન્ગ અને શોર્ટ સ્રગ, જેકેટ વગેરેમાં પણ હવે સફેદ રંગ ખૂબ લોકપ્રિય છે. કોઇપણ કોમ્બિનેશમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગના જીન્સ કે સ્કર્ટ સાથે કોઇપણ ડાર્ક કે લાઇટ કલરનું ટોપ કે ટી-શર્ટ્સ શોભે છે. તે ઉપરાંત સંપૂર્ણ સફેદ આઉટફીટ તો સૌથી વધારે આકર્ષક લુક આપે છે. પછી તે જીન્સ ટોપ કે ઓવર કોટ કે જેકેટ જ કેમ ન હોય.

 

આરામદાયક સાડી

ઉનાળામાં સફેદ રંગના પોશાક સાથે દરેક પ્રકારની સ્લીવ તમને અનુકૂળ અને આરામદાયક રહેશે અને ખાસ તો સાડીમાં બ્લાઉઝની સાથે તેનો પ્રયોગ વધારે કરવામાં આવે છે. સાડીમાં સફેદ રંગમાં તમને ઘણી નવીનતા જોવા મળશે. જેમાં સફેદ રંગનું જ જરદોશી વર્ક અને ડાયમંડ વર્ક હોય છે, તે સિવાય કોટન સાડીમાં તમને ચિકન મટીરિયલની લેસની બોર્ડર પણ હેવી લુક આપે છે. જેમાં બ્લાઉઝમાં બાંય તરીકે ફક્ત ચિકન મટીરિયલનો ઉપયોગ કરી શકાય છે. વળી, નેટની સફેદ સાડી તો તમને ચાંદની જેવો લુક પ્રદાન કરશે. કોટન અને શિફોન મટીરિયલની સાડીમાં લાઇટ કલરની ફ્લોરલ પ્રિન્ટ તમે વધારે જોઇ શકો છો. આ પ્રકારની લાઇટ કલરની નેટની સાડીમાં આપણને ઘણીવાર હેન્ડવર્ક, એમ્બ્રોડરી વર્ક પણ જોવા મળે છે. જે બધા કરતા અલગ દેખાય છે. તો વળી, આખી લેસમાંથી પણ સાડી બનાવવામાં આવે છે. જેમાં ડાર્ક બોર્ડરનું કોમ્બિનેશન ખાસ જાળવવામાં આવે છે.

તો હવે તમે પણ હવે ઉનાળાની શરૂઆતની સાથે જ સફેદ રંગથી તમારા વોર્ડરોબને સજાવી દો. જેમાં તમે સફેદ રંગના તમારા પસંદગીના આઉટફીટને હવે સ્થાન આપવાના છો.

 

 

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment