આ વર્ષે બોલિવૂડમાં પહેલા શ્રીદેવીની દિકરી જ્હાનવીએ એન્ટ્રી કરી. જેની ફિલ્મ ‘ધડક’ને લોકોએ ખૂબ પસંદ કરી. હવે થોડા સમયમાં જ સૈફ અલી ખાન અને અમૃતા સિન્હાની દિકરી સારા અલી ખાનની ફિલ્મ ‘કેદારનાથ’ રીલીઝ થવા જઇ રહી છે. બોલિવૂડમાં તે આ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઇ રહી છે. ફિલ્મમાં કો-સ્ટાર તરીકે સુશાંત સિંહ રાજપૂત છે. સારા અલી ખાન બોલિવૂડના જાણીતા કલાકારોની દિકરી છે, તેથી એક સ્ટાર કીડ હોવાના કારણે ફિલ્મને લઇને તે કેટલું પ્રેશર ફિલ કરી રહી છે અને પહેલી ફિલ્મનો તેનો અનુભવ કેવો રહ્યો તે તેની સાથેની વાતચિતમાં જાણીયે.
ફિલ્મ કેદારનાથ કેવી રીતે મળી.
જ્યારે પહેલીવાર મેં કેદારનાથ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી તો તે સાંભળીને હું ઇમોશનલ થઇ ગઇ હતી. મને આ ફિલ્મ સાથે પ્રેમ થઇ ગયો હતો. તેથી વધારે વિચાર કર્યા વિના મેં ફિલ્મ સાઇન કરી લીધી. હવે ફિલ્મ કેદારનાથ રીલીઝ થવા જઇ રહી છે, તેથી તે બાબતને લઇને ખૂબ જ એક્સાઇટેડ છું.
તમારા પિતાની ઇચ્છા હતી કે તમે પહેલા ભણતર પૂરું કરો.
હા, એ વાત સાચી છે કે પાપાની ઇચ્છા હતી કે પહેલા હું મારું ભણતર પૂરું કરું. ભણતર પૂરું થાય તે પછી જ એક્ટિંગ ફિલ્ડમાં આવું. જોકે આ તો ઘણા વર્ષો પહેલાની વાત છે. મેં 2016માં જ કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરી લીધુ છે. તે પછી જ ફિલ્મોમાં આવવાનો વિચાર કર્યો છે.
તમારી ફિલ્મ કેદારનાથી અને સિંબા બંને એક જ મહિનામાં રીલીઝ થવાની છે. તેના વિશે શું કહેશો.
મને એ વાતનો આનંદ છે કે મારી કરીયરની શરૂઆતમાં જ મારી બે ફિલ્મો થોડા સમયના અંતર પર રીલીઝ થવા જઇ રહી છે. બંને ફિલ્મો સાથે આવતી હોવાથી અલગ પાત્રમાં લોકો મને જોઇ શકશે અને જજ કરી શકશે.
સ્ટારકીડ હોવાનો શું ફાયદો રહે છે.
હું એટલું જ કહીશ કે સ્ટાર કિડને ફિલ્મ માટે વધારે મહેનત કરવી પડે છે કારણકે તેમને વધારે બેસ્ટ આપવાનું પ્રેશર ફિલ કરવું પડે છે. સ્ટારકીડ હોવાના લીધે જ લોકો અમારા કામ અને મહેનતને વધારે સિરિયસલી લેતા નથી. જેના કારણે સ્ટારકીડને વધારે મહેનત કરવી પડે છે. જેના કારણે અમે પોતાને સાબિત કરી શકીયે.
કેદારનાથમાં ક્યા પ્રકારનું પાત્ર ભજવી રહ્યા છે.
હું આ ફિલ્મમાં મૂક્કુ નામની યુવતીનું પાત્ર ભજવી રહી છું. તે પોતાના પરિવારની સાથે કેદારનાથ દર્શન કરવા જાય છે. જ્યાં તેને મંસૂર (સુશાંત સિંહ રાજપૂત) નામનો વ્યક્તિ મળે છે, જે યાત્રાળુઓને પીઠ પર બેસાડીને લઇ જતો હોય છે. કેદારનાથમાં જે મુશ્કેલી આવી હતી તેનો પણ ઉલ્લેખ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. તેની સાથે જ મૂક્કુ અને મંસૂરની પ્રેમ કહાણી પણ જોવા મળશે.
સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.
સુશાંત સિંહ મારા સિનિયર એક્ટર છે અને હાર્ડવર્ક દ્વારા તેમણે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમને પોતાને ખબર છે કે નવા કલાકાર માટે શરૂઆતનો સમય કેવો હોય છે. જ્યારે અમે ફિલ્મ કેદારનાથનું શૂટીંગ શરૂ કર્યું તો તેમણે મને ખૂબ મદદ કરી હતી. તેઓ ફિલ્મમાં મંસૂરનું પાત્ર ભજવી રહ્યા છે, જે પોતાની પીઠ પર બેસાડીને ઉંમરલાયક વ્યક્તિઓને કેદારનાથના દર્શન કરાવે છે. આ પાત્રને રીયલ બનાવવા માટે સુશાંત સાચે જ લોકોને પોતાની પીઠ પર બેસાડીને પહાડ ચડ્યા હતા.
ડિરેક્ટર અભિષેક કપૂર વિશે શું કહેશો.
જ્યારે મેં ફિલ્મનું શૂટીંગ શરૂ કર્યું ત્યારે હું ખૂબ જ નર્વસ હતી, પણ ડિરેક્ટર અભિષેક કપૂરે મને થોડા જ સમયમાં એટલી બધી કમ્ફર્ટેબલ કરી દીધી કે મારા માટે એક્ટીંગ કરવું મુશ્કેલ રહ્યું નહીં. તે એક સારા ડિરેક્ટર અને સારી વ્યક્તિ છે.
ધાર્મિક સ્થળના વાતાવરણમાં બનેલી ફિલ્મ છે. તમે પોતે કેટલા ધાર્મિક છો.
હું ભગવાનમાં ખૂબ શ્રદ્ધા ધરાવું છું. હું માનું છું કે આપણે ફક્ત ઉપરવાળાના હાથની કઠપૂતળી છીએ. બધુ જ પહેલેથી નક્કી જ હોય છે. હું દરેક ધર્મ અને ઇશ્વરમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખુ છું.
તમે પોતે જ સ્ટાર્સ ફેમીલીમાંથી આવો છો, તો કોઇ ખાસ ટીપ્સ મળી હશે.
હું મારી માતા અમૃતા સિન્હા સાથે રહું છું. મને તે જેમ કહે છે, તેમ જ હું કરું છું. તેમની દરેક સલાહ મારા માટે ખૂબ મહત્વની બની રહે છે. ફિલ્મ અંગેની સલાહ લેવાની વાત હોય તો ફિલ્મ કેદારનાથમાં અભિષેક અને સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યા બાદ મને ઘરની કોઇ વ્યક્તિ પાસેથી કોઇ ટીપ્સ લેવાની જરૂર પડી નથી.
કરીના કપૂર વિશે શું કહેશો.
મને તેમનું પ્રોફેશનલિઝમ ખૂબ પસંદ છે. જે રીતે તેમણે પોતાનું કરીયર બનાવ્યું અને જાળવી રાખ્યું છે, હું પણ તેમની જેવી જ બનવા માંગુ છું. મારા કરીયરને તેમની જેમ જ આગળ લઇ જવા ઇચ્છું છું.
ફિલ્મ સિમ્બા વિશે શું કહેશો.
હાલમાં તેના વિશે વધારે કહી શકીશ નહીં. જોકે બંને ફિલ્મોને લઇને હું ખૂબ જ એક્સાઇટેડ છું અને મને ખાતરી છે કે દર્શકો મને મારી બંને ફિલ્મોના પાત્રમાં ખૂબ પસંદ કરશે. હાલમાં ફક્ત હું કેદારનાથી વિશે જ જણાવીશ. સિમ્બા વિશે બીજીવાર વાત કરીશું.