ટી.વી. સિરિયલ્સમાંથી ફિલ્મોમાં પદાર્પણ કરનારી મૌની રોયને કરિયરની શરૂઆતમાં જ બિગ બજેટની અને સારી ફિલ્મો મળી રહી છે. અનેક લોકપ્રિય ટી.વી. સિરિયલ્સમાં યાદગાર અભિનય કરીને દર્શકોના મનમાં ખાસ સ્થાન મેળવનારી અભિનેત્રી મૌની રોયે થોડા સમય પહેલાં અક્ષયકુમારની ફિલ્મ `ગોલ્ડ’ દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કર્યું છે. ફિલ્મને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો. આજકાલ મૌની અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અભિનીત ફિલ્મ `બ્રહ્માસ્ત્ર’ને કારણે ફરી પ્રેક્ષકોમાં ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મમાં એની ભૂમિકા નેગેટિવ છે છતાં એ પોતાના રોલથી ખૂબ ખુશ છે. આ ઉપરાંત, એ રાજકુમાર રાવ સાથે ફિલ્મ `મેઇડ ઇન ચાઇના’ અને જોન અબ્રાહમ સાથે ફિલ્મ `રો’માં પણ જોવા મળી. હાલમાં એની અપકમિંગ ફિલ્મ `બ્રહ્માસ્ત્ર’ માટે ખૂબ જ એક્સાઇટેડ છે. આ ફિલ્મમાં એણે નેગેટિવ રોલ ભજવવાનું સ્વીકાર્યું છે. કરિયરની શરૂઆતમાં આવી ભૂમિકા સ્વીકારવાનું એને અયોગ્ય ન લાગ્યું?  ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવ્યા પછી ફરીથી ટી.વી. સિરિયલ્સમાં કામ કરવા તૈયાર થશે, મૌની રોય? આ દરેક બાબતો અંગે  થોડા દિવસ પહેલાં મૌનીને મળવાનું થયુ, ત્યારે એની સાથે થયેલી વાતચીતના કેટલાક અંશ.

— 2018નું વર્ષ તમારા માટે ખૂબ ખાસ રહ્યું. અક્ષય સાથે ફિલ્મ ગોલ્ડમાં અભિનય કર્યા પછી અનેક મોટી ફિલ્મોમાં અભિનય કરી રહ્યા છો.

હા, વર્ષ 2018 મારા માટે ખૂબ યાદગાર રહ્યું છે. એક જ વર્ષમાં મારી પાસે ચાર મોટી ફિલ્મો આવી. અક્ષયકુમાર સ્ટારર `ગોલ્ડ’ને ઓડિયન્સનો સારો પ્રતિસાદ મળ્યો. એટલું જ નહીં, મારા અભિનયની પણ ખૂબ પ્રશંસા થઇ. હવે હું ફિલ્મ `બ્રહ્માસ્ત્ર’, `મેઇડ ઇન ચાઇના’ અને `રો’માં પણ છું. આ ફિલ્મોમાં કામ કરવાથી પણ હું ખૂબ ખુશ છું.

— અયાન મુખર્જી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ `બ્રહ્માસ્ત્રમાં તમારો રોલ નેગેટિવ છે. હજી બોલિવૂડમાં તમારા કરિયરની શરૂઆત છે, આવા સંજોગોમાં નેગેટિવ રોલ કરવાનું જોખમી નથી લાગતું?

હા, ફિલ્મ `બ્રહ્માસ્ત્ર’માં હું નેગેટિવ રોલ કરી રહી છું. જોકે, કરિયરની શરૂઆતમાં નેગેટિવ રોલ કરવામાં કોઇ પ્રકારની સમસ્યા નથી. તમે જોજો, બાયોપિક ફિલ્મો સિવાય અન્ય તમામ ફિલ્મોમાં વિલનની જરૂર હોય છે. વિલન વિના કોઇ ફિલ્મ નથી હોતી. જે રીતે ગળપણ વિનાની રસોઇ બેસ્વાદ લાગે છે, એ જ રીતે ફિલ્મમાં વિલન ન હોય તો મજા નથી આવતી. આપણે સૌએ મોટા ભાગની ફિલ્મોમાં પુરુષ વિલન જ જોયા છે. ફિલ્મ `બ્રહ્માસ્ત્ર’માં તમને મહિલા વિલન જોવા મળશે, એ ફિલ્મમાં હું એકમાત્ર વિલન છું. મારા પાત્રને લીધે ફિલ્મમાં અવનવા વળાંક આવે છે. આનાથી વધારે હું મારા પાત્ર વિશે જણાવી નહીં શકું. મને વિલન તરીકે જોવા માટે તમારે ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવાની રહેશે.

— અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

સાચું કહું ને, તો હવે હું નિરાંતે મરી શકું એમ છું. મારા કહેવાનો અર્થ એ છે કે હું શાંતિથી મરવા માટે પણ તૈયાર છું. કરિયરની શરૂઆતમાં જ મને મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરવાની તક મળી, જે ઘણા કલાકારોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષો વિતાવ્યા પછી પણ મળતી નથી. ફિલ્મમાં અમિતાભ બચ્ચનજી સાથે મારા ચારથી પાંચ સીન છે, એ તમામ સીન મારા માટે યાદગાર છે. આલિયા ભટ્ટ, રણબીર કપૂર સાથે પણ કામ કરવાની ખૂબ મજા આવી. એ સમય શાનદાર રહ્યો.

— અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરતી વખતે નર્વસ થયા હતા?

અમિતાભજી બોલિવૂડના, અભિનયના શહેનશાહ છે. તે ઉપરાંત, તેઓ ખૂબ જ સમજદાર માણસ છે. એમની સાથે પહેલી વાર શોટ આપતી વખતે એવી ગભરાયેલી હતી કે ફોકસ જ નહોતી કરી શકતી. અમિતાભજી મારી હાલત સમજી ગયા અને મને કહ્યું, `મૌની, ભૂલી જાવ કે તમારી સામે કોણ છે, તમે માત્ર તમારો શોટ આપો.’ ડિરેક્ટર અયાન મુખર્જીએ પણ મને સમજાવી. તે પછી જ હું સારી રીતે શોટ આપી શકી.

— તમે રાજકુમાર રાવ સાથે `મેઇડ ઇન ચાઇનામાં કામ કર્યું. એના વિશે કંઇ જણાવશો?

રાજકુમાર સાથેની મારી ફિલ્મ `મેઇડ ઇન ચાઇના’નું આઉટડોર શૂટિંગ ગુજરાતના અમદાવાદ શહેરમાં પૂરું થયું. ફિલ્મમાં રાજકુમાર એવા માણસની ભૂમિકા અદા કરી હતી, જે મોટા મોટા સપનાં જુએ છે, એને બિઝનેસમેન બનવું છે. હું ફિલ્મમાં રાજકુમારના પાત્રની પત્નીની ભૂમિકામાં હતી. જે પોતાના પતિની સપોર્ટ સિસ્ટમ છે.

— તમને ટી.વી.ના ટચૂકડા સ્ક્રીને ઓળખ અપાવી. હાલમાં ફિલ્મોમાં બિઝી છો, તો ભવિષ્યમાં ટી.વી.માં કામ કરવાનો વિચાર ખરો?

મારી ઓળખ જ ટી.વી. છે. મને આ ઓળખ પ્રોડ્યુસર એકતા કપૂરે આપી છે. જો એવી કોઇ સિરિયલ મળશે, જેમાં મારું પાત્ર સ્ટ્રોંગ હોય તો ચોક્કસ ટી.વી. સિરિયલમાં કામ કરીશ. ટી.વી., ફિલ્મ્સ, વેબ સિરીઝ, એડ ફિલ્મ્સ હું બધુ કરવા માટે તૈયાર છું. કોઇ પણ સારો પ્રોજેક્ટ મળશે તો તે માટે ઇન્કાર નહીં કરું કેમ કે અત્યારે મારો રાઇઝિંગ ટાઇમ ચાલી રહ્યો છે.

— કરીયરની સફળતાથી ખુશ છો. શું કહેશો.

મૌનીને કરિયરમાં સફળતા મળી રહી હોવાથી એ ખૂબ ખુશ છે. જોકે હું માનુ છું કે `માણસ ગરીબ હોય કે પૈસાદાર, પૈસાથી સગવડ ખરીદી શકાય છે. તેમ છતાં પૈસાથી તમે ખુશી ખરીદી શકતા નથી. આ વાત જાણતાં હોવા છતાં લોકો – દુનિયા પૈસા પાછળ પાગલની જેમ દોડે છે. મને પણ આર્થિક સ્થિરતા જોઇએ, પણ તેનાથી વધારે મને શાંતિ પ્રાપ્ત કરવાની ઇચ્છા છે. જે માત્ર સ્વજનોના સાથ અને પ્રેમથી જ પ્રાપ્ત થઇ શકે છે. હું બંનેમાં નસીબદાર છું. હાલમાં મહેનત કરીને આર્થિક રીતે પગભર થવા માંગુ છું.

Loading

Spread the love

Leave a Comment