બોલિવૂડમાં ગોવિંદાથી લઇને રણવીર સિંહ અને વરૂણ ધવન જેવા કલાકારોને ડાન્સ શીખવનાર ડાન્સ માસ્ટર ગણેશ આચાર્ય ખૂબ જાણીતુ નામ છે. એક્ટર, ડીરેક્ટર તરીકે પણ બોલિવૂડમાં પોતાની કળાને અજમાવનાર ગણેશ આચાર્યની કોરીયોગ્રાફી કરેલા દરેક ગીત હિટ રહે છે. ગોવિંદાને તેમણે જ પોતાના ડાન્સ દ્વારા ઓળખ અપાવી છે, તો વરૂણ ધવન પણ તેમની કોરીયોગ્રાફીના કારણે ચર્ચામાં રહે છે. બીજાની વાતને વધારે ન કહેતા રણવીર સિંહના એક પછી એક ત્રણ ગીતોના ડાન્સ તેમના કારણે જ લોકપ્રિય થયા છે. જેમાં રામલીલાનું તતર…તતર….બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં રણવીર પર ફિલ્માવાયેલા ગીતની કોરીયોગ્રાફી તેમણે કરી છે અને ત્રણેય ગીતો ખૂબ જ લોકપ્રિય થયા છે. તેમણે એક ગુજરાતી ફિલ્મના ગીતની પણ કોરીયોગ્રાફી કરી હતી. ગણેશ આચાર્ય સાથે થયેલી કેટલીક રસપ્રદ વાતો.

— તમને લોકો ડાન્સ ગુરુ કહે છે, આપના ગુરુ કોણ છે.

સૌથી પહેલા તો કહીશ કે હું ગુરુ જેવા શબ્દમાં વિશ્વાસ જ કરતો નથી. મારા માટે ગુરુ મારા જીવનમાં શબ્દ જ નથી. તમે મને પૂછશો કે ગુરુ કેમ નહીં તો હું કહીશ કે હું આજેપણ એક શિષ્ય છું. હું કમલ માસ્ટરજી પાસેથી શીખ્યો તેમને મેં ગુરુ માન્યા. તેમણે જેની પાસેથી શીખ્યું તેમના ગુરુ હતા. તેથી તમે એકમાત્ર માધ્યમ છો, એક સારા વિદ્યાર્થી છો. તમારી કલાને લોકો સુધી પહોંચાડવા માટેનું માધ્યમ છો. એક સારા શીખનાર વ્યક્તિ છો. જો તમે સારા વિદ્યાર્થી રહો છો, તો જીવનમાં હંમેશા સારું શખી શકો છો. તેથી મારા જીવનમાં હું કોઇના માટે ગુરુ નથી. મારા માટે કોઇ છે, તો હું સમજુ છું. મારા માટે હું છેલ્લા શ્વાય સુધી એક વિદ્યાર્થી જ રહીશ. હું જે છેલ્લો શ્વાસ લઇશ તે પણ શીખતો જ હોઇશ.

— તમારા માટે ક્યા કલાકારને ડાન્સ શીખવાડવો સૌથી મુશ્કેલ અને સરળ રહ્યો છે.

મારા માટે ગોવિંદાને ડાન્સ શીખવાડવો ખૂબ મુશ્કેલ રહ્યો છે અને સની દેઓલને સૌથી સરળ રહ્યો છે. તેનું કારણ એ છે કે ગોવિંદા, ઋત્વિક તે બધા કલાકારોને ડાન્સ આવડે છે. તેમના માટે અમારે કઇક નવું વિચારવું પડે છે. જ્યારે સની દેઓલ કે અજય દેવગન જેવા કલાકારો છે, જેમને ડાન્સ આવડતો નથી, તેમને હું જે ડાન્સ કહીશ તે કરી લે છે. તેમના માટે વધારે વિચારવું પડતું નથી.

— તમે એક્ટિંગ કરી, ડિરેક્શન કર્યું અને ડાન્સિંગ કરો છો, તો સૌથી વધારે શેમાં મજા આવે છે.

ડાન્સિંગમાં, ગીત કરવામાં વધારે મજા આવે છે. દરેક વ્યક્તિને આગળ વધવા માટે શોખ હોય છે, તેથી મેં પહેલી ફિલ્મ સ્વામી બનાવી હતી. જેમાં મનોજ બાજપાઇ અને જૂહી ચાવલા હતા. તે પછી હાલમાં મેં બે મરાઠી ફિલ્મો બનાવી. ગીત એ મારું જીવન છે. ફિલ્મો બનાવવાની સાથે મેં તેને ક્યારેય છોડ્યુ નથી. તમે જોશો કે દર અઠવાડિયે કે અઠવાડિયામાં બે વાર મારી કોઇને કોઇ ફિલ્મ રીલીઝ થાય જ છે. જૂડવા 1 અને 2 બંને મેં કરી છે. પદ્માવત રલીઝ થઇ. તેનું ગીત ખલીબલી ખૂબ જ લોકપ્રિય થયું. હવે મારી છ કે સાત ફિલ્મો આવી રહી છે, તો કોરીયોગ્રાફી મારું પહેલું પેશન છે. જે મને ગમે છે. મારી બે કે ત્રણ ફિલ્મો પ્રોડક્શનમાં જઇ રહી છે. તે સિવાય બે-ત્રણ ફિલ્મોમાં એક્ટીંગ પણ કરી રહ્યો છું. તો કામ ચાલી જ રહ્યું છે.

— ડાન્સ માટે ઠેર ઠેર એકેડમી બને છે. શું તે યોગ્ય છે.

તમે મારી ક્યારેય ક્યાંય એકેડમી જોઇ. મને કોઇ શોમાં જજ તરીકે જોયો. હું આજે પણ શીખું જ છું.

— કોરીયોગ્રાફીમાં પણ સ્પર્ધા હોય તેવું લાગે છે.

આ સ્પર્ધા આજની નથી. પહેલેથી જ છે. પહેલા પણ દરેક જગ્યા એ સ્પર્ધા અને ફાઇટ જોવા મળતી પણ મેં મારી માટે ક્યારે કોઇને મારા કોમ્પિટીટર માન્યા જ નથી. હું મારી પોતાની જાતને જ મારો કોમ્પિટીટર માનું છું. પોતાની સાથે જ સડાઇ કરું છું કે આનાથી વધારે બેસ્ટ હું કઇ રીતે આપી શકું છું. દરેક ફિલ્ડમાં ડઝન લોકો તો તમારી સાથે હોય જ છે. જો તે લોકો ન હોય તો તમે કોમ્પિટીશન કેવ રીતે કરો.

— ફિલ્મી દુનિયાના ક્યા કલાકાર તમારા ફેવરેટ રહ્યા છે.

મને મહેમૂદ સાહેબ ખૂબ પસંદ રહ્યા છે. તે સિવાય મધુબાલા, કિશોરકુમાર મને પસંદ રહ્યા છે. જે કાલાકાર કોમેડી ટાઇમિંગમાં આગળ રહ્યા છે તે મને પસંદ છે. તે પછી ગોવિંદા મારા ફેવરેટ છે.

— ગુજરાતી ફિલ્મમાં પણ તમે કોરીયોગ્રાફી કરી હતી.

ફિલ્મ ફેરાફેરી હેરાફેરી એક ગુજરાતી ફિલ્મ હતી. મનોજ જોશી આ ફિલ્મમાં હતા. તેમણે મને આ ફિલ્મના ગીત માટે કહ્યું. તે સમયે હું બાગી 2ના ગીતનું શૂટ જેકલીનની સાથે કરી રહ્યો હતો. હું સીધો ત્યાંથી જ મારા ડાન્સર્સને લઇને અમદાવાદ ગયો હતો. અહીં મને કહેવામા આવ્યું હતું કે આઇટમ સોંગ છે. મને આવીને ખબર પડી કે ગીતના શબ્દો જ આઇટમ છે. જેના સંવાદો એ આઇટમ…. છે. ફિલ્મમાં નવો હિરો અને હિરોઇન છે. પહેલીવાર મેં ગુજરાતી ફિલ્મના કલાકારો સાથે કામ કર્યુ. મને ખૂબ જ મજા પડી હતી.

— ગુજરાતી ગીત અને હિન્દી ગીતની કોરીયોગ્રાફી કરવામાં શો ફરક લાગે છે.

હું અત્યાર સુધી હિન્દી ફિલ્મોના ગીતો પર કોરીયોગ્રાફી કરતો હતો અને ગુજરાતીમાં પણ કરી. બંનેમાં ફરક માત્ર એટલો જ છે કે શબ્દો બદલાઇ ગયા છે. બાકી બધુ જ એક સરખુ છે. આ ગુજરાતી ફિલ્મના બીટ્સ અને મ્યુઝીક હિન્દી ફિલ્મના ગીત જેવા જ હતા.

— યંગ જનરેશનમાં નવા નવા ડાન્સફોર્મ્સ જોવા મળે છે, તે વિશે શું કહેશો.

ડાન્સના ફોર્મ્સના નામ છે, જેમકે હાઉઝ, હિપોપ, સાલસા, લોકિકં પોપિંપ, બ્રેક, ક્લાસિકલ, ફોક વગેરે છે. મારા માટે આ કોઇ જ ફોર્મ્સ મહત્વના નથી કારણકે મારા માટે ડાન્સ એટલે એક લાગણી અને હાવભાવ છે. મને કોઇ ડાન્સની સાચી વ્યાખ્યા શું એમ પૂછે તો હું એક જ જવાબ આપુ કે મારા માટે તે ફિલિગ્સ અને એક્સપ્રેસન છે. સ્માઇલિંગ અને ડાન્સિંગ એ ડાન્સ છે. તેમાં તમે ક્લાસિકલ કરો કે હિપોપ કરો કે પછી ફોક કરો, ફક્ત નામ આપવામાં આવ્યા છે.

— તમારા ડાન્સ સ્ટોપ્સ અલગ હોવાનું અને લોકોને પસંદ આવવાનું શું કારણ માનો છો.

મેં તતર …તતરમાં વાળ ઉડાડવાનાં સ્ટેપ્સ કરાવ્યા છે, હવન કુંડમાં હું સલામ કરાવું છું. હું હંમેશા મારા ડાન્સમાં પ્રયત્ન કરું છું કે ચાર કે આઠ બીટનું પીટી ન હોવું જોઇએ. એક કે બે બીટનું હસવાનું કે જોવાનું ગમે તેવું હોવું જોઇએ. હું લીરીક્સ પર વધારે ધ્યાન આપું છું. કન્ટેન્ટ મને વધારે સારા ડાન્સ કરાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તે સિવાય હું આર્ટીસ્ટને સમજીને કોરીયોગ્રાફી કરું છું. મને મારા ગુરુ કમલ માસ્ટરજીએ શીખવાડ્યું છે કે જેવો દેશ તેવો ભેશ રાખવો જોઇએ.

— તમે હાલમાં ઘણુ વજન ઘટાડ્યુ છે. તેનું કોઇ ખાસ કારણ. કેવી રીતે કર્યું.

મેં 86 કિલો વજન ઊતાર્યું છે. મેં એક ફિલ્મ હે બ્રો કરી હતી. જેના માટે મેં 200 કિલો વજન વધાર્યું હતું. હવે પછી એક ફિલ્મ કરી રહ્યો છું જેના માટે મારે 95 કિલો વજન કરવાનું છે. મારી પોતાની એક યુ ટ્યુબ ચેનલ ગણેશ આચાર્યની એપ્રિલમાં લોન્ચ થઇ છે, તેમાં મેં કેવી રીતે વજન ઘટાડ્યું તે દેખાડ્યુ છે. હું તો માનું છું કે જાડા રહો કે પાતળા રહો, ડાન્સ એક એવી ફિલિંગ્સ છે કે તમે કરી શકો છો. જાડા હોવું તે ખરાબ નથી. હેલ્ધી છો તો ફીટ છો. પાતળા હો તો હવાથી પણ હલી શકો છો.

Loading

Spread the love

Leave a Comment