પંજાબના સુપરસ્ટાર ગણાતા એક્ટર અને સિંગર દિલજીત દોસાંજ હાલમાં પોતાની બોલિવૂડ ફિલ્મ અર્જુન પટીયાલાને લઇને પ્રમોશનમાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં ઊડતા પંજાબ, ફિલ્લોરી, સૂરમા, નૂર, જેવી અનેક ફિલ્મોમાં જોવા મળ્યા છે. સ્વભાવથી ખૂબ જ શરમાળ અને વિચારી વિચારીને જવાબ આપનાર દિલજીત સાથે ફિલ્મ સિવાય અનેક બાબતો પર ચર્ચા થઇ. તેમની સાથેની વાતચિત.

ફિલ્મની અંદર એક ફિલ્મ જેવું લાગે છે.

અર્જુન પટીયાલા એક એવી ફિલ્મ છે, જેમાં ફિલ્મની અંદર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ફિલ્મ મેકિંગ દરમિયાન અમે અમારી જ ફિલ્મનો મજાક કરીએ છીએ.

પોલીસ ઓફિસરના કોમેડી પાત્ર માટે કેટલી તૈયારીઓ કરી.

મે એક પંજાબી ફિલ્મ જટ એન્ડ જૂલીયટમાં પોલીસનું પાત્ર ભજવ્યું હતું અને બોલિવૂડ ફિલ્મ ઊડતા પંજાબમાં પણ ભજવ્યું હતું. જોકે હું ત્રીજી વાર આ પાત્ર કરી રહ્યો છું અને તે બંને પાત્ર કરતા ખૂબ ફની છે. પહેલા આવી કોઇ ફિલ્મ કરી નથી. પોતાના પર મજાક કરવો તે ખૂબ મુશ્કેલ છે. ફિલ્મમાં વાર્તા પણ જોવા મળશે પણ વાર્તાને જે રીતે રજૂ કરવામાં આવી છે તે અલગ છે. આવી ફિલ્મ બોલિવૂડમાં પહેલીવાર બની છે.

પંજાબીમાં કોમેડી ફિલ્મો તમે વધારે કરી છે, તો બોલિવૂડમાં તે કેટલું સરળ રહ્યું.

મેં રોમેન્ટિક કોમેડી ફિલ્મો વધારે કરી છે. પહેલેથી લઇને છેલ્લે સુધી સળંગ કોમેડી જ હોય તેવી આ પહેલી ફિલ્મ છે. મેં આઉટ એન્ડ આઉટ કોમેજી પહેલી વાર કરી છે. જો કે મને લાઇફમાં કોઇ બાબત મુશ્કેલ લાગી નથી.

એક્ટિંગ, સિંગિંગ અને જજ આ ત્રણેયને કેવી રીતે જુઓ છો. કહેવાય છે કે દિલજીત જજ તરીકે ખૂબ ઇમોશનલ છે.

તેનું કારણ એ છે કે હું પોતે એક કલાકાર છું. પહેલા એક સિંગર છું. સિંગિગમાં કે એક્ટિંગમાં ક્યારેય કોઇ ગોડફાધર રહ્યા નથી. કોઇ ઓળખાણ નથી. નવા કલાકારો જે આવે છે, ટીવી પર ગાતા હોય છે, તેમના મનમાં એક જ વાત હોય છે કે હવે આ જ દુનિયા છે. તેમાંથી જો કોઇ રહી જાય તો તેમને દુખ થાય છે અને પોતાનામાં કોઇ ઊણપ હોવાનો અહંસાસ થાય છે. તે મને ખૂબ દુખ પહોંચાડે છે. દરેકને મહેનત કરવી પડે છે. આજે જાણીતા ગાયકો અને કલાકારોએ પણ પોતાને રોજ સાબિત કરવાના પ્રયત્નો કરે છે.

સોશિયલ મિડીયા પર ઘણીવાર કહેવાતી વાતો વિશે શું કહેશો.

કેટલાક લોકો હંમેશા જ તમારાથી નારાજ રહેતા હોય છે. તમે ગમે તેટલું સારું કામ કરો તો પણ તેમને તમારા વિશે નેગેટીવ જ લખવું હોય છે. કેટલીક વાર તમે લોકોને પેમ્પર ન કરી શકો તેથી તેઓ ખોટી વાતો કરે છે. જોકે સોશિયલ મિડીયા પર થતી વાતોથી મને કોઇ ફરક પડતો નથી. બાકી મને પોતાને ખબર જ છે કે હું કોણ છું અને શું છું.

દિલજીત પોતાના વિશે શું કહેશે.

મારામાં ઘણી બધી ખામીઓ છે. હું ખૂબ શરમાળ છું. તરત કોઇની સાથે મિત્રતા કરી શકતો નથી. લોકો સાથે હળવા મળવામાં મને સમય લાગે છે. મને જો કોઇ વ્યક્તિ પસંદ ન હોય તો હું ક્યારેય તેની સાથે મિત્રતા કરી શકીશ નહીં. પછી તે ભલેને કોઇ પણ મોટો પદાધિકારી કેમ ન હોય. હું ક્યારેય કોઇની જૂહજૂરી કરી શકતો નથી. આને તમે મારી ખામીઓ કહી શકો છો.

તમે તમારા ઘરમાં સૌથી વધારે કોની નજીક છો.

હું ક્યારેય કોઇના પર તરત વિશ્વાસ કરી શકતો નથી. કોઇના પર વિશ્વાસ કરવામાં મને વર્ષોના વર્ષો વીતી જાય છે. હું ફક્ત મારી મમ્મી પર વિશ્વાસ કરું છું. તેમની સિવાય અન્ય કોઇપર મને વિશ્વાસ આવતો નથી. મને જીવનમાં ક્યારેય દુખ થયું નથી કે મારી સાથે દગો થયો નથી. કદાચ હું કોઇના પર વિશ્વાસ કરતો નથી તેના કારણે જ આ શક્ય બન્યું છે. તમે ત્યારે જ દુખી થાવ છો કે જ્યારે તમે કોઇના પર વિશ્વાસ કરો છો.

આવનારી ફિલ્મો કઇ છે.

કરીના કપૂર સાથે ગુડન્યૂઝ કરી રહ્યો છું. તેમની સાથે કામ કરવાની મજા આવી રહી છે. અનુભવી કલાકારો પાસેથી શીખવા ઘણુ મળે છે. ટેક ઓછા લેવા પડે છે. જોકે હું મારા દરેક કો સ્ટાર સાથે ખૂબ કમ્ફર્ટેબલ હોઉં છું. કેમેરા ઓન થતાની સાથે જ એક્ટિંગ મારા માટે સરળ બની જાય છે.

 

Loading

Spread the love

Leave a Comment