છેલ્લા કેટલાક સમયમાં આયુષ્યમાન ખુરાનાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન અલગ બનાવી લીધુ છે. જોકે ‘વિકી ડોનર’થી કરેલી શરૂઆત બાદ આયુષ્યમાન એવી ફિલ્મોમાં જોવા મળ્યો છે, જેમાં તે વ્યક્તિની વ્યક્તિગત સમસ્યાઓને ફિલ્મોના પાત્રો દ્વારા સામે લઇને આવે છે. સામાન્ય વ્યક્તિના જીવનમાં બનતી ઘટનાઓને તે પોતાના પાત્ર કે ફિલ્મની વાર્તા દ્વારા લોકો સમક્ષ રજૂ કરે છે. જેના કારણે તે લોકોને વધારે પસંદ પડે છે. ગયા વર્ષે પણ ‘બરેલી કી બર્ફી’ અને ‘શુભ મંગલ સાવધાન’ જેવી હિટ ફિલ્મો બાદ આ વર્ષે બેક ટુ બેક ‘અંધાધૂન’ અને હવે ‘બધાઇ હો’ ફિલ્મ લઇને તે આવ્યા છે. થોડા સમય પહેલા જ રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘અંધાધૂન’ને લોકોએ ખૂબ પસંદ કરી છે. તેના પાત્રને અને તબ્બૂ તથા રાધિકા સાથેના તેના સ્ક્રિન શેરીંગને લોકો વખાણી રહ્યા છે ત્યારે હવે આયુષ્યમાન આપણને તેની ફિલ્મ ‘બધાઇ હો’ માટે કંઇક કહેશે.

‘અંધાધૂન’ માટે બધાઇ હો….શું આ નસીબની વાત છે.

ખરેખર, આ વર્ષે બેક ટુ બેક ફિલ્મો આવી અને ગયા વર્ષે પણ આવી જ પરિસ્થીતી હતી કે બંને ફિલ્મો ખૂબ નજીકના સમયમાં રીલીઝ થઇ હતી. હું પોતે સમજી નથી શકતો કે આ કઇ રીતે બની રહ્યું છે. હું માનું છું કે તમારી બે ફિલ્મો સાથે આવે તેના કરતા વચ્ચે થોડો ગેપ હોય તો વધારે સારું રહે છે. તેનાથી એક પ્રકારની સ્પેસ મળી રહે છે. આ રીતે ફિલ્મો આવે તો પ્રમોશન કરવાનું સ્ટ્રેસ પણ વધી જાય છે. જોકે આ વખતે થોડું સ્ટ્રેસ ઓછું છે, કારણકે મારી બંને ફિલ્મો અલગ પ્રકારની છે. ગયા વર્ષે આવેલી ફિલ્મો થોડાઘણા અંશે સરખી હતી. આ વખતે ‘અંધાધૂન’ થ્રિલર ફિલ્મ છે અને ‘બધાઇ હો’ ફેમીલી કોમેડી ફિલ્મ છે.

આયુષ્યમાનની ફિલ્મોને હવે લોકો તેના નામથી જોવા જાય છે. તેના વિશે શું કહેશો.

હું પોતે એવું જ ઇચ્છતો હતો કે હું એવા પ્રકારની જ સ્ક્રિપ્ટ્સની પસંદગી કરું, ફિલ્મો કરું, જેમાં લોકોને વધારે રસ પડે. હું મારી પહેલી ફિલ્મથી જ કન્ટેન્ટ પર વધારે ફોકસ કરી રહ્યો છું. લોકો હવે એવું માનતા થયા છે કે હું જે ફિલ્મ કરીશ તે અલગ જ હશે તે મારા માટે આનંદની વાત છે.

તબ્બુ, રાધિકા અને નીનાજી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

મારી દરેક ફિલ્મોમાં સારા કલાકારો હોય છે. ‘અંધાધૂન’માં તબ્બુજી, ‘બધાઇ હો’માં નીનાજી અને ગજરાજજી, સુરેખાજી છે. આ તમામ સિનિયર કલાકારો પાસેથી ઘણુ શીખવા મળે છે. તમારી સાથે જ્યારે સારા કલાકારો કામ કરતા હોય તો તમારી એક્ટીંગ આપોઆપ સારી થવા લાગે છે કારણકે સીન સારા થાય છે. એક્ટીંગ રીએક્ટીંગ પણ થાય છે. તમારી સામે જેટલો સારો કલાકાર હશે, તેટલું સારું તમે રીએક્ટ કરી શકશો. મેં મારી ફિલ્મોમાં આ જ કર્યું છે.

‘બધાઇ હો’ના વિષય સાથે આજના યુવાનો કેટલા જોડાઇ શકશે.

યુવાનો રીલેટ કરશે કારણકે તેઓ પણ નહીં ઇચ્છતા હોય કે એક ઉંમર પછી તેમની મમ્મી પ્રેગનન્ટ થઇ જાય. આજના સમયમાં બે બાળકો વચ્ચે ગેપ હોય છે. જો 13 વર્ષ જેટલો પણ ગેપ હોય તો બાળક સમજી શકે છે કે શું થયું છે. આવી પરિસ્થીતીમાં તમારા મિત્રો, શાળા-કોલેજના મિત્રો તમારી છેડતી કરશે કે સંકોચ અનુભવો તેવું બોલશે. જોકે બીજી બાજું જોઇએ તો તે માતા-પિતાનોં નિર્ણય છે. તેમનું જીવન છે તેમણે શું કરવું જોઇએ.

ફિલ્મ વિશે જણાવો.

ફિલ્મમાં અમારી મિડલક્લાસ ફેમીલી છે. જેમાં પિતા રીટાયર થવાના છે અને માતા પ્રેગનન્ટ થઇ જાય છે. તો બધો બોજો મોટા દિકરા પર આવી જાય તેવી પરિસ્થિતી ઊભી થવાની છે. એક પ્રેક્ટિકલ પરિસ્થિતી ઊભી થવા જઇ રહી છે. જેને જીવનમાં ખરેખર સમજવાની જરૂર છે.

શું પહેલાથી તમને વ્યક્તિ સાથે જોડાયેલા વિષયો પર ફિલ્મ કરવાનું પસંદ છે.

હું પહેલેથી જ એવા વિષયો પસંદ કરતો આવ્યો છું કે જે સમાજમાં હાજર તો છે પણ તેના પર લોકો ચર્ચા કરતા નથી. વિકી ડોનર, દમ લગાકે હઇશા કે પછી શુભ મંગલ સાવધાન દરેક વિષયો એવા રહ્યા છે કે જેની સાથે લોકો જોડાયેલા છે. બધાઇ હો પણ તેમાની જ એક ફિલ્મ છે. પહેલાના જમાનામાં લોકોને દસ દસ બાળકો જોવા મળતા. જેમની વચ્ચે દસ કે વીસ વર્ષનો ગેપ પણ રહેતો હતો. મારા પપ્પા લોકો ચાર ભાઇ-બહેનો છે અને મારી મમ્મી લોકો છ ભાઇ બહેનો છે. હવેના સમયમાં આ રહ્યું નથી. ગામડામાં આજે પણ ક્યાંક જોવા મળે છે, પણ શહેરોમાં જો આવું થાય તો લોકો માટે ચર્ચાનો વિષય બની જાય છે. આવા નોર્મલ લોકોને રીલેટ કરતા વિષયને ધ્યાનમાં રાખીને જો સ્ક્રિપ્ટ લખવામાં આવે તો તે લોકોને વધારે અસર કરે છે. તેથી દર્શકો તે જોવાનું વધારે પસંદ કરે છે.

આવનારી ફિલ્મો કઇ છે.

નવેમ્બરમાં શૂટીંગ શરૂ થઇ રહ્યું છે, તે સમયે જ ખબર પડશે. તેનો વિષય પણ એકદમ અલગ જ છે. હું કોઇપણ નોર્મલ ફિલ્મ કરવા ઇચ્છતો નથી. હું હંમેશા કંઇક અલગ જ આપીશ.

 

 

Loading

Spread the love

Leave a Comment