આજકાલ ઘરની સજાવટ કરવાનું થોડો વિચાર માગી લે છે કેમ કે તમારી સામે બે વિકલ્પ હોય છે. તમે જો ટેર્નામેન્ટવાળા ઘરમાં રહેતાં હો તો તમારી પાસે થોડી વિશાળ જગ્યા હોય છે અને જો નવા ફ્લેટમાં રહેતાં હો તો ઓછી જગ્યામાં જ વધારે સમાવેશ કરવાનો રહે છે. એવામાં જ્યારે તમે દીવાલની સજાવટ કરવાનું વિચારો ત્યારે વોલ હેંગિંગ આર્ટ થોડી સમજદારી અને રચનાત્મકતા માગી લે છે. વોલ હેંગિંગ આર્ટ માટે તમારા બજેટનો પણ વિચાર પહેલાંથી કરી લેવો જરૂરી છે, કેમ કે વોલ હેંગિંગ આર્ટમાં અસંખ્ય આર્ટ અને પ્રિન્ટ્સ હોય છે જેનાથી તમે દીવાલને તમારી ઇચ્છા અનુસાર ડેકોરેટ કરીને તમારા ઘર અને રૂમને અત્યંત આકર્ષક લુક પ્રદાન કરી શકો છો.

તમે કોઇ પણ વોલ હેંગિંગ આર્ટ અપનાવો, પણ તેમાં દીવાલ અને વોલ હેંગિંગના પ્રકાર, રંગ અને તેના ગ્રૂપિંગ, સાઇઝ વગેરેનું ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. દીવાલ પર વોલ હેંગિંગને એવી રીતે લગાવો કે જોનારને તેના દ્વારા તમારી રચનાત્મકતાનો ખ્યાલ આવવાની સાથોસાથ ઘરની સજાવટમાં કેટલો વધારો થાય છે તેનો પણ ખ્યાલ આવે. આના માટે તમે એકબીજા સાથે મેળ ખાતા હોય એવા, વિરોધાભાસી અથવા મિક્સ એન્ડ મેચ કલરને અપનાવી શકો છો. મૂળ તેનો હેતુ તમે તમારા જે મૂડ અથવા લાગણી અભિવ્યક્ત કરવા ઇચ્છતાં હો, તે વ્યક્ત થવા જોઇએ. ઘણી વાર તમે જે ડેકોરેશન કરવા ઇચ્છતાં હો, તેમાં વધારે ફેરફાર કરવાનું અશક્ય હોય છે. જેમ કે, ફ્લોરિંગ અથવા બાથરૂમમાં ફિક્સચર્સ. એવામાં તમારે થોડી સમજદારી દાખવવી જરૂરી બની જાય છે.

તમે ડ્રોઇંગરૂમ, લિવિંગરૂમ કે બેડરૂમની દીવાલ પર આકર્ષક રીતે વોલ હેંગિંગનો ઉપયોગ કરી શકો છો. તમારે નવા વોલ હેંગિંગ પીસ ન લાવવા હોય તો તમારી પાસે રહેલા ફેમિલી પિક્ચર્સ જેમાં તમારા ફેમિલીની અવિસ્મરણીય યાદ સમાયેલી હોય તેને ક્રમાનુસાર લગાવી શકો છો. આમાં પણ થોડો ખ્યાલ રાખવો જરૂરી છે. જેમ કે, તમે જે ફોટોઝથી દીવાલની સજાવટ કરવા ઇચ્છતાં હો, તે તમામની સાઇઝ દીવાલ પર ક્યાં કઇ રીતે લગાવવાથી વધારે સારી લાગશે તે નક્કી કરી લો. તે પછી દરેક ફોટોગ્રાફ માટેની ફ્રેમ એકસરખી હોય તેનું પણ ધ્યાન રાખો. ફોટોઝ એવી રીતે લગાવો કે એક ફોટો બીજા ફોટો સાથે કંઇ ને કંઇ રીતે સંકળાયેલો હોય. આ રીતે પાંચ કે છ ફોટોગ્રાફને એકસરખી ફ્રેમમાં ગોઠવીને દીવાલ પર આકર્ષક રીતે લગાવવાથી તે વધારે સુંદર લાગશે. આમ, તમામ ફોટોગ્રાફ લગાવ્યા પછી જો તે લગાવવા માટેની ખીલી અથવા હૂક દેખાતા હોય તો તેના પર સુંદર લેસ અથવા સાટિનની રિબનના ફૂલની ડિઝાઇન બનાવી તેને ઢાંકી દો અને પછી એ જ સેરને તેની સાથેના સંકળાયેલા ફોટોગ્રાફ સાથે લગાવો અને આ રીતે દરેક ફોટોગ્રાફના હૂક કે ખીલીને ફૂલથી સજાવી તેને પછીના ફોટોગ્રાફ સાથે સાંકળી દો. આવું ડેકોરેશન આકર્ષક લાગવાની સાથે તમારામાં રહેલી રચનાત્મકતા અને કલાનો પરિચય પણ આપે છે. આ રીતે તમામ ફોટોગ્રાફ લગાવ્યા પછી થોડી વાર તેનાથી સહેજ દૂર ઊભા રહીને નિહાળો કે તમે જે ફોટોગ્રાફ લગાવ્યા છે તે કેવા લાગે છે. દરેક ફોટોગ્રાફ વચ્ચેની ખાલી જગ્યાનું પ્રમાણ, તેની દિશા, તેના હૂક કે ખીલી તેની સાથે લગાવેલી ચેઇન અથવા રિબિન રૂમની અન્ય સજાવટ જેમ કે ફર્નિચર, દીવાલના રંગ, ફ્લોરિંગ, પડદા વગેરે સાથે મેળ ખાય એવા છે ને?

આ સાથે એ પણ ધ્યાન રાખો કે કેટલાક ફોટોગ્રાફ્સ જો લેમિનેટ કરેલા હોય અને કેટલાકને કાચની ફ્રેમમાં મઢાવેલા હોય તો એને પણ એવી રીતે લગાવો કે તે આકર્ષક લાગે. જો કોઇ એક જ મોટું ચિત્ર લગાવવા ઇચ્છતાં હો, તો ધ્યાન રાખો કે તમારા ઘરનો એ રૂમ થોડો મોટો હોવો જોઇએ. એટલું જ નહીં, જે ચિત્ર અથવા પેઇન્ટિંગ તમે લગાવો તેમાંની ઝીણામાં ઝીણી વિગતોનો ખ્યાલ આવવો જોઇએ. તમે લગાવેલા પેઇન્ટિંગથી એ વ્યક્ત થવું જોઇએ કે તમારો મૂડ અને ફીલિંગ્સ કેવા છે અને તેની અભિવ્યક્તિ એ પેઇન્ટિંગ યોગ્ય રીતે કરી શકતું હોય.

ડ્રોઇંગરૂમ કે હોલ અથવા એન્ટ્રન્સમાં લગાવેલા પેઇન્ટિંગ્સ કે ફોટોગ્રાફ જોનારની નજરને સમાંતર હોય એ રીતે લગાવવા. ઘણા લોકો ફોટોગ્રાફ કે પેઇન્ટિંગ ખૂબ ઊંચે લગાવતાં હોય છે, જે યોગ્ય નથી અને આ રીતે લગાવેલા પેઇન્ટિંગ્સ કે ફોટોગ્રાફ્સ સારાં પણ નથી લાગતાં. આથી બને ત્યાં સુધી તે તમારી નજરને સમાંતર હોય એ રીતે લગાવો. એવી જ રીતે લિવિંગ રૂમ અથવા ડાઇનિંગ રૂમમાં પણ તમે બેઠાં હો ત્યારે પેઇન્ટિંગ કે ફોટોગ્રાફ તમારી નજરને સમાંતર રહે એ રીતે લગાવો.

આમ, જો તમે વધારે ખર્ચ ન કરવા ઇચ્છતાં હો અને બજેટને અનુરૂપ તમારા ફોટોગ્રાફથી જ દીવાલને સજાવવા માગતાં હો, તો તેનાથી આકર્ષક વોલ હેંગિંગ બીજું કંઇ નથી. તે તમારી ફીલિંગ્સ દર્શાવવાની સાથોસાથ તમારી ફેમિલી પ્રત્યેના અટેચમેન્ટની અભિવ્યક્તિ પણ કરે છે.

 

Loading

Spread the love

Leave a Comment