દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના ઘરને નવો લુક મળી રહે. ઘરની સજાવટમાં અને ગાર્ડનિંગમાં તે હંમેશા નિતનવા ફરેફારો કરવા ઇચ્છે છે. ઘરને કે ગાર્ડનને હંમેશા તરોતાજા એટલે કે અપડેટ રાખવાનું હવે દરેક વ્યક્તિ પસંદ કરવા લાગી છે. હાલમાં ચોમાસું પૂર જોશમાં બધા એન્જોય કરી રહ્યા છે, ત્યારે આ વાતાવરણમાં તમે ઘરમાં જે પ્લાન્ટનું ડેકોરેશન કરતા હો, કે પછી ગાર્ડનમાં કે ટેરેસ ગાર્ડનમાં જે પણ પ્રકારના પ્લાન્ટ્સ રાખતા હો, તેમાં કંઇક નવીન ફેરફાર કરીને આપણે તેને વધારે આકર્ષક બનાવી શકીએ છીએ.

જો તમારે તમારા ઘરને નવું લુક આપવું  હોય તો ઘરમાં હેંગીંગ બાસ્કેટથી ઘરની સજાવટ કરી શકો છો. એક જ સિરિઝમા લગવેલી હેંગીંગ બાસ્કેટ ઘરને કે બાલ્કનીને ખૂબ જ સુંદર અને આકર્ષક લુક આપે છે. તેને એક જ લાઇનમાં લગાવી શકાય છે. જો દિવાલ વધારે લાંબી હોય તો તેને ઉપર નીચે કે ક્રોસ ડિઝાઇનમાં પણ લગાવી શકાય છે. હેંગીંગ બાસ્કેટ દરેક નર્સરીમાં મળી જાય છે. હેંગીંગ બાસ્કેટથી જગ્યાનો ઉપયોગ થઇ શકે છે અને તે દેખાવમાં પણ સુંદ લાગે છે. તેને તમે તમારી સુવિધા પ્રમાણએ કોઇપણ સ્થળે ગોઠવી શકો છો. લોનમાં, લોનની બહાર ટેરેસ પર કે બાલ્કનીમાં, ઘરના એન્ટ્રન્સ ગેટ પર કોર્નર પર, ડોર પર, રસોડાની વિન્ડો પર, ડ્રોઇંગ રૂમમાં એન્ટ્રન્સની વોલ પર કે સામેની વોલ પર, બેડરૂમમાં વિન્ડો કોર્નર પર આવી અનેક જગ્યા પર તમે હેંગીંગ બાસ્કેટ લગાવી શકો છો. તેના વિશે થોડી વધારે જાણકારી મેળવીએ જેથી ઘરના લુકને થોડું વધારે આકર્ષક બનાવી શકાય.

મોસ ગ્રાસ અને કોકો પીટ ગ્રાસને દસ મિનિટ પાણીમાં પલાળીને રાખો, તેનાથી તે ફૂલી જશે. તેને બાસ્કેટમાં પાથરી દો. તેના પર થોડી ખાતરવાળી માટી નાખો. પછી તેમાં છોડ કે બીજ રોપી શકો છો. ખાતર તરીકે છાણનું ખાતર, લીમડાનું ખાતર થોડા થોડા સમયે નાખતા રહો.

બાસ્કેટ ગાર્ડનિંગ જરાપણ મુશ્કેલ નથી. સુંદર અને આકર્ષક ફૂલછોડની પસંદગી કરીને તમારા ઘરને અલગ લુક આપી શકો છો. તમે ઘરમાં હેંગીંગ બાસ્કેટ માટે ફર્ન, પિટ્યૂનિયા, થાઇમ, પાનજી વગેરે પર પસંદગી ઉતારી શકો છો.

તમે કઇ જગ્યાએ હેંગીંગ બાસ્કેટ લગાવવાના છો, તે પણ વધારે મહત્વનું છે. તેને જે પણ જગ્યાએ લગાવો તે પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તે જગ્યાએ સૂર્યપ્રકાશ તેમજ ગરમ અને ઠંડો પવન સીધો આવતો હોય. જોકે એકરીતે આ પ્રકારના બાસ્કેટ માટે સેમી સેલ્ટર્ડ એરીયા સૌથી બેસ્ટ જગ્યા હોય છે. તે તમારા ઘરની બાલ્કનીની બાજુવાળી દિવાલ પણ હોઇ શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને માથાના થોડા ઉપરના ભાગ તરફ કે આઇ લેવલને ધ્યાનમાં રાખીને લગાવવું જોઇએ.

જો તમે ઇચ્છો તો સામાન્ય હેંગીંગ બાસ્કેટ કે પછી સુંદર કોતરણીવાળી કે ડિઝાઇન કરેલી બાસ્કેટ પણ પસંદ કરી શકો છો. કોકો ફાઇબર, લોખંડ, કેળના પાનથી બનેલી, ચેઇન હેંગર બાસ્કેટ જેવી અનેક પ્રકારની બાસ્કેટ મળે છે, તમે એરિયા પ્રમાણએ પણ બાસ્કેટ પસંદ કરી શકો છો.

તો હવે બારેમાસ ઘરમાં કે બાલ્કનીમાં ગાર્ડનીંગનો નવો લુક રાખવા ઇચ્છતા હો તો હેંગીંગ ગાર્ડનીંગ પર પહેલી પસંદગી ઉતારીને લીલીછમ આકર્ષક મીની ફૂલવાડી તૈયાર કરી દો.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment