દ
દુપટ્ટો હવે ફક્ત ડ્રેસનો એક ભાગ રહ્યો નથી, તે એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયો છે. ખભા પર ફક્ત તેને રાખીને તેની કિંમતને ઓછી કરવી નહીં. તમે તેમાં પણ તમારી રચનાત્મકતા દેખાડી શકો છો અને દુપટ્ટાને ફક્ત લહેરાવવાનો સિલસિલો અટકાવી ને હવે તમે પણ દુપટ્ટાનો ઉપયોગ નવી પદ્ધતિથી કરીને સ્ટાઇલ સ્ટેટમેન્ટ દીવા બની શકો છો.
એપલ કટ કુર્તા પર સ્કાર્ફ જેવો દુપટ્ટો
તમે કુર્તા પણ એવા પહેરો છો જે પારંપરિક ઓછા અને સ્ટાઇલિશ વધારે લાગે છે, એમ પણ કહી શકો કે તે વધારે સ્ટાઇલિશ દેખાય છે. તો દુપટ્ટાના કારણે તમારું આ લુક ખરાબ ન થવા દો. જો તમે એપલ કટ કુર્તો પહેર્યો હોય તો દુપટ્ટાને ગળા પર અનેક રાઉન્ડ કરીને પહેરી શકાય છે. પછી જુઓ, તમે પરંપરાગત કપડાંને વેસ્ટર્ન સ્ટાઇલમાં પહેરીને પણ આકર્ષક લાગશો. તે સિવાય તમે લોન્ગ કુર્તા પર પણ તેને ગળામાં ફક્ત વીંટાળીને પહેરી શકો છો અથવા વી શેઇપની ડિઝાઇન આગળના ભાગમાં આપી શકો છો.
સ્કાર્ફની જેમ દુપટ્ટો
દુપટ્ટો ઓઢવાનો અર્થ હવે યુવતીઓ માટે બોરીંગ ડ્રેસ અને અનાકર્ષક લુક તેવો થઇ ગયો છે. તેથી હવે જો તમને ડ્રેસની સાથે ઓઢણીની જેમ એક જ સ્ટાઇલમાં દુપટ્ટો પહેરવાનું પસંદ ન હોય તો તેને અલગ અલગ રીતે પહેરી શકો છો. જે રીતે સ્કાર્ફ પહેરીએ તે રીતે પણ દુપટ્ટો પહેરી શકાય છે. જેમકે એકવાર ક્રોસ કરીને અથવા તો ગળાની ફરતે બે રાઉન્ડ કરીને બંને છેડાના ભાગને આગળની તરફ રાખી શકાય છે. તે સિવાય દુપટ્ટાને વાળમાં બાંધીને છેડાના બંને ભાગને આગળની તરફ ખભા પાસેથી રાખી શકાય છે. તે સિવાય દુપટ્ટાને ફક્ત ગળાની ફરતે વીંટાળીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. પહેલા અઢી મીટરના દુપટ્ટા આવતા હતા, તેની પહોળાઇ પણ વધારે રહેતી હતી. તેથી તેની સાથે સ્ટાઇલ કરવી વધારે મુશ્કેલ રહેતું. જોકે હવે દુપટ્ટા વધારે મોટી સાઇઝના આવતા નથી તેથી હળવા અને ઓછી પહોળાઇના દુપટ્ટાઓ સાથે તમે ઇચ્છો તેવી સ્ટાઇલ કરી શકો છો. હળવા દુપટ્ટાની સ્ટાઇલ તમે સ્કાર્ફની જેમ ખૂબ જ સરળતાથી કરી શકો છો.
બેલ્ટ પણ સુંદર લાગશે
સ્ટાઇલિશ દેખાવા માટે તમે સૂટ પર બેલ્ટ પણ બાંધી શકો છો. આ પ્રકારની સ્ટાઇલ કરવાથી તમારા સલવાર-સૂટને વનપીસ જેવો લુક મળી જશે. તેના માટે ફક્ત એટલું જ કરવાનું છે કે દુપટ્ટાને રેગ્યુલર જે રીતે પહેરતા હો તે રીતે પહેરો. પાછળની તરફના બંને છેડાને જોડી દો અને પછી તે છેડાઓ સાથે બેલ્ટ બાંધી દો. જેનાથી બંને છેડા તેની અંદરના ભાગમાં રહે. આ લુક ખરેખર ખૂબ જ સુંદર લાગે છે. દુપટ્ટાની કોઇ અન્ય સ્ટાઇલ સાથે પણ તમે બેલ્ટ લગાવી શકો છો.
સાડીના પાલવની જેમ દુપટ્ટો
તમે જે પ્રકારની કે કલરની સાડીઓ પહેરો છો, તે જ રીતે દુપટ્ટા પહેરવાના પણ શરૂ કરી દો. દુપટ્ટાનો એક ભાગ કમર પર એ રીતે લગાવો જેમ સાડીનો પાલવ દેખાય છે. જ્યારે દુપટ્ટાનો બીજો ભાગ સાડીના પાલવની જેમ પાછળની તરફ લટકતો રહેવા દો. તે ઉપરાંત તમે દુપટ્ટાની સાથે સીધા પાલવવાળી સાડીની સ્ટાઇલ પણ કરી શકો છો અથવા તો ખભાના વચ્ચેના ભાગમાં દુપટ્ટામાં પીન લગાવી દો. હવે એક બાગ પાછળની તરફ લટકતો રહેવા દો. પછી બીજા ભાગને બંને ખૂણામાંથી એકને બીજા ખભા પર પીનઅપ કરી દો.
શેરોનની જેમ પણ પહેરી શકાય
જો તમે સાધારણ સૂટ પહેર્યો હોય અને કંઇક નવું ન લાગતું હોય અને દુપટ્ટો ખૂબ જ સુંદર ડિઝાઇનવાળો હોય તો તમે શું કરશો. શું તે દુપટ્ટાને પહોળો કરીને ખભા પર રાખશો. હવે દુપટ્ટાનો સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે ઉપયોગ કરતા શીખી જાઓ. તમે જ્યારે પણ સૂટની ઉપર ડિઝાઇનવાળો દુપટ્ટો પહેર્યો હોય તો તેને શેરોનની જેમ પહેરો. શેરોન એટલે કે બીચ ઉપર યુવતીઓ જેને બીકીનીની ઉપર પહેરે છે તે રીતે પહેરો. જેનાથી સ્ટાઇલ દેખાવાની સાથે બોડી પણ ઢંકાયેલી રહે. તમે દુપટ્ટામાં જૂદા જૂદા સ્ટાઇલને મિક્સ એન્ડ મેચ કરી શકો છો.
જીન્સ સાથે પણ પહેરી શકાય
જીન્સની સાથે સ્લિવલેસ ટોપ કે ઓફ શોલ્ડર ટોપ કે પછી ટીબેક પહેર્યું હોય તો તમે પ્લેઇન કે ડિઝાઇનર દુપટ્ટાને સ્ટાઇલિશ સુક આપીને શરીરને ઢાંકવાની સાથે સ્ટાઇલ પણ અપનાવી શકો છો. તે ઉપરાંત સ્લીવલેસ ટોપની સાથે તે સ્કાર્ફની જેમ પણ ઉપયોગમાં લઇ શકાય છે. તો વળી, તેનો સ્કાર્ફ કેપ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. જે ખરેખર ખૂબ જ આકર્ષક પણ લાગે છે. તે ઉપરાંત તમે સૂટ પહેર્યો હોય તો પણ સ્કાર્ફ સ્ટાઇલથી તમે તેનો ઉપયોગ કરી શકો છો.