વસ્ત્રો હોય કે એક્સેસરીઝ, હંમેશા કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છતા યુવા વર્ગમાં અત્યારે ઇકોફ્રેન્ડલી બનવાનો ક્રેઝ જોવા મળે છે. તેઓના શોપિંગ પર નજર નાખીયે તો ફેશન ડિઝાઇનરો પણ સમયની માંગ અને જરૂરીયાત પ્રમાણે ઇકોફ્રેન્ડલી ડ્રેસ તૈયાર કરી રહ્યા છે.

ગ્રીન ફેશન

ગ્રીન ફેશનનો અર્થ ગ્રીન રંગ સાથે નહીં પરંતુ ઇકોફ્રેન્ડલી અને ઓર્ગેનિક ફેશન છે. અત્યારે લોકો કુદરત પાસે પાછા વળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિ ઇકોફ્રેન્ડલી બનવાનો પ્રયત્ન કરે છે. ઇકો ફેશન ફાઇબર યાર્ન, ટેક્સટાઇલ, પ્રિન્ટિંગ, ડ્રોઇંગ અને ફિનિશિંગ આ તમામ કડીઓ કુદરતી પ્રક્રિયા સાથે જોડાયેલી છે. આ અંતર્ગત આર્ટીફિશિયલ ફાઇબરના બદલે કુદરતી રેસા જેવા સૂતર, લિનન, જ્યૂટ, ફ્લેક્સ વગેરેનો ઉપયોગ થાય છે. તેનો પહેલો કોન્સેપ્ટ લોકોમાં અવેરનેસ લાવવાનો છે. ગ્લોબલ વોર્મિંગ માટે સેવ વોટર કે ગો ગ્રીન જેવા મેસેજ આપવામાં આવે છે. બીજી રીત એ છે કે કુદરતને હાનિ પહોચાડ્યા વિના કપડાં, એક્સેસરીઝ તૈયાર કરવી. મોટાભાગે કપડાંને કેમિકલથી પ્રિન્ટ કરવામાં આવે છે તે આપણે સૌ જાણીયે છીએ. ઇકોફ્રેન્ડલી ફેશનમાં વેજીટેબલ પ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જે શરીર માટે નૂકશાનકારક હોતા નથી.

ફેબ્રીક પણ કુદરતી હોય છે. જેમકે પ્યોર કોટા, કોટન વગેરે. કલર કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને ઇકોફ્રેન્ડલી ફેશન અપનાવી શકાય છે. જેમાં ઉનાળામાં ફ્લોરલ પ્રિન્ટ અને ગ્રીન રંગના કપડાં પહેરીને તમે નીકળી શકો છો. આનાથી તમે ઇકોફ્રેન્ડલી બની ગયા એમ કહી શકાય.

ઇકોફ્રેન્ડલી એક્સેસરીઝ

ઇકોફ્રેન્ડલી ફેશનમાં ફક્ત ડ્રેસીસ કે જ્વેલરી જ નહીં તમામ પ્રકારની એક્સેસરીઝ પણ ઇકોફ્રેન્ડલી મળે છે. જ્વેલરીમાં જોવા જઇએ તો વાંસ, કાપડ, જ્યૂટ અને સ્ટોનમાંથી બનતી જ્વેલરી પણ ખાસ પસંદગીમાં હોય છે. તે સસ્તી હોવાની સાથે સ્ટાઇલીશ પણ હોય છે. વાંસ, જ્યૂટ, જૂના કપડાં અને કાગળમાંથી બનેલા નેકલેસ, ઇયરીંગ્સ, કડાં, હેરક્લિપ , માળાઓ અને ફિંગરરીંગ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ જ્વેલરીને તમે કોઇપણ ડ્રેસ સાથે પહેરી શકો છો. આ પ્રકારની જ્વેલરી તમે જાતે પણ ડિઝાઇન કરી શકો છો.  જ્યૂટમાંથી બનેલા કડાં, ઇયરીંગ્સ, નેકલેસ, ચંપલો પણ પસંદગીમાં અગ્રેસર છે. તે સિવાય વિવિધ પ્રકારની ડિઝાઇનવાળી પેપર જ્વેલરીને પણ લોકો ખૂબ પસંદ કરે છે. તેનો ફાયદો એ છે કે પહેરવામાં હળવી અને દેખાવમાં એલિગન્ટ લુક આપે છે. પોલિથીનના કારણે પર્યાવરણને નુકસાન થાય છે, તેથી હવે પેપર બેગનો ઉપયોગ પણ વધી રહ્યો છે.

રંગોમાં વિવિધતા

ઇકોફ્રેન્ડલી ફેશનમાં તમને રંગોની વિવિધતા ઘણી ઓછી જોવા મળે છે. જોકે તેમાં ડાર્ક ગ્રીનથી લઇને પેરટ કલર સુધીના લાઇટ અને ડાર્ક કલરનું કોમ્બિનેશન તમને જોવા મળતું રહે છે. તે સાથે જ લેમન યલો અને ગ્રીન કલરનું કોમ્બિનેશન તમે ઘણા ડ્રેસીસમાં જોઇ શકો છો. જ્યારે પણ કોઇ ઇકોફ્રેન્ડલી આઉટફીટ માટે રંગોની પસંદગી કરવામાં આવે ત્યારે ગ્રીન કલરમાં જ લાઇટ અને ડાર્ક મિશ્રણ જોવા મળે છે. ડાર્ક ગ્રીન, ગ્રીન, મિલિટ્રી ગ્રીન, મસ્ટર્ડ ગ્રીન, લાઇટ ગ્રીન, પેરટ ગ્રીન, આ ચાર રંગોમાં વ્હાઇટ, ક્રીમ, લાઇટ બ્રાઉન, લાઇટ પીંક લેમન યલો અને યલો રંગને થોડા ઘણા અંશે ભેગા કરવામાં આવે છે. જેના લીધે ગ્રીન રંગ સાથે તે ભળી શકે છે અને આઉટફીટને વધારે આકર્ષક બનાવે છે. તે ઉપરાંત બ્રાઉન રંગના દરેક શેડ્સને પણ ખાસ પસંદ કરવામાં આવે છે.

વિવિધ આઉટફીટ

હવે ઇકોફ્રેન્ડલી ફેશન દરેક પ્રકારના આઉટફીટમાં જોવા મળે છે. શર્ટ કે ફ્રોકમાં જ નહીં પણ પાર્ટીવેર ગાઉન કે ટ્યુનિક્સમાં પણ તે રંગોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ક્રશ્ડ ટોપ કે ટ્યુનિકમાં તે સૌથી વધારે આકર્ષણ ઊભુ કરે છે. હવે તો લોંગ ફ્રોક, ગાઉન, પાર્ટી ડ્રેસ, કુર્તી, ટોપ, ટી-શર્ટ્સ, સાડી, શોર્ટ્સ, શોર્ટ ફ્રોક, વગેરે અનેક પ્રકારના આઉટ ફિટમાં ગો ગ્રીનની ફેશનને લોકો અપનાવી રહ્યા છે. વળી, આ રંગના કારણે ગરમીમાં પણ રાહત રહે છે. જેને ધ્યાનમાં રાખીને ઉનાળા માટે ખાસ લાઇટ અને ડાર્ક કલરનું કોમ્બિનેશન રાખવામાં આવે છે. પેન્ટમાં પણ હવે તો ગ્રીન અને બ્રાઉન કલરને ફેશન તરીકે લેવામાં આવે છે. ઉપરાંત ફ્લોરલ પ્રિન્ટનો ઉપયોગ ટોપ હોય કે પેન્ટ દરેકમાં હવે જૂદી જૂદી ફેશન પ્રમાણે થતો જોવા મળે છે. જે સૌથી વધારે પસંદગીમાં છે અને આકર્ષણ ઊભુ કરે છે.

તો હવે તમે કેવા કોમ્બિનેશનવાળા ઇકોફ્રેન્ડલી આઉટફીટ પહેરવાનું પસંદ કરશો તે તમે નક્કી કરી લો અને ઉનાળાના તાપની સામે ગ્રીન ગ્રીનરીનો અનુભવ કરી લો.

 

 મેધા પંડ્યા ભટ્ટ

 

 

Loading

Spread the love

Leave a Comment