હાલમાં મિથુન ચક્રવર્તી સોની ટીવી પરના શો ધ ડ્રામા કંપનીમાં જોવા મળી રહ્યા છે. આ શોમાં મિથુન દાની સાથે ટીવીના ઘણા દિગ્ગજ કોમેડી કલાકારો પણ છે. આજે મિથુન દાનું નામ ખૂબ જાણીતુ છે પણ એક સમય એવો પણ હતો કે તેમને બે દિવસ સુધી ભૂખ્યા રહેવું પડતુ હતું. તે સિવાય સ્ટેશન પર પણ સૂઇ જવું પડતુ. બોલિવૂડમાં 50 વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવનાર મિથુન દા એ જે કર્યું છે, તેવા ઘણા ઓછા લોકો કરતા હોય છે. તેઓ કોઇના આધારના કારણે નહીં પણ પોતાની મહેનતથી સ્ટાર બન્યા છે. મિથુન ચક્રવર્તી ડાન્સની દુનિયાનું એક એવું નામ છે, જેને ક્યારેય ભૂલી શકાય નહીં. લોકપ્રિય એક્ટરની સાથે ગ્રેટ ડાન્સર તરીકે પણ તેમણે પોતાનું નામ આજે પણ જાળવી રાખ્યું છે. ઝી ટીવી પર આવતા રીયાલીટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સની દરેક સિઝનમાં તેઓ ગ્રાન્ડ માસ્ટર તરીકે જોવા મળે છે. સાથે જ ફિલ્મી કરિયરને તો તેઓ આજેપણ કલાકાર તરીકે ન્યાય આપી રહ્યા છે. હવે ઝી ટીવી પર ડાન્સ ઇન્ડિયા ડાન્સની છઠ્ઠી સિઝન શરૂ થવા જઇ રહી છે. તેથી કોમેડી શોની સાથે ડાન્સના શોમાં પણ હવે તે જોવા મળશે.

કોમેડી અને ડાન્સ શો બંનેમાં એકસાથે મિથુન દા જોવા મળવાના છે, ત્યારે એક ડાન્સર કોમેડી કેવી રીતે કરી શકે તે અંગે તેમણે કહ્યું કે, હું એક ડાન્સર છું તેથી ડાન્સના શોમાં તમને ગ્રાન્ડ માસ્ટર તરીકે જોવા મળી રહ્યો છું. સાથે જ હું એક કાલાકાર છું તેથી તમને કોમેડી શોમાં પણ જોવા મળી રહ્યો છું. બંને મારા કામનો એક ભાગ છે અને તે હું ખૂબ જ સારી રીતે કરી રહ્યો છું.

કોમેડી કરવી મુશ્કેલ છે કે ડાન્સ કરવો મુશ્કેલ છે તે અંગે તેમણે કહ્યું કે, જ્યારે ડાન્સ કરવાનો હોય ત્યારે બોડીની મુવમેન્ટ ખૂબ જ પરફેક્ટ હોવી જરૂરી છે. તે જ રીતે કોમેડીમાં ચહેરાના હાવભાવ વધારે મહત્વના ગણાતા હોય છે. તમારા ચહેરા પર હાસ્ય ઉપજાવે તેવા ભાવ આવે અને કોઇ ડાયલોગ બોલવાનો ન હોય તો પણ એટલે સામેવાળી વ્યક્તિને હસવું આવી જ જતુ હોય છે.

મિથુન દા સાથે જ્યારે મુલાકાત થઇ ત્યારે ડાન્સ ઇન્ડિયા ડાન્સની દરેક સિઝનના અનુભવ અને બદલાવ વિશે પૂછતા તેમણે જણાવ્યું કે, જ્યારથી શો શરૂ થયો ત્યારથી લઇને જેટલા પણ સ્ટાર્સ અમે બનાવ્યા છે તે દરેક જણે આજે પોતાનું એક સ્થાન બનાવી લીધુ છે. સમય સાથે ડાન્સમાં નવીનતા જોવા મળી છે કારણકે અમે હંમેશા પ્રયત્ન કર્યો છે કે નવું ડાન્સમાં શું આપી શકીયે છીએ. સાથે જ કલાકારો નવું શું આપી શકે છે, તેમાં પણ ખાસ ધ્યાન રાખ્યું છે. ડાન્સ દરેક લોકો કરે છે. 50 વ્યક્તિ ડાન્સ કરતી હોય પણ તેમાંથી તમારી નજર કોઇના ડાન્સ પર જ અટકી જતી હોય છે. તે ખાસ છે. જે બધા કરતા અલગ ડાન્સ કરીને દેખાઇ આવે, જૂદુ લાગે, તે અમે આટલા વર્ષોમાં આપ્યું છે.

પહેલી સિઝનથી તેઓ શો સાથે જોડાયેલા છે, તેથી આ વખતના છઠ્ઠા સિઝનમાં નવું શું હશે તે અંગે તેમણે જણાવ્યું કે, હું તમને મારી વાત કહીને જણાવીશ કે, હું ક્યારેય કોઇ પ્લાનિંગ કરતો નથી. અમે બધા કહીયે છીએ કે અમે બધા કરતા કઇક અલગ લઇને આવીશું, કઇક અલગ પ્રકારના ડાન્સ જોવા મળશે. હું આ જે હટકે (અલગ) છે ને તે ત્યાં બેસીને જોતો હોઉં છું. તેમાંથી કોઇ એકને હું પસંદ કરું છું. આ રીતે જેટલા લોકો પસંદ કરું છું તેમને અલગ કરતો નથી પણ તે બધામાં મારી નજર અટકી જાય છે. જો તે પસંદ કરેલા લોકોને સારી રીતે ટ્રેઇન કરવામાં આવે તો તે ભવિષ્યના સ્ટાર હોય છે. અલગ તો હશે જ પણ હાલમાં શું અલગ હશે તે હું કહી નહીં શકું. જે અલગ હશે તે જોયા પછી જ ખબર પડે છે.

એક પરફેક્ટ ડાન્સરને ડાન્સ કલાકારોની પસંદગી માટે કઇ બાબતો ખાસ જોવામાં આવે છે તે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું કે, કલાકારોના લેગ મુવમેન્ટ, બોડી મુવમેન્ટ, તેમનું પોતાને સ્ટેજ પર કઇ રીતે પ્રેઝન્ટેશન છે, ડાન્સ પરર્ફોમન્સ, સ્ટેજને કઇ રીતે કવર કરવામાં આવે છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે.

આ વખતની સિઝનમાં શું બેન્ચમાર્ક હશે તે અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આ શો નો બડીને સમ બડી બનાવે છે. આજે આ શોમાંથી ગયેલા ઘણા કલાકારો મળે છે અને કહે છે કે દાદા આજે હું સ્ટાર બની ગયો છું, આ કામ કરી રહ્યો છું. હું એટલું કહીશ કે ડાન્સ ઇન્ડિયા ડાન્સ ડાન્સર નથી બનાવતા પણ ડાન્સિંગ સ્ટાર્સ બનાવે છે. આ વખતે ડાન્સિંગ સુપર સ્ટાર પણ જોવા મળે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment