નવરાત્રી આવે એટલે નવા પ્રકારના ડ્રેસીંગની તૈયારીઓ થવા લાગે છે. દરે વર્ષે નવરાત્રીમાં કેવા પ્રકારના ચણિયાચોળી હશે, કેવી વરાયટીઝ હશે તે પ્રશ્ન હંમેશનો રહ્યો છે. જોકે ગુજરાતમાં તેને લઇને અનેરો ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. ગુજરાતના ગરબા જ નહીં પણ નવ દિવસ પહેરવામાં આવતા આઉટફીટ પણ ખૂબ લોકપ્રિય રહે છે. તેથી જ નવરાત્રીના આઉટફીટમાં દર વર્ષે નવતર પ્રયોગો થતા રહે છે. આ વર્ષે પણ તેમાં ખૂબ નવિનતા જોવા મળી રહી છે.

 

 

ડબલ લેયર્ડ ફ્રિલ ડિઝાઇન

હાલમાં મોટાભાગના આઉટફીટમાં ડબલ લેયર્ડ ફ્રિલ ડિઝાઇન ખૂબ લોકપ્રિય થઇ રહી છે. તેમાં પણ હવે તે નવરાત્રીના આઉટફીટમાં એપ્લાય થઇ હોવાથી વધારે આકર્ષક લાગે છે. ચણિયા અને ચોળી બંનેમાં ફ્રિલની ડિઝાઇન જેમાં બ્લાઉઝના બાંય અને કમરના ભાગમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ચણિયામાં પણ તેને છેવાડે અથવા તો કમરના ભાગમાં અનોખી ડિઝાઇન્સ સાથે ફ્રિલ કરાય છે. ડબલ લેયર્ડ ડિઝાઇનના ચણિયા અને ચોળી પણ ખાસ ઓર્ડર આપીને બનાવવામાં આવે છે. જેમાં ખાસ કરીને બે અલગ અલગ પ્રિન્ટનો ઉપયોગ થાય છે. જેનાં ફ્રિલ લેયર્ડનો ભાગ ઓછો રાખવાનો હોય તેમાં પ્લેઇન કલરનો ઉપયોગ થાય છે. વધારે લેયર્ડ રાખવાનું હોય તેમાં બાટીક તેમજ વર્લી પ્રિન્ટ હાલમાં ખૂબ લોકપ્રિય છે. જો બંને ફ્રિલ લેયર્ડ એકસરખા રાખવાના હોય તો બંનેમાં પ્રિન્ટના મટીરીયલ્સનો ઉપયોગ થાય છે પરંતુ તેમાં કલરનું કોમ્બિનેશન લાઇટ અને ડાર્ક કલરનું પસંદ કરવામાં આવે છે. એક લેયર્ડમાં પ્રિન્ટ નાની અને બીજામાં મોટી રાખવામાં આવે છે. જેથી બંને લેયર્ડ એકબીજાથી અલગ તરી આવે. સાથે જ જો ચણિયાના નીચેના ભાગમાં કોર્નર પર તેમજ ચોળીમાં પણ ફક્ત દુપટ્ટામાં ફ્રિલનો ઉપયોગ કરવો હોય તો ગામઠી સ્ટાઇલના ચણિયા ચોળીમાં પ્લેઇન કલરની ફ્રિલ આખા આઉટફીટને જૂદૂ પાડે છે.

 

ચાકળા, પોમપોમ અને ટેશલનું કોમ્બિનેશન

જે પ્રકારના ચણિયા-ચોળીની ડિઝાઇન્સ હાલમાં બની રહી છે તેમાં મોટાભાગે પ્લેઇન કલરમાં હવે નાના નાના અલગ ડિઝાઇન્સના ચાકળા સ્ટીચ કરી દેવામાં આવે છે. જેમાં પોમ પોમ અને ટેશલને પણ તે ચાકળાને વધારે રીચ લુક આપવા પસંદ કરવામાં આવી રહ્યા છે. કેટલાક ચણિયામાં કોર્નરના ભાગમાં પણ આખામાં ટેશલનો ઉપયોગ થઇ રહ્યો છે. તો કેટલાક પ્લેઇન ડાર્ક કલરના ચણિયા ચોળીમાં અલગ અલગ સિકવન્સમાં ગોઠવીને તે ચણિયા ચોળીને સિમ્પલ રીચ લુક અપાઇ રહ્યો છે. સાથે જ દુપટ્ટામાં પોમ પોમની પસંદગી કરવામાં આવે છે. જેથી દુપટ્ટો વધારે હેવી લુક આપે છે. કચ્છી વર્કવાળા ચાકળાની સાથે પોમપોમનું કોમ્બિનેશન ઘણા સમયથી જોડાયેલું છે. યુવકોની ટોપી તેમજ કોટીમાં પણ તે જોવા મળે છે.

 

ગામઠી, કચ્છી, અને આભલા વર્ક હંમેશાથી

ચણિયા ચોળીમાં આજસુધી ક્યારેય આ વર્કનું કોમ્બિનેશન જોવા ન મળ્યું હોય તેવું બન્યું નથી. સાથે જ આભલા ન હોય તો ઊઠાવ જ ન આવે. આ ત્રણેયનું કોમ્બિનેશન જ ચણિયા ચોળીને સૌથી વધારે લોકપ્રિય બનાવતું આવ્યું છે. જોકે તેના અલગ અલગ ડિઝાઇનના ચાકળા સૌથી વધારે લોકપ્રિય છે. આખા ચણિયા ચોળીમાં હવે આ વર્ક અને કોમ્બિનેશન ખૂબ ઓછું જોવા મળે છે. તેનું કારણ તે ચણિયા-ચોળી વજનમાં ખૂબ જ ભારે લાગે છે. તેથી હંમેશા ગરબે ઘૂમતા લોકો માટે તે થોડું વજનદાર બની જાય છે. જોકે તેને ધ્યાનમાં રાખીને આઉટફીટના કેટલાક મુખ્ય ભાગો પર જ આ ત્રણેયના કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને હવે ઉટફીટ તૈયાર કરવામાં આવે છે. આભલા પણ હવે ખૂબ ઓછા ઉપયોગમાં લેવાય છે. તેના બદલે ચતારાનો ઉપયોગ થઇ રહ્યો છે. જેથી વજનમાં તે હળવું રહે છે. જોકે જ્યારે ચણિયા ચોળી હળવા હોય તો તેના દુપટ્ટાને હેવી વર્કનો પસંદ કરવામાં આવે છે. જે ખરેખર આજની ફેશન પ્રમાણે સૌથી વધારે લોકપ્રિય છે.

કેડિયા – ધોતી સ્ટાઇલ

ગયા વર્ષથી નવરાત્રીમાં યુવતીઓ માટે પણ કેડિયા સ્ટાઇલ લોકપ્રિય થઇ છે. તેની સાથે ધોતીમાં કોર્નર પર પોમપોમથી બોર્ડર કરવામાં આવી છે, જેના કારણે તે અલગ જ દેખાય છે. ધોતીના કલર અને પોમપોમના કલરનાં કોમ્બિનેશનમાં વિરોધાભાસ ઊભો કરવામાં આવ્યો છે, જેથી તે સૌ પ્રથમ આકર્ષણનું કેન્દ્ર બને. તે સિવાય કેટલીક ધોતીની બોર્ડર ડિઝાઇનમાં હેવી કચ્છીવર્કની પટ્ટીઓ પણ મૂકવામાં આવી છે, તો કેટલાકમાં કાચનું વર્ક પણ જોવા મળે છે. જે નવરાત્રીમાં વધારે ચમકીલું લાગે. સાથે પહેરવામાં આવતા કેડીયામાં કચ્છી હેન્ડવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં બાંયની બોર્ડર પર પણ પોમપોમ મૂકવામાં આવ્યા છે, જેથી ધોતીની સાથે તે મેચિંગ કરી શકાય છે. સાથે કેડીયામાં કાશ્મીરી સ્ટાઇલ અને પાકિસ્તાની ડિઝાઇનના સ્ટીચનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ કેડિયામાં આ વર્ષે એક નવી ફેશન એપ્લાય કરાઇ છે. જેમાં ચણિયા ચોળીની સાથે લોન્ગ કેડિયું પહેરી શકાશે. તેમાં દુપટ્ટાને માથે બાંધી શકાશે. આ કેડિયું કોટીની ડિઝાઇન્સનું પણ બનાવવામાં આવ્યું છે. જેના કારણે યુવતીઓ ફ્રિ રહીને રમી શકે.

 

વર્ક, પ્રિન્ટ અને ફેબ્રિક

 

 

નવી ડિઝાઇન્સની સાથે જ નવા વર્કનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આરી વર્ક અને ટેબલ પ્રિન્ટ ખૂબ ડિમાન્ડમાં છે. સાથે જ વર્ષોથી ચાલી આવતી કચ્છી વર્કની ફેશન તો જળવાયેલી જ છે. તો વર્લી પ્રિન્ટ પણ હવે પસંદ કરવામાં આવે છે. રેશમ રીયલ એમ્બ્રોડરી વર્ક, રીયલ મિરર વર્ક, ડિજીટલ પ્રિન્ટ, ટેશલ વર્ક, શીસેલ વર્ક (કોટી, શંખ, છીપલાનું વર્ક)નો પણ હવે ઉપયોગ પહેલાની જેમ ફરીથી ફેશનમાં સામેલ થયો છે. મટીરિયલ્સમાં મોટાભાગે કોટન અને સોફ્ટ કોટનનો ઉપયોગ થાય છે. સાથે જ સિલ્ક અને કોટન સિલ્ક પણ જોવા મળે છે.

ખરેખર નવરાત્રી માટે કેટકેટલાય પ્રકારની ડિઝાઇન્સનો ઉપયોગ કરાઇ રહ્યો છે. તેથી જ તો દર વખતે આવતી નવી ફેશનને લોકો ખૂબ જ ઉત્સાહથી વધાવી લે છે. કારણકે નવરાત્રી સૌથી લોકપ્રિય તહેવાર છે.

Spread the love

Leave a Comment