બોલિવૂડ અને સાઉથની ફિલ્મો ઉપરાંત ટીવી સિરીયલ્સમાં જોવા મળેલા સુશાંતસિંહ હાલમાં ગુજરાતી ફિલ્મ ચિલઝડપમાં જોવા મળી રહ્યા છે. આજસુધી તે મોટાભાગે ગ્રે શેડ કેરેક્ટરમાં જ જોવા મળ્યા છે. આ ફિલ્મમાં પણ તેમનો રોલ એ પ્રકારનો જ છે. સુશાંતસિંહ સાથે થયેલી ગુજરાતી ફિલ્મ, ભાષા અને આવનારી ફિલ્મો અંગેની વાતચિત.

ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

ગુજરાતી ભાષાની ફિલ્મ હોવાથી મને લાગ્યું કે થોડી અગવડ પડશે, પણ પછી ધર્મેશ મહેતાએ મને આખી વાર્તા સંભળાવી ત્યારે મને વિશ્વાસ આવ્યો કે હું કરી શકીશ અને મારાથી વિશેષ ધર્મેશ મહેતાને મારા પર વધારે વિશ્વાસ હતો. એથી કામ કરવાની મજા આવી અને ગુજરાતી ભાષામાં કામ કરવાનો એક અલગ જ અનુભવ રહ્યો.

આ ફિલ્મમાં તમારા માટે ગુજરાતી ભાષા સિવાય બીજી કઇ બાબત પડકારજનક હતી?

ભાષા સિવાય તો મારા માટે બીજું કંઇ પડકારજનક નહોતું. હા, કોઇપણ નવું પાત્ર હોય તો એમાં તમારા માટે થોડો પડકાર તો રહેવાનો અને આમાં તો અંડરવર્લ્ડના ડોનનું પાત્ર હતું. એવું નથી કે મેં આવા પાત્રો પહેલાં ભજવ્યા નથી. મારા માટે એ પડકારજનક હતું કે ફિલ્મ જોઇને પ્રેક્ષકોને એવું ન લાગે હું મને સોંપાયેલી કામગીરી જ માત્ર અદા કરી રહ્યો છું. સાથે ભાષા અલગ હોવી એ બાબત એક કલાકાર માટે થોડી વધારે પડકારજનક બની જાય છે કેમ કે મૂળ ભાષા પોતાની નથી. તમે ભાષા સાથે રમત કરી શકતા નથી, પાત્રમાં પણ તમે કંઇક અલગ લાગે એવું દર્શાવવા ઇચ્છો છો. આ બધું મળીને ફિલ્મમાં અભિનય કરવાનું થોડું પડકારજનક તો હતું, થોડો નર્વસ પણ હતો, છતાં ધર્મેશ મહેતાનો આભારી છું કે એમને વિશ્વાસ હતો કે ના, હું તમારી પાસેથી આ કામ કરાવી જ લઇશ. હવે એમણે મારી પાસે કામ કરાવ્યું અને મેં કેવું કામ કર્યું એ તો હવે પ્રેક્ષકોએ નક્કી કરવાનું રહેશે.

કઇ બાબત માટે નર્વસ હતા?

કોઇ પણ નવું કામ શરૂ કરું ત્યારે નર્વસ હોઉં છું. નવું પાત્ર, નવી ફિલ્મ, નવો પ્રોજેક્ટ, જ્યારે રીલિઝ થાય ત્યારે મનમાં એવું તો થાય જ છે ને કે શું થશે? અને હવે તો આ ફિલ્મ લોકોની થઇ ગઇ. હવે એમાં કંઇ પરિવર્તન કે ફેરફાર થઇ શકે નહીં. હવે તો પ્રેક્ષકોએ જ જણાવવાનું છે કે કલાકારે કેવું કામ કર્યું છે. પ્રેક્ષકોનો મત વધારે મહત્ત્વ ધરાવે છે. મૂળ તો પ્રેક્ષકો જ કહે છે કે સુશાંતસિંહ તમે આ શું કર્યું અથવા આવું કેમ કર્યું. એવો પ્રતિભાવ તો મળવાનો.

તમારા જે સંવાદો હતા એ શીખવામાં તમને કેટલો સમય લાગ્યો?

હું ધર્મેશભાઇ સાથે બેસીને સ્ક્રિપ્ટનો અર્થ સમજતો, હું વાંચતો, શબ્દોના અર્થ સમજતો. દરેક ભાષાની આગવી શૈલી હોય છે. દરેક વિસ્તારની આગવી ભાત હોય છે. એક જ બાબત હતી કે આ મુંબઇ આધારિત એસેન્ટ ધરાવતી હતી. એ રીતે ગુજરાતી ભાષા બોલવી સરળ હતી, પણ ખરેખર ગુજરાતી ભાષા શીખવી અને બોલવી એ થોડું મુશ્કેલ તો બની જાય છે. ઘણા લોકો ભાષા શીખવાને બદલે, સ્વીકારવાને બદલે કેરીકેચર અપનાવે છે. મારે એવું નહોતું કરવું, પણ હા, જે શબ્દો બોલ્યો છું, તેનું ઉચ્ચારણ કેવી રીતે કરવાનું છે, ડબિંગ સુદ્ધાં ગુજરાતી સાંભળીને, શીખીને કર્યું છે. મારી રીતે જે કંઇ વધારે સારી રીતે થઇ શકે તે કર્યું છે.

એવો કોઇ સંવાદ કે દૃશ્ય વિશે જણાવશો જેમાં તમને મુશ્કેલી પડી હોય?

અનેક વાર. કેમ કે બોલવામાં માત્રાઓ જેમ કે, `માં છે’, `માંથી છે’ `દરિયાનો છે’, `દરિયામાંથી છે’ એ બધું સાંભળીને, શીખીને બોલ્યો. જેમાં `નો’ છે કે `નું’ છે કે `ની’ છે એ બધું ઘણું અલગ પડે છે. આમ તો ગુજરાતી ભાષા હિંદી જેવી જ છે. પણ તે બોલવાની મુશ્કેલી પડે છે. મૂળ તો ભાષાની સુંદરતા હોય છે. આખું યુનિટ ગુજરાતી હતું એટલે કોઇ તો મળી જ રહેતું, જે મારા ખોટા ઉચ્ચારો ન થાય તેનો ખ્યાલ રાખતા હતા. એકાદ શબ્દ ખોટો ઉચ્ચારું કે તરત દરેક તરફથી સૂચનાઓ મળતી. ઘણી ચર્ચાઓ થતી. મારે કહેવું પડતું કે તમે ગુરુ છો, વાત કરી લો. પછી મને કહો.

તમે ગુજરાતી શીખી ગયા, ગુજરાતી ફિલ્મમાં અભિનય કરી લીધો. તો હવે શું લાગે છે? ગુજરાતી કેવી લાગી? હવે તમે ગુજરાતી બોલી શકો છો?

ગુજરાતી સમજી શકું છું, સાચું કહું તો હજી બોલી નથી શકતો. મારા સંવાદો વગેરે સમજી શકું છું. ફિલ્મમાં ટેક પણ કર્યાં. એ પહેલાં રીડિંગ પણ કર્યું. ડબિંગ પણ કર્યું. એ બધું કરી લીધું, પણ હા, હજી ગુજરાતીમાં વાતચીત નથી કરી શકતો. સમજી શકું છું. કોઇની વાત સાંભળીને એ ખ્યાલ આવી શકે છે કે શેની વાત ચાલી રહી છે.

કોઇ નવી વસ્તુ શીખવાનો કે જાણવાનો અનુભવ કેવો લાગે છે?

ખૂબ સરસ. કોઇ પણ નવી ભાષા શીખવાનો અને જ્યારે તે સમજાવા લાગે છે ત્યારે ગમે છે. મારી એક કન્નડ ફિલ્મ પણ રીલિઝ થઇ રહી છે. એને કન્નડ નહીં, પણ કનડા કહે છે. એ ફિલ્મનું નામ `પહલવાન’ છે. ત્યાં પણ એવું જ બન્યું. શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ પડી પણ લોકોએ મને ખૂબ સપોર્ટ આપ્યો. કેમેરા પાછળ ઊભા રહીને તેઓ મને પ્રોમ્પટિંગ પણ કરતા હતા. જ્યારે ભાષા થોડી થોડી સમજાવા લાગી, જેમ જેમ ફિલ્મ આગળ વધતી ગઇ, તો હું ત્યાં લોકોને વાતો કરતાં સાંભળતો હતો. શબ્દો પકડતો હતો, સમજતો હતો, જેમ જેમ સમજાવા લાગ્યું તો આવું બને ત્યારે આનંદ થાય છે ને. તમને કોઇ વસ્તુ આવડે ત્યારે ખુશી થાય છે કે તમે કંઇ નવું શીખો છો. એવું ન લાગે કે તમે કોઇ પરગ્રહવાસી છો.

તમે કોઇ ફિલ્મ સ્વીકારો છો ત્યારે પાત્ર જુઓ છો કે સ્ક્રિપ્ટને મહત્વ આપો છો?

સ્ક્રિપ્ટ જ જોઉં છું. સૌથી પહેલાં સ્ક્રિપ્ટ સાંભળું છું. તમારું પાત્ર કોઇ સારી સ્ક્રિપ્ટમાં જ સારું હોય છે. સ્ક્રિપ્ટ ખરાબ હોય અને પાત્ર સારું હોય એવું તો મેં ક્યારેય સાંભળ્યું નથી. જો કોઇ રાઇટર સારી સ્ક્રિપ્ટ લખી શકે તો એ એક પાત્રને પણ સારું લખી શકે છે. હું વાર્તા એક પ્રેક્ષકની જેમ સાંભળું છું. મને વાર્તા સમજાય પછી હું પાત્ર જોઉં છું. જો પાત્ર દમદાર હોય અથવા એવું લાગે કે મારા કારણે પાત્ર વધારે સારું બન્યું તો હું તે સ્વીકારી લઉં છું. કેટલીક વાર એવું બને છે કે તમે લોકપ્રિય હો, તો તમારું પાત્ર નાનું હોવા છતાં તે દમદાર હોય તે કેટલું દમદાર છે એ હું નક્કી કરીશ.

તમે ટીવી સિરિયલમાં કામ કર્યું છે. શું ફરક જણાયો?

ફિલ્મો અને ટીવીમાં મીડિયા છે અને બંને મીડિયામાં ભાષાનો તો કોઇ ફરક નથી પડતો, માત્ર બજેટનો ફરક પડે છે. હિંદીમાં તમે કમર્શિયલ ફિલ્મ કરો છો, તો હિંદીમાં તમને વિશાળ પ્રેક્ષકવર્ગ મળે છે. તેનું થોડું મોટું બજેટ હોય છે, ગુજરાતી ફિલ્મ હમણાં હમણાં વિકસી રહી છે. હવે થોડી મોટા બજેટની ફિલ્મો બની રહી છે. જ્યારે બજેટની વાત આવે છે, ત્યારે થોડી મહેનત વધારે કરવી પડે છે. બસ, એ જ ફરક હોય છે. બાકી તો દરેક મીડિયામાં પોતપોતાના બજેટ અનુસાર કામ અને મહેનત કરવાની હોય છે.

વેબસીરિઝનો ટ્રેન્ડ વધ્યો છે. બધા વેબસીરિઝ તરફ વળી રહ્યા છે, તો આ બંને મીડિયા પર કંઇ અસર થશે?

ના, ફિલ્મોને તો કંઇ અસર નહીં થાય. કોઇ પણ સારી વસ્તુ હોય તેને શું અસર કે ફરક પડવાનો? મને લાગે છે કે જો આ ફિલ્મને ટીવી કે મોબાઇલમાં ન જોતાં તેની અસલ મજા થિયેટરમાં અને મોટા સ્ક્રીન પર જ આવશે તો હું ફિલ્મ જોવા થિયેટરમાં જવાનો જ. તમને એક ઉદાહરણ આપું. ફિલ્મ `બાહુબલી’ને તમે ટીવી કે મોબાઇલમાં જોવાના? નહી ને? `બાહુબલી’ની અસલ મજા જ તો મોટા સ્ક્રીન પર જોઇને આવવાની. તમારી સાથે અન્ય દોઢસો-બસો પ્રેક્ષકો બેઠા હોય, સૌ સાથે ફિલ્મનો આનંદ માણી રહ્યા હોય, એ જે એનર્જી છે તેની વાત જ અલગ છે. તો એવું કંઇ તમે આપો ને. એ કામ ફિલ્મમેકરનું છે કે મને-પ્રેક્ષકોને થિયેટરમાં ખેંચી લાવે. તંમે મને જણાવો કે ફિલ્મ `એવેન્જર્સ’નો બિઝનેસ કેટલો સારો રહ્યો? પ્રેક્ષકોને એટલી ગમી છે કે તેઓ સ્ક્રીન પરથી નજર જ નથી ખસેડતા. `અવતાર’ ફિલ્મ કે `બાહુબલી’ ફિલ્મનો આટલો સારો બિઝનેસ કેવી રીતે થયો તે મને જણાવો. `તારેં જમીન પર’ અન્ય મીડિયામાં આટલો બિઝનેસ કેમ મેળવી રહી છે અથવા શ્રીદેવીની `મોમ’ કે `ઇંગ્લિશ વિંગ્લિશ’ કેમ અન્ય સ્થળે આટલો બિઝનેસ મેળવી રહી છે? બિઝનેસ તો થિયેટરમાંથી જ મળવાનો છે ને? એનું કન્ટેન્ટ છે, જે પ્રેક્ષકોને થિયેટર સુધી ખેંચી લાવે છે. તમે સારું કન્ટેન્ટ આપો. તમે સારું કન્ટેન્ટ નહીં આપો તો હું થિયેટર સુધી શા માટે જાઉં?

Spread the love

Leave a Comment