બે વર્ષના સમય બાદ ફરીથી રાની મુખર્જી ફિલ્મ હિચકી દ્વારા સ્ક્રિન પર જોવા મળવાની છે. પોતાની દિકરી સાથેના સમયને અને ફિલ્મોમાં પાછા ફરવાની વાતને તે ખૂબ જ ઉત્સાહથી કરે છે. છેલ્લે 2014માં ફિલ્મ મર્દાનીમાં પોતાની એક્શનનો જાદુ તેણે પાથર્યો હતો. રાની મુખર્જી પહેલેથી જ એક સ્ટાર અભિનેત્રી રહી છે. ગુલામ ફિલ્મથી કરીયરની શરૂઆત કરનારી રાનીએ ફિલ્મ બ્લેકમાં પોતાના અભિનયની કુશળતા બતાવી. ત્યારબાદ તો અનેક ફિલ્મો હિટ આપી. હવે ફરીથી પોતાના કરીયરની દોર પકડીને રાની મુખર્જી શિક્ષણના મુદ્દાને લઇને આવી રહી છે. જોકે તેની છેલ્લી ફિલ્મ મર્દાનીમાં પણ તેણે એક સામાજીક મુદ્દાને ખૂબ જ સારી રીતે દર્શકો સમક્ષ લાવીને પોતાની એક અલગ છાપ છોડી હતી. ફિલ્મ હિચકીમાં એક શિક્ષિકાનું તે પાત્ર ભજવી રહી છે. એક ટ્યૂરેટ સિન્ડ્રોમ રોગથી પિડીત વ્યક્તિની વાત છે. શિક્ષણની વાત છે. તો ચાલો રાની પાસેથી જ જાણીયે કે કરીયર, દિકરી અને કમબેક સાથે આ ફિલ્મનો અનુભવ તેને કેવો લાગે છે.

શૂટીંગને કેટલું મિસ કર્યું.

જરાપણ નહીં. મે એક્ટીંગને વધારે મિસ કરી નથી કારણકે હું મારી દિકરીનો પ્રેમ મેળવવા માટે અને તેની સાથે એટલી બધી વ્યસ્ત થઇ ગઇ હતી કે તેની સાથેનો સમય ક્યારે પસાર થઇ જાય છે, તે ખબર જ નહોતી પડતી. તેની નેપીસ ચેન્જ કરવી, રેગ્યુલર તેનું રુટીન સાચવવું વગેરે બાબતો મારા માટે વધારે મહત્વની બની ગઇ હતી. મને દિલથી એવું લાગવા લાગ્યું હતું કે હવે હું આ જ કાર્ય કરું. મારા માટે માતાનો રોલ પ્લે કરવો અન્ય કોઇ રોલ કરતા વધારે મહત્વનો રહ્યો. હું પહેલીવાર માતા બની છું અને મારી દિકરીએ મને માતા તરીકેનો જન્મ આપ્યો છે. મારા માટે તેને પ્રેમ આપવો અને તેનો પ્રેમ મેળવવો જરૂરી છે. તે એક પ્રિ-મેચ્યોર ચાઇલ્ડ છે, તેથી શરૂઆતના ત્રણ મહિના હું તેના માટે ખૂબ ચિંતિત રહી હતી. ડોક્ટર્ મને કેટલીક ગાઇડલાઇન આપતા અને કઇ રીતે તેની જાણવણી કરવી તે માહિતી આપતા હતા. તે સમયે હું ફક્તને ફક્ત તેનામાં જ ડૂબેલી હતી કારણકે મારા માટે તે વધારે મહત્વની હતી.

હિચકી ફિલ્મથી જ કમબેક શા માટે.

હિચકી મારા કરિયર માટે ખૂબ પરફેક્ટ મયે આવેલી ફિલ્મ છે. હિચકી વિશેની વાત હું જ્યારે પ્રેગનન્ટ હતી તે સમયથી ચાલી રહી હતી. તે સમયે હું ફિલ્મમાં કોઇપણ પ્રકારે ક્યાંય જોડાયેલી નહોતી. જ્યારે હું કમબેક કરવા માટે તૈયાર હતી તે સમયે મને કહેવામાં આવ્યું કે આ ફિલ્મ માટે તમે પહેલી પસંદગી હતા પણ તે સમયે તમે પ્રેગનન્ટ હતા. તે પછી મેં સ્ક્રીપ્ટ વાંચી અને મને લાગ્યું કે આ રોલ માટે ખૂબ મોટી ચેલેન્જ છે. મેં ફિલ્મ સાથે જોડાયેલી વ્યક્તિઓને પૂછ્યું કે તમને ખરેખર લાગે છે કે આ રોલ હું ભજવી શકીશ. મેં બે કે અઢી વર્ષથી કેમેરાને ફેસ કર્યો નહોતો, તેથી મને ખબર નહોતી કે હું આ ચેલેન્જીંગ રોલ કેવી રીતે પ્લે કરીશ. મારી ટીમે મારામાં વિશ્વાસ મૂક્યો તેથી તે મારા માટે શક્ય બન્યું.

માતા બન્યા પછી કાર્ય કરવું કેટલું મુશ્કેલ રહ્યું.

મેં મારી ટીમને કહ્યું હતું કે મને ફિલ્મ માટે થોડો સમય જોઇશે. દિકરી દોઢ વર્ષની છે અને નાની છે. તેનું રોજનું રુટીન સાચવવું જરૂરી બની જાય છે. તેમણે મારી બાબતને સમજી. જો આ રીતે વર્કીંગ મધરને એન્કરેજ કરવામાં આવે તો ખરેખર ખૂબ સારી રીતે મધર કામ કરી શકે છે. મને મારા ટાઇમિંગ પ્રમાણે તેમણે સેટ થવા દીધી છે. આ રીતે જો મદદ મળી રહે તો દરેક વર્કીંગ મધર ખૂબ ઉત્સાહથી પોતાના કામમાં સારું પરર્ફોમન્સ આપી શકે છે. મારા માટે ફિલ્મમાં મેં જે કાર્ય કર્યું છે, તે મારી ટીમ વિના શક્ય જ નહોતું. હું સવારે છ વાગે ઝેવિયર્સ કોલેજ પહોંચી જતી અને આઠ વાગે શૂટીંગ શરૂ થતું. મારી ટીમ મને બાર વાગ્યા સુધી ફ્રી કરી દેતી કારણકે બે વાગે મારે મારી પાસે પહોંચવાનું રહેતું. મેં 38 દિવસનું શૂટીંગ કર્યું છે અને ફક્ત ચાર જ દિવસ હું ફરી સાંજે શૂટીંગ પર ગઇ છું.

હિચકી ફિલ્મના શૂટીંગનો પહેલો દિવસ કેવો હતો.

પહેલા દિવસે હું ઝેવિયર્સ ગઇ ત્યારે સેટ પર રડી પડી હતી. તે સમયે મને અચાનક રડવું આવ્યું અને મનમાં એક વિચાર આવ્યો કે અદીરા ઓકે તો હશે ને. તે ઉઠશે તો મને નહીં જુએ તો તે શું કરશે. હું તેની કોઇ બાબત ક્યારેય મિસ કરવા માગતી નથી કારણકે તે મારા માટે માઇલસ્ટોન જેવી છે. એપ્રિલમાં જ શૂટીંગ શરૂ થયું હતું અને એપ્રિલ અને મે મહિનો એવો હતો કે તેણે ચાલવાની શરૂઆત કરી હતી અને હું ખૂબ ખુશ હતી કે મેં તે બાબત મિસ નહોતી કરી.

દિકરીના આવ્યા પછી શૂટીંગમાં શો ફરક આવ્યો છે.

હું મારા શોટ ઝડપથી આપવા લાગી છું અને એટલા પરફેક્ટ આપવાનો પ્રયત્ન કરું છું કે મારા ડિરેક્ટર તેને પહેલીવારમાં જ ઓકે કહી દે. હું વન ટેક એક્ટર બનવાનો પ્રયત્ન કરવા લાગી છું. એક રીતે એમ કહી શકાય કે, હું મારા કામ પ્રત્યે વધારે ફોકસ થવા લાગી છું.

હિચકી ફિલ્મની હિચકી કેવી છે. ફિલ્મથી લોકોને કેટલી બાબતો જાણવા મળશે.

આ ફિલ્મમાં એક વ્યક્તિની બિમારી અને સાથે શિક્ષણને જોડતા પ્રશ્નની વાત છે. ફિલ્મમાં RTE એક્ટની સ્થિતીની સાથે ટ્યૂરેટ સિન્ડ્રોમ નામની બિમારીની તકલીફની વાત છે. આ ફિલ્મમાં શિક્ષક અને ટીચર વચ્ચેના સંબંધને અલગ રીતે દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં મને ત્રણ વાર અલગ રીતે હિચકી (હેડકી) આવે છે. આ ફિલ્મમાં ટ્યૂરેટ સિન્ડ્રોમના રોગથી અવેર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અમે પેરન્ટ્સને પણ મેસેજ આપવા માગીયે છીએ કે પોતાના બાળક પર તમારી ઇચ્છાઓ ન લાદો. બાળપણને એન્જોય કરવા દો. બાળપણ ફરી પાછું ક્યારેય મળતું નથી. તે ઉપરાંત શાળામાં બાળકો વચ્ચે જે ઉંચ-નીચનો ભેદભાવ રાખવામાં આવે છે તે પણ દર્શાવવામાં આવ્યો છે.

આ ફિલ્મ કર્યા પછી તમે પોતે શું કહેવા માગો છો.

હું ફક્ત એટલું જ કહીશ કે એજ્યુકેશન જીવન નથી. તે જીવનનો એક ભાગ છે. તમે બાળકના ભણતર પાછળ ના મચી પડો કારણકે ઘણીવાર માતા પિતાના પ્રેશરના કારણે બાળકો સ્ટ્રેસનો ભોગ બનતા હોય છે. બાળકને તેના બાળપણને ભરપૂર એન્જોય કરવા દો. તેને જેમાં રસ હોય તે તેને કરવા દો. તમે તેને પૂરતી છૂટ આપો. હું એક મા તરીકે જ આ બાબતને શેર કરી રહી છું.

મર્દાની પછી ફરીથી એકલા હાથે ફિલ્મને લઇને ચાલવું પોતાની પસંદ છે.

કોઇ ખાસ કારણ નથી. મને હંમેશા જે પણ સ્ક્રીપ્ટ મળી છે, તેમાં એવું લાગે કે આ ફિલ્મ મારે પોતે દર્શકો સમક્ષ પહોંચાડવી છે, તો હું તે પસંદ કરું છું. જો મને ફિલ્મની વાર્તા અને પાત્ર પસંદ આવે તો હું ક્યારેય વિચારતી નથી કે મારા એકલીના ખભા પર ફિલ્મ છે કે અન્ય પણ સાથે જોડાયેલા છે. મારે ફક્ત તે વાર્તાને દર્શકો સુધી પહોંચાડવી હોય છે.

ફિલ્મમાં હિચકી ત્રણ વખત કેમ આવે છે. તેની વિશે થોડું જણાવો.

તમને જણાવું કે ફેસિયલ ટીક્સ, રેપીટેટીવ ટીક્સ અને સાઉન્ડ ટીક્સ એ કોઇપણ પ્રકારના હોય શકે છે. તેની કોઇ વ્યાખ્યા નથી કે તે આ પ્રકારનું જ હોવું જોઇએ. ટ્યુરેટ સિન્ડ્રોમમાં એવું પણ જોવા મળે છે કે ક્યારેક કોઇ ગાળ પણ બોલે છે, આંખના પલકારા મારે છે, મોઠું મચકોડવું, હાથની કે પગની વિચિત્ર પ્રકારની મુવમેન્ટ, ક્યારેક વાત કરતી વખતે ચીસો પાડવી કે અલગ પ્રકારના અવાજ કરવા જેવા અનેક પ્રકાર છે. હિચકી તેમાનો એક પ્રકાર છે. જેને ટીક્સ કહેવાય છે. જે રીતે આપણને હિચકી આવે કે છીંક આવે તેને રોંકી શકતા નથી તે જ રીતે આ એક પ્રકારની ટીક્સ છે જેને રોકી શકાતી નથી. તે ઉંમરની સાથે વધતી જાય છે. ઘણા લોકોને આ રોગ હોય છે, પણ તેમને ખબર હોતી નથી. આ ફિલ્મ જોયા પછી લોકોને પોતાના રોગ વિશે પણ જાણકારી પણ મળી જશે.

Loading

Spread the love

Leave a Comment