દિવાળીનો તહેવાર આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. દરેક વ્યક્તિ માટે તહેવારોનું મહત્વ વિશેષ હોય છે અને તેમાં પણ દિવાળી તે સૌથી મોટો તહેવાર ગણાય છે. જેમાં દરેક વ્યક્તિ પોતાના કુટુંબની સાથે રહીને તેની ઉજવણી કરવામાં માને છે. ફક્ત સામાન્ય વ્યક્તિ જ નહીં પણ ફિલ્મ અને ટીવીના કલાકારો માટે પણ દિવાળીનું ખૂબ જ મહત્વ રહેલું છે. જે રીતે આખા વર્ષ દરમિયાન દરેક વ્યક્તિ કુટુંબ સાથે મળીને તેની ઉજવણી કઇ રીતે કરવી તેની રાહ જોતું હોય છે, તે જ રીતે ફિલ્મ અને ટીવીની દુનિયાના કલાકારો પણ આ તહેવારની પૂરતી મજા માણવાનો લ્હાવો ચૂકતા નથી. આપણા જીવનમાં દિવાળી એવી રીતે સંકળાયેલી છે, કે તેની સાથે કેટકેટલીય યાદોને આપણે ઘણીવાર વાગોળીયે છીએ. આવી જ કેટલીક યાદો આજે ફિલ્મ અને ટીવીના કલાકારોએ પણ આપણી સાથે શેર કરી છે.

રણવીર સિંહ (ફિલ્મ કલાકાર)

બોલિવૂડના જાણીતા કલાકાર રણવીર સિંહ દિવાળીની યાદો વિશે કહે છે કે, આ એક એવો તહેવાર છે, જે હું હંમેશા ફેમીલી સાથે જ સેલિબ્રેટ કરવાનું ખાસ પસંદ કરું છું. એકસાથે બધાને હું ખૂબ જ આરામથી મળી શકું છું. દિવાળીના સમયમાં વર્ષોથી મારી નાનીના ઘરે ખૂબ મોટું ફંક્શન રાખવામાં આવે છે. જેમાં બધા જ સગા-સંબંધીઓ હોય છે. ખૂબ મોટી પૂજા હોય છે. બાળકો ફટાકડા ફોડે છે અને પત્તાની રમત પણ બધા રમતા હોય છે. મને પત્તા રમવાનો શોખ નથી. હું બધાને મળીને મારી દિવાળી ખૂબ ઉત્સાહથી ઉજવું છું. દિવાળીના સમયમાં નાનીના ઘરની યાદો હંમેશા મારા મનમાં સમાયેલી છે. મને ક્યારેય ફટાકડા ફોડવા ગમે છે પણ હવે મોટાભાગે ઘરના બધાની સાથે મળવાનું મહત્વ વધી ગયું છે. તે સિવાય દિવાળીના દિવસોમાં હું ઘરે બનાવવામાં આવતી વાનગીઓનો પણ સ્વાદ માણું છું.

આલિયા ભટ્ટ (ફિલ્મ કલાકાર)

બોલિવૂડમાં આલિયાનું નામ ખૂબ જાણીતું છે. તેણે પોતાની કરિયરને અલગ અલગ રોલ ભજવીને સાબિત કરી બતાવ્યું છે કે એક કાલકાર તરીકે તે બેસ્ટ છે. દિવાળીના તહેવાર વિશે તે કહે છે કે, દિવાળી મને હંમેશાથી લોકપ્રિય રહી છે. મને ઘરમાં દિવાનો ઝગમગાટ ખૂબ ગમે છે. તે સિવાય મને યાદ છે કે મારા ઘરે દિવાળીના સમયમાં રંગોળી અને ખાસ તો દિવા સજાવવામાં આવે છે. મને આ બંને બાબતો ખૂબ જ આકર્ષે છે. તહેવારમાં દિવાળી એટલા માટે ખાસ ગમે ગમે છે કે તે સમયે આખુ ફેમીલી સાથે રહેવાનો આગ્રહ રાખીયે છીએ. મને અને પૂજાને નાના હતા ત્યારે રંગોળી બનાવવી ખૂબ જ ગમતી હતી. હવે સમયના અભાવે ઘણા વર્ષોથી તે સાથે મળીને બનાવી શક્યા નથી. આ બાબતને હું ખૂબ યાદ કરું છું.

દયાશંકર પાંડે (ફિલ્મ-ટીવી કલાકાર)

ફિલ્મ લગાન અને સ્વદેશથી લોકપ્રિય થયેલા અને સિરિયલ શનિદેવના લીડ એક્ટર તેમજ તારક મહેતાના ઇન્સપેક્ટર ચાલુ પાંડે તરીકે લોકપ્રિય બનેલા દયાશંકર પાંડેના જીવનમાં દિવાળી હંમેશા ડિપ્રેશનવાળી જ રહી છે. તેમની દિવાળી ક્યારેય સારી હોતી નથી તેવું તે કહે છે, તેમણે પોતાના જીવનના આ રહસ્ય વિશે વાત કરતા જણાવ્યું કે, હું નાનો હતો ત્યારે નવી મુંબઇમાં અમે રહેતા હતા. દિવાળીના સમયે લક્ષ્મીપૂજન બાદ એક નાનો ફટાકડો ફોડવાનો નિયમ હોય છે. તે સમયે મારા એક મિત્રએ મારા પગ પાસે ભોંયચક્કર ફોડીને મને દઝાડ્યો હતો. બસ ત્યારથી હું ફટાકડા ફોડતો નથી. મને તેનો ડર મનમાં બેસી ગયો છે. તે સમયે મારી ઉંમર 11 વર્ષની હતી. બીજુ કે હું ફટાકડાં પાછળ પૈસા ખર્ચ કરવામાં વધારે માનતો નથી. તેના બદલે કોઇ ગરીબ કે જરૂરીયાતમંદને મદદ કરીયે તો તેની દિવાળીનો સમય આપડે સુધારી શકીયે. મેં મારા જીવનમાં પૈસા વિનાની દિવાળી પણ જોઇ છે, તેથી તે તકલીફ હું અનુભવી શકું છું. મારા જીવનમાં મારી અત્યાર સુધીની કોઇપણ દિવાળી સારી ગઇ નથી. ઘણી દિવાળીઓ ખરાબ ગઇ છે, તેથી હવે સારો સમય હોવા છતાંય દિવાળીનો ઉત્સાહ અંદરથી આવતો નથી. મને આ સમય દરમિયાન ડિપ્રેશન આવી જાય છે. જોકે મારા ઘરમાં લક્ષ્મીપૂજન, ચોપડાપૂજન, હવન, પૂજા-પાઠ દરેક વસ્તુ હું આજેપણ શ્રદ્ધાપૂર્વક કરું છું.

 

સુનિલ ગ્રોવર ( ફિલ્મ-ટીવી કલાકાર)

સુનિલ ગ્રોવર કોમેડી કલાકાર તરીકે ખૂબ જ જાણીતું નામ છે. તે કહે છે કે, મને પણ દિવાળી પોતાના પરિવાર સાથે ઊજવવી તેવો ખાસ આગ્રહ હંમેશા રહેતો હોય છે. કામની વ્યસ્તતા હંમેશા રહે છે પણ વર્ષે એક તહેવાર જેમા હું એકસાથે મારા તમામ પરિવારને મળી શકું તે દિવાળી જ છે. તેથી દિવાળી ખાસ પરિવાર સાથે ઉજવું છું. મારી દિવાળી સાથેની વાત વિશે કહું તો, અમે કુટુંબના બધા દિવાળી પર ભેગા થયા હતા. મને તે સમયે બધાના ફોટા લેવાની ઇચ્છા થઇ હતી. મારી ઉંમર તે વખતે 13 વર્ષની હતી. મેં એક કેમેરો ભાડે લીધો અને દિવાળીના ફેમીલી ફોટા અને ફટાકડા ફોડતા ફોટા હું જાતે જ પાડવા લાગ્યો હતો. તે સમયે કેમેરામાં રોલ આવતા હતા. મેં ખૂબ જ ઉત્સાહમાં ઘણા ફોટા પાડ્યા જેમાં કેટલાક ફટાકડાંના પણ હતા. જ્યારે બધા ફોટા ધોવાઇને આવ્યા ત્યારે ખબર પડી કે મોટાભાગે દરેક ફોટામાં કેમેરાનું એંગલ હલી ગયું હતું. કેટલાક લોકો તો કેટલીક વસ્તુઓ અડધી જ આવી હતી. આ ઘટના જ્યારે પણ યાદ કરું છું ખૂબ હસવું આવે છે.

 

કવિતા કૌશિક (ફિલ્મ-ટીવી કલાકાર)

ફિલ્મ અને ટીવીમાં ઘણા વર્ષોથી લોકપ્રિય રહેલી કવિતાને એફ.આઇ.આર. સિરિયલથી ખૂબ જ લોકપ્રિયતા મળી છે. દિવાળીના દિવસે મોટાભાગે ફેમીલી સાથે જ સમય વિતાવવાનું વધારે પસંદ કરતી કવિતા કહે છે કે, મને દિવાળીમાં પૂજા કરવી અને ઘરમાં દિવાની ઝગમગાટ કરવી ખૂબ ગમે છે. દિવાળીના સમયમાં તમને એક નવી ઊર્જા અને તાજગીનો અનુભવ થાય છે, જે આખુ વર્ષ તમને તરોતાજા રાખે છે. મારી સાથે દિવાળીની એક ખાસ યાદ જોડાયેલી છે, જેને મેં મારા જીવનનો એક નિયમ બનાવી લીધો છે. હું 2013માં દિવાળીના સમયે શિરડી દર્શન કરવા માટે જઇ રહી હતી. રસ્તામાં આવતા ગામના માર્ગ પર લોકો દિવા પ્રગટાવીને સજાવ્યા હતા. દિવાલો પર અને અન્ય જગ્યાઓએ ફૂલોની સજાવટ કરવામાં આવી હતી. ગામના દરેક લોકોએ તહેવારમય વાતાવરણ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. તે જોઇને મારા મનને ખૂબ જ આનંદ થયો હતો. બસ તે સમયતી જ હું દિવાલીના સમયમાં ઘરની સજાવટમાં ઇકો-ફ્રેન્ડલી ડાયઝનો ઉપયોગ કરું છું.

 

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment