સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી સાના મકબૂલ ખાન સોની સબ પર આગામી શો આદત સે મજબૂરમાં જોવા મળશે. તે રિયાની ભૂમિકા ભજવી રહી છે, જે મેગેઝીન સિટી ચક્કર માટે ફીચર રાઈટર છે. તે હાલમાં સખત મહેનત અને ખંત સાથે પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે ભારતમાં પાછી આવી છે. જોકે તેની સચ્ચાઈ વિશે કોઈ જાણતું નથી. વાસ્તવમાં તે એક પ્રકાશન ગૃહના માલિકની પુત્રી છે. સાના સાથે આ નિમિત્તે તેની ભૂમિકા અને આ યુવા અને તાજગીપૂર્ણ શો માટે શૂટિંગ સમયે તેના અનુભવ વિશે કરેલી સંક્ષિપ્ત વાતચીતઃ

આ ભૂમિકા લેવાનું શું કારણ છે?

સાસ-બહુ સિરિયલોમાં બહુ ડ્રામા હોય છે. આથી હું તેમાં કામ કરવા માગતી નહોતી. નિર્માતાએ આ શો સાથે મારો સંપર્ક કર્યો ત્યારે મને સ્ટોરી અને મારું પાત્ર ખૂબ જ અલગ લાગ્યું. તે સિવાય મારી ઉંમરનું જ પાત્ર મને ભજવવા મળ્યું. આજકાલ કલાકારોને તેમની ઉંમરનાં પાત્રો ભજવવાનું ભાગ્યે જ મળે છે. અત્યાર સુધીમાં હું તમને મોટાભાગે સિરિયલમાં સાઇડ રોલમાં જોવા મળી છું. જ્યારે અહીં હું મુખ્ય પાત્રમાની એક છું. આ બધાં પરિબળોને લીધે જ આ શો લેવાનો નિર્ણય લીધો.

તેલુગુ ફિલ્મોમાં સફળ શરૂઆત પછી લાંબા સમય બાદ ટેલિવિઝન પર આવી રહી છો તેનું શું કારણ છે?

મેં ટેલિવિઝન છોડ્યું ત્યારે ફિલ્મોમાં નસીબ અજમાવવા માગતી હતી. મેં તેલુગુ અને એક તમિળ ફિલ્મ કરી છે, જે હાલમાં રિલીઝ થઈ છે અને સારી ચાલી રહી છે. જોકે મેં અગાઉ કહ્યું તેમ હું મારી ઉંમરનું પાત્ર ભજવવા માગતી હતી. આદત સે મજબૂરમાં પાંચ યુવાનો અત્યંત ઊર્જાવાન અને બોલકણા છે. આથી આ શો કમબેક કરવા માટે મને ઉત્તમ તક મળી રહી હતી અને મેં તે સ્વીકારી લીધી.

કોમેડી વિશે તારું શું કહેવું છે?

મને લાગે છે કે કોમેડી સરળ નથી. તમે લોકોને બળજબરીથી હસાવી નહીં શકો. કોમેડી સ્વાભાવિક રીતે આવતી નથી. આથી અન્ય કલાકારો સાથે કોમેડી કરવાનું મારે માટે ખરેખર મુશ્કેલ હતું. સેટ પર બધા જ સારી સેન્સ ઓફ હ્યુમર ધરાવે છે. મારો કોમિક ટાઈમિંગ નબળો છે એવું મને લાગે છે. આ શોથી કોમેડિયન તરીકે અમને બધાને નવી ઓળખાણ મળશે એવું મને લાગે છે.

 

આ ભૂમિકા માટે શું તૈયારીઓ કરી છે?

દરેક પાત્ર પોતાની રીતે અલગ ઓળખ ઊભી કરે છે. મારું પાત્ર રિયા અને હું એક સમાન છીએ એવું મને લાગે છે. રીલ અને રીયલ લાઇફનું પાત્ર એકબીજા સાથે મળતું આવે છે. આ પાત્રને મહેસૂસ કરવા માટે મેં પત્રકારો કઈ રીતે લખે તે સમજવા માટે પુસ્તકો વાંચ્યાં. રિયા શુદ્ધ હિંદી બોલે છે જ્યારે મારી હિંદી અસ્પષ્ટ હોવાથી મારે ભાષા પર પણ હથોટી બનાવવી પડી. હજુ પણ હું તેની પર કામ કરી રહી છું. આ પાત્ર કરતા કરતા મારી હિન્દી ભાષા પરની પકડ ઘણી સારી થઇ જશે તેવું મને લાગે છે.

શું રિયાનું પાત્ર તારા અસલ જીવન સાથે મળતું આવે છે?

હા, એકદમ મળતું આવે છે. ફરક એટલો જ છે કે તે ભારતની નથી અને તે છતાં હિંદી પર તેની સારી પકડ છે જ્યારે હું ભારતીય હોવા છતાં મારી હિંદી એટલી સારી નથી. મને ખાતરી છે કે આ શો શરૂ થયા પછી ધીમે ધીમે સમસ્યાઓ દૂર થશે.

તને અભિનય અને મોડેલિંગમાં શું વધુ ગમે છે?

બંનેની અલગ અલગ ખૂબીઓ છે. મને બંને ગમે છે.

તારા સહ- કલાકારો સાથે કેવું બોન્ડિંગ છે?

અમે બધા સરખી ઉંમરનાં છીએ. અમે ફ્રેન્ડ્સ છીએ. સેટ્સ પર બહુ મોજમસ્તી કરીએ છીએ. અમારા સેટ પરનો માહોલ અત્યંત અલગ અને હકારાત્મક બની રહે છે. આથી જ એકસાથે કામ કરવાની મજા આવી રહી છે.

 

 મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment