દંગલમાં નાની બહેન બબીતાના પાત્રમાં જોવા મળેલી સાનિયા હાલમાં જ ફિલ્મ પટાખામાં એક અલગ જ પાત્રમાં જોવા મળી હતી. હવે તે બધાઇ હો ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સાથે સ્ક્રીન શેર કરી રહી છે. દંગલ, પટાખા અને હવે બધાઇ હો આ ત્રણેય ફિલ્મોમાં તે અલગ અલગ પાત્રમાં જોવા મળી છે, તો તેની પાસેથી ફિલ્મ વિશે જાણીયે.

બધાઇ હો માં કેટલું અલગ પાત્ર છે.

દંગલ અને પટાખા કરતા આ ફિલ્મ બધાઇ હોમાં સ્વીટી શર્માનું પાત્ર ખૂબ જ અલગ છે. જોકે આ પાત્ર મારી પોતાની ખૂબ નજીક છે. હું પણ ક્યાંકને ક્યાંક સ્વીટી જેવી જ છું. આ એકમાત્ર પાત્ર છે કે જેની સાથે હું પોતાને રીલેટ કરી શકું છું. પટાખામાં એકદમ જ અલગ પ્રકારનું પાત્ર હતું. જેને ભજવવા માટે મારે મારા પોતાનામાંથી બહાર નીકળવું પડ્યું હતું. મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને તે ભજવવું પડ્યું. જ્યારે દંગલ માટે તો ઘણુ બધુ કરવું પડ્યું હતું. જેમાં વાળ કપાવ્યા હતા, રેસલિંગ શીખી હતી. બધાઇ હોના પાત્ર સાથે હું મારી જાતને જોડી શકું છું. આ એકમાત્ર પાત્ર ફિલ્મમાં એવું છે જે ફિલ્મમાં ઊભી થયેલી પરિસ્થિતીને ખૂબ જ સરળતાથી પોઝીટીવલી લઇ રહી છે. તે સમજે છે કે મમ્મી પપ્પા છે, પ્રેમ કરતા જ હોય છે, તો તે પોતાના પ્રેમી નકુલને પણ સમજાવવાનો પ્રયત્ન કરતી હોય છે. મારું પાત્ર દિલ્હીનું છે અને હું પોતે પણ દિલ્હીની છું.

શું સાનિયાને પહેલેથી જ એક્ટીંગમાં ઇન્ટ્રેસ્ટ હતો.

નાનપણથી જ નક્કી કરી લીધુ હતું. હું નાની હતી ત્યારે જ મારી મમ્મીને કહેતી હતી કે મારા માટે પ્રાર્થના કરજે કે હું એક્ટર બનું. મારા મનમાં આ શબ્દ ક્યાંથી આવ્યો તે મને ખબર નથી.

દિલ્હીની યુવતી મુંબઇ કેવી રીતે આવી.

મેં દંગલ ફિલ્મ કરી તે પહેલા હું દિલ્હીમાં જ રહેતી હતી. મુંબઇ એક ડાન્સ રીયાલીટી શો માટે આવી હતી. હું ટોપ 100માં હતી પણ આગળ ઓડિશનમાં સિલેક્ટ થઇ નહીં, એટલે વિચાર્યું કે મુંબઇમાં થોડો સમય રહું. એક વર્ષ દરમિયાન ફક્ત જાહેરાતો કરી. દંગલ એ મારી પહેલી જ ફિલ્મ હતી, જેના માટે હું ઓડિશન આપવા ગઇ. તેમાં સિલેક્ટ થઇ ગઇ અને ફિલ્મમાં લોકોને મારું પાત્ર પણ ખૂબ ગમ્યું.

ત્રણેય ફિલ્મોમાં અલગ પાત્રમાં જોવા મળ્યા છો.

મને જે પણ ફિલ્મ્સ મળી કે જે પણ પાત્ર મળ્યા છે, તેના માટે હું ખુશ છું કે મને સારા ડિરેક્ટર્સ મળ્યા છે. તે સિવાય મહત્વની વાત એ છે કે મને ઘણા સારા કલાકારો સાથે કામ કરવાની તક મળી છે. દંગલ પછી મેં ફોટોગ્રાફી નામની બીજી ફિલ્મ કરી. જેમાં હું નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે જોવા મળવાની છું. પહેલી અને બીજી ફિલ્મમાં આટલા મોટા કલાકાર સાથે કામ કરવાની તક મળશે તેવું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું. ફોટોગ્રાફી ફિલ્મ રીતેશ બત્રાએ ડિરેક્ટ કરી છે. તેના પછી મેં બધાઇ હો કરી અને ત્યારબાદ પટાખા કરી. જેમાં પટાખા પહેલા રીલીઝ થઇ ગઇ અને બધાઇ હો હવે આવી રહી છે. નવાઝુદ્દીનજી સાથેની ફિલ્મ ડિસેમ્બરમાં અથવા આવતા વર્ષે રીલીઝ થશે.

બધાઇ હોના કલાકારો સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

મને જ્યારે ખબર પડી કે આ ફિલ્મમાં નીનાજી માતાના પાત્રમાં છે, તો મને ખૂબ આનંદ થયો કારણકે તે ખરેખર એક ઉમદા કલાકારા છે. જ્યારે અનુભવી કલાકારો સાથે કામ કરીયે તો થોડો ડર પણ રહેતો હોય છે. મારો શૂટીંગનો પહેલો દિવસ હતો ત્યારે ગજરાજજી અને નીનાજી સાથે જ સીન હતો. થોડી ડરેલી હતી પણ તે દિવસ મારા માટે ખૂબ સરસ રહ્યો. આયુષ્યમાન સાથે પણ કામ કરવાની ખૂબ મજા આવી. મને ઇચ્છા હતી કે હું તેમની સાથે કામ કરું અને મારી ત્રીજી જ ફિલ્મમાં મને આ તક મળશે તેવું મેં ક્યારેય વિચાર્યું નહોતું.

અનુભવી કલાકારો પાસેથી શું શીખવા મળે છે.

હું મારી દરેક ફિલ્મમાંથી કઇકને કંઇક શીખી રહી છું કારણકે મેં ક્યારેય કોઇ એક્ટીંગનો કોર્ષ કર્યો નથી. દંગલ ફિલ્મ પહેલા પણ કોઇ કોર્ષ કે વર્કશોપ કર્યા નથી. તેથી મારા માટે આ બધુ ઘણુ નવું છે. હું દરેક ફિલ્મ બાદ ફિલ્મ મેકિંગ, એક્ટીંગ અને મારા ગ્રાફ વિશે શીખી રહી છું. તમે જ્યારે સારા કાલકારો અને સારા ડિરેક્ટર્સ સાથે કામ કરો તો ઘણુંય શીખવા મળે છે.

બોલિવૂડમાં ક્યા કલાકારોથી ઇન્સપાયર છો.

હું હોલિવૂડ અને બોલિવૂડમાં અનેક કાલકારોથી ઇન્સપાયર્ડ છું પણ એવું ચોક્કસ કોઇ નામ નથી.

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment