ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવો ન થાય અને સ્ટાઇલિશ લાગે એ માટે અત્યારે યુવતીઓ ફ્રિલ સ્લિવ પસંદ કરે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેવો પહેરવેશ હોવો જોઇએ અને કેવા કપડાં પહેરવાથી આપણે રીલેકસ રહી શકીએ તે વધારે અગત્યનું છે. હાલમાં કોટનના વસ્ત્રો યુવતીઓ વધારે પહેરવાનું પસંદ કરે છે. કોટન ડ્રેસ, ટોપ અને કુર્તી તેમ જ ટ્યુનિક પર પહેલી પસંદગી ઉતારે છે. કોટન ઉપરાંત શિફોન, જ્યોર્જટ, મલમલ અને હેન્ડલૂમમાંથી બનતાં આઉટફિટ અત્યારે વધારે પહેરાય છે કારણ કે તેમાં પરસેવો સરળતાથી શોષાય જાય છે.

 

ફ્રિલ સ્લિવના પ્રકાર

હવે યુવતીઓ ડિઝાઈનર કુર્તી અને વેસ્ટર્ન સ્ટાઇલના ટોપ અને ટ્યુનિક પહેરવાનું વધારે પસંદ કરે છે. ઉનાળામાં કેવા મટિરિયલના કપડાં પહેરવા તેમાં ફરક પડે છે, પણ ડિઝાઈનમાં કોઇ ફેર પડતો નથી. તેથી જ તો હવે સ્લિવમાં ફ્રિલ સ્ટાઇલ વધારે જોવા મળી રહી છે. ફ્રિલ સ્ટાઇલ પહેલાં ફ્રોકમાં જ કરવામાં આવતી પણ હવે ફેશનને ધ્યાનમાં રાખીને તે ટોપ, ટી-શર્ટસ, કુર્તી, લોંગ કે શોર્ટ ફ્રોક, પાર્ટીવેર, ફ્રી સ્ટાઇલના ટ્યુનિક વગેરેમાં જોવા મળે છે. ફ્રિલ સ્ટાઇલની સ્લિવના આઉટફિટ પહેલાંની ફિલ્મોમાં મધુબાલા, નરગીસ, નીતુસિંગ પહેરતાં જોવા મળતાં. જોકે ફ્રિલ સ્લિવમાં અનેક પ્રકારો પણ છે, જે યુવતીઓની પસંદગીમાં સતત અગ્રેસર રહે છે. ફ્રિલ સ્લિવના કેટલાક પ્રકારોમાં રફલ સ્લિવ, બો સ્લિવ, લેયર્ડ સ્લિવ, બેલ સ્લિવ, કુવ સ્લિવ, ડબલ ફ્રિલ સ્લિવ, ક્રેપ્ડ ફ્રિલ, ક્રોપ લોન્ગ ફ્રિલ સ્લિવ વગેરે જોવા મળે છે.

 

ફ્રિલ સ્લિવની ફેશન છે જૂની

કહેવાય છે ને કે ફરી ફરીને ફેશન પાછી આવતી જ હોય છે. તો ફ્રિલ સ્લિવની ફેશનનું પણ કઇક એવો જ ઇતિહાસ છે. 70 અને 80ના દાયકામાં ફ્રિલ સ્લિવનો ઉપયોગ વધારે જોવા મળતો હતો. તે સમયની હિન્દી ફિલ્મોની હિરોઇનોના ડ્રેસ, ટોપ, સાડીના બ્લાઉઝ અને લોંગ ગાઉનમાં આ પ્રકારની સ્લિવ ખાસ જોવા મળતી હતી. શર્મીલા ટાગોર, મુમતાઝ, નિતુસિંહ, ટીના મુનિમ, હેમા માલિની જેવી અનેક અભિનેત્રીઓ આ પ્રકારના ફ્રિલ સ્લિવના આઉટફીટ પહેરેલી જોવા મળી છે. તે સમયે ફ્રોકમાં અને બ્લાઉઝમાં જ નહીં પણ ટોપમાં પણ આ સ્લિવનો ઉપયોગ વધારે કરવામાં આવતો. હાલમાં ફ્રિલ સ્ટાઇલની સ્લિવનો ઉપયોગ પાર્ટીવેર અને ફ્રોકમાં વધારે થતો જોવા મળે છે. ઉનાળામાં ફેશનને ધ્યાનમાં રાખીને ફેશન ડિઝાઈનર્સ હવે ફ્રિલ સ્ટાઇલની ખાસ પ્રકારની સ્લિવને ટી-શર્ટ્સ, ટોપ અને ટ્યુનિકમાં પણ બનાવડાવવાની શરૂઆત કરી છે, જે આકર્ષક તો લાગે જ છે, તેમાં કરવામાં આવેલી અલગ પ્રકારની પેટર્ન એલીગન્ટ લુક આપે છે. જેમાં લેયર્ડની નવી ફેશન આવી છે. ફ્રિલ લેયર્ડના કારણે ચોપ કે પાર્ટીવેર ડ્રેસનો લુક ખૂબ જ અલગ લાગે છે.

 

કેવા પ્રકારના આઉટફીટમાં શોભે

ફ્રિલ સ્લિવ પહેલાં ફક્ત રેગ્યુલર સાઇઝની સ્લિવમાં જોવા મળતી પણ હવે તેને લોન્ગ ફ્રિલ સ્લિવ કરીને અલગ સ્ટાઇલમાં બનાવવામાં આવે છે. પાર્ટીવેર કે ટોપમાં શોર્ટની જગ્યાએ લોંગ ફ્રિલ સ્લિવનો શેપ આપવામાં આવે છે. જે ખભાથી કમર સુધીની લંબાઇ ધરાવતી હોય છે. કેટલીક વાર સ્લિવને ડ્રેસની સાથે જ સ્ટિચ કરીને તેને વધારે ફેન્સી બનાવવામાં આવે છે. તેમાં વધારે પ્રમાણમાં રાખવામાં આવતી ફ્રિલ સ્લિવ સામાન્ય ડ્રેસમાં પણ આકર્ષણ ઊભું કરે છે. આ ઉપરાંત, ફિટિંગવાળા ટોપ કે ડ્રેસમાં થોડી લૂઝ રાખવામાં આવતી ફ્રિલ સ્લિવ તમને અલગ દર્શાવે છે. પાર્ટીવેરમાં કમર સુધી અથવા તો રેગ્યુલર સાઇઝની રાખવામાં આવતી આ સ્લિવમાં ફ્રિલ વધારે રાખવામાં આવે છે. ફ્રિલ સ્લિવવાળા ટ્યુનિકસ તમે જિન્સ કે જિન્સ શોર્ટ્સ પર પહેરીને નીકળશો તો તમે અલગ જ તરી આવશો.

 

પરસેવામાં આપશે રાહત

ફ્રિલ સ્લિવ પહેરવાથી ઉનાળામાં થતાં પરસેવામાંથી પણ થોડી રાહત મળે છે. આપણે આખી બાંય કે રેગ્યુલર બાંયના કપડાં પહેરીએ તેમાં પરસેવાના ડાઘ કે પરસેવો થયો હોય તે દેખાય છે. જ્યારે ફ્રિલ સ્લિવમાં અંડરઆર્મ્સનો ભાગ ખુલ્લો જ રહેતો હોય છે. ફ્રિલ સ્લિવમાં અંડરઆર્મ્સ ખુલ્લી હવાના સંપર્કમાં રહેતો હોવાથી પરસેવો ઓછો થાય છે અને તમે આ રીતે પરસેવામાંથી થોડી રાહત પણ મેળવી શકો છો. તે ઉપરાંત સ્પ્રે અને ડિઓડરન્ટનો ઉપયોગ ખરો જ.

 

 

અન્ય શું પહેરી શકાય

ફ્રિલ સ્લિવવાળા ટોપ કે ટ્યુનિકસને તમે જિન્સ કેપ્રી અને જીન્સ શોર્ટસ પર પહેરી શકો છો. જો ફ્રિલ વધારે લાંબી હોય તો તમે હાથમાં કોઇ આભુષણ નહીં પહેરો તો ચાલશે. હા, તમે ઇચ્છો તો વુડન કડાં અવશ્ય પહેરી શકો છો. શોર્ટ ફ્રિલ સ્લિવવાળા ટ્યૂનિકસ અને ટોપ જિન્સ શોર્ટ્સ પર પહેરવાથી સેક્સી લુક મળે છે. તેની સાથે તમે હિલવાળા સ્ટાઈલિશ સેન્ડલ પણ પહેરી શકો છો. આ ઉપરાંત, સ્લિવવાળા ફ્રોક અને પાર્ટીડ્રેસમાં હિલ પહેરવી યોગ્ય રહેશે.

તો હવે તમે પણ જો આ ફ્રિલ સ્લિવને પસંદ કરતા હો તો આજે જ તમારા આઉટફિટમાં એને સ્થાન આપી દો અને ઉનાળાની ગરમી સામે રાહત મેળવી લો.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment