અત્યાર સુધી કિચન એટલે કે રસોડું એટલે માત્ર રસોઇ કરવાની જગ્યા જ ગણાતી હતી. જ્યારે સમય બદલાવા સાથે હવે રસોડાની પરિભાષા અને પરિમાણ બદલાઇ રહ્યાં છે. એક સમયે લોકો ઘરનો આગળનો ભાગ એટલે કે પ્રવેશદ્વાર અને વરંડો સુંદર લાગે તેનો ખ્યાલ રાખતાં હતાં. એ પછી ડ્રોઇંગરૂમ એટલે કે બેઠકરૂમનું મહત્વ વધ્યું. જ્યારે હવે ગેસ્ટરૂમ, ડ્રોઇંગરૂમ અને બાથરૂમની માફક કિચનને પણ સ્ટાઇલિશ બનાવવામાં આવે છે. હવે કિચન એ માત્ર રસોઇ બનાવવાની જગ્યા અથવા રૂમ નથી રહ્યું બલકે આજના સમયમાં સ્ટાઇલિશ કિચન સ્ટેટસ સિમ્બોલ બની રહ્યું છે. અત્યાર સુધી ડ્રોઇંગરૂમ કે લિવિંગરૂમમાં લેવાતાં નિર્ણયો કિચનમાં પણ લેવામાં આવે છે. એટલું જ નહીં, બાળકોનું હોમવર્ક, લગ્નની તૈયારીના નિર્ણયો અને ક્યારેક તો ફરવા જવાના નિર્ણય પણ કિચનમાં જ કામ કરતાં કરતાં લેવાય છે.

વિશાળ સ્પેસ

થોડા સમય પહેલાં ઘરની નાની એવી જગ્યા અથવા કહો કે રૂમ કે ઓરડીને કિચન બનાવી દેવામાં આવતું હતું, પણ હવે જ્યારે એ જગ્યાનો ઉપયોગ રસોઇ બનાવવાની સાથે અન્ય કામ પણ થવા લાગે તો તેનું કદ મોટું થાય તે સ્વાભાવિક છે. પહેલાં તો કિચનમાં રસોઇ બનાવવી, કરિયાણું ભરવું અને રસોઇ માટેના વાસણ ગોઠવી શકાય તેટલી જગ્યા હોય તો પૂરતું થઇ રહેતું હતું. જોકે હવે આ જરૂરિયાતો પૂરી થાય તે ઉપરાંત, ડાઇનિંગ સ્પેસ અને વાતો કરવા માટેની જગ્યા પણ કિચનમાં હોય તે આવશ્યક છે. આથી કિચનનો આકાર પણ મોટો બની ગયો છે.

સજાવટ હોય સોબર

કિચનમાં હવે રસોઇ બનાવવાની સાથોસાથ ત્યાં જ બેસીને જમી શકાય એવી જગ્યા પણ લોકો રાખવા લાગ્યા છે. કિચનની સજાવટ એકદમ શાંત અને સંતોષજનક હોવી જોઇએ. વધારે પડતાં વાસણો ગોઠવેલા હોય, વધારે ડેકોરેશન કરેલું હોય તો અત્યારના કિચનનું અટ્રેક્શન ઓછું થઇ જાય છે.

પૂરતો હોય પ્રકાશ

કિચન આવનારા અતિથિને ડ્રોઇંગરૂમમાં એકલું ન લાગે એવા પ્રકારનું હોવું જોઇએ. ગેસ્ટ ભલે ડ્રોઇંગરૂમમાં બેઠાં હોય તો પણ તેમને લાગવું જોઇએ કે ફેમિલી મેમ્બર્સ તેમની સાથે જ છે. તેથી જ કિચન એવું હોવું જોઇએ કે તે કોઇ ખાસ જગ્યા અથવા મળવા માટેનું સ્થાન છે. કિચનમાં પૂરતી જગ્યા હોવાની સાથોસાથ જરૂરી કેબિનેટ, અલગ અલગ સ્ટાઇલની બારી, સ્લાઇડિંગ ડોર વગેરે હોય તે ખૂબ જરૂરી છે. આજકાલ આવી અનોખી સ્ટાઇલની બારીઓ અને સ્લાઇડિંગ ડોર કિચનમાં લગાવવાનો ટ્રેન્ડ ખૂબ લોકપ્રિય બન્યો છે. લોકો એવી બારીઓ પસંદ કરે છે, જે પરિવર્તનશીલ હોય. એનાથી તમે જગ્યાને વધારે મોટી અથવા કોઇ વસ્તુની જગ્યા બદલવા માટે પણ ઉપયોગ થઇ શકે છે. એવી જ રીતે સ્લાઇડિંગ ડોરથી કિચન મોટું એટલે કે વિશાળ લાગવા સાથે પૂરતો પ્રકાશ પણ કિચનમાં આવે છે.

દીવાલોનો લુક હોય કૂલ

કિચનની દીવાલોને અત્યાર સુધી તો સફેદ રંગથી રંગવામાં આવતી હતી, પરંતુ હવે આમાં કલર્સનો ઉપયોગ થાય છે અને તે માટે એવા કલર્સની પસંદગી કરવામાં આવે છે, જે માનસિક શાંતિ પ્રદાન કરે. આ ઉપરાંત, કિચનની દીવાલો પર આકર્ષક ડિઝાઇન ધરાવતા ટાઇલ્સ પણ ઘણા લોકો લગાવડાવે છે. છોડ, વેલ, ફ્રૂટ્સ અને વૃક્ષની ડિઝાઇન ધરાવતા કૂલ કલર્સના ટાઇલ્સ કિચનની શોભા વધારવાની સાથે માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે. વળી, તે સાફ કરવામાં પણ સરળ રહે છે.

 

 

Loading

Spread the love

Leave a Comment