આપણે ઘરને તો સુંદર રીતે સજાવીએ છીએ, પણ ઘરના એક મહત્વના હિસ્સા એવા બાથરૂમને સાફસૂફ કરવાનું કે તેને સારી રીતે ડેકોરેટ કરવાનું ભૂલી જઇએ છીએ. જ્યારે ખરેખર તો તમારા ઘરનો બાથરૂમ કેવો છે, તેના પરથી જ તમારા સ્વચ્છતા અને પ્રેમનો ખ્યાલ આવી શકે છે.

શું તમારા ઘરના બાથરૂમની ટાઇલ્સની કિનારીઓમાં મેલ ભરાયેલો છે. બાથરૂમના ખૂણામાં લીલ બાઝેલી દેખાય છે. કે પછી બાથરૂમની દીવાલ પર લગાવેલી કેબિનેટના અરીસા પર પાણીના છાંટા સુકાઇ ગયેલા જોવા મળે છે. તો સમજી જાવ કે તમે ઘરને ગમે તેટલું આકર્ષક રીતે સજાવશો, તો પણ અતિથિઓના મન પર તમારી સારી છાપ નહીં પડે. કેમ કે ખરેખર તો જેની સ્વચ્છતા અને સુંદરતા વધારે જરૂરી છે તેના તરફ જ તમે વધારે બેદરકારી દાખવો છો.

હા, વાત થઇ રહી છે બાથરૂમની જેની સ્વચ્છતા અને સારી સજાવટ તમારા અને પરિવારના સ્વાસ્થ્યને વધારે અસર કરે છે. તો શા માટે બાથરૂમને સ્વચ્છ રાખી તેને પણ અનોખી રીતે ન સજાવીએ કે જોનારને તો ઠીક, આપણને પોતાને પણ તે પસંદ પડે.

કેવી રીતે કરશો ડેકોરેશન

બાથરૂમને લક્ઝરી ટચ આપવા માટે આજકા વુડન ડેકોરનો ટ્રેન્ડ વધારે છે. આમાં વુડન શેલ્ફ, રિલેક્સિંગ સ્ટૂલ્સ, ચેર, વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વુડન ડેકોર ધરાવતા બાથરૂમને ક્લાસી લુક આપવા માટે તમે બાથટબને પણ વુડન ફિનિશ આપી શકો છો. આ તો થઇ વાત બાથરૂમને વુડન ડેકોર કરવાની.

જોકે બાથરૂમને વધારે રિચ લુક આપવા માટે કાચનો ઉપયોગ સૌથી સારો ઓપ્શન છે. એનાથી બાથરૂમમાં દરેક વસ્તુ ચોખ્ખી દેખાવાની સાથે સાફસૂફી માટે પણ તે સહેલી રહે છે. એટલું જ નહીં, જો તમારું ઘર નાનું હશે તો સ્વાભાવિક રીતે જ બાથરૂમ પણ નાનો જ હોવાનો. આવી સ્થિતિમાં કાચની મદદથી તમે બાથરૂમને સ્પેસિયસ દર્શાવી શકો છો. કાચમાંથી બનાવેલ વોશબેઝિન, શાવર સ્ટોલ અથવા પાર્ટિશન વગેરે કાચમાંથી બનાવેલા હોય તેને બાથરૂમમાં સ્થાન આપો.

બાથરૂમ એક્સેસરીઝ

બાથરૂમ એક્સેસરીઝમાં પણ ફિક્ચર્સની વૈવિધ્યસભર રેન્જ માર્કેટમાં મળે છે. એમાં તમે બાઉલ શેપ ગ્લાસ વોશબેઝિન, ક્રોમ લુક ધરાવતા નળ, ટોવલ માટેના રોડ્સ વગેરે ઉપરાંત, સિલ્વર મલ્ટિ યુટિલિટી ધરાવતી કેબિનેટ્સ, બોક્સ વગેરેમાંથી પસંદગી કરી શકો છો. આ ઉપરાંત, અરીસો જે બાથરૂમમાં મહત્વની એક્સેસરી છે, તેમાં પણ અલગ અલગ પ્રકારમાંથી પસંદ કરી શકો છો. જેમ કે, રોટ આયર્ન, વુડન, ક્રોમ, સિલ્વર ફ્રેમમાં સજાવેલા અરીસા તમારી જરૂરિયાત અને બાથરૂમના ડેકોરેશન સાથે મેચ થાય એવા લગાવી શકો છો.

ક્યૂબિકલ

તમે ઇચ્છો તો બાથરૂમમાં કાચમાંથી બનાવેલ બાથ ક્યૂબિકલ પણ લગાવડાવી શકો છો. આવા બાથ ક્યૂબિકલ્સનો સૌથી મોટો લાભ એ છે કે સ્નાન કરતી વખતે પાણીથી આખો બાથરૂમ ભીનો નથી થતો. તેથી બાથરૂમ સાફ કરતી વખતે તમારો સમય પણ બચે છે. જો તમે બાથરૂમમાં ગ્લાસ થીમનો ઉપયોગ કર્યો હોય તો ટિન્ટેડ ગ્લાસનો ઉપયોગ કરી શકો છો. એમાં એકથી વધારે કલર્સના ગ્લાસનો પણ ઉપયોગ થઇ શકે છે.

સામાન્ય રીતે બાથરૂમમાં સ્ટીલ ફિનિશના ફિક્ચર્સ લગાવવામાં આવે છે, પણ જો તમે ગ્લાસ થીમનો ઉપયોગ કરવાના હો, તો ક્રોમ ફિનિશના નળ અને ફિક્ચર્સનો ઉપયોગ કરવાથી બાથરૂમ એકદમ સુંદર અને લક્ઝુરિયસ લાગે છે.

ડેકોરેશન

હવે વાત કરીએ કલર્સની તો, તમારા બાથરૂમના ફિક્ચર્સને એક જ કલરના રાખીને તમે બાથરૂમની દીવાલોને એકસરખો કલર કરાવી શકો છો અને તે જ રીતે ટાઇલ્સનો પણ કલર પસંદ કરી શકો છો. આ થીમમાં બાથરૂમને લક્ઝરી લુક પ્રદાન કરવા માટે તમે વોશબેઝિન પાસે કે મિરર પાસે કેન્ડલ્સ ઉપરાંત આર્ટિફિશિયલ ફ્લોરલ ડેકોરેશન પણ કરી શકો છો. બાથરૂમમાં અનેક જાતના એક્સપરિમેન્ટ કરવાની ખાસ જરૂર નથી. તેની ચારેય દીવાલને એકસરખો કલર કરાવો અથવા જો ટાઇલ્સ લગાવડાવતાં હો તો એક જ સરખા ટાઇલ્સ લગાવડાવો. આમાં મિક્સ એન્ડ મેચનો ઉપયોગ કરવાની જરૂર નથી. જો તમે બાથરૂમને કોઇ ખાસ થીમ અનુસાર ડેકોરેટ કરવા ઇચ્છતા હો તો એ માટે માર્કેટમાં અનેક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. જેના દ્વારા તમે બાથરૂમને સ્પેશિયલ બનાવી શકો છો.

વુડન થીમ

વુડથી પણ રિચ લુક મળી શકે છે. તે માટે વુડન થીમના કલર્સનો ખ્યાલ રાખવાની વધારે જરૂર હોય છે. તે માટે મિક્સ એન્ડ મેચ કલર કોમ્બિનેશન અથવા સિંગલ કલરનો ઉપયોગ કરી શકો. તે સાથે એ ખ્યાલ રાખવો ખાસ જરૂરી છે કે તમારા બાથરૂમના ટાઇલ્સ અને સીલિંગ વુડન થીમ સાથે મેચ થાય તેવા છે કે નહીં. આવી થીમ માટે ઇન્ટિરિયર ડિઝાઇનર્સ મોટા ભાગ આખા બાથરૂમમાં સિંગલ કલર રાખવાનું પ્રીફર કરતાં હોય છે.

અવનવું આકર્ષણ

ડિમ લાઇટ અને તેની સાથે લાઇટ મ્યુઝિક વાગતું હોય તે સાથે તમે શાવર લો તો ચોક્કસ તમારા આખા દિવસનો થાક દૂર થઇ જશે અને તેનાથી તમને ઘણી રાહત પ્રાપ્ત થશે. તમે ઇચ્છો તો તમારા બાથરૂમમાં સ્ટીમ બાથ માટેની અરેન્જમેન્ટ પણ કરી શકો છો. તેના દ્વારા તમે હેડ શાવરથી લઇને બોડી સ્પ્રેનો આનંદ માણી શકો છો. એટલું જ નહીં, આ પ્રોડક્ટમાં પરફેક્ટ બોડી ટેમ્પરેચર અને અરોમા થેરપીની સુવિધા પણ મેળવી શકાય છે.

પ્રેશર શાવર્સની સરખામણીએ આજકાલ રેન શાવર્સ લક્ઝરી બાથરૂમમાં વધારે પસંદ કરવામાં આવે છે. તમે ઇચ્છો તો બાથરૂમમાં ડાયવર્ટર્સ પણ લગાવડાવી શકો છો. એનાથી પાણીનો ફ્લો તો એકસરખો જ રહે છે.

અત્યારે ઘણા લોકો બાથ ટબ્સ વધારે પ્રીફર કરે છે. જાકુઝી બાથ માટે વિવિઝ સાઇઝમાં બાથટબ માર્કેટમાં મળે છે. તેમાં તમે ઇચ્છો તો ફ્રી સ્ટેન્ડિંગ, સ્પા અને સ્પેશિયલ બાથટબના ઓપ્શન્સમાંથી પસંદગી કરી શકો છો. આના માટે પ્રાઇસમાં પણ વિવિધ રેન્જ હોય છે. જેથી તમે તમારા બજેટ અનુસાર પસંદગી કરી શકો છો.

 

 

Loading

Spread the love

Leave a Comment