શ્રીદેવી અને બોની કપૂરની દિકરી જ્હાનવી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. જ્હાનવી કપૂર પોતાની આજે રીલીઝ થઇ રહેલી ફિલ્મ ‘ધડક’ આવી તે પહેલાથી જ સ્ટાર બની ગઇ છે. જોકે મરાઠી ફિલ્મ સૈરાટની આ રીમેક ફિલ્મ નથી તેવું તેનું કહેવું છે. જ્હાનવીને સ્ટાર કીડ હોવાના કારણે તેના પર પ્રેશર અને ફિલ્મને લઇને અપેક્ષાઓ પણ ખૂબ છે. તે આ તમામ બાબતોનો  સામનો કરવા માટે હવે તૈયાર છે. ખૂબ જ નમ્ર અને પ્રેમાળ સ્વભાવ ધરાવનાર જ્હાનવી પોતાની ફિલ્મ ધડક વિશે, ડિરેક્ટર શશાંક ખેતાન અને હિરો ઇશાન ખટ્ટર તેમજ તેની સ્વ. માતા શ્રીદેવી વિશે કેટલીક યાદગાર વાતો કરે છે.

 જ્હાનવી ફિલ્મને લઇને કેટલું પ્રેશર ફિલ કરી રહ્યા છો.

હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું ધડક જેવી ફિલ્મથી એન્ટ્રી કરી રહી છું. મારા માટે આ જ સૌથી મહત્વની બાબત છે. પ્રેશર તો હોય જ છે. તુલના પણ કરવામાં આવશે પણ હું હંમેશા સારી બાબતો પર જ ફોકસ કરવામાં માનું છું. મને જે સારી તક મળી છે, તેના અનુભવોને લઇને હું હંમેશા સારા કાર્યો કરવા માગુ છું. હું આશા રાખું છું કે મને આગળ પણ ફિલ્મો મળે અને વધારે સારું કામ કરવાની તક મળે. મને ખબર છે કે લોકોને મારાથી ઘણી આશાઓ અને અપેક્ષાઓ છે, તેમને ફક્ત હું એટલું જ કહીશ કે જેટલો પ્રેમ તેમણે મારી માતાને આપ્યો છે, મારા પરિવારને આ ઇન્ડસ્ટ્રીમાં સ્વીકાર્યો છે, તેટલો જ ગર્વનો અનુભવ હું તેમને કરાવવાનો પ્રયત્ન કરીશ. હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે ક્યારેય દર્શકોને નિરાશ ન કરું. હું મારા કામ દ્વારા લોકોના દિલ જીતવા માગુ છું. મને પોતાની જાતને સાબિત કરવાની તક જોઇએ છે અને હું ફક્ત એટલું જ માગી રહી છું.

ઇશાન સાથેની કેમેસ્ટ્રી અને કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

તેમની સાથે કામ કરવું એટલે એક સપનું પૂરું થયું હોય તેવું કહી શકાય. તે મારા પ્રત્યે ખૂબ જ નરમ દીલ રહ્યા. એક વ્યક્તિ તરીકે તે પોતાના સાથી કલાકારને ઘણુબધુ શીખવાડે છે. કામ પ્રત્યે તેમનું જે સમર્પણ છે, તેનાથી મને ઘણુબધુ શીખવા મળ્યું છે. સેટ પર તેમનામાં ગજબની એનર્જી જોવા મળે છે. તેમની સાથે કામ કરવું ખૂબ જ ઉત્સાહિત રહ્યું. શૂટીંગ પહેલા અમે ઘણાબધા વર્કશોપ સાથે કર્યા હતા. સ્ક્રિપ્ટની રીડીંગ દરમિયાન પણ ઘણું શીખવા અને સમજવા મળ્યું હતું.

ડિરેક્ટર શશાંક ખેતાન સાથે કેવા પ્રકારનું બોન્ડિગ છે.

તે મારા માટે એક આર્શીવાદ સમાન છે. મને મારી પહેલી ફિલ્મમાં જ આવા ડિરેક્ટર મળ્યા તેને મારું નસીબ સમજુ છું. તેમના તરફથી હંમેશા પોઝીટીવ ઊર્જા જ મળે છે. એક્ટીંગ વિશે મને જેટલું પણ ખબર છે, તે દરેક બાબત મેં તેમની પાસેથી શીખી છે. તેઓ મારા માટે પ્રેરણા તો છે જ સાથે જ મને હંમેશા સપોર્ટ પણ કર્યો છે.

અભિનેત્રી બનવાનું નાનપણથી જ નક્કી કર્યું હતું.

હા, મને નાનપણથી જ ફિલ્મોમાં ખૂબ રસ રહ્યો છે. હું નાનપણમાં મજાક મસ્તીમાં ખોટું બોલતી અને નવી નવી વાર્તાઓ બનાવવાનો મને શોખ હતો. મને મારી શાળાના ડાન્સના પ્રોગ્રામમાં રાખતા નહીં કારણકે હું નાની હતી ત્યારે ખૂબ જાડી હતી. એક વખત શાળામાં હું કૂદવા લાગી અને મારું પેટ હલવા લાગ્યું. ટીચરે મને પૂછ્યું કે આવું કરવાનું કારણ શું. તો મેં ખોટું કહ્યું કે, મમ્મીએ મને બેલે ડાન્સ શીખવાડવા માટે શકીરાને બોલાવી હતી. ટીચર્સે મારી વાત પર વિશ્વાસ કરીને મમ્મીને ફોન કરીને પૂછયું કે શકીરા જ્હાનવીને બેલે ડાન્સ શીખવાડવા આવી હતી. તો તેને અહીં મોકલી શકો. મારા આવા જૂઠથી મમ્મી ઘણીવાર પરેશાન થઇ જતી.  નાનપણથી જ જીવનને લઇને મારો જે દ્રષ્ટિકોણ રહ્યો છે, તે હું ફિલ્મોના કારણે જ શીખી છું. હું મોટાભાગે ફિલ્મના શૂટીંગ પર વધારે જતી અને શાળામાં મારી હાજરી હંમેશા ઓછી રહેતી. હું માનું છું કે ફક્ત શાળામાં જઇને જ બધુ જ્ઞાન મેળવી શકાતું નથી. ફિલ્મોને જોઇને હું વધારે શીખી છું તેવું મને લાગે છે.

ફિલ્મના ગીતની કોરીયોગ્રાફી દરમિયાન ફરાહ સાથેનો અનુભવ જણાવો.

ફરાહ ખાન ગીતની કોરીયોગ્રાફી દરમિયાન મારા કારણે ખૂબ પરેશાન થઇ ગયા હતા. મેં ઝીંગાટ ગીત એટલી બધી વાર સાંભળ્યું હતું કે મને આખુ ગીત યાદ રહી ગયું હતું. ફિલ્મમાં આ ગીત ઇશાન મારા માટે ગાય છે, તો મારે લિપસિંગ કરવાનું નહોતું. જ્યારે કેમેરો મારી તરફ આવે ત્યારે મારે ફક્ત રીએક્શન જ આપવાનું હતું. આખુ ગીત યાદ હોવાના કારણે કેમેરો જ્યારે પણ મારી તરફ આવતો તો હું લિપસિંગ કરવા લાગતી હતી. જેના કારણે આ ગીતના કોરીયોગ્રાફર ફરાહ ખાન મને વારંવાર સમજાવતા અને કહેતા કે અરે ગીત કેમ ગાય છે,,,,તારે ફક્ત ડાન્સ કરીને રીએક્શન આપવાના છે.

 

ફિલ્મ માટે શું તૈયારીઓ કરવી પડી.

આ ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટની રીમેક નથી પણ તેની વાર્તા પર આધારીત છે. મેં ફિલ્મના દરેક સીન માટે અને ફિલ્મ માટે ખૂબ જ તૈયારીઓ કરી છે. ફિલ્મમાં રાજસ્થાની પ્રદેશની વાર્તા છે. ફિલ્મનું શૂટીંગ શરૂ થયું તે પહેલા જ હું રાજસ્થાન રહેવા માટે જતી રહી હતી. લોકો સાથે હું વાતચિત કરતી અને ત્યાંની ભાષા પણ શીખી કારણકે તે પ્રદેશની ભાષા શીખવી જરૂરી હતી. હું મારા દરેક સીનમાં બેસ્ટ આપવા માંગતી હતી અને તેથી જ ડીરેક્ટરની દરેક વાતને મેં માની છે. હું મેવાડી ભાષા તો શીખી સાથે જ મેં મારી હિન્દી ભાષામાં પણ સુધારો કર્યો છે.

તમારા મમ્મીને તમે ફિલ્મોમાં આવો તે પહેલા પસંદ નહોતું. કેમ

મમ્મી મને લઇને ખૂબ જ પ્રોટેક્ટીવ હતી. તે નહોતી ઇચ્છતી પણ તેમણે ક્યારેય વિરોધ પણ કર્યો નથી. તેમને ખબર જ હતી કે હું ગમે તે કાર્ય કરું, ફરી ફરીને ફિલ્મોમાં જ આવીશ. તે પોતે પણ મારી આ બાબતથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જ્યારે મેં તેમને મારા મનની વાત કહી, તો તેમણે મને કહ્યું હતું કે તું પોતાને થોડો સમય આપ અને શાંતીથી વિચાર કરી જો. ફિલ્મી દુનિયા સરળ નથી. ત્યાં જઇને ફક્ત લાઇન્સ બોલવાની નથી. તેમનું કહેવું હતું કે તેમણે કરેલા સંઘર્ષના કારણે તેઓ મને એક સારું જીવન આપવા ઇચ્છતા હતા. મને સરળ જીવન નહોતું જોઇતું. મમ્મી અને પપ્પાએ મને ઘણુબધુ આપ્યું છે પણ હું પોતે પણ જીવનમાં સંઘર્ષ કરવા ઇચ્છું છું. હું પોતે પણ મારી ઓળખાણ બનાવવા ઇચ્છું છું અને દર્શકોનો પ્રેમ મેળવવો છે. તેમને મારા મનની વાતો જણાવી અને તેમને સમજાવવામાં મને વધારે સમય લાગ્યો નહીં.

તમારી માતા સાથેની યાદગાર પળો વિશે જણાવો.

મમ્મી સાથેની તો અનેક યાદો છે પણ રોજ સવારે હું, મમ્મી અને પપ્પા એકસાથે હોલમાં બેસીયે તે ક્યારેય ભૂલી શકાશે નહીં. ખુશી સૂતી હોય. પપ્પાની સોફા પરની એક ફિક્સ જગ્યા હતી, જ્યા તેઓ રોજ બેસતા અને મમ્મી એક નાની ચેર પર બેસતી. અમે ખૂબ વાતો કરતા. સાંજે મમ્મી અને ખુશી ફિલ્મ જોતા હોય અને રાત્રે અમે બધા સાથે ડિનર કરતા. મને એક વાત હંમેશા યાદ રહેશે અને આનંદ થતો કે પપ્પા હંમેશા મમ્મીને ચૂટકી ભરીને તેમની મજાક ઊડાવતા રહેતા. તેઓ બંને નાના બાળકોની જેમ મીઠો ઝઘડો કરતા. તેઓ બંને એકબીજા માટે પઝેસીવ હતા અને સાથે જોડાયેલા હતા. તે બંનેને જોઇને મને જીવનમાં પ્રેમનું એક આદર્શ ઊદાહરણ જોવા મળ્યું છે. તે બંનેની વચ્ચે પ્રેમનો અલગ જ સંબંધ હતો.

એક મુશ્કિલ સમય જે જીવનમાં આવ્યો તે સમયે તમારી તાકત કોણ બન્યું.

પહેલા મારી તાકત મારી માતા હતી અને આજેપણ મારી શક્તિ મારી માતા જ છે. હજીપણ કઇ જ બદલાયું નથી. હું જે પણ કઇ કરું છું, તેમનું નામ લઇને જ કરું છું. તે મુશ્કિલ સમયમાં મારા કામને કારણે મને તાકત મળી. મારા પરિવારમાં પપ્પા, ખુશી, અર્જુન ભાઇ, અંશુલા દી, લતા માસી, સૂરી માસી, અનિલ ચાચૂ, સુનિતા ચાચી, સંજય ચાચુ અને મારા બધા જ ભાઇ-બહેનોએ મને ખૂબ પ્રેમ આપ્યો અને મારા માટે શક્તિ બન્યા.

તમારી માતા સાથેની છેલ્લી પળો વિશે જણાવો.

(થોડી ક્ષણો શાંત થઇ જાય છે.) મમ્મી તે સમયે ફેમીલી વેડીંગમાં જવા માટેની તૈયારી કરી રહી હતી. બીજે દિવસે સવારે મારે શૂટીંગ હતું. જ્યારે પણ મને ઊંઘ ન આવે તો હું મમ્મીને બોલાવું અને તેને મારા માથે હાથ ફેરવવા કહેતી. તે મને આ રીતે સૂવાડી દેતી. તે દિવસે મને ઊંઘ જ નહોતી આવી રહી. હું મમ્મી પાસે ગઇ તો તે પેકીંગમાં બીઝી હતી. મારે પણ સવારે વહેલા જવાનું હતું. મમ્મીએ મને કહ્યું કે તે પેકીંગ કરીને આવશે. હું તેમની રાહ જોઇને સૂવાનો પ્રયત્ન કરવા લાગી. તે મારા રૂમમાં આવ્યા અને મારી અડધી જાગૃત અવસ્થામાં તેમણે મારા માથા પર હાથ ફેરવવાનો શરૂ કર્યો. અડધી ઊંઘમાં પણ તેમના હાથનો સ્પર્શ મેં અનુભવ્યો હતો. આ પળ હું ક્યારેય ભૂલી શકીશ નહીં.

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment