ગયા અઠવાડિયે રીલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ બેક બેન્ચર ખરેખર જોવા જેવી ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ જોવા જવી કે નહીં, કેવી હશે, ગમશે કે નહીં, આવા બધા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોને સાઇડ પર રાખીને વીકએન્ડમાં બેક બેન્ચરને જોઇ લો.

હા, પણ આ ફિલ્મ એકલા જોવા જવાની નથી. આ ફિલ્મ માતા-પિતાએ બાળક સાથે, બાળકોએ શિક્ષકો સાથે જોવા જેવી ફિલ્મ છે. હું તો કહીશ કે, દરેક બાળક, માતા-પિતા અને શિક્ષકોએ જોવા જેવી ફિલ્મ છે. ફિલ્મમાં વધારે ફિલોસોફીની વાતો નથી પણ જીવનની સાચી વ્યાખ્યા જે ઘટનાઓ દ્વારા જ સમજાતી હોય છે, તેને નાના નાના સીન દ્વારા દર્શાવી દેવામાં આવી છે.

મારે જોઇએ મારું આકાશ……ખરેખર એક નાનકડું મન કેટલું વિસ્તરેલું હોય છે, તે ફિલ્મના ગીત દ્વારા જ સમજાવી દેવામાં આવ્યું છે. વીએફએક્સની સ્પેશિયલ ઇફેક્ટ્સના કારણે ગીત વધારે આકર્ષણ ઊભુ કરે છે. શાળાએ જતી વખતે સાઇકલ મારી સરર…..જાય ગીત આપણને નાનપણમાં બોલતા શીખીયે ત્યારે ગવાતા ગીતોની યાદ આપાવે અને એક તારા…..ગીત પણ ખરેખર સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે.

ફિલ્મની વાર્તાને વિસ્તારથી નહીં જણાવું. ભણતરમાં ઠોઠ કહેવાતા ચાર મિત્રોની જુગલબંધી ફિલ્મમાં જોવા મળે છે. જેમાં ગોપાલ ફિલ્મનું મુખ્ય પાત્ર છે. ફિલ્મમાં ટીનએજ બાળકોની વાતને દર્શાવવામાં આવી છે. આ ટીનએજ બાળક જે ફક્ત 10 કે 12 વર્ષનું છે, તેની પાસેથી માતા-પિતાને ભણતરની અને પરીક્ષામાં વધારે માર્ક્સની અપેક્ષા રહેતી હોય છે. આ બાબતો બાળકના મનને કેટલી અસર કરે છે, તે બાળકના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો દ્વારા સમજી શકાય છે. અન્યના બાળકો સાથે સતત પોતાના બાળકની સરખામણી અને વધારે માર્ક્સ આવે તે માટે લોકોના દોરવાયા દોરવાઇ જઇને રાખવામાં આવતા થૂંક ઊડાડીને વાતો કરતા થ્રીજી સર(પ્રેમ ગઢવી)ના પરાણે ટ્યુશનની વચ્ચે બાળકનું કુમળું મન કેટલો ભાર સહન કરે છે, તે દર્શાવવામાં આવ્યું છે. શાળામાં પણ શિક્ષકો હોશિયાર અને ડોબા વિદ્યાર્થીઓ વચ્ચે કેવો ભેદ રાખે છે, તે દેખાડવામાં આવ્યું છે. ઘરમાં માતા-પિતા દ્વારા, શાળામાં શિક્ષકો અને સહધ્યાયીઓ દ્વારા મારવામાં આવતા ડોબા હોવાના મેણા એક કૂમળા મનના બાળકના મનને કેટલી હદે કોરી ખાય છે, તે બેક બેન્ચરમાં જ જોવા, સમજવા અને જાણવા મળશે. આવી પરિસ્થિતીમાં બાળક કેવું પગલું લે છે, તે કેવી પરિસ્થિતીમાં ફસાય છે, એક અભણ ભેરૂ ભોલો તેને જીવનના સાચા પાઠ ભણાવે છે ત્યારે તેને મિત્રો અને માતા-પિતાની યાદ સતાવે છે. સાથે જ મંછા ડોસી (ભાવિની બહેન)ના પાત્રને પણ થોડા સમય માટે પણ સ્ટ્રોંગ દેખાડવામાં આવ્યું છે. ખરેખર ખૂબ જ ટૂંકમાં પણ ખૂબ જ સારી અને સ્પષ્ટ રીતે ફિલ્મની વાર્તાને રજૂ કરવામાં આવી છે. ડિરેક્ટર કિર્તન પટેલની મહેનત દેખાઇ આવે છે.

ફિલ્મમાં સૌથી વધારે સમજવા જેવું પાસુ મને તો એ લાગ્યું કે જ્યારે ઘરમાં માતા (અમી ત્રિવેદી) દ્વારા બાળક પર સવારે ઊઠાડવાથી લઇને રાત્રે સૂતા સુધી જો ભણતરને લઇને રોકટોક કરવામાં આવતી હોય તો પિતાએ નરમ બનીને તેના મિત્ર બની જવું જોઇએ. બંનેએ એકસાથે તેના પર પ્રહારો ક્યારેય ન કરવા જોઇએ. પિતા અને પુત્રનું ખૂબ જ સુંદર બોન્ડિંગ આ ફિલ્મમાં જોવા મળ્યું. પિતા તરીકેની ભૂમિકામાં ઘર્મેન્દ્ર ગોહિલ પણ યોગ્ય પસંદગી છે. પિતા દ્વારા પ્રેમથી સમજાવાયેલી વાતને લઇને દિકરો ઘર છોડીને જતો રહે છે અને જીવનના સાચા પાઠ કઇ રીતે શીખે છે, તે જાણવા માટે પણ એકવાર આ ફિલ્મ જોવા જેવી તો ખરી જ. જોકે માતાનું કડક પણ સાથે જ લાગણીશીલ પાત્ર અમી ત્રિવેદી દ્વારા ખૂબ જ સુંદર રીતે ભજવાયું છે.

આજે મોટાભાગના માતા-પિતા ટીનએજ બાળકોને કઇ રીતે સમજવા અને સમજાવવા તેના માટે સ્પેશિયલ સાઇકોલોજીસ્ટ પાસે જાય છે. સ્પિકર્સ પાસે મોટી ફી આપીને બાળઉછેરના, બાળમાનસને સમજવાના લેક્ચર્સ સાંભળે છે, પોતે તો જાય છે, બાળકોને પણ તેના માટે મોકલે છે. જીવનમાં આ બધાની કઇ જ જરૂર નથી તે આ ફિલ્મ જોયા પછી સમજાઇ જશે. ખરેખર તમારા બાળકને તમારે સમજવું હોય તો કોઇ પુસ્તક વાંચવાથી કે કોઇને કન્સલ્ટ કરવાથી નહીં પણ બેક બેન્ચર ફિલ્મ તેમની સાથે જોવાથી જ સમજાઇ જશે.

ક્રિશ ચૌહાણ (ગોપાલ)નું મુખ્ય પાત્ર અભિનયમાં ખરેખર પ્રથમ નંબરે છે, સાથે જ તેનો વગડાનો મિત્ર ઓમ ભટ્ટ (ભોલો) આપણને પસંદ પડી જાય છે. તેનું ભોળું પાત્ર અને સંવાદો સંપૂર્ણ આહવા-ડાંગ-સુરતી બોલીની રીતે સ્પષ્ટ નથી પણ તેનું પાત્ર સ્પષ્ટ દેખાઇ આવે છે. બેક બેન્ચર જીવનમાં કેટલા સફળ કે નિષ્ફળ થઇ શકે છે, તે તો તેમનું ભવિષ્ય જ નક્કી કરે છે. શાળામાં કેટલા નંબરે કે માર્ક્સ સાથે પાસ થયા તે મહત્વનું નથી, ક્લાસરૂમમાં કઇ બેન્ચ પર બેસીને ભણ્યા તે પણ મહત્વનું નથી. જો કંઇ મહત્વનું હોય તો તમે જીવનમાં કેટલા સફળ થયા તે જ મહત્વનું છે. તો તમે પણ જો બેક બેન્ચર રહ્યા હો, કે હો તો વહેલી તકે આ ફિલ્મનો આનંદ પરિવાર સાથે માણી લો.

 

Loading

Spread the love

Leave a Comment