પરિણીતિ ચોપરાનું નામ ભલે ટોપની હિરોઇનોમાં ન લેવાતું હોય, પણ બોલિવૂડમાં એમનું એક ખાસ સ્થાન છે, નિર્માતાઓને એમનાં પર વિશ્વાસ છે અને એમને પોતાની ફિલ્મોમાં સાઇન પણ કરે છે. ગયા વર્ષે પરિણીતિ કોમેડી ફિલ્મ `ગોલમાલ અગેઇન’માં જોવા મળી હતી, જે બ્લોક બસ્ટર નીવડી હતી. ફિલ્મ હિટ નીવડે કે ન નીવડે, પરિણીતિએ તો બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી જ લીધું છે. ફિલ્મ `નમસ્તે ઇંગ્લેન્ડ’ ફ્લોપ ગયા પછી એ ફિલ્મ `કેસરી’માં પણ જોવા મળી છે. જેમાં તે અક્ષયકુમારની સાથે છે. આ ફિલ્મમાં પરિણીતિનો રોલ સાવ નાનો હોવા છતાં એણે શું વિચારીને આ ફિલ્મ સ્વીકારી? ભવિષ્યમાં એ કઇ ફિલ્મો કરવાનાં છે? શું પરિણીતિ ચોપરા અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ અભિનય કરશે? આ ફિલ્મ અને પરિણીતિની કરિયર સથે સંકળાયેલી વાતચીતઃ

ફિલ્મ `કેસરી’માં તમારી ભૂમિકા વિશે કંઇ જણાવશો?

આ ફિલ્મમાં મારો રોલ અક્ષયકુમારની પત્નીનો છે. મારા પાત્રનું નામ જીવની કૌર છે, જે એક પંજાબણ છે. ફિલ્મમાં મારું કામ સાવ ઓછું છે. જે બેઝિકલી તો પ્રેમપ્રકરણ છે. મેં માંડ પંદરેક દિવસનું શૂટિંગ કર્યું છે. સાચું કહું તો આ ફિલ્મ ખરેખર અક્ષયસરની ફિલ્મ છે. હું તો માત્ર કોઇ પણ રીતે આ ફિલ્મનો હિસ્સો બનવા ઇચ્છતી હતી, ભલે ને તેમાં મારો રોલ પાંચ મિનિટનો હોય કે પછી પચાસ મિનિટનો. જેથી હું જ્યારે પચાસ વર્ષની વયે પહોંચું તો કહી શકું કે મેં `બેટલ ઓફ સારાગઢી’ પર બનેલી ફિલ્મ `કેસરી’માં અભિનય કર્યો હતો. મેં તો અનુરાગ સરને એટલે સુધી કહ્યું હતું કે તમે ઇચ્છો તો મને બેકગ્રાઉન્ડમાં કોઇ વૃક્ષ પાસે પણ ઊભી રાખી દો, તો પણ ચાલશે, પણ મને ફિલ્મમાં અવશ્ય લો. આવું એટલા માટે કહ્યું કેમ કે મારા માટે આ `બકેટ લિસ્ટ’ ફિલ્મ છે.

વાસ્તવિક જીવનમાં પણ તમે પંજાબી હોવાથી પાત્ર ભજવવામાં તમને કેટલી મદદ મળી?

મારા કરતાં વધારે આનાથી સેટને લાભ થયો છે. હું, અક્ષય સર અને ડિરેક્ટર અનુરાગ સર ત્રણેય પંજાબી છીએ. આથી સેટ પર અમે પંજાબી ભાષામાં જ વાતો કરતાં હતાં. એવું લાગતું જાણે કે અમે કોઇ પંજાબી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છીએ. અમને આનાથી બોન્ડિંગ બનાવવામાં અને કલ્ચરને સમજવામાં ખૂબ મદદ મળી. જોકે એક વાસ્તવિકતા એ પણ છે કે જો હું પોતે અંગત રીતે પંજાબી ન હોત તો પણ મારા અભિનયથી ઓડિયન્સને એવું ચોક્કસ લાગ્યું હોત કે હું પંજાબી યુવતી જ છું કેમ કે એક કલાકારનું કામ એક્ટિંગ કરવાનું હોય છે.

આ ફિલ્મ `બેટલ ઓફ સારાગઢી’ પર આધારિત છે. ફિલ્મમાં અભિનય કરતાં પહેલાં આના વિશે તમને કંઇ ખબર હતી?

પંજાબમાં દરેક બાળકો `બેટલ ઓફ પાણીપત’, `બેટલ ઓફ સારાગઢી’ અને `બેટલ ઓફ કુરુક્ષેત્ર’ સાંભળીને જ મોટા થાય છે. આ પંજાબી કલ્ચર હોવાને કારણે મને પણ આ લડાઇ વિશે થોડીઘણી જાણકારી પહેલાંથી જ હતી. એ પછી જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને અન્ય વાતોની ખબર પડી. એનાથી વધારે ખ્યાલ ત્યારે આવ્યો, જ્યારે શૂટિંગ શરૂ થયું. સાચું કહું તો મને વિશ્વાસ જ નહોતો આવતો કે વાસ્તવમાં આવું બન્યું હતું. હું ઘણી વાર અનુરાગ સરને પૂછતી કે સર આ સાચો બનાવ છે. મને વિશ્વાસ છે કે ફિલ્મ જોયા બાદ પ્રેક્ષકોના મનમાં પણ આવો સવાલ ચોક્કસ ઊભો થશે.

ફિલ્મમાં અક્ષયકુમારની સાથે કામ કરીને તમને કંઇ શીખવા મળ્યું?

મને એ કહેવામાં અને સ્વીકારવામાં બિલકુલ સંકોચ નથી કે હું અક્ષય સર પાસેથી ઓછું શીખી છું અને એમની ક્વોલિટી વધારે અપનાવી છે. એમનું ડિસિપ્લીન, સેટ પર એમની એનર્જી, એમનું ટાઇમ મેનેજમેન્ટ, બધું જ. હું એમનાથી વધારે પ્રેરિત થઇ છું. એ ખૂબ જ નમ્ર અને વાસ્તવવાદી માણસ છે. હું પણ એમની માફક નમ્ર બનવા ઇચ્છું છું. (હસીને) અલબત્ત, હું નમ્ર છું, પણ હવે એમની માફક વધારે નમ્ર બનવા માગું છું.

હિંદી ઉપરાંત અન્ય કઇ ભાષાઓની ફિલ્મોમાં અભિનય કરવા માગો છો?

હા, ચોક્કસ. હું પંજાબી ફિલ્મોમાં અભિનય કરવા માટે બસો ટકા સુધી તૈયાર છું અથવા એમ કહી શકો કે સારી સ્ક્રિપ્ટની રાહ જોઉં છું. હું ભલે પરદેશમાં મોટી થઇ હોઉં, પણ મારા મૂળિયાં તો આજે પણ પંજાબમાં જ છે. મને પંજાબી કલ્ચર ખૂબ ગમે છે. જો મને મરાઠી ફિલ્મ પણ મળે, તો પણ જરૂર કામ કરીશ., મારા મતે મરાઠી સિનેમા ખૂબ એડવાન્સ અને ફોરવર્ડ છે. એક ક્વોલિટી સિનેમા છે. હું મરાઠી બોલી નથી શકતી પણ મને એક્ટિંગ કરવાનું એટલું ગમે છે કે ભાષાને લીધે કોઇ ફરક નથી પડતો. હું એટલી મહેનતુ છું કે મને ખબર છે કે મારી જાતને કોઇ પણ પ્રકારના રોલ માટે તૈયાર કરી શકું છું.

તમે એ વાત સાથે સંમત છો કે ફિલ્મ ફ્લોપ જવાથી એક્ટરની કરિયરને અસર થાય છે?

ના, એવું નથી. મારી સાથે એવું નથી બન્યું કે મારી કોઇ ફિલ્મ સારો બિઝનેસ ન કરી શકી હોય કે ફ્લોપ ગઇ હોય તો મને કામ મળવાનું બંધ થઇ ગયું હોય. મારી પાસે ટીવીના ચાર-ચાર શો અને અનેક ફિલ્મોની સ્ક્રિપ્ટ પડી છે, જે હજી મારે વાંચવાની છે. આવું એટલા માટે કેમ કે પ્રોડ્યુસર્સને મારા પર વિશ્વાસ છે કે અમે આને જે રોલ આપીશું અથવા એની પાસેથી જે પણ કામ કરાવવું હશે તે કરશે, તેઓ મારી ક્ષમતા અને મારી મહેનતને જાણે છે. ફિલ્મ હિટ નીવડે કે ન નીવડે એથી કોઇ ફરક નથી પડતો, કેમ કે તે આપણા હાથમાં નથી. જો જીવનમાં કોઇ તબક્કો ખરાબ ચાલી રહ્યો હોય તો એથી આખા જીવનને ખરાબ ન કહી શકાય. મારું માનવું છે કે તમારે તમારું કામ કરતાં રહેવું જોઇએ.

તમારી આગામી ફિલ્મો કઇ છે?

`કેસરી’ ઉપરાંત આ વર્ષે મારી ફિલ્મ `સંદીપ ઔર પિંકી ફરાર’ આવશે, જેમાં હું પિંકીનો રોલ કરી રહી છું. ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું છે, એડિટિંગનું કામ ચાલી રહ્યું છે. એ પછી મારી ફિલ્મ `જબરિયા જોડી’ આવશે. આ ફિલ્મ અન્ય યુવતી દ્વારા વરરાજાનું કિડનેપિંગ કરાવડાવીને થતાં લગ્ન પર આધારિત છે. આ ફિલ્મમાં હું બબલીનું પાત્ર ભજવવાની છું.

પરિણીતિની નજરે જીજૂ નિક જોન્સ

`જીજૂ નિક જોન્સમાં અનેક ઇન્ડિયન ક્વોલિટીઝ રહેલી છે. હું જ્યારે એમને પહેલી વાર મળી ત્યારે કદાચ દીદી સાથે એમના અફેરને શરૂ થયે મહિના જેવો જ સમય થયો હતો. ત્યારે જ મેં પ્રિયંકા દીને કહ્યું હતું કે આ યુવાન એકદમ અલગ છે. મને એમની સૌથી સારી બાબત એ લાગે છે કે એમના માટે પરિવાર જ સર્વસ્વ છે અથવા એમ કહી શકાય કે તે પ્રાથમિકતા છે. જીજૂ એકદમ નમ્ર અને દયાળુ છે. એમની સાથે વાત કરતાં એવું લાગે છે કે જાણે એમને ઘણા સમયથી જાણતી હોઉં.’

Loading

Spread the love

Leave a Comment