મોડલિંગથી ફિલ્મોમાં આવેલા વિદ્યુત જામવાલને સૌપ્રથમ બ્રેક નિશિકાંત કામતે પોતાની ફિલ્મ `ફોર્સ’માં આપ્યો. તે પછી એમણે સાઉથની કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો. સાચા અર્થમાં વિદ્યુતને ફિલ્મ `કમાન્ડો’ પાર્ટ 1 અને 2 દ્વારા ઓળખ મળી. વિદ્યુત જામવાલ `કમાન્ડો’ સીરિઝથી પોતાની ઓળખ ઊભી કરી છે અને હવે તે ફિલ્મ જંગલીમાં જોવા મળે છે. એલિફન્ટ પોચિંગ પર બનેલી આ ફિલ્મમાં વિદ્યુતે હાથીઓ સાથે ચોંકાવી દે એવા સ્ટંટ સીન્સ કર્યાં છે.  આ તમામ સીન કરવા કેટલા ચેલેન્જિંગ રહ્યા? હાથીઓ સાથે કામ કરવા માટે વિદ્યુતે કોઇ પ્રકારની ટ્રેનિંગ લીધી હતી? આ ફિલ્મ અને એમની કરિયર સાથે સંકળાયેલી વાતચીત વિદ્યુત જામવાલ સાથેઃ

`જંગલી’ કેવી ફિલ્મ છે?

ફિલ્મ `જંગલી’ ફેમિલી એન્ટરટેનમેન્ટ છે. એની વાર્તા માણસ અને પ્રાણીઓ વચ્ચેની મૈત્રીની છે. ફિલ્મનો વિષય એલિફન્ટ પોચિંગને ફોકસ કરે છે. દુનિયાભરમાં વાઘ, સિંહ, હાથી જેવા પ્રાણીઓની હત્યા થઇ રહી છે, એમના શરીરના હિસ્સાઓનો વેપાર થતો હોય છે. આ ફિલ્મ આવા સિરિયસ વિષયને રજૂ કરે છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ થાઇલેન્ડના જંગલોમાં થયું છે. ફિલ્મ પ્રાણીઓ પર આધારિત હોવાથી અસલી પ્રાણીઓ અને સ્થળની જરૂરિયાત માટે થાઇલેન્ડમાં શૂટિંગ કરવું જરૂરી હતું.

તમે માર્શલ આર્ટ્સમાં પરફેક્ટ છો. તમારા સ્ટંટ્સ માટે પોપ્યુલર છો, આ ફિલ્મના સ્ટંટ્સ જે તમે હાથી સાથે કરતા હતા, તે કેટલા જોખમી હતા?

સૌને લાગે છે કે સ્ટંટ્સ માટે શરીર લચકદાર હોવું જરૂરી છે, પણ ખરેખર એવું નથી. સ્ટંટ્સ કરતી વખતે તમારા મનોમસ્તિષ્ક અને શરીર એકસાથે કામ કરતા હોય છે. આ ફિલ્મ માટે મારી માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ ખૂબ ઉપયોગી નીવડી. મારે આ ફિલ્મ માટે ખૂબ જોખમી સ્ટંટ કરવાના હતા, જે મેં બોડી ડબલ વિના કર્યાં. સામાન્ય રીતે ફિલ્મના હીરોને યુવતી માટે જીવનું જોખમ લેવું પડતું હોય છે, પણ આ ફિલ્મમાં હું પ્રાણીઓની સુરક્ષા માટે લડ્યો છું.

ફિલ્મમાં તમે હાથીઓ વચ્ચે ભાગતાં હો એવા સીન કર્યાં છે. આમ કરવાનું જોખમી હતું. તમને ડર ન લાગ્યો?

એ વાત સાચી છે કે થાઇલેન્ડના જંગલોમાં મારે મારા સાથી મિત્રો એટલે કે હાથીઓ સાથે દોડવાનું હતું. મારો ખાસ મિત્ર ભોલા (હાથી) અને મારા પર કોઇ મુશ્કેલી આવવાથી અમારે ભાગવાનું હતું. અમારી પાછળ અન્ય હાથીઓએ દોડવાનું હતું. મુશ્કેલી એ થઇ કે હાથીઓની સ્પીડ વધઘટ થયા કરતી હતી. ભોલા હાથીની પાછળ હું, મારી પાછળ અન્ય હાથી હતા. હું તો વારંવાર કેમેરાની ફ્રેમની બહાર નીકળી જતો હતો. આટલો મોટા હાથીઓના કાફલા એકસાથે ભાગતાં હોય એવો એક ટેક લેવાનું મુશ્કેલ હોવાથી મેં નિર્ણય કર્યો કે હું દોડતા હાથીઓની વચ્ચેથી દોડીશ. મને જરાપણ ખ્યાલ નહોતો કે હું આમ કરીને મારો જીવ જોખમમાં મૂકી રહ્યો છું. મેં હાથીઓની સ્પીડ સાથે મારી દોડવાની સ્પીડ મેચ કરી. આ સીન કરવાનું ખૂબ પડકારજનક રહ્યું. દોડતા હાથીઓ વચ્ચે જગ્યા જ નહોતી, કંઇ પણ થઇ શકે એમ હતું.

તમે વાઘ, સાપ સાથે પણ જોખમી શોટ્સ આપ્યા છે?

મારી બહેન કોક્રોચ, ઉંદરથી પણ ખૂબ ડરે છે. હું એને ખૂબ ચીડવું છું. ફિલ્મમાં મેં જીવતો સાપ મારા હાથમાં લીધો છે. વાઘ સાથે પણ શૂટિંગ કર્યું કેમ કે ફિલ્મનું નામ જ `જંગલી’ છે.

ડિરેક્ટર ચક રસેલ તો હોલિવૂડના ડિરેક્ટર છે. આ ફિલ્મ ઇંગ્લિશ ભાષામાં બની છે?

ચક રસેલ પ્રોડ્યુસર, ડિરેક્ટર છે. હોલિવૂડના મેકરની આ હિંદી ડેબ્યૂ ફિલ્મ છે. એમણે હોલિવૂડમાં દરેક જોન્રની ફિલ્મો ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ કોમિક એન્ટરટેનિંગ છે. આ ફિલ્મનો મુખ્ય હેતુ છે, નવી પેઢી પ્રાણીઓને સમજે, તેમને પ્રેમ કરે.

તમે આખી ફિલ્મ ભોલા (હાથી) સાથે કરી છે. હાથીઓ સાથે કેવું વર્તન કરવું જોઇએ તેની કોઇ ટ્રેનિંગ તમને આપવામાં આવી હતી?

મને એવી કોઇ ટ્રેનિંગ નહોતી આપવામાં આવી પણ જાણકારી મળી હતી કે હાથી સાથે કેવી રીતે વર્તવું. અમને કહેવામાં આવ્યું કે પ્રાણીઓને પણ પ્રેમ આપવો જોઇએ. માણસની બોડી લેંગ્વેજ પ્રાણીઓ સારી રીતે સમજે છે. તેમને ગભરાવવા માટે માણસને આગ્રહ ન કરવો જોઇએ.

તમારી આગામી ફિલ્મ કઇ છે?

ફિલ્મ `કમાન્ડો 3’ પછી ફિલ્મ `પાવર’ આવશે.

 

 

Loading

Spread the love

Leave a Comment