ઇન્ટરનેશનલ ફિલ્મ `લવ સોનિયાથી સમાચારમાં ચમકેલી મૃણાલ ઠાકુરની ગણતરી આજે અલગ જ પ્રકારની એક્ટ્રેસ તરીકે થાય છે. એને નાચવા-ગાવાની ભૂમિકાઓ ભજવવાની ગમતી નથી. આ વર્ષે મૃણાલની રિતિક રોશન સાથે ફિલ્મ `સુપર 30 અને જોન અબ્રાહમ સાથે `બાટલા હાઉસ રીલિઝ થવાની છે. આ બંને ફિલ્મો કરિયરની દૃષ્ટિએ મૃણાલ માટે ખૂબ મહત્વ ધરાવે છે. અનેક સિરિયલો અને મરાઠી ફિલમોમાં પોતાની આગવી ઓળખ ઊભી કર્યાં પછી મૃણાલ ઠાકુરે હ્યુમન ટ્રાફિકિંગ પર આધારિત ઇન્ટરનેશનલ ફિલ્મ `લવ સોનિયાથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું અને પોતાની એક અલગ જ પ્રકારની તથા આગવી ઓળખ બનાવી. આજકાલ એ રિતિક રોશન સાથે ફિલ્મ `સુપર 30 અને જોન અબ્રાહમ સાથે ફિલ્મ `બાટલા હાઉસ કરી રહી છે. આ બંને ફિલ્મો સાથે સંકળાયેલી કેટલીક વાતચીત મૃણાલ ઠાકુર સાથે.

 તારી કરિયર કઇ દિશામાં આગળ વધી રહી છે? આજકાલ તું ખાસ શું કરી રહી છે?

 હિંદી ફિલ્મ `લવ સોનિયામાં અભિનય કર્યા પછી મેં `સુપર 30 અને `બાટલા હાઉસમાં કામ કર્યું છે. મારી પહેલી હિંદી ફિલ્મ `લવ સોનિયાને ઇન્ટરનેશનલ સ્તરે અનેક એવોર્ડ મળ્યા છે, પણ મને લાગે છે કે હજી તો મારી કરિયરની શરૂઆત થઇ છે. હું તો એમ વિચારીને બોલિવૂડ સાથે જોડાઇ હતી કે હું વૈવિધ્યસભર ભૂમિકાઓ અદા કરીશ. મને આનંદ છે કે મારી આ ઇચ્છા પૂર્ણ કરવામાં અત્યાર સુધી તો હું સફળ રહી છું. મેં અત્યાર સુધીમાં એક પણ ફિલ્મમાં બોલિવૂડની સામાન્ય ફિલ્મોની માફક નાચવા-ગાવાની ભૂમિકાઓ ભજવી નથી. `લવ સોનિયા પછી મેં બે ફિલ્મો સાઇન કરી અને આ બંનેમાં પ્રેક્ષકો મને અલગ પ્રકારની ભૂમિકામાં જોઇ શકશે. આ ઉપરાંત, હું એક વેબ સીરિઝમાં પણ અભિનય કરી રહી છું.

આ વર્ષે તારી બે ફિલ્મો રીલિઝ થશે?

હા, અત્યાર સુધી મને જે જાણકારી છે તે મુજબ `સુપર 30 તા. 26 જુલાઇએ અને `બાટલા હાઉસ 15 ઓગસ્ટના રોજ રીલિઝ થવાની છે. આ બંને ફિલ્મો માત્ર એક જ મહિનાના સમયગાળા દરમિયાનમાં રીલિઝ થશે.

`સુપર 30’ ઉપરાંત નિખિલ અડવાણીની ફિલ્મ `બાટલા હાઉસ’ કેવી રીતે મળી?

બંને ફિલ્મોના નિર્દેશકોએ મારી ફિલ્મ `લવ સોનિયા જોઇને મારા અભિનયની પ્રશંસા કરી. તે પછી જ તેમણે મને એમના નિર્દેશન અંતર્ગત બની રહેલી ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી. બંનેના વિષય અને પાત્ર એટલા સારા હતા કે ઓફર નકારવાની મને ઇચ્છા જ ન થઇ. મને લાગે છે કે હું એક ઉત્કૃષ્ટ પરફોર્મર છું, એથી મારી અભિનય સફર સરળતાથી પ્રગતિ કરતી રહેશે. `સુપર 30 રીલિઝ માટે તૈયાર છે. જોકે આની રીલિઝ ડેટ બે વાર બદલાઇ છે. જ્યારે મેં થોડા સમય પહેલા જ ફિલ્મ `બાટલા હાઉસનું શૂટિંગ પૂરું કર્યું છે.

 ફિલ્મ `સુપર 30’ વિશે તારું શું કહેવું છે?

આ ફિલ્મ પટનાના આનંદકુમારની બાયોપિક છે, જે દર વર્ષે ગરીબ વર્ગના ત્રીસ છોકરા-છોકરીઓને ભણાવી, તેમને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લઇ શકે તેવી લાયકાત ધરાવતા બનાવે છે. આમાં મારી સાથે રોમેન્ટિક પેરમાં રિતિક રોશન છે. ફિલ્મમાં મેં રિતુ રશ્મિની ભૂમિકા અદા કરી છે.

રિતિક રોશન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

રિતિક રોશન સાથે કામ કરવાનું તો ખૂબ નસબદાર હોઉં તેવું રહ્યું. મને આજે પણ રિતિક સાથેની મારી પહેલી મુલાકાત સારી રીતે યાદ છે. મને તો એમ હતું કે એ એક સુપર સ્ટારની માફક મને મળશે, પણ મારા આશ્ચર્ય વચ્ચે એ એક નોર્મલ માણસની જેમ જ મને મળ્યા. એ એકદમ ડાઉન ટૂ અર્થ છે. જોકે કેમેરા સામે જતાં જ એ `ગોડ ઓફ ગ્રીક જેવા લાગે છે. એ કાયમ મને સમજાવતા હતા કે કેમેરા સામે જતાં જ કલાકારે બધું ભૂલીને માત્ર પોતાના કામ અને પાત્ર પર જ ફોકસ કરવું જોઇએ. એમની પાસેથી હું ઘણુંબધું શીખી છું. આ ફિલ્મ રીલિઝ થવાની હું આતુરતાપૂર્વક રાહ જોઇ રહી છું.

ફિલ્મ `બાટલા હાઉસ’માં તારા પાત્ર અંગે તારું શું કહેવું છે?

એક્શન અને રોમાંચથી ભરપૂર આ ફિલ્મમાં જોન અબ્રાહમે ડીસીપી સંજીવ ઠાકુરની ભૂમિકા અદા કરી છે. આ ફિલ્મ વર્ષ 2008માં દિલ્હીના બાટલા હાઉસમાં થયેલા એનકાઉન્ટર પર આધારિત છે.

 તું વેબસીરિઝમાં પણ અભિનય કરી રહી છે?

હા, હું નેટફ્લિક્સ માટે લાઇવ એક્શન વેબ સીરિઝ `બાહુબલીઃ બિફોર ધ બિગનિંગ કરી રહી છું, જેમાં મારી ભૂમિકા શિવગામિનીની છે. મારા માટે આ ભૂમિકા અદા કરવી એ મોટા પડકાર સમાન હતું. બાહુબલીના બંને ભાગ જોયા પછી હું રમ્યા કૃષ્ણનના અભિનયથી ખૂબ જ ઇમ્પ્રેસ થઇ હતી. આથી જ્યારે હું આ વેબ સીરિઝ માટે ઓડિશન આપી રહી હતી, ત્યારે મને ખાસ આશા નહોતી કે મને આ પાત્ર ભજવવાની તક મળશે. નસીબજોગે એ તક મળી ગઇ. આમાં મારી સાથે રાહુલ બોઝ, અતુલ કુલકર્ણી, વકાર શેખ, સિદ્ધાર્થ અરોરા અને અનૂપ સોની જેવા અનેક અનુભવી કલાકાર છે.

 શિવગામિનીના પાત્ર વિશે કંઇ જણાવીશ?  

એ એક માતા છે, જેને સાચા અને ખોટાનો પૂરતો ખ્યાલ રહે છે. એ એક યોદ્ધા પણ છે. આ પાત્ર ભજવતી વખતે હું મારા જીવનનું એક સમણું સાકાર કરી રહી હતી.

 ભવિષ્યમાં કેવા રોલ કરવાની ઇચ્છા છે?

હવે હું એક એક્શન આધારિત ભૂમિકા અદા કરવા ઇચ્છું છું, જેના માટે મારે ખાસ પ્રકારની ટ્રેનિંગ લેવાની જરૂર પડશે. હું સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં ફિલ્મ કરવા ઇચ્છું છું. હોલિવૂડની અભિનેત્રી મેરિલ સ્ટોપ મારી આદર્શ છે. મારી ઇચ્છા છે કે હું એની સાથે પણ કોઇ ફિલ્મમાં અભિનય કરું.

 

 

Loading

Spread the love

Leave a Comment