સુંદર અભિનેત્રી તન્વી ઠકકર હાલમાં સોની સબ પર ટીવી, બીવી ઔર મૈમાં જોવા મળી રહી છે. તે નૈના શર્મા ઉર્ફે બિંદિયાની ભૂમિકામાં છે. સિરિયલમાં તે બિંદિયા- શૃંગાર એક સુહાગન કા શોને લીધે જાણીતી બની છે. તેનું નામ સિરિયલમાં સંસ્કારી વહુ તરીકે ચર્ચાતું હોય છે અને તેને લોકો આદર્શ બહુ તરીકે જુએ છે. નૈના શર્મા ઉર્ફે બિંદિયા પોતાના વિશે વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવે છે અને તેને એવું લાગે છે કે તેના વિના આ શો ચાલશે નહીં. તે મુખ્ય પાત્ર કુશલ (કરણ ગોડવાની)ને છાશવારે ટોણો મારે છે કે આ શો તેને (બિંદિયા) લીધે જ ચાલી રહ્યો છે અને તેને (કુશલને) પોતે ગમે ત્યારે શોમાંથી કઢાવી શકે છે. તન્વી સાથે તેના પાત્ર નૈના ઉર્ફે બિંદિયાની ભૂમિકા વિશે થયેલી વાતચિત

ટીવી, બીવી ઔર મૈ તને કઈ રીતે મળી?

આ શો કોમેડી હોવાથી મને થોડો ખચકાટ થતો હતો, કારણ કે મેં અગાઉ પણ કોમેડી શો કર્યા છે. હું એક જ ઇમેજમાં બંધાઈ રહેવા માગતી નહોતી. આથી થોડા ખચકાટ પછી મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને ખબર પડી કે આ તો ડેઈલી સોપમાં ડેઈલી સોપ છે. મારા ઓડિશન સમયે એક મિનિટની સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી, પરંતુ મેં તેને અઢી મિનિટની કરી નાખી, કારણ કે પાત્રમાં મેં મારી પોતાની વારતા ઉમેરી અને તેનાથી આ શો મેળવવામાં મને મદદ મળી છે એવું લાગે છે.

ટીવી, બીવી ઔર મૈમાં બિંદિયા અને નૈનાનાં તારાં પાત્રોનું વિવરણ તું કઈ રીતે કરશે?

આ પાત્રની સૌથી સારી વાત એ છે કે મને બે અલગ અલગ ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો છે. ટીવી, બીવી ઔર મૈમાં મારું પાત્ર નૈનાનું છે, પરંતુ સિરિયલની અંદરના મારા ડેઈલ સોપ બિંદિયા- શૃંગાર એક સુહાગન કામાં હું બિંદિયા છું. નૈના સેટ્સ પર જાય છે ત્યારે જાણે છે કે શોમાં મુખ્ય પાત્ર હોવાથી દુનિયા તેના ચરણે છે. તે બહુ જ ઉછાંછળી અને અકડુ યુવતી છે. જ્યારે બિંદિયા તેની સાવ વિરુદ્ધ છે. તે ઘરની સંસ્કારી વહુ છે. તેનો પતિ અને સાસરિયાં તેને માટે ભગવાન છે. આ અત્યંત અલગ અલગ ભૂમિકા ભજવવાની મને બહુ મજા આવી રહી છે. હું એક જ શોમાં બે શો ભજવી રહી છું.

શોમાં અભિનેત્રી તરીકે તું સેટ પર હંમેશાં અવરોધો લાવે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ એક અભિનેત્રી સેટ પર મનનું ધાર્યું કરાવી શકે એવું તને લાગે છે?

ઇન્ડસ્ટ્રીમાં અમુક લોકો એવા હોય છે, જેઓ પોતાને કાંઈક અલગ સમજે છે અને તેમના મગજમાં રાઈ ભરાઈ ગયેલી હોય છે. જોકે આવું ન હોવું જોઈએ. આપણે અહીં આખા ક્રૂ જોડે કામ કરવા આવ્યાં છીએ. અક્કડ વલણ ન રાખવું જોઈએ. હંમેશા સાદગી રાખવી જોઈએ. તમે જેટલી ઊંચાઈએ પહોંચો તેટલી તમારે જીવનમાં સાદગી અપનાવવી પડે છે. જેથી તમે ઉંચાઇ પર હોવા છતાંય જમીન સાથે જોડાયેલા રહી શકો છો.

ક્યારેય સેટ પર કશુંક એવું કર્યું છે જે વિશે હવે તને અફસોસ થાય છે?

હા, મેં એવું કર્યું છે. થોડાં વર્ષ પહેલા ચોક્કસ દશ્યના શૂટિંગ વખતે મારે બિસ્લેરી બોટલની કેપને મોં વડે ખોલવાની હતી. તે પ્રકારનો સીન હતો અને હું અમુક લાઈનો વાંચી રહી હતી. રિહર્સલ વખતે આ લાઈન બોલતી વખતે હું બોટલનું ઢાંકણું દાંતેથી ખોલવા ગઈ અને મારો દાંત તૂટી ગયો. આથી મેં આ શૂટ કરવાનો ઈનકાર કરી દીધો. અમે ડેડલાઈનમાં કામ કરી રહ્યા હતા છતાં મેં આવું વર્તન કર્યું. મને લાગ્યું કે એ જોવાનું કામ પ્રોડક્શનનું છે. જોકે આખી સ્થિતિ સમજી લેતાં મને ખરાબ લાગ્યું અને મેં ત્યાર બાદ પ્રોડક્શન સાથે ક્યારેય અવરોધ પેદા કર્યો નથી.

કલાકાર અને નિર્માતાએ ખભેખભા મિલાવીને કામ કરવું જોઈએ એવું લાગે છે?

હા, હું એવું જ માનું છું. જો નિર્માણ કરનાર તમે પ્રોફેશનલ રહો એવું ચાહતા હોય અને સેટ્સ પર સમયસર આવવાની અપેક્ષા રાખતા હોય તો તમને તે પાત્ર સારી રીતે ભજવવામાં મદદ થશે. જો તમને તમારા કામ પ્રત્યે  લગાવ હોય અને તમે અહીં રહેવા માગતા હોય તો તે મુશ્કેલ નથી. આથી આ બંનેએ દેખીતી રીતે જ ખભેખભા મિલાવીને જ ચાલવું જોઈએ.

 

    મેધા પંડ્યા ભટ્ટ

 

 

Loading

Spread the love

Leave a Comment