કાજોલ કોઈપણ પ્રકારના પાત્રને ભજવીને પોતાની એક્ટિંગની છાપ દર્શકો પર છોડી જાય છે. આજ દિન સુધી દરેક ફિલ્મમાં તેણે પોતાના દરેક પાત્રને બખૂબી ભજવ્યું છે. લોકો આજે પણ તેમની ફિલ્મોની યાદ કરે છે. ટૂંક સમયમાં જ તે એક હિસ્ટોરિકલ ફિલ્મ તાનાજી-ધ અનસંગ વોરીઅરમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે તાનાજી ની પત્ની સાવિત્રીબાઈ નું પાત્ર ભજવ્યું છે. અજય દેવગન પ્રોડક્શન હાઉસ ની ફિલ્મ તાનાજી-ધ અનસંગ વોરીઅર એક હિસ્ટોરિકલ બેગ્રાઉન્ડ પર બનેલી ફિલ્મ હાલમાં ખૂબ ચર્ચામાં છે. જેમાં અજય દેવગન તાનાજીના લીડ રોલમાં અને અભિનેત્રી કાજોલ તેની પત્ની સાવિત્રીબાઇના પાત્રમાં છે. લગભગ દસ વર્ષ બાદ અજય અને કાજલ ફરીથી એક સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. હાલમાં જ કાજલ સાથે થયેલી ફિલ્મ, કરિયર અને અંગત જીવન સાથેની કેટલીક વાતચિત.

ફિલ્મ તાનાજી-ધ અનસંગ વોરીઅરમાં તમારા પાત્ર વિશે જણાવો.

તાનાજી એ છત્રપતિ શિવાજી મહારાજ ના નાનપણના મિત્ર હતા. શિવાજીએ જ્યારે સ્વરાજની શપથ લીધી, તે સમયે તાનાજી તેમની સાથે હતા. આ લક્ષ્યને પૂરું કરવા માટે થયેલા યુદ્ધનું નેતૃત્વ શિવાજી પોતે કરતા હતા. જેમાં જીવનું જોખમ વધારે રહેતું હતું. તે સમયે પોતાના તાનાજીએ શિવાજી ની જગ્યાએ પોતે જ નેતૃત્વ કર્યું. જેનાથી તેમના મિત્રના જીવને જોખમ ન રહે. તાનાજી એક મહાન યોદ્ધા હોવાની સાથે એક સારા ખેડૂત પણ હતા. એક સારા પિતા અને પતિ પણ હતા. ફિલ્મમાં મેં તાનાજી ની પત્ની સાવિત્રીબાઈ નું પાત્ર ભજવ્યું છે. જે ખૂબજ સશક્ત પાત્ર છે. તે પણ તાનાજી ની જેમ સાહસિક અને હંમેશા તેમનો સાથ આપનાર હતી.

સાવિત્રીબાઈ ના પાત્ર સાથે તમે પોતાને કેટલા રીલેટ કરો છો.

આ ફિલ્મની વાર્તા 16-17મી સદીની છે. તે સમયે મહિલાઓ માટે કોઇ પ્રકારની સીમા નક્કી નહોતી. તે ઘર પણ સાચવતી અને સાથે જ તે સમયે મહારાણી જીજાબાઈ હોય કે સાવિત્રીબાઈ મહિલાઓ યુદ્ધમાં પણ જતી હતી. રાજ્યનું કામ પણ કરતી હતી. તે પોતાના પતિ, દીકરા અને ભાઈ માટે સૌથી સશક્ત વ્યક્તિ હતી. હંમેશા તેમને સાથ આપતી હતી. મારા અને સાવિત્રીબાઈ ના વિચારો એકસરખા છે. મારો ઉછેર પણ આ પ્રકારના વિચારો સાથે જ થયો છે. હું મારા ઘરની વાત કરું તો હું અને મારી નાની બંને પોતાના સમયમાં કાર ચલાવતા હતા. ઘર હોય કે બહારનું કામ હોય દરેક જગ્યા નું કામ સારી રીતે કરતા હતા.

આ પાત્ર કઇ રીતે મળ્યું. શું ઘરની વાત હતી.

મને આ પાત્ર ખૂબ પસંદ પડ્યું. લડાઇ માટે જ્યારે યોદ્ધા મેદાનમાં જાય ત્યારે તેની પાછળ તેને સપોર્ટ કરવા માટે તેની જે ફેમીલી હોય તે દરેકની એક અલગ વાર્તા હોય છે. યોદ્ધાને તિલક કરીને લડાઇના મેદાનમાં મોકલતી પત્નીની બહાદુરીની વાત જ અલગ હોય છે. તેની લાગણી જ અલગ હોય છે. તેથી આ પાત્ર મને પોતાને કરવાનું વધારે ગમ્યુ.

સાવિત્રીબાઈ ના પાત્ર માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવી પડી.

મારે સાવિત્રીબાઈ નું પાત્ર ભજવવા માટે કોઈ પ્રકારનું હોમવર્ક કરવું પડ્યું નથી. ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉત એ દરેક પ્રકારનું રિસર્ચ ફિલ્મની વાર્તા અને પાત્રને લઈને કર્યું હતું. તે ઉપરાંત ફેશન ડિઝાઈનર નચિકેત બર્વેએ મારો મરાઠી લૂક પણ ખૂબ સારી રીતે તૈયાર કર્યો. નવવારી સાડી, ચંદ્રાકાર બિન્દી અને કોલ્હાપુરી ચપ્પલ દરેક વસ્તુ પરફેક્ટ હતી. પુનાની એક ૭૫ વર્ષની વૃદ્ધ મહિલા મને નવવારી સાડી પહેરવા આવતી હતી. મેં મારા લગ્ન મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી કર્યા હતા. તે સમયે મારી નાની શોભના સમર્થને મને ખૂબ જ પ્રેમથી લીલા કલરની નવવારી સાડી પહેરાવી હતી. તે પછી વીસ વર્ષોમાં મને ક્યારેય નવવારી સાડી પહેરવાની તક મળી નથી. ફિલ્મ તાનાજી માં સાવિત્રીબાઈ નું પાત્ર ભજવતી વખતે મહારાષ્ટ્રમાં સાડી ફરીથી પહેરી.

સૈફ અલી ખાન પણ આ ફિલ્મમાં એક પાત્રમાં જોવા મળે છે તેમની સાથે ફરીથી કામ કરવાનો અનુભવ કેવો રહ્યો

સૈફ ખૂબ જ સારો કો-એક્ટર છે. ફિલ્મ યે દિલ્લગી માં અમે સાથે કામ કર્યું હતું. તે ફિલ્મમાં અમારી રોમેન્ટિક જોડી હતી. જોકે ફિલ્મ તાનાજીમાં મારો અને સૈફનો એક સાથે કોઈપણ સીન નથી. હા સેટ પર અને પ્રમોશન દરમિયાન સૈફ સાથે મારી મુલાકાત થઇ હતી. આ દરમિયાન અમે જૂની વાતો યાદ કરી ખૂબ હસ્યા. ફિલ્મ તાનાજી માં અજય અને સૈફ નું પાત્ર સામ સામે જોવા મળશે.

તમારી આવનારી ફિલ્મો કઇ છે.

મેં હાલમાં જ નેટ ફ્લિક્સ ની ફિલ્મ ત્રિભંગા નું શૂટિંગ પૂરું કર્યું છે. તન્વી આઝમી અને મિથિલા પાલકર આ ફિલ્મમાં મારી કો એડ્રેસ છે. રેણુકા શહાણેએ આ ફિલ્મને લખી છે અને ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મ વિશે ફરી ક્યારેક વધારે વિગતે વાત કરીશ.

લગ્નના ૨૦ વર્ષ પછી અજય દેવગનના પર્સનલ અને પ્રોફેશનલ ગ્રુપ ને કઈ રીતે જુઓ છો .

અજય અને મારી મુલાકાત ફિલ્મ હલચલના સમયે થઈ હતી, ત્યારબાદ અમે ત્રણ ચાર ફિલ્મો સાથે કરી અને પછી 1999માં લગ્ન કરી લીધા. અજયે ફિલ્મ ફુલ ઓર કાટે થી કરિયરની શરૂઆત કરી હતી. તેણે જ ગોલમાલ અને જખ્મ જેવી બેસ્ટ ફિલ્મો પણ આપી છે. કોમેડી, એક્શન, રોમાન્સ દરેક જોનરમાં અજયે ખૂબ સારું કામ કર્યું છે. તે એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યૂસર નું પરફેક્ટ કોમ્બીનેશન બની ગયા છે. મને અજયની કરિયર અને અચિવમેન્ટ પર ખૂબ ગર્વ છે. પર્સનલ લેવલે પણ તેનામાં ખૂબ ફેરફાર થયો છે. પહેલા અજય શાંત રહેતા હતા અને હું બોલતી, તેથી હવે તે બોલે છે અને હું ઘણો વખત સાંભળવાનું કામ કરું છું.

દસ વર્ષ બાદ સાથે કામ કરવાનું કેવું લાગે છે. કો- એકટર તરીકે એકબીજામાં શું ફરક જોવા મળે છે.

એક કો-એક્ટર તરીકે તેના કાર્યમાં અને એક્ટિંગમાં ઘણો ફરક પડ્યો છે, તે પોતાની કરીયરમાં ખૂબ આગળ વધ્યો છે. તેનું પરર્ફોમન્સ પણ બદલાયું છે. પણ એક વસ્તું બદલાઇ નથી. અજયમાં જે પહેલેથી પ્રામાણિકતા હતી તે આજે પણ એવી જ રહેલી છે. તે સીન કરતી વખતે એક્ટરની સાથે ડિરેક્ટર તરીકે પણ કામ કરે છે.

બાળકો તરફથી કેવા પ્રતિભાવ મળે છે.

યુગને ફિલ્મનું ટ્રેલર ખૂબ ગમ્યુ છે, તે તો અનેકવાર જોઇ ચૂક્યો છે. તે ઉપરાંત રારારા તેનું ફેવરેટ સોંગ છે. તે ફિલ્મના દરેક ડ્રાફ્ટ સાંભળે છે. ફિલ્મ ક્યારે જોવા મળશે તેની રાહ જોઇ રહ્યો છે. નીશા ખૂબ પ્રેક્ટિકલ છે. તે ફિલ્મ જોઇને તેનો અભિપ્રાય આપે છે. તે મને મારા આઉટફીટને લઇને પણ ટીપ્સ આપે છે. તે સિવાય મને ઇન્સ્ટાગ્રામ શરૂ કરવા માટે તૈયાર કરી. તેણે જ મારું અકાઉન્ટ શરૂ કર્યું હતું. તે ખરેખરલ ખૂબ સપોર્ટ કરે છે.

Loading

Spread the love

Leave a Comment